મંત્રીઓ અને બાબુઓની વિદેશ મુસાફરી સામે સરકારનું કડક વલણ

- પરદેશ જતાં અગાઉ મંજૂરી લેવી જરૃરી

 

- 17 વર્ષ જૂના નિયમોને પાળવા જરૃરી

 

નવી દિલ્હી, તા. ૨૫

 

ઉનાળુ વેકેશન ચાલુ થયા પહેલા અધિકારીઓના વિદેશ પ્રવાસો અંગેના મિયમો કેબિનેટ સચિવો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમોની નોંધમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદેશ પ્રવાસો અંગેના ૧૭ વર્ષ જૂના નિયમોને પાળવા જરૃરી છે. અનેક નાણાંકીય કૌભાંડોમાં ફસાયેલી સરકારની છાપ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

 

નિયમોની નોંધમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રધાનો અને 'બાબુઓ'ના પ્રવાસને વડાપ્રધાનની મંજુરી મળેલી હોય તે જરૃરી છે. આ પ્રકારના તમામ પ્રવાસના પ્રસ્તાવને વડાપ્રધાન કાર્યાલયમાં મોકલતા પૂર્વે વિદેશ મંત્રાલય દ્વારા પણ માન્ય કરવામાં આવ્યા હોવા જોઈએ.

 

નોંધમાં જણાવાયું છે કે 'ભેટ સોગાદો અને મનોરંજનને શક્ય તેટલા નીચા સ્તરે લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદેશમાં આપવાની ભેટ સારી રીતે પસંદ કરાયેલી તેમજ કાંતો આધુનિક ટેકનોલોજી વાળી અથવા પરંપરાગત હોય તો 'સારી કલાકૃતિ' હોય તે જરૃરી છે.

 

મનોરંજન માટેના ખર્ચ માટે પણ માર્ગદર્શક સિધ્ધાંતો પાળવા જરૃરી છે. જો પ્રધાનો નિયત સ્તર કરતાં વધારે ખર્ચ કરવા માંગતા હોય તો તેમણે પૂર્વ મંજૂરી મેળવવી જરૃરી છે, તે માટેના યોગ્ય કારણો આપવા પણ જરૃરી છે. પ્રધાનોને ચેતવણી આપવામાં આવી છે કે બીલ (રીસીપ્ટસ) વીનાના તેમના મનોરંજન સંબંધી ખર્ચની ચુકવણી કરવામાં નહીં આવે.

 

આ નોંધમાં સ્પષ્ટતા કરાઈ છે કે જે વિદેશ પ્રવાસો સરકારી રાહે થતા હોય તેમાં મુલાકાતની દસ્તાવેજી વિગતો સાથે વિદેશ મંત્રાલયની વિગતવાર નોંધ લેવી જરૃરી છે. તેમાં મુલાકાત દરમ્યાન થયેલી ચર્ચા સંદર્ભે માહિતી આપવી જરૃરી છે. તાજેતરમાં રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં આવેલો ૨૦૫ કરોડ રૃા.નો ખર્ચ ટીકાપાત્ર બનતા આ સંદર્ભે સરકારે કડક વલણ અપનાવ્યુ છે.