Last Update : 25-April-2012, Wednesday

 

'ફ્રી ઇકોનોમી' જૂથના સભ્યો પૈસા વાપર્યા વિના મોજથી જીવે છે

શું આજના આધુનિક સમાજમાં પૈસાના વિનિમય વિના જીવન ગુજારવું શક્ય છે ખરું ? યુરોપમાં વસતા આશરે પાંચ હજાર લોકો આ સવાલનો જવાબ શોધવા મથે છે

આપણે એક એવા સમાજમાં જીવી રહ્યા છીએ, જ્યાં પૈસાનું બહુ મહત્વ છે. પૈસાથી રોટી, કપડાં અને મકાન ખરીદી શકાય છે અને પૈસા વિનાના જીવનની આપણે કલ્પના પણ કરી શકતા નથી. દુનિયામાં ચલણી નોટોનું અસ્તિત્વ છે, માટે જ અમીર-ગરીબના ભેદો છે. જગતમાં જો પૈસો ન હોય તો કોઈ અમીર ન હોત અને કોઈ ગરીબ ન હોત. આપણી દુનિયામાં દરેક મનુષ્યની જીવનજરૃરિયાતો સંતોષાઈ શકે એટલાં કુદરતી સંસાધનો છે; તેમ છતાં કરોડો લોકો ભૂખે મરે છે અને લાખો લોકો સ્મૃદ્ધિમાં આળોટે છે. તેનું કારણ આપણો પૈસા આધારીત સમાજ છે. ભારતનાં અનેક ગામડાંઓમાં આજે પણ પૈસાના ચલણ વગર સાટાપદ્ધતિથી વહેવારો ચાલે છે. આ સમાજમાં કોઈ વધુ ગરીબ નથી બની શકતું અને કોઈ વધુ અમીર નથી બની શકતું અને કુદરતી સંસાધનોની સમાન વહેંચણી થાય છે. શું આજના આધુનિક સમાજમાં પૈસાના વિનિમય વિના જીવન ગુજારવું શક્ય છે ખરું ? યુરોપમાં વસતા આશરે પાંચ હજાર લોકો આ સવાલનો જવાબ શોધવા મથે છે.
આયર્લેન્ડમાં જન્મેલો માર્ક બોયલ એક ડોટ કોમ કંપનીમાં કામ કરતો હતો અને પૈસા પાછળ પાગલ હતો. તે એમ માનતો હતો કે જેની પાસે પૈસા છે તે જ મહાન છે અને પૈસા વગર જીવી શકાય જ નહીં. એક દિવસ તેણે રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મ જોઈ અને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું. એક અકિંચન ફકીરની જીંદગી જીવતા ગાંધીજીએ અંગ્રેજ સલ્તનતના પાયા જે રીતે હચમચાવી નાંખ્યા તે જોઈ માર્ક અત્યંત પ્રભાવિત થઇ ગયો. ગાંધીજીની આર્થિક ફિલોસોફી અને ખાદીની ઝુંબેશ વિષે લેખો વાંચી દુનિયામાં નાણાંના પ્રભાવ બાબતમાં તે વિચારમાં પડી ગયો. ત્યારબાદ તેણે ખલિલ જિબ્રાનનાં પુસ્તકો વાંચ્યાં. પોતાની પૈસા પાછળની દોટની વ્યર્થતા તેને સમજાઈ ગઈ. તેણે આ દોટ છોડી દેવાનો અને પૈસા વગરની જિંદગીનો અનુભવ કરવાનો નિર્ણય કર્યો.
બ્રિટનમાં 'ફ્રી ઇકોનોમી' નામની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં જોડાનારાઓ પોતાની પાસે બિલકુલ રૃપિયા નથી રાખતા. તો પણ તેઓ પોતાના જીવનની બધી જરૃરિયાતો સંતોષી શકે છે. આ સંસ્થાના સભ્યો પોતાની પાસે જે માલ હોય છે તેની બદલીમાં જીવનાશ્યક ચીજો પ્રાપ્ત કરે છે, જેના માટે નાણાંની ચુકવણી કરવી પડતી નથી. જેઓ કોઈ પણ પ્રકારના માલનું ઉત્પાદન ન કરતા હોય તેઓ પોતાની કળાકારીગીરી વેચે છે અને તેના સાટામાં જીવનજરૃરિયાતની ચીજો પ્રાપ્ત કરે છે. કોઈ ખેડૂત પાસે પોતાના ખેતરમાં પેદા થયેલું અનાજ હોય અને તે પોતાનાં બાળકને સ્કૂલમાં ભણાવવા માંગતો હોય તો તે શિક્ષકને ફીના રૃપમાં અનાજ ચૂકવે છે. તેવી રીતે ગામનો શિક્ષક પોતાની પાસેની વિદ્યાના બદલામાં જીવનજરૃરિયાતની બધી વસ્તુઓ મફતમાં મેળવે છે. આ સમાજના સભ્યો ૯૧ દેશોમાં ફેલાયેલા છે. એક પણ પાઉન્ડ કે ડોલરની લેવડદેવડ વિના તેઓ પોતાની જિંદગી આસાનીથી પસાર કરે છે.
લંડનમાં રહેતા માર્ક બોયલને નાણાં આધારીત સમાજરચનામાં રસ ઉડી ગયો ત્યારથી તે પણ 'ફ્રી ઈકોનોમી' જમાતનો સભ્ય બની ગયો. આ પ્રકારના જીવનનો પ્રારંભ કર્યા પછી તેણે સંકલ્પ કર્યો કે બ્રિસ્ટોલથી પોરબંદર સુધીનો ૯,૦૦૦ માઈલનો પ્રવાસ જરા પણ પૈસા સાથે રાખ્યા વિના કરશે. પોતાના પ્રવાસનો પ્રારંભ તેણે ઇ.સ. ૨૦૦૮ની ૩૦મી જાન્યુઆરીએ બ્રિસ્ટોલથી કર્યો. પોતાની થિયરી પુરવાર કરવા તેણે પોતાની પાસે એક પણ રૃપિયો રાખ્યો નહોતો. માત્ર પહેરવાનાં વસ્ત્રો, જૂતાં, ચપ્પુ અને બેન્ડેજના સહારે તે નીકળી પડયો. તેની પાસે કોઈ ક્રેડિટ કાર્ડ કે ટ્રાવેલર્સ ચેક પણ નહોતા. તે જ્યાં જતો ત્યાં લોકોના ખેતરમાં અને બગીચામાં કામ કરતો અને તેના બદલામાં ખોરાક અને આશરો મેળવી લેતો. આ રીતે મુસાફરી કરતાં તેણે ઇંગ્લેન્ડ પસાર કર્યું અને તે ફ્રાન્સમાં આવ્યો. અહીંના મૂડીવાદીઓએ નક્કી કર્યું હતું કે માર્કને પરેશાન કરવો. તેમણે માર્કને દિવસો સુધી ખાવાપીવાનું ન આપ્યું અને તેને ફૂટપાથ ઉપર રાતો પસાર કરવાની ફરજ પડી. છેવટે હતાશ થઈને તે ઇંગ્લેન્ડ પાછો ફર્યો. હિંમત માર્યા વિના તેણે હવે ઇંગ્લેન્ડમાં જ રહીને પૈસા વગર જિંદગી પસાર કરવાનો સંકલ્પ કર્યો છે.
માર્ક બોયલનો જન્મ જો ભારતમાં થયો હોત તો તે ભારતમાં ગામડાંઓમાં આખી જિંદગી પૈસા વગર આસાનીથી પસાર કરી શકત. ભારતનાં લાખો ગામડાંઓમાં આજે પણ જીવનના મોટા ભાગના વહેવારો નાણાંની લેવડદેવડ વિના જ ચાલે છે. ગામનો બ્રાહ્મણ દરરોજ ચાર ઘરે ફરીને લોટ માંગી આવે છે અને રોટલા ઘડી કાઢે છે. તેને યજમાન વૃત્તિમાં બે જોડી કપડાં મળે છે, જે આખું વર્ષ ચાલે છે. તે જે મકાનમાં રહેતો હોય છે તે પોતાની માલિકીનું હોય છે, જેનું કોઈ ભાડું ભરવાનું હોતું નથી. ઘરનું સમારકામ કરાવવું હોય તો આજુબાજુના પડોશીઓ મદદ કરવા આવી જાય છે. સમારકામ માટેનાં લાકડાં વગડામાંથી મફતમાં મળી જાય છે. સુથાર ખેડૂતનું કામ કરી આપે તો તેને બદલામાં અનાજ મળી જાય છે. ભારતમાં લાખો ગામડાંઓમાં આજે પણ બાર્ટર સિસ્ટમથી વહેવારો ચાલે છે.
ફ્રી ઈકોનોમીની ઝુંબેશ આજથી કેટલાંક વર્ષો અગાઉ અમેરિકામાં શરૃ થઈ હતી. આ ઝુંબેશમાં જોડાનારાઓ માને છે કે આજની દુનિયામાં ગરીબી, બેકારી, અપોષણ, ભૂખમરો, શોષણ, જાગતિક તાપમાન વગેરે જેટલી પણ સમસ્યાઓ છે, તેના મૂળમાં 'કેશ, ક્રેડિટ અને પ્રોફિટ' છે. આ ઝુંબેશમાં જોડાનારાઓ પોતાની પાસે કોઈ પણ જાતનું નાણું કે બેન્ક બેલેન્સ ન રાખવાની પ્રતિજ્ઞાા કરે છે. તેઓ પોતાની પાસેની કળા, જમીન, જગ્યા અથવા શ્રમના બદલામાં સાટાપદ્ધતિથી જીવનાવશ્યક ચીજવસ્તુઓ પ્રાપ્ત કરે છે. નાણાં વગરના સમાજનો સૌથી મોટો ફાયદો એ છે કે જે વ્યક્તિને જેટલી ચીજવસ્તુઓની જરૃર હોય એટલી જ વસ્તુઓ તે પોતાની પાસે સંઘરી શકે છે. બેન્કમાં નાણાંનો સંગ્રહ કરવાની કોઈ મર્યાદા નથી હોતી; પણ ઘરમાં અનાજનો કે વસ્ત્રોનો સંગ્રહ મર્યાદિત જ કરી શકાય છે, જેને કારણે ચીજવસ્તુઓની સમાન વહેંચણી થાય છે અને દરેકને પોતાની જરૃરિયાત પૂરતું મળી રહે છે.
ફ્રી ઇકોનોમીની ઝુંબેશ ચલાવનારા લોકો પોતાની વેબસાઈટ પણ ચલાવે છે. આ વેબસાઈટમાં અત્યારે કુલ ૫,૦૮૫ સભ્યો જોડાયેલા છે. તેમની પાસે ૧,૦૩૫ કળાઓ છે. તેમની પાસે ૨૨,૨૮૯ ઉપકરણો છે, જેની સેવા આપવા તેઓ તૈયાર છે. આ જૂથનો એક જ નિયમ છે કે કોઈપણ કામના બદલામાં પૈસા માંગવામાં નથી આવતાં પણ કામની અને માલની અદલાબદલી જ કરવામાં આવે છે. આ વેબસાઈટ ઉપર કોઈનો ફોટો મૂકવામાં નથી આવતો, કારણ કે આ જૂથના પ્રણેતાઓ માને છે કે માણસની કિંમત તેના દેખાવના આધારે નહીં પણ તેની આવડતના આધારે થવી જોઈએ. આ વેબસાઈટ ઉપર કોઈ પણ એક વ્યક્તિને ત્રણ જ વખત ઈ-મેઈલ મોકલવાની છૂટ છે. ત્યાર પછી તેના સભ્યો રિયલ લાઈફમાં મળે અને એકબીજા સાથે સંબંધો વિકસાવે, એમ તેના સંચાલકો માને છે. આ કારણે જ આ વેબસાઈટ ઉપર ચેટરૃમની સવલત આપવામાં નથી આવી. લોકો ઇન્ટરનેટ ઉપર નહીં પણ બગીચામાં કામ કરતી વખતે એકબીજા સાથે ગપ્પાંગોષ્ઠિ કરે તેને વધુ બહેતર માનવામાં આવે છે.
અમેરિકા અને બ્રિટન જેવા મૂડીવાદી દેશોમાં એક પણ ડોલરનો ઉપયોગ કર્યા વિના જીવન વ્યતીત કરવું એ સહેલું કામ નથી. ફ્રી ઇકોનોમીમાં માનનારાઓ જ્યારે કોઈ જીવનાશ્યક ચીજવસ્તુને પ્રાપ્ત કરવા માટે પોતાની સેવા આપવાની ઓફર કરે છે, ત્યારે તેમને મફતિયા અથવા ભિખારી પણ માની લેવામાં આવે છે. જે સમાજને પૈસાનું વળગણ છે ત્યાં પૈસા વગર જીવનારાઓ ઉપર લોકો ઝટ વિશ્વાસ પણ મૂકતા નથી. કોઈ વ્યક્તિ પોતાના પડોશીનું ધાબું રિપેર કરી આપી ત્યાં બગીચો બનાવવા દેવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે પડોશીને ડર લાગે છે કે વ્યક્તિ ધાબું પચાવી પાડવા માંગે છે. આજની પ્રજા પૈસા ખર્ચીને જીવવાને એટલી બધી ટેવાઈ ગઈ છે કે દુનિયાના અમુક લોકો પૈસા રાખ્યા વિના જીવી શકે એ વાત જ તેમના માનવામાં આવતી નથી.
ભારતમાં તો હજારો વર્ષોથી એક પણ પૈસા વિના જીવન વ્યતીત કરનારા સાધુઓ અને સંન્યાસીઓની પરંપરા ચાલી આવે છે. આ સંન્યાસીઓ ભારતના કોઈ પણ ભાગમાં પરિભ્રમણ કરે તો તેમના માટે મફતમાં રહેવાની અને ખાવાપીવાની સગવડ મળી જાય છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતો પોતાની પાસે ફૂટી કોડી પણ નથી રાખતા, તો પણ સમાજ તરફથી તેમને સન્માનપૂર્વક આહારપાણી મળી રહે છે. આ પણ એક જાતની સાટાપદ્ધતિ છે. સાધુ-સંતો સમાજમાં સદાચારનો અને સદ્વિચારનો પ્રચાર કરે છે, જે સમાજની ખૂબ મોટી સેવા છે. આ સેવાના બદલામાં સમાજ તેમની જીવનજરૃરિયાતો પૂરી પાડે છે. બ્રિટનનો માર્ક બોયલ જો ભારતમાં આવ્યો હોત તો તેને ફ્રાંસમાં જે સમસ્યા નડી તે ભારતમાં નડી ન હોત. ભારતની પ્રજા આમ પણ આતિથ્ય માટે જાણીતી છે. ફ્રી ઈકોનોમીનો અર્થ થાય છે, પરિગ્રહ વગરનો સમાજ. જે દિવસે આપણા સમાજના અમીરો પરિગ્રહનું વ્યસન છોડી દેશે ત્યારે દુનિયામાં કોઈ ગરીબ નહીં રહે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved