Last Update : 25-April-2012, Wednesday

 

ઢળતી સાંજે પ્રસન્ન દાંપત્યની ક્ષણો....

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


સમી સાંજે કરીને તાપણું બેઠાં છે બંને જણ,
કહે છે એકબીજાને હુંફાળી આ ક્ષણોને લણ !

નહીંતર આ તિખારા તો બધા હમણાં ઊડી જાશે,
વીતેલાં સહુ વરસ માફક ગણી લે તું, ગણું હું પણ !

ઉપર આકાશના તારા જુએ ટમટમતી આંખોએ,
ચમત્કારો બને છે શું નીચે સંસારીઓમાં પણ ?

નજીક લાવો વઘુ આસન, હજી લાવો નજીક વ્હાલા,
સૂણો સરવા કરીને કાન, ઝીણું બોલતાં કંકણ !

અગન તારા મહીં છે એટલી રાખું લગન હું પણ,
કરે છે યાદ કંઈનું કંઈ ઝુકાવીને ભીની પાંપણ !

ભરી લો આ બધીયે રાખ બાકીના વખત માટે,
સવારે સાથમાં બેસીને માંજીશું જૂનાં વાસણ !
- હર્ષદ ત્રિવેદી
ઘણી કવિતાઓ સાંભળતાની સાથે જ ગમી જાય, સાંભળતા-સાંભળતા જ આંખ સામે તાદ્રષ્ય થવા મંડે અને આપણી અંદર રહેલો ભાવક ક્યારે એ સર્જક સાથે સમસંવેદન અનુભવે એ ખબર જ ન પડે. શિયાળાની કડકડતી ટાઢની સવારે કવિ હર્ષદ ત્રિવેદીએ ફોન પર શિયાળાની સાંજની આ ગઝલ સંભળાવી. મનમાં પડેલા અનેક સંદર્ભો એકસાથે તાજા થઈ ગયા અને થયેલો એ અનુભવ તમારી સાથે વ્હેંચી રહ્યો છું. કવિતા છે શિયાળાની કડકડતી ટાઢ ભરેલી સાંજની. જ્યારે સમગ્ર ગઝલ એક જ વિષયને છેકથી છેક સુધી નિરૂપતી હોય, એક જ વિષયના વિવિધ ચિત્રો કે વિવિધ ભાવ ગઝલમાં પ્રગટ થતાં હોય ત્યારે તેને મુસલસમ ગઝલ કહે છે.
ભરઉનાળો ચાલી રહ્યો છે ત્યારે શિયાળાની એક સાંજે પ્રસન્ન દાંપત્યની દુનિયામાં ડોકિયું કરીએ. સમીસાંજે બંને જણ તાપણું કરીને બેઠા છે, ઠંડીથી બચવા. હવે શરીરમાં એ હૂંફ નથી રહી. કાં તો પછી ઠંડી એટલી બધી છે કે તાપણું કર્યા વગર છૂટકો જ નથી. લણવાની વાત ખેતર સાથે કશુંક વાવ્યું હોય, કશુંક ઉગાડ્યું હોય એની સાથે છે. મહેનત કરીને પાણી પાયું હોય, આંખ ઠરે તેવી હરિયાળી હોય ત્યારે લણવાની વાત આવે છે. પણ ના, અહીં અનાજના કણ નથી વીણવાના. અહીં તો બેઉ એકબીજાને તાપણાની અને નજીક બેઠા છે એની હૂંફાળી ક્ષણોને લણવાની વાત કરે છે. ગઝલનો આરંભ હૂંફાળી ક્ષણોને લણવાથી થાય છે.
ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત એવી વ્યાખ્યા આરંભકાળથી આપવામાં આવી છે. જેટલું મહત્વ પ્રિયતમાનું છે એટલું જ મહત્વ વાતચીતનું છે. સમગ્ર ગઝલમાં વાતચીત છે. બંને વચ્ચેનો સંવાદ (લ્લચર્સિહીઅ) છે. જે તિખારાઓ ઊડી રહ્યા છે એ જોઈને ફરી કહે છે કે આ બધા જ તિખારાઓ હમણાં ઊડી જશે, હમણાં તાપણું ઠરી જશે. આ આયુષ્યનું તાપણું, આ સાથ-સંગાથનું તાપણું ઠરી જાય તે પહેલાં આ બધા તિખારાઓ ગણી લે. આ તિરાખાઓ એ બીજું કંઈ જ નથી આપણા વીતેલા વર્ષો છે. બંને જણ આંખોથી, સ્પર્શથી આ વ્હાલભરી વાતો કરતા હશે ત્યારે દૂર-દૂર આકાશમાં ચમકતા તારાઓની આંખો પણ પલકારા ભરતી હશે. અહીં કવિએ આપણને ઇશારો કરી આપ્યો છે કે હવે સમી સાંજ નથી રહી. આકાશમાં તારાઓ ટમટમવા લાગ્યા છે. અને આવા પ્રસન્ન દાંપત્યને જોતાં આવું સુખ તો સ્વર્ગમાં હોય એવું વિચારતા-વિચારતા તારાઓ એકબીજાને કહેતા હશે કે શું નીચે સંસારીઓમાં પણ આવા ચમત્કારો બને છે ! આ આશ્ચર્ય શંકાસભર આશ્ચર્ય નથી, સાનંદ આશ્ચર્ય છે. રાત પડી ગઈ છે અને હવે પેલું પ્રિય પાત્ર કહે છે હજુ નજીક તમારું આસન લાવો. કદાચ બહારના ઘોઘાટમાં, કદાચ ઘડપણમાં શ્રવણ શક્તિ મંદ પડવાને લીધે, કદાચ... કલ્પના આપણે કરતા જઈએ. કવિતાની મજા જ એ હોય છે કે પ્રત્યેક વાચકને ઊડવા માટે આકાશ મળી રહેતું હોય છે. પેલું પ્રિય પાત્ર તો એટલું જ કહે છે કે હજુ નજીક આવો. પણ હજુ નજીક આવો એમ નથી કહેતા, એ તો હજુ નજીક આસન લાવવાની વાત કરે છે. અહીં ‘આવવા’ પર નહીં ‘લાવવા’ પર ભાર છે. કેમ ? કારણ કે સરવા કાન રાખીને પેલા કંકણ પેલી બંગડીઓ જે ઝીણું-ઝીણું રણકતી કહેવા માંગે છે તે સંભળાય. જેટલી અગન ભીતર છે એટલી લગન હું પણ રાખું. અહીં ભીતરના સમર્પણની અને ઐક્યની જાણે વાત થઈ છે. અને આ બઘું યાદ કરતાં-કરતાં આંખો ક્યાંની ક્યાં ખોવાઈ ગઈ હશે કે પાંપણ ભીની થઈ ગઈ છે, ઝૂકી ગઈ છે.
ગઝલનો આરંભ થયો હતો સમી સાંજે તાપણું કર્યું હતું ત્યારે. ગઝલ પૂરી થાય છે ત્યારે મોડી રાત થઈ ગઈ છે. તાપણું ઠરી ગયું છે. રાખ ઠંડી થઈ ગઈ છે. ગઈકાલની સાંજે સાથે બેઠા હતા એની યાદ હવે આ રાખમાં છે. ઠરી ગયેલી રાખમાં કેટલી હૂંફાળી યાદો છે. હવે બંને કામ અલગ-અલગ નથી રહ્યા. પ્રસન્ન દામ્પત્ય જીવનમાં પ્રત્યેક કામમાં એકબીજા એકબીજાના સહભાગી જ હોય છે. પેલો પુરૂષ, પેલું પ્રિય પાત્ર કહે છે કે આ બધીયે રાખ જે બાકીનો વખત છે જીવનને માટે એને માટે કોઈ વાસણમાં ભરી લે. કાલે ફરી સવાર પડશે, સાથે બેસીને આપણે જૂના વાસણ માંજીશું, ચમકાવીશું. સાંજનું તાપણું આવતીકાલની સવાર માટે પણ કેટલું ઉપયોગી બની જાય છે ! આખી ગઝલ એક ઝરણાની જેમ આપણને ભીંજવીને ખળખળ કરતી વહી જાય છે. સહજ પ્રગટેલી ગઝલનો આ સુંદર નમૂનો છે.
પ્રિય પાત્ર એટલે જાણે ખોવાયેલા ગીતનો જાણે અચાનક જડેલો અંતરો, અચાનક જડેલી પંક્તિઓ. અને એ પાત્ર જીવનમાં અચાનક આવે ત્યારે હૈયેથી સૂર આપમેળે હોઠે ચડતા હોય છે. અહીં હર્ષદ ત્રિવેદીનું એક ગીત સહજ યાદ આવી રહ્યું છે.
જડ્યાં છો
કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો,
આપમેળે સૂર ઊમટે તમે હોઠની ઉપર એમ ચડ્યાં છો.
એમ તો અમે નીરખ્યું હતું
સાંજને સમે સૂરનું આખું ગામ,
ગામને કશી ગમ નહીં ને
ગણગણે બસ ગમતું એક જ નામ;
સીમમાં ખેતર-ક્યારડે રેલા જળના દડે એમ દડ્યાં છો !
કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો.
આપણું એમાં કંઈ ન ચાલે
દીપ કહે તો દીપ ને કહે ઘૂપ તો થાવું ઘૂપ,
એમને કારણ ગીત ગાવાનું એમને કારણ
તાલ દેવાનો આપણે કારણ ચૂપ;
રોજ સવારે જોઈને ઝાકળ પૂછવું કોને આટલું બઘું શીદ રડ્યાં છો ?
કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યાં છો.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved