બોફોર્સમાં અમિતાભને ક્લીનચીટ રાજીવનું ક્વાત્રોચી તરફ કૂણું વલણ

- ભાજપ બોફોર્સ મુદ્દે સંસદ ગજવશે
- બોફોર્સને ફરીથી ખોલવાની જરૃર નથી ઃ ખુર્શીદ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫
બૉફોર્સનું ભૂત આજે ફરી ધૂણી ઊઠયું છે, અને કોંગ્રેસ ઉપર તેનો ઓછાયો પાથરી રહ્યું છે. ભાજપે એવી આક્ષેપબાજી શરૃ કરી દીધી છે કે, આ તોપો અંગે સોદો થયો ત્યારે વડાપ્રધાન પદે રહેલા રાજીવ ગાંધીએ, આ સોદામાં કટકી લેવાના જેમની ઉપર આક્ષેપો થયા છે, તેવા ઈટાલીયન વ્યાપારી, ઓટ્રોવિયો ક્વાત્રોચીને બચાવવા માટે આ સોદા અંગેની તપાસ ઢીલમાં નાખી હતી.
બૉફોર્સ સોદામાં લેવાયેલી કટકી સંબંધે સૌથી પહેલાં ચેતવણી ઉચ્ચારનાર (વ્હીસલ બ્લોઅર) સ્વિડિશ પોલીસના તે સમયના વડા સ્ટેન લીન્ડસ્ટોર્મે એક મુલાકાતમાં સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, બૉફોર્સ સોદામાં રાજીવ ગાંદીએ કોઇ લાંચ કે રૃશ્વત લીધી હોવાનો કોઇ પુરાવો જ નથી. પરંતુ, ક્વોત્રોચીને બચાવવા માટે ભારત અને સ્વીડનમાં જે કોઇ 'કાર્યવાહી' (ઢાંક-પિછોડી) થઇ રહી હતી તે અટકાવવા તેમણે (રાજીવ ગાંધીએ) કોઇ પગલાં લીધાં ન હતાં. જ્યારે અમિતાભને તેમણે ક્લીનચીટ આપી હતી.
દરમિયાન, એનસપીએ બૉફોર્સ અંગે થતા આક્ષેપોે નગણ્ય જણાવતાં કહ્યું હતું કે, તેમાં કોંગ્રેસ કે, સરકાર વિરૃધ્ધ તો કોઇ આક્ષેપો જ નથી.
એનસીપીના પ્રવકતા ડી.સી. ત્રિપાઠીએ આજે સંસદ ભવનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, 'હું તેમ માનતો નથી કે, આ મુદ્દામાં કોંગ્રેસ કે સરકાર વિરૃધ્ધ કોઇ કેસ હોઇ શકે.'
જ્યારે, સીપીઆઈના નેતા, ગુરૃદાસ દાસગુપ્તાએ સરકાર ઉપર એવો આક્ષેપ મૂક્યો હતો કે, આ કેસમાં અપરાધીઓને ખુલ્લા પાડવાની સરકારમાં ઈચ્છા શક્તિ જ નથી.
જ્યારે ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે સ્વિડિશ પોલીસના તે સમયના વડા લીન્ડસ્ટોર્મને આપેલી તે મુલાકાતથી સ્પષ્ટ થઇ જાય છે કે, રાજીવ ગાંધીની સરકારે ક્વાત્રોચી સામે કોઇ પણ તપાસ ઉપર રોક મુકવા, અને તેની ઉપર કોઇ પણ કાનૂની કાર્યવાહી કે, પગલાં લેવાતાં રોકવા, રાજીવ ગાંધીની સરકારે તમામ પ્રયત્નો કર્યા હતા.
આ આક્ષેપ સંબંધે, કોંગ્રેસના પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, ''કોઇ પણ સાબિતી સિવાય જ આવા ગંભીર આક્ષેપો (રાજીવ ગાંધી સામે) કરવામાં આવ્યા છે, તે જ ઘણું ખેદજનક છે. હજી પણ આક્ષેપો કરનારાઓએ દિલગીરી દર્શાવી નથી. વાસ્તવમાં તેમણે જનતા સમક્ષ માફી માગવી જ જોઇએ.''
આમ છતાં ભાજપે તેની ''તોપોનાં નાળચાં'' કોંગ્રેસ તરફ જ ફેરવ્યાં છે અને જણાવ્યું છે કે તે બૉફોર્સનો મુદ્દો સંસદમાં ઊઠાવશે જ. ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે, આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક પછી પત્રકારોને આ માહિતી આપતાં કહ્યું હતું કે, પક્ષના વરિષ્ઠ નેતા, અરૃણ જેટલીએ આ મુદ્દો પક્ષની તે બેઠકમાં ઊઠાવ્યો હતો.
કેન્દ્રના કાનૂન પ્રધાન સલમાન ખુર્શીદે, તેમ પણ કહ્યું હતું કે, બૉફોર્સ કેસ તો બંધ થઇ ગયો છે. હવે તેને ઉખેળવાની કોઇ જરૃર જ નથી. આ સાથે તેમણે ભાજપ સહિત કેટલાક વિપક્ષોએ કરેલા આક્ષેપો ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે, આવા બેફામ આક્ષેપો તો, ગાંધી કુટમ્બે, વર્ષોથી કરેલી દેશની મહાન સેવાઓને, ભૂંસી નાખવા અને તે કુટુમ્બના સભ્યોની પ્રતિષ્ઠાને કલંક લગાડવા માટે જ કરાયા છે.
તેમણે તે વાસ્તવિકતા પ્રત્યે પણ, આ પત્રકાર સંબોધનમાં ધ્યાન દોર્યું હતું કે, આ અંગે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ કાર્યવાહી થઇ રહી છે. તે અંગે સુપ્રીમ કોર્ટે પણ આખરી ચુકાદો આપી દીધો છે તેથી હવે આ કેસ ફરી ઉઘાડવાની જરૃર જ નથી.

મારી પીડાને કોઈ સમજી નહીં શકે ઃ અમિતાભ
સ્વીડિશ વ્હિસલ બ્લોઅરે અમિતાભ બચ્ચનને બોફોર્સ કેસમાં કલીન ચિટ આપી દીધી છે. જેનાં પગલે બચ્ચને બ્લોગ પર જણાવ્યું હતું કે, 'સત્ય બહાર આવ્યું છે પણ આ બાલીશ આરોપના કારણે આટલા વર્ષ માટે ભોગવવી પડેલી પીડાને કોઇ સમજી શકશે નહીં.'

બોફોર્સના એમ.ડી.એ ડાયરીમાં લખેલું
'ક્યૂ' વિશે ખબર ન પડવી જોઈએ કારણ કે તે 'આર'ની નિકટ છે

નવી દિલ્હી, તા. ૨૫
બોફોર્સ સોદામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો કોઈ હાથ તો નહીં, તો બીજી તરફ આ મામલામાં અમિતાભ બચ્ચને પણ જબરજસ્તીથી ફસાવવામાં આવેલા, પરંતુ મજબૂત પુરાવાઓ હોવા છતાં રાજીવ ગાંધીના નિકટવર્તી ઓટ્ટોવિયો ક્વાત્રોચીને બચાવવામાં આવ્યા હતા.
આ બાબતની સ્પષ્ટતા, ૨૫ વર્ષ પછી સ્વીડનના પૂર્વ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે કરી છે. પરંતુ બોફોર્સ અંગેની ફાઈલ તો સીબીઆઈએ બે વર્ષ પહેલાં જ બંધ કરી દીધી છે. હવે બે વર્ષ પછી તેમાં સનસનાટી ભર્યા ખુલાસા થઈ રહ્યા છે. આ ગોટાળો બહાર પાડનાર સ્વીડનના આ (પૂર્વ) પોલીસ વડાએ પોતાની ઓળખ પણ જાહેર કરવા સાથે, કેટલાયે સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેમનાં કહેવા પ્રમાણે રાજીવ ગાંધી વિરૃધ્ધ તો, એ સોદામાં રૃશ્વત લીધી હોવાની કોઈ સાબિતી જ નથી, પરંતુ તેમની સરકારે મુખ્ય આરોપી ક્વાત્રોચીને બચાવવા પૂરી કોશીશ કરી હતી.
સ્ટેનનો દાવો છે કે ''મેં એ.બી. બોફોર્સના એમ.ડી. માર્ટીન અર્દબોની જે ડાયરી ચિત્રા સુબ્રમણ્યમને આપી હતી તેમાં અર્દબોએ લખ્યું હતું કે 'એન' નામની વ્યક્તિ અંગે માહિતી જાહેર થઈ જાય તો, બહુ મુશ્કેલી નથી, પરંતુ 'ક્યુ' વિષે માહિતી બહાર પડવી ન જોઈએ. કારણ કે, તે 'આર'ના નિકટવર્તી છે. અહીં 'એન'નો અર્થ છે, અરૃણ નહેરુ, 'ક્યુ' એટલે ક્વાત્રોચી અને 'આર' એટલે રાજીવ ગાંધી.
સ્ટેને આ ઈન્ટર્વ્યુમાં જણાવ્યું છે કે ક્વાત્રોચી વિરુદ્ધ તો, મજબૂત પુરાવા હતા જ. પરંતુ ભારત સરકારના અધિકારીઓએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા જ ન હતા. કારણ કે, તેઓ રાજીવ ગાંધીના નિકટવર્તી હતા. તેમને બચાવવા માટે, તેમણે (રાજીવે) મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ સ્ટેન લિન્ડસ્ટોર્મે, પત્રકાર ચિત્રાને ફોન ઉપર જણાવ્યું હતું. ૨૫ વર્ષ પૂર્વે પણ સ્ટેને ચિત્રાને આપેલા ઈન્ટરવ્યુમાં આ બોફોર્સ ગોટાળા ઉપરતી પર્દો ઉઠાવ્યો હતો. તે સમયે, તેમણે ચિત્રાને ૩૫૦ પાનાના દસ્તાવેજો પણ તેને આપ્યા હતા. આથી તો, રાજીવ સરકારનું પતન થયું... હવે તો બે વર્ષથી આ ફાઈલ બંધ થઈ ગઈ છે. ક્વાત્રોચી ઉપર કોઈ કાર્યવાહી જ થઈ શકી નથી.
સ્ટેને વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૯૦માં કેટલાક લોકોએ આ કેસમાં અમિતાભ બચ્ચનનું પણ નામ જોડવા દબાણ કર્યું હતું. દરમિયાન ચિત્રા સુબ્રમણ્યમે જીનીવામાં એફટીવી ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે વી.પી. સિંહ સરકાર હતી ત્યારે આ ગોટાળામાં અમિતાભનું નામ પણ જોડવા દબાણ કરવામાં આવ્યું હતું.
તે સર્વવિદિત છે કે, બોફોર્સ મામલો ૧૯૮૬થી ચગી રહ્યો છે. તે સમયે ભારત સરકારે એ.બી. બોફોર્સ કંપની પાસેથી ૧૫૫ એમએમની ૪૧૦ 'હોવિત્ઝર' તોપો ખરીદી હતી. કુલ સોદો ૧,૪૩૭ કરોડ રૃપિયાનો હતો. ૧૬ એપ્રિલ ૧૯૮૭એ સ્વીડીશ રેડીયોએ જાહેરાત કરી હતી કે, તે સોદામાં રૃશ્વત આપવામાં આવી હતી. તેમાં આ સ્વીડીશ શસ્ત્ર-નિર્માતા કંપનીએ ક્વાત્રોચી ઉપર દલાલી લેવાનો પણ આક્ષેપ કર્યો હતો.