Last Update : 26-April-2012, Thursday

 

પ્રતિષ્ઠા દ્વિશતાબ્દીના પાવન પ્રસંગે ગોડીજી પાર્શ્વ પ્રભુને ભક્તિભાવાંજલિ

- અમૃતની અંજલિ

 

ઈતિહાસના બે ધર્મ હોય છે ઃ એક દર્પણધર્મ અને બીજો દીપકધર્મ. દર્પણ જેમ વસ્તુને આપણી સમક્ષ યથાવત્‌ પ્રસ્તુત કરે છે એમ ઈતિહાસ પણ સૈકાઓ પૂર્વેની ઘટનાને આપણી સમક્ષ યથાવત્‌ પ્રસ્તુત કરે છે. માટે ઈતિહાસને દર્પણધર્મી ગણાય છે. બીજો છે દીપક ધર્મ. અંધકારમાં દીપક જેમ આગળનો પંથ દર્શાવે છે એમ ઈતિહાસ પણ આપણને ભાવિ કર્તવ્યપંથ દર્શાવે છે ઃ ક્યારેક સકારાત્મક રીતે, તો ક્યારેક નકારાત્મક રીતે. માટે ઈતિહાસ દીપકધર્મ પણ ગણાય છે.
આવો, આપણે આજે એવા ઈતિહાસની રોમાંચક ઝલકો નિહાળીએ કે જે આપણને ભૂતકાલીન ગૌરવવંતી ઘટનાઓનું દર્શન પણ કરાવે અને ભાવિ કર્તવ્યપંથનો ખ્યાલ પણ કરાવે. એ ઈતિહાસ છે મુંબઇ મહાગનરના મુકુટમણિ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનો. વિજયદેવસૂરિ જૈન સંઘ- પાયઘુનીના જિનાલયે તેમની પ્રતિષ્ઠાની બસોમી સાલગિરિ વૈશાખ શુદિ-૧૦, તા. ૧ મેના દિવસે આવી રહી છે અને લાખો ભક્તજનો તેનો યશસ્વી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે, મૂળભૂત ગોડીજી પાર્શ્વનાથ તેમજ મુંબઇના ગોડીજી પાર્શ્વનાથની ઈતિહાસઝલક પ્રાસંગિક બની રહેશે. અલબત્ત, એ ઈતિહાસ વિસ્તૃત છે અને ગોડીજી પાર્શ્વનાથ દ્વિશતાબ્દી મહાગ્રન્થમાં એક વિસ્તૃત લેખ આલેખીને અમે તે રીતે પ્રસ્તુત કર્યો પણ છે. કંિતુ અહીં સ્થળસંકોચને લક્ષ્યમાં રાખીને આપણે તમામ મહત્ત્વની ઘટનાઓનું સંક્ષેપ શૈલીથી દિગ્દર્શન કરીશું.
ઈતિહાસ કહે છે કે સૈકાઓ પૂર્વે ગુજરાતના પાટણ શહેરમાં એક એવી અદ્‌ભુત પાર્શ્વનાથદાદાની પ્રતિમા હતી કે જેની સાથે ડગલે ને પગલે ચમત્કૃતિભરી ઘટનાઓ ગુંથાતી હતી. જાગૃત અધિષ્ઠાયકદેવનો એ પ્રભાવ હતો. અમૂક સંશોધકોએ આછું અનુમાન કર્યું છે કે એ પ્રભુપ્રતિમાની અંજનશાલાકા વિ.સં. ૧૨૨૮ (ઈ.સ. ૧૧૭૨)માં ગુજરાતની અસ્મિતાના આદ્ય ઉદ્‌ગાતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે કરી છે. જોકે, આ વાતને બહુ નક્કર પ્રમાણોનો ટેકો ન હોવાથી એ ખાસ સ્વીકાર્ય નથી ગણાતી. પુરાવાના મજબૂત આધાર સાથેની વાત એ છે કે એ ચમત્કારિક પ્રતિમા વિ.સં. ૧૪૩૨ના ફાગણ વદિ બીજ શુક્રવારે પાટણમાં પ્રતિષ્ઠિત (યા પ્રાણપ્રતિષ્ઠિત) થઇ હતી. વિ.સં. ૧૪૪૫ સુધી એ પ્રતિમા સતત પુજાતી- સ્તવાતી રહી. તે પછી વિધર્મી આક્રમણો સામે એને સુરક્ષિત રાખવા ભંડારી દેવાઇ. કેટલાક વર્ષો બાદ, સંિધપ્રદેશના થરપારકરનગરથી મેઘાશા નામે જૈન વ્યાપારી વ્યવસાયાર્થે ગુજરાતના પાટણનગરે આવ્યા. એમને સ્વપ્નમાં દૈવી સંકેત થયો અને એણે આ ચમત્કારિક પ્રતિમા પ્રાપ્ત કરી. અત્યંત આનંદિત એ વ્યાપારી તે પ્રભુને ઠેઠ પોતાના નગર સુધી સાથે લઇ ગયો.
મેઘાશાને માર્ગમાં પણ પ્રભુના અધિષ્ઠાયકે વિવિધ ચમત્કારના ચમકાર દર્શાવ્યા. વતનમાં એમણે બાર વર્ષ પ્રભુભક્તિ કરી. તે પછી અધિષ્ઠાયકદેવનાં કથન મુજબ, તે પ્રદેશના સાવ નાનકડા ગોડીપુર ગામમાં એમણે બાવન જિનાલયનું ભવ્ય તીર્થસર્જન આરંભ્યું. મેઘાશાનાં અવસાન બાદ તેમના પુત્ર મેરાશાના હસ્તે વિ.સં. ૧૫૧૫માં એ તીર્થની ધજા લહેરાઇ અને તે પછીના સ્વલ્પ સમયમાં ગામના નામ પરથી એ પાર્શ્વપ્રભુ પણ ગોડીજી પાર્શ્વનાથરૂપે પ્રખ્યાત થયા. તે કાળે આ મૂળ ગોડીજી પાર્શ્વનાથનો પ્રભાવ એવો જબરજસ્ત વ્યાપ્યો હતો કે હજારો ભક્તો પદયાત્રાસંઘો યોજીને આ નાનકડા ગામના મહાતીર્થની યાત્રાએ આવ્યા છે, તો સોળમીથી ઓગણીસમી વિક્રમ શતાબ્દીઓ દરમ્યાન જૈન શ્રમણકવિઓએ આ ગોડીજી પાર્શ્વનાથના સંસ્કૃત સ્તોત્રો- પ્રાકૃત સ્તોત્રો- ગુજરાતીસ્તવનો અને સંસકૃત- ઊર્દૂમિશ્ર સ્તવનો વિશાલ સંખ્યામાં સર્જ્યા છે. અરે! ગોડીપુરના એ મૂળ ગોડીજી પાર્શ્વનાથની ચમત્કારિક પ્રસિદ્ધિનાં કારણે તે કાળે ભારતભરમાં ઠેર ઠેર નવાં નવાં ગોડી પાર્શ્વનાથ સ્થાપનાતીર્થો ય સર્જાવા માંડ્યા. આજે પણ આવા સ્થાપના ગોડીજી ધામ (૯૫+૧૩ = ૧૦૮)ની સંખ્યામાં છે. મુંબઇ- પાયઘુનીનું ગોડીજી જિનાલય આવું જ એક મહાન સ્થાપનાતીર્થ છે.
વિક્રમની ઓગણીસમી શતાબ્દી સુધી મૂળ ગોડીજી તીર્થની યાત્રા જારી હતી. ભારતનું વિભાજન થયા બાદ સંિધપ્રદેશ પાકિસ્તાનનું અંગ બનતાં એ ગોડીપુર આજે પાકિસ્તાનમાં છે. ત્યાં આજે પણ બાવન જિનાલય જીર્ણ-શીર્ણ હાલતમાં છે. પરંતુ તેમાં એક પણ પ્રભુપ્રતિમા નથી ઃ જાણે કે જીવ વિનાનો દેહ!! એ તીર્થના અધિનાયક મૂળ ગોડી પાર્શ્વનાથ માટે બે મજબૂત મત હાલમાં પ્રવર્તે છે. એક મત મુજબ મૂળ ગોડીજી પાર્શ્વનાથ રાજસ્થાનના પાલીનગરમાં છે, તો બીજા મત મુજબ એ ઉત્તર ગુજરાતના વાવનગરમાં છે. ગોડીજી પાર્શ્વનાથ આ બન્ને સ્થળે છે. પરંતુ મૂળ ગોડીજી પાર્શ્વનાથ બેમાંથી એક જ સ્થાને છે એ નક્કી. આ છે મૂળ ગોડીજીદાદાનો સંક્ષિપ્ત ઈતિહાસ.
હવે ઈતિહાસ વિચારીએ મુંબઇના શ્રી ગોડીજી પાર્શ્વનાથનો. રાજસ્થાનના શિરોહીનગરના નિકટવર્તી હમીરપુરતીર્થથી આ પ્રાચીન ગોડીજીદાદા બસોથી અધિક વર્ષ પૂર્વે મુંબઇ લવાયા હતા. તેમની સર્વપ્રથમ પ્રતિષ્ઠા કોટ વિસ્તારમાં જિનાલયના મૂળનાયકરૂપે થઇ હતી. તે પછી કોટમાં ભયંકર આગ લાગતાં આ પ્રભુજીને ત્યાંથી પાયઘુની વિસ્તારમાં લવાયા અને વિ.સં. ૧૮૬૮માં તેની પ્રતિષ્ઠા થઇ. આ ગોડીજી પાર્શ્વપ્રભુ કેવા અદ્‌ભુત પ્રભાવશાળી છે તેની ઝલક આપણને પ્રતિષ્ઠા બાદના તુર્તનાં જ વર્ષોમાંથી નિહાળવા મળી શકે છે.
ગોડીજીદાદાની પ્રતિષ્ઠાસમયે પોતાના બે બંઘુઓ સાથે દાદાની ધજા ફરકાવનાર હતા ઈતિહાસપ્રસિદ્ધ દાનવીનર શાહસોદાગર શ્રેષ્ઠી મોતીશાહ. મોતીશાહને શ્રી ગોડીજીદાદા એવા ફળ્યા કે તેઓ જગપ્રસિદ્ધ હસ્તી બની ગયા. અરે! શ્રી શત્રુંજયમહાતીર્થ પર ‘મોતીશાહ ટૂંક’ નામે બેનમૂન સર્જનનું સૌભાગ્ય પણ એમને વર્યું. મોતીશાહે એમના ‘વીલ’માં ય પહેલી પંક્તિ આ લખી છે કે ‘‘શ્રી ગોડીજી પારસનાથજી સાહેબશ્રી મંગલ હોજો’’... આ ઉપરાંત ત્યારે શ્રી ગોડીજીદાદાની પ્રતિષ્ઠા કરનાર કલ્યાણજીભાઇ ઘોઘાવાળાના સુપુત્ર દીપચંદભાઇ ઊર્ફે બાલાભાઇએ પણ તે પછી શત્રુંજય મહાતીર્થે ‘બાલાભાઇ ટૂંક’નું નિર્માણ કર્યું, તો ગોડીજીજિનાલયમાં ત્યારે ચંિતામણિપાર્શ્વનાથની પ્રતિષ્ઠાનો લાભ લેનાર શ્રેષ્ઠી કેશવજીભાઇએ શત્રુંજયમહાતીર્થે ‘કેશવજી નાયક’ની ટૂંક સર્જી. શત્રુંજય ગિરિરાજની નવમાંથી ત્રણ ત્રણ ટૂંકો એક જ ગોડીજીદાદાના ભક્તોએ- ટ્રસ્ટીઓએ સર્જી. આ એ પુરવાર કરે છે કે ત્યારના ભક્તો- ટ્રસ્ટીઓ પર ગોડીજીદાદાની કેવી મહેર વરસી હતી.
બીજી ઝલક છે અત્યંત હળુકર્મી મહાન જૈનાચાર્ય શ્રીમાન કમલસૂરીશ્વરજી મહારાજ પરવડીવાળાની. અમારી યશસ્વી પૂર્વજપરંપરાની સાતમી પેઢીના ગુરુવર્ય એ આચાર્યદેવે ગોડીજી- વિજયદેવસૂરિસંઘમાં સર્વપ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૬૨માં સંવેગીપરંપરાના સાઘુરૂપે કર્યું હતું. તેમની પૂર્વે કોઇ સંવેગી શ્રમણ ગોડીજીમાં ચાતુર્માસ પધાર્યા ન હતા. એ મહાન આચાર્યનાં અંતસ્તલમાં આ ગોડીજીદાદાનો પ્રભાવ એવો પ્રસર્યો કે તેઓ સમગ્ર ચાતુર્માસમાં પ્રતિદિન ત્રિકાળ- ત્રણ વાર ગોડીજીદાદાની ભક્તિ કરતા. એમણે ‘ગોડીજી તોરા ચરણકમળકી રે, હું ચાહું સેવા પ્યારી’ આ સ્તવન પણ એ ચાતુર્માસમાં રચ્યું હતું.
ત્રીજી અને અંતિમ ઝલક છે મુંબઇ મહાનગરના અજોડ ઉપકારી પરમગુરુદેવ આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજની. છેલ્લા સૈકામાં ગોડીજી- વિજયદેવસૂરિસંઘ પર સૌથી વઘુ ઉપકારો આ આચાર્યશ્રીના છે. આજથી બાસઠ પર્ષ પૂર્વેના જે યુગમાં રૂપિયાનું મૂલ્ય ઘણું વઘુ હતું એ યુગમાં એમણે પોતાની અમોઘ ઉપદેશલબ્ધિથી રૂ. સાત લાખનું ફંડ એકત્ર કરાવીને પુનરુદ્ધારરૂપે આલીશાન પંચમજલી ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું છે. બાસઠ વર્ષના સંયમકાળમાં એમણે ગોડીજીસંઘમાં કુલ છ-છ મહાન શાસનપ્રભાવક ચાતુર્માસો કરીને (૧) ગોડીજીસંઘના ઉપક્રમે સાતસો ભાવિકોની ઉપધાનતપ મહાઆરાધના (૨) સાધર્મિક ક્ષેત્રે તે કાળે વિરલ કાર્યો કરનાર સાધર્મિક સેવાસંઘની સ્થાપના (૩) જગદ્‌ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત- પ્રાકૃત પાઠશાળાની સ્થાપના (૪) વિશ્વશાંતિ આરાધના સત્ર તથા શ્રી વીર પ્રભુ પચીશમી નિર્વાણ શતાબ્દી ઉજવણી જેવાં શકવર્તી મહાન આયોજનો (૫) ગોડીજીથી શત્રુંજયમહાતીર્થનો બે હજાર યાત્રિકો યુક્ત બહોંતેર દિવસીય પદયાત્રાસંઘ (૬) ગોડીજી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી મહોત્સવ તથા સાર્ધશતાબ્દી ગ્રન્થ પ્રકાશન (૭) ભારતરાષ્ટ્રને સુવર્ણસમર્પણ (૮) ગોડીજી
જિનાલયના અમૂલચૂલ જીર્ણોદ્ધારની પ્રેરણા તથા તેના ઉત્થાપન- ભૂમિપૂજનાદિ અનેક સીમાચિહ્‌ન સમાં કાર્યો તે દિવંગત આચાર્યશ્રીએ કરાવ્યા છે. તેઓના વિ.સં. ૨૦૩૮ના ચાતુર્માસની ગોડીજી માટે જય બોલાવીને તેમની નિશ્રામાં પ્રતિષ્ઠાના ગોડીજી સંઘના મનોરથ હતા. પરંતુ તે ચાતુર્માસ પૂર્વે જ પૂજ્યશ્રી કાળધર્મ પામતાં તે ભાવ અઘૂરા રહ્યા. આ મહાન આચાર્યશ્રીએ ‘ગોડીજી સાર્ધશતાબ્દી ગ્રન્થ’માં શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા માટે અક્ષરશઃ આ અદ્‌ભુત વાત સ્વાનુભવરૂપે લખી છે કે ઃ-
‘‘જ્યારે જ્યારે હું ગોડીજી ઉપાશ્રયમાં ચાતુર્માસ કે શેષકાળમાં રહ્યો છું ત્યારે ત્યારે સવાર-સાંજ દર્શન અને ચૈત્યવંદન સિવાય નથી રહ્યો. અને તેમાં પણ સાંજના સમયે દર્શન-ચૈત્યવંદન તેમજ જાપના પ્રસંગે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાનું ભવ્ય તેજ અને જાણે સાક્ષાત્‌ ભાવનિક્ષેપે ભગવાન સમવસરણમાં વિરાજમાન હોય એવો જે ઘણીવાર આભાસ થયો છે તેનું વર્ણન શબ્દોમાં લખી શકવાની મારી શક્તિ નથી. કોઇ કોઇ વાર મઘ્યરાત્રિએ ઘંટાના મઘુરનાદો પણ મેં સાંભળ્યા છે.’’
શ્રી ગોડીજીદાદાની પ્રતિષ્ઠિદ્વિશતાબ્દીના પુણ્યપ્રસંગે દાદાને ભક્તિભાવાંજલિ અર્પતા આ લેખનાં સમાપનમાં આપણે ટાંકીશું શ્રી ગોડીજીદાદાની મજાની અર્વાચીન સ્તુતિ કે ઃ-
‘‘મુંબઇનગરની ૠદ્ધિ ને સમૃદ્ધિનું જે મૂળ છે,
મુજ આતમાની સિદ્ધિ કાજે જે પ્રભુ અનુકૂળ છે;
તુજ મિલનની આશામહીં મન માહરું વ્યાકૂળ છે,
શ્રી ગોડીજી પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વન્દના.’’

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved