આમિરે વચન પાળ્યું ઃ રિક્ષાવાળાના છોકરાના લગ્નમાં પહોચ્યો...

 

-'થ્રી ઈડિયટ્સ' ફિલ્મના પ્રચાર વખતે વચન આપેલું

 

-આમિર ખાન વારાણસી ખાતે લગ્નમાં હાજરી આપી

 

મુંબઈ,તા.૨૬

 

મિસ્ટર પર્ફેક્શનીસ્ટ તરીકે જાણીતો આમિરખાન વચન નિભાવવામાં પણ કેવો પાક્કો છે એની પ્રતિતી બનારસના ઓટોરિક્ષાવાળા રામલખનને થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલાં આમિર ખાન 'થ્રી ઈડિયટ્સ'ના પ્રચાર માટે વેશપલ્ટો કરી વારાણસી ગયો ત્યારે ત્રણ દિવસ તેને ઓટોમાં ઘૂમાવનાર રામલખનને તેણે વચન આપ્યું હતું કે તારા દીકરાના લગ્નમાં ચોક્કસ આવીશ. આ વચન નિભાવવા માટે ગઈ કાલે આમિર વારાણસી પહોંચ્યો ત્યારે તહેલકો મચી ગયો હતો. આમિર સાથે ફોટો પડાવવા મંચ પર એટલી ભીડ જામી હતી કે મંચ તૂટી પડયો હતો. સદ્ભાગ્યે કોઈને ઈજા નહોતી થઈ.

 

'થ્રી ઈડિયટ્સ' ફિલ્મના પ્રચાર માટે ત્રણ વર્ષ પહેલાં આમિર ખાન વારાણસી ગયો હતો. બનાવટી દાંતનું ચોખઠું, માથે ટોપી, જાડા કાચના ચશ્મા અને બગલમાં પોર્ટફોલિયો લઈને વારાણસીમાં જઈ ચડેલો આમિર ઓળખાતો નહોતો. સ્ટેશનેથી તેણે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષાવાળા રામલખનની રીતભાત અને મળતાવડા સ્વભાવથી આમિર ખૂબ પ્રભાવિત થયો હતો. ત્રણ દિવસ રામલખનની ઓટોરિક્ષામાં ફર્યો હતો. આમિરની માતાનો જન્મ વારાણસીમાં થયો હતો. એટલે માતાનું જન્મસ્થાન શોધવામાં રામલખને જ તેને મદદ કરી હતી. માતાનો જન્મ થયો હતો એ મહોલ્લામાં પહોંચી આમિર ભાવવિભોર બની ગયો હતો. રામલખનને ભેટીને આંખમાં ઝળઝળિયા સાથે તે બોલી ઊઠયો હતો કે દોસ્ત તૂને બહોત બડા કામ કર દિયા'. ત્રણ દિવસના વારાણસીના રોકાણબાદ મુંબઈ પાછો ફરતો હતો ત્યારે રામલખને ભોળા ભાવે પૂછ્યું હતું કે સર, વાપસ કબ આવોગે? ત્યારે આમિરે કહ્યું હતું કે તુમ્હારે બેટે કી શાદી મેં જરૃર આઊંગા.

 

એક ટીવી ચેનલના અહેવાલ મુજબ આમિરે આપેલા વચન પર રામલખનને પણ વિશ્વાસ હતો. એટલે જ પુત્રના લગ્ન નક્કી થયા ત્યારે થોડા દિવસ પહેલાં કંકોતરી લઈને તે મુંબઈ આવ્યો હતો અને આમિરને મળી હાથોહાથ કંકોતરી આપી હતી. આમિર પણ તેના તમામ રોકાણો પાછા ટેલીને ગઈ કાલે મુંબઈથી વારાણસી અને ત્યાંથી ચંદૌલી ગામે પહોંચ્યો હતો. આમિરને જોવા ચારે તરફથી ભીડ ઉમટી હતી. રામલખનના પરિવારની ખુશીનો તો કોઈ પાર નહોતો રહ્યો. ભારે આગતાસ્વાગતા કરી હતી. વરરાજા અને નવવધૂને આશીર્વાદ આપવા માટે આમિર સ્ટેજ ઉપર ગયો ત્યારે એવી ભીડ થઈ હતી કે આખું સ્ટેજ તૂટી પડયું હતું. જો કે સારૃં થયું સ્ટેજ બહુ ઊંચુ ન હોવાથી કોઈને વાગ્યું નહોતું. આમ બોલીવૂડના ટોચના સ્ટારે વજન નિભાવીને સામાન્ય રિક્ષાવાળાના પરિવારને રાજીનો રેડ કરી નાખ્યો હતો.આમિર ખાનનો ટીવી પરનો રિયાલિટી શો 'સત્યમેવ જયતે' ટૂંક સમયમાં શરૃ થવાનો છે એટલે જ કદાચ તેણે ઓટોરિક્ષાવાળાના પુત્રના લગ્નમાં હાજર રહ્યો હતો.આમિર ખાન પટનાથી મોટર રસ્તે રામલખન પાસવાનના પુત્રના લગ્નમાં વારાણસી પહોંચ્યો હતો. એટલે થોડું મોડું થયું હતું.

 

પરંતુ આમિર આવવાનો છે એવી ખબર પડતા ભારે ભીડ જામી ગઈ હતી અને મિડિયાવાળા પણ પહોંચી ગયા હતા આમિરે વરરાજા રાજીવ અને નવવધૂ વિજયતાને આશીર્વાદ આપ્યા હતા. અડધો કલાક રોકાઈને આમિર ભારે ભીડ વિંધીને રવાના થઈ ગયો હતો.