'સોહા અલી ખાન રાજવી કુટુંબની હોવાથી તેની પસંદગી કરવામાં આવી'

 

- તિગ્માંશુ ધુલિયાનો ખુલાસો

 

- 'સાહિબ બીવી ઔર ગેંગસ્ટર'ની સિકવલ માટે અભિનેત્રીની પસંદગી

મુંબઈ, તા. ૨૫

 

અક્ષય તૃતિયાના શુભ મૂહુર્તમાં લોકો સોનુ ખરીદવા માટે દુકાનોમાં જતા હતા, ત્યારે ફિલ્મ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાએ પોતાની આગામી ફિલ્મ 'સાહિબ બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ' નામની ફિલ્મના શૂટિંગની શરૃઆત કરી હતી. ૨૦૧૧માં આવેલી તેની હીટ ફિલ્મ 'સાહિબ બીબી ઔર ગેંગસ્ટર'ની આ સિકવલનું નિર્માણ બ્રાંડ સ્મિથ મોશન પિકચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

આ સિકવલમાં જીમી શેરગીલ ફરી એક વાર સાહિબની જ ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સોહા અલી ખાન અને ઇરફાન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

સોહા અલી ખાનની પસંદગી વિશે જણાવતાં ધુલિયાએ કહ્યું હતું કે, 'સોહા રાજવી કુટુંબમાંથી આવે છે, અને આ ફિલ્મમાં તેણે એવી જ ભૂમિકા ભજવવાની છે અને રાજાશાહી ઠાઠ દાખવવાનો છે. સોહા આ ફિલ્મમાં હોવાથી તે આપબળે એવી રજૂઆત કરી શકશે. ઇરફાન એ તિગ્માંશુનો માનીતો કલાકાર બની ચૂક્યો છે.

 

આ સિકવલમાં રણદીપ હુડા અને માહી ગીલ પણ કામ કરવાના છે. પણ આઉટડોર શૂટિંગ વખતે તેઓ જોડાવાના છે. ફિલ્મમાં સોહા અલી ખાન અને ઇરફાન ખાન કઈ ભૂમિકા કરી રહ્યાં છે, એ અંગે તિગ્માંશુ ધુલિયાએ સસ્પેન્સ જાળવી રાખ્યું હતું.

 

આ ફિલ્મનું શૂટિંગ દેવગઢ બારિયામાં આવેલાં મહેલમાં જ થવાનું છે. અગાઉની ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ત્યાં જ કરવામાં આવ્યું હતું. સોહા અલી ખાન પોતાની આ નવી ફિલ્મથી ખૂબ જ ઉત્સાહમાં છે, અને ઇરફાન પણ તિગ્માંશુ સાથે ફરી કામ કરવા મળ્યું તેનાં કારણે ઉત્સાહમાં છે.