એનસીપી ૧૬ મેએ દિલ્હીમાં યુપીએ સરકાર સામે જંગી રેલી યોજશે
- તૃણમૂલ પછી એનસીપી પણ યુપીએ સરકાર વિરૃદ્ધ
- જંતરમંતર પર પ્રદર્શન કરશે
નવી દિલ્હી, તા. ૨૫
સતત વાંધા-વચકા પાડતા યુપીએમાં રહેલા પોતાના એક સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસને કઈ રીતે સમજાવવી તેની મુંઝવણ કોંગ્રેસને સતાવી રહી છે ત્યાં જ તેના એક અન્ય સાથી પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મનમોહન સરકાર સામે ખુલ્લેઆમ બહાર પડવા નિર્ણય કર્યો છે.
ડીઝલના ભાવ અંકુશમુક્ત કરવાના સરકારના નિર્ણય સામે, તૃણમૂલ, ભાજપ અને ડાબેરીઓ સાથે હાથ મિલાવતાં એનસીપીએ જાહેર કરી દીધું છે કે તે આનો વિરોધ કરવા આગામી મહીને દિલ્હીમાં એક રેલી યોજનાર છે.
આ ઉપરાંત શરદ પવારના નેતૃત્વ નીચેની આ પાર્ટીએ કૃષિ પેદાશોની નિકાસ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લેવા સાથે તે ઉત્પાદનો અંગે લઘુતમ ટેકારૃપ ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ એમએસપી) પણ વધારવા માગણી કરી છે.
એનસીપીની કારોબારીની બેઠક પછી આજે અહીં પત્રકારોને પક્ષના પ્રવકતા ડી.પી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં જંતર-મંતર ખાતે તા. ૧૬મી મેના દિવસે એનસીપી એક વિશાળ રેલી યોજશે જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ખેડૂતોને બોલાવવામાં આવશે.
એનસીપીની માગણી છે કે, નિકાસ ઉપરનો પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવે અને કૃષિ પેદાશોના લઘુતમ ટેકારૃપ ભાવ વધારવામાં આવે તેમ કહેતા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ડીઝલ, વીજળી કે ફર્ટિલાઈઝર (રાસાયણિક ખાતરોના) ભાવોમાં કરાતા વધારાને તેમનો પક્ષ કટ્ટર વિરોધ કરશે.