Last Update : 25-April-2012, Wednesday

 

‘બધા છોકરાને સીધા દોર કરવા આસાન નથી સાહેબ...’

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- યશ બુદ્ધિશાળી પણ તોફાની અને જિદ્દી હતો. તેના કારણે ક્લાસમાં ઘણા ઝઘડા થતા હતા. પોતાની સીટ પર ન બેસવું, દોડા દોડ કરવી, બેંચ પર કૂદકા મારવા, સતત હલન-ચલન કરતા રહેવું, નાની નાની વાતમાં ગુસ્સે થવું, ચિડાઈ જવું, રાડારાડ કરવી એ તેની ખાસિયત હતી

 

પ્રિન્સીપાલ પંડ્યાએ સ્કૂલના સ્ટાફ મેમ્બર્સની એક ખાસ મિટીંગ બોલાવી હતી. ‘અર્જન્ટ એન્ડ સ્પેશિયલ’ સરક્યુલર વાંચીને બધા શિક્ષકોના પેટમાં ધ્રાસ્કો પડ્યો હતો. પંડ્યા સાહેબ તેમની શિસ્ત અને કડકાઈ માટે જાણીતા હતા. એટલે એક બે શિક્ષકો તો મેમો સ્વીકારવાની માનસિક તૈયારી સાથે મીટીંગમાં પહોંચી ગયા હતા.
સમયસર સ્ટાફરૂમમાં ગોઠવાઈ ગયેલા સ્ટાફ મેમ્બર્સ પંડ્યા સાહેબની રાહ જોતા હતા. સમયના પંક્ચ્યુઅલ પંડ્યા સાહેબ મીટીંગમાં મોડા પડવાનું સ્વીકારીને પણ વાલી સાથે ચર્ચા કરવામાં પોતાની ચેમ્બરમાં વ્યસ્ત હતા. તેમણે વાલીને સાંત્વન આપી ઘટતું કરવાની ખાતરી આપી, અને ઝડપભેર મીટીંગમાં આવી પહોંચ્યા.
‘ગુડ મોર્નંિગ સર’ કહી પંડ્યા સાહેબને માન આપવા ઉભા થયેલા શિક્ષકગણને ‘મોર્નંિગ મોર્નંિગ’ કહી યોગ્ય પ્રતિસાદ આપી પંડ્યા સાહેબે માલિની ટીચરને પૂછ્‌યું, ‘મિસ માલિની... વ્હોટ ઈઝ રોંગ વીથ યુ ! તમે આઠ વર્ષના યશને હેન્ડલ કરી શકતાં નથી ? મને ખબર છે યશ ઘણો તોફાની છોકરો છે, પણ આવા વિદ્યાર્થીઓ જ આપણા માટે પડકાર સમાન હોય છે. યશના કુટુંબીજનોએ તેના તોફાનને કાબુમાં લાવવા ગમે તેવી શિક્ષા કરવાનો આપણને છૂટો દોર આપ્યો છે. આ સ્કુલમાં સૌથી વધારે ડોનેશન આપી આટલું સુંદર બિલ્ડીંગ બાંધવામાં યોગદાન આપવા છતાં તેઓએ ક્યારેય યશનાં કારનામાંઓને ચલાવી લેવા મારા પર દબાણ કર્યું નથી. પછી યશને સીધો કરવામાં તમને શું તકલીફ પડે છે ?’
‘સર... હું લાચાર છું... મારાથી એ શક્ય નથી.’
‘તમે આટલા જલદી હાર સ્વીકારી લેશો એવી મને અપેક્ષા નહોતી.. માલિની...’
‘હાર નહિ સર... વાસ્તવિકતા... જેનો સ્વીકાર કર્યા વગર કોઈનો છૂટકો નથી... સર... હજી ગઈકાલે જ યશે મને રડાવી છે. તેની બાજુમાં બેસતો ચિરાગ રિસેસ પછી એની સીટ પર બેસવા જતો હતો ત્યારે યશે અણીદાર ડીવાઈડર હાથમાં પકડી તેની બેસવાની જગ્યા પર મૂક્યું. પેલો બેસવા ગયો કે તરત ડીવાઈડર તેની સીટ (કુલ્લા)માં પેસી ગયું. આટલાથી સંતોષ ન થયો હોય તેમ પોતાના હાથ વડે જોરથી ડીવાઈડર ખોસી દીઘું. ચિરાગ બરાડી ઊઠ્યો. તેને લોહી નીકળ્યું અને યશ આ દ્રશ્ય જોઈ તાલીઓ પાડી હસવા લાગ્યો અને ક્લાસના દોસ્તોને છોકરી જેવા ઢીલાપોચા ચિરાગનું રડમસ મોઢું બતાવી તેની મશ્કરી કરવા લાગ્યો...’
‘હા.. માલિની, હું હમણાં ચિરાગના પેરેન્ટ્‌સને જ સાંત્વન આપવામાં વ્યસ્ત હતો. મેં આજની મીટીંગ પણ એટલે જ બોલાવી છે. તોફાની બારકસ એવા યશને સુધારવા આપણે યોજના વિચારવાની છે.’ પંડ્યા સાહેબે મીટીંગનો હેતુ સમજાવતા કહ્યું.
આઠ વર્ષના યશના તોફાનોએ સ્કુલમાં એવી હિસ્ટ્રી રચી હતી કે આવાં ‘હીસ્ટ્રીશીટર’ યશને પાઠ ભણાવવા ‘એન્ટીટેરરીસ્ટ સ્કવોડ’ના ઓફિસરોની અદાથી એક પછી એક શિક્ષકો તેમનો અભિપ્રાય આપવા લાગ્યા.
યશ પૂર્વેશ શાહ.... ત્રીજા ધોરણમાં ભણતો બુદ્ધિશાળી પણ અત્યંત તોફાની વિદ્યાર્થી હતો. તોફાની અને જિદ્દી યશને કારણે ક્લાસમાં ઘણા ઝઘડાઓ થતા હતા. એ કોઈનેય ગાંઠતો ન હતો. મરજી પડે ત્યારે ક્લાસમાંથી ઉભા થઈ કોરીડોરમાં દોડાદોડ કરવા લાગી જવું, ક્લાસના છોકરાને તંગ કરવા, રિસેસમાં નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવું, ચિડાઈ જવું, રાડારાડ કરી મૂકવી.... વગેરે તેની રોજની ફરિયાદ હતી. તેને કોઈ એક વિચાર આવે તો તરત તે મુજબ વર્તન કરતો. એકવાર તેણે બાજુમાં બેઠેલા પરીનું દફતર બહાર ફેંકી દીધેલું તો બીજીવાર ટીચરના ટેબલ પરથી ડસ્ટર ઉંચકીને છેલ્લી બેંચ પર બેઠેલા રાકેશને માર્યું હતું. રીસેસમાં તેને ક્લાસની બેંચ પર દોડવા જોઈએ. જો કોઈ તેને રોકવા જાય તો રોકનારનું આવી જ બને.
યશની મુખ્ય લાક્ષણિકતા એ હતી કે તે કોઈ એક ચોક્કસ જગ્યાએ ઠરીને બેસતો ન હતો. તેનું મન સતત આમતેમ ભટકતું અને મનની સાથે શરીર પણ ભટકવા માટે બેચેન રહેતું. તેને બેસવાનું કહેવામાં આવે તો તે ઉભો થઈ જતો અને ઉભો રાખવાની શિક્ષા કરવામાં આવે તો બેસી જતો.
ક્લાસ શરૂ થાય ત્યારે થોડો સમય તેનું ભણવામાં ઘ્યાન રહેતું, પછી તે આમતેમ ડાફોળ્યા મારતો. ઉભો થઈને કોઈ બીજાની બેંચ પર ચાલ્યો જતો. ક્યારેક સીટી પણ વગાડવા માંડતો.
યશ બુદ્ધિશાળી હતો પરંતુ તેનું ઘ્યાન એક જગ્યાએ ચોંટતું ન હોવાને કારણે તે બરાબર ભણતો ન હતો. પરીક્ષામાં પણ તે સ્થિર થઈને બેસી શકતો નહોતો. આથી તેને અત્યાર સુધી આગલા ધોરણમાં ચડાવી દેવામાં આવ્યો હતો.
તેના મમ્મી-પપ્પા પણ તેનાથી ત્રાસી ગયા હતા. ઘરમાં તેને ભણવા બેસાડવા માટે તેઓ ઘણી મહેનત કરતા. તેનું ઘ્યાન રમત-ગમતમાં, ઉછળકૂદમાં, ભાગ-દોડમાં તથા છટકવામાં રહેતું. ધાર્યું ન થાય તો રડારોળ અને તોડફોડ કરવા લાગતો. વાંચતાં-વાંચતાં અચાનક ગીતો ગાવા લાગતો. વાંચવાનું પડતું મૂકી પથારીમાં આળોટે અને પછી કાગળનાં બલૂન બનાવી ઉડાડવા લાગે.
ટી.વી. પર કાર્ટૂન નેટવર્ક રમવામાં તથા વિડીયો ગેઈમ્સ રમવામાં તે પાવરધો હતો. બુદ્ધિ શક્તિ તો એટલી હતી કે તે ત્રણ વર્ષનો હતો ત્યારથી દૂરથી આવતી ગાડીને લાઈટના આકાર પરથી ઓળખી બતાવતો... ફોર્ડ... ઓપલ... હુંડાઈ... મિત્સુબીશી... હોન્ડા વગેરે કંપનીની તમામ કારો તે ચપટી વગાડતા દૂરથી ઓળખી બતાવતો.
‘આપણી સ્કૂલની આબરૂનો સવાલ છે. યશ જેવા તોફાની છોકરાને સીધોદોર કરવા માટે તેના માતા-પિતાએ આપણને દંડો ઉગામવાની પણ છૂટ આપી છે. એટલે પરિસ્થિતિ જોતા આપણે સ્કૂલના કડક પીટી ટીચરને યશના ક્લાસ ટીચર બનાવવા જોઈએ. પીટીના પટેલ સર બરાબર કરશે તો ટ્રસ્ટી-મંડળે તેમને યોગ્ય બદલો આપવાની મને ખાતરી આપી છે.’ પંડ્યા સરે તેમની વાત પૂરી કરી. બધાની આંખો પટેલ સર તરફ મંડાઈ.
પટેલ સર શાળાના બહુ બદનામ ટીચર હતા. ફુટપટ્ટી વડે વિદ્યાર્થીઓને મારવા, આખો દિવસ અંગૂઠા પકડાવવા, એકાદ વિદ્યાર્થીને શિક્ષારૂપે બધા પિરીયડ બધા લોકોથી ઉંધો દિવાલ સામે ઉભો રાખવો વગેરે કારનામાઓને કારણે પટેલ સરને પંડ્યા સર વાંરવાર ચેમ્બરમાં બોલાવીને ખખડાવતા. પરંતુ આજે તો તેમની ડિમાન્ડ વધી ગઈ હતી. સ્ટાફના બધા શિક્ષકોએ પણ પ્રિન્સીપાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.
‘મને આ પડકાર મંજૂર છે, પણ હું મારી રીતે જ વર્તીશ. મારી પદ્ધતિમાં હું કોઈની દખલ નહિ ચલાવી લઉં, મેં કેટલાયે તોફાની છોકરાઓને સીધા દોર કર્યા છે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ એ આપી દો પછી અઠવાડિયામાં યશને ગરીબ ગાય જેવો બનાવી દઉં છું કે નહિ એ જોઈ લેજો.’
પટેલ સર કડક, આકરા, ક્રોધી અને ઉગ્ર શિક્ષક તરીકે કુખ્યાત હતા. પરંતુ હકીકતમાં તેઓ સાચા અને ઉમદા મૂલ્યોના પ્રચારક હતા. ભવિષ્યની પેઢી આદર્શ, નિષ્ઠાવાન અને મૂલ્યવાન બને તેવી તેમને ખાસ ઇચ્છા હતી. પરંતુ બગડેલા વિદ્યાર્થીઓનો બચાવ કરવા દોડી આવતા તેમના બેજવાબદાર વડીલો અને તેમને તડને ફડ સંભળાવવાને બદલે પટેલ સરની ઘૂળ કાઢી વાલીઓની માફી માગતા પંડ્યા સરને કારણે તેઓ ઢીલા પડ્યા હતા અને... વિદ્યાર્થીઓને સુધારવાની મહેચ્છા તેમણે લાંબા સમયથી અભેરાઈએ ચડાવી હતી. પરંતુ આખરે ટ્રસ્ટી મંડળને તેમની કંિમત સમજાઈ હતી. એ વાતથી તેઓ અત્યંત ખુશ હતા.
યશને હેન્ડલ કરવા માટે સંપૂર્ણ માનસિક તૈયારી પટેલ સરે કરી હતી. અંગૂઠા પકડાવવા, ઉભો રાખવો, ફૂટપટ્ટી ફટકારવી, દોડાવવો, ગોંધી રાખવો વગેરે તેમની બહુ પ્રચલિત અને બદનામ પદ્ધતિઓથી યશ ન સૂધરે તો કેટલીક નવી તરકીબો તેમણે વિચારી હતી, જેમાં શિર્ષાસન કરાવવું, હાથ બાંધવા, મોં ખોલવા ન દેવું, ભૂખ્યો રાખવો વગેરે તરકીબોનો સમાવેશ થતો હતો. વંઠેલા યશની સાન પહેલા દિવસથી ઠેકાણે લાવવાના ઇરાદા સાથે પટેલ સર બીજા દિવસે ક્લાસ ટીચર બનીને પ્રવેશ્યા હતા. પરંતુ યશની સાથે એક અઠવાડિયું કામ કર્યા પછી તેમને સમજાઈ ગયું હતું કે યશની સાન ઠેકાણે લાવવા કરતાં લોઢાના ચણા ચાવવાનું કામ સહેલું હતું.
પટેલ સરે તેમની કારકીર્દીમાં જેટલા છોકરાઓ જોયા તેમાં યશ સહુને ટપી જાય તેવો હતો. પહેલા દિવસે જ તેણે પટેલ સરના ચંપલનો છુટ્ટો ઘા કરીને ક્લાસનો બલ્બ ફોડી નાંખ્યો હતો. પટેલ સરે તેને અંગૂઠા પકડાવી તેના પર પાંચ દફતરો મૂક્યા હતા. પિરીયડની વચ્ચે તેમણે એ ખૂણા તરફ જોયું તો પાંચે ય દફતરો લઈને યશ ફરાર થઈ ગયો હતો.
રોજબરોજ પટેલ સરના ભાથામાંથી યશને નાથવાની નવી તકરીબો નીકળતી હતી અને યશ એ તરકીબોને ઘોળીને પી જતો હતો. સતત ક્રિયાશીલ રહેતા, ફરફર કરતા, હાથ હલાવતા, ઉઠબેસ કરતાં આ છોકરાને કઈ રીતે શિસ્તબદ્ધ બનાવવો અને ભણવા બેસાડવો તે પટેલ સરને સમજાતું ન હતું. તેઓ જેમ જેમ વધારે કડક બનતા જતા હતા તેમ તેમ યશ વધારે ને વધારે બેકાબુ બનતો જતો હતો. સતત ધાક-ધમકી અને મારને કારણે તે સ્કૂલમાં આવવા જ તૈયાર ન હતો. લાચારી અનુભવતા પટેલ સરને જીવનમાં પહેલીવાર વિચાર આવ્યો કે બાળકને શિસ્ત શીખવાડવા બીજો કોઈ ઉપાય પણ વિચારવો પડશે. પણ બીજો ઉપાય કયો અજમાવવો ? આવો ઉપાય શક્ય છે ખરો ?
હા, યશ જેવા બાળકોને શિસ્તબદ્ધ બનાવા માટેનો બીજો ઉપાય છે.
યશ ‘એટેન્શન ડેફીસીટ હાયર એક્ટીવીટી ડીસઓર્ડર’ અર્થાત્‌ ‘એકાગ્રતાની ક્ષતિ અને અતિક્રિયાશીલતા’ નામના બાળ મનોરોગનો શિકાર છે. આ રોગના ત્રણ મુખ્ય ઘટકો હોય છે.
૧. એકાગ્રતાની ક્ષતિ ઃ અભ્યાસમાં કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં ઘ્યાન કેન્દ્રીત કરવાની અશક્તિ, આના કારણે હોમવર્ક કે સ્કુલવર્કમાં બેકાળજીભરી નાની નાની સામાન્ય ભૂલો થાય. બોલાયેલા શબ્દો ઘ્યાનથી પૂરેપૂરા ન સંભળાય, જેથી સૂચનાઓ અનુસરવાની અશક્તિ. પેન, પેન્સિલ, રમકડાં, નોટબુક વગેરે વારંવાર ખોવાઈ જાય, ભૂલકણાપણું, ઘ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી તમામ પ્રવૃત્તિથી દૂર રહેવું વગેરે લક્ષણો જોવા મળે છે.
૨. અતિક્રિયાશીલતા ઃ સ્થિર બેસવાની અશક્તિ, ભાગ-દોડ, ચડ-ઉતર, વધારે પડતું બિનજરૂરી હલન-ચલન કરવું.
૩. આવેગાત્મકતા ઃ પ્રશ્ન પૂછાય તે પહેલાં જ તેનો જવાબ આપવો. રાહ જોવાની અશક્તિ. ગુસ્સો, તોફાન, કોઈને મારી બેસવું... વગેરે.
આમાં એકાગ્રતાની ક્ષતિવાળાં બાળકો વધારે પ્રમાણમાં જોવાં મળે છે. આ બધાં બાળકોમાં અતિક્રિયાશીલતા અને આવેગાત્મક વર્તન હોય તે જરૂરી નથી. યશનું વર્તન ચંચળતા અને અતિક્રિયાશીલતાની પરાકાષ્ઠા છે. પણ આનાથી ઓછી તીવ્રતાની ચંચળતા અને આવેગાત્મક વર્તન અથવા માત્ર એકાગ્રતાની ક્ષતિવાળા બાળકો ઘણાં છે.
આ રોગ થવાનાં ઘણાં કારણો છે. તેમાં અઘુરા મહીને જન્મ વખતે ઓછું વજન, નવજાત શિશુમાં વિવિધ શારીરિક રોગ, ઉછેર અને લાગણીજન્ય કારણો, ઘરનું વાતાવરણ, ટીવી વીડીયો વધારે પડતાં જોવાં, મોબાઈલ ગેઈમ્સ રમ્યા કરવી વગેરે મુખ્ય છે.
આવાં બાળકોની બુદ્ધિ સતેજ હોય છે. પણ તેની સારવાર સમયસર ન કરાય તો તેઓ અભ્યાસમાં પાછળ પડતાં જાય છે.
શિક્ષા આનો ઇલાજ નથી. ચોક્કસ દવાઓ, સમજપૂર્વકનું વર્તન, બિહેવિયર થેરપી, આવેગને કાબુમાં રાખવાની તાલિમ તથા પરિચિત, એકધારું, વ્યવસ્થિત, સુરક્ષિત, સ્ટ્રક્ચર્ડ અને ઓરગેનાઈઝ્‌ડ વાતાવરણ પૂરું પાડવાથી આવાં બાળકો એકાગ્રતા, જવાબદારીપણું અને શૈક્ષણિક સજ્જતા કેળવી શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved