અમદાવાદમાં પાંચકુવા દરવાજા પાસે આવેલી ૧૭મી સદીની અનોખી અમૃતવર્ષીની વાવને સંપુર્ણ રીતે રી સ્ટોર કરવામાં આવી છે. આ વાવ કાટખૂણી વાવ તરીકે પણ ઓળખાય છે. એક પ્રવેશદ્વારવાળી આ વાવની પડથારની સામસામી દિવાલોમાં જોવા મળતા સંસ્કૃત અને ફારસી આલેખ પ્રમાણે સંવત ૧૭૭૯ (હીજરી સંવત ૧૧૩૫)માં આ વાવ રઘુનાથદાસે બંધાવી હતી. વાવના કુવા સાથે સંલગ્ન બે માળના ફુટની તેમજ કાટખૂણે વળે છે તે પડથાર પહેલાની સમગ્ર રચના અને ભૌમિતિક અંકના વચ્ચેની ભિન્નતા નોંધપાત્ર છે. વાવના ઉપર નીચેના મજલાની ઉંચાઇ અને પ્રમાણ જાળવતી બે જુદા પ્રકારની કમાનોનું પ્રયોજન ધ્યાન ખેંચે છે. રઘુનાથદાસ મોગલ સુબા હૈદર કુલીનખાનના અંગત દિવાન હતા. આજ સમયે મોગલ રાજની પડતી શરૃ થઇ હતી. આવી અનોખી શીલ્પ ખુબીવાળી આ એક માત્ર વાવ છે. અને તે રક્ષિત સ્મારક તરીકેની કેટેગરીમાં છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)