Last Update : 25-April-2012, Wednesday

 

ઇન્જેક્શન

ડાર્ક સિક્રેટ્‌સ - રાજ ભાસ્કર

- વાત ત્યાં ગુંચવાય છે કે ડૉ. મહેતાને અપાયેલા ચાર ઇન્જેક્શનો કોણ લાવ્યું અને ક્યાંથી ?

ભાગ-૨

 

વહી ગયેલી વાત...
(જીવન સાર્વજનિક હોસ્પિટલના ચીફ ડોક્ટર ડૉ. આર.સી.મહેતા એમની કેબીનમાં ચાર ઝેરી ઇન્જેક્શનો લઈને આત્મહત્યા કરી લે છે. તેમના પ્રિન્ટર પરથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે જેમાં લખ્યું હોય છે કે એમનો દીકરો સાયન્સમાં બે વાર ફેઈલ થયો એના આઘાતમાં એમણે આત્મહત્યા કરી છે. પણ ઘેલાણીને આ વાત ગળે નથી ઉતરતી. એ તપાસ કરે છે. જે ઇન્જેક્શનોથી એમની હત્યા થઈ હોય છે એ એમની હોસ્પિટલમાં જ વપરાતા હોય છે. એ રૂમમાં ડેપ્યુટી ચીફ ડૉ. ગૌતમ, ડૉ. સિતાંશુ, ડૉ. સુસ્મિતા અને સિનિયર નર્સ નિશા સિવાય કોઈની અવરજવર નથી હોતી. ઘેલાણી બધાની વિગતવાર પૂછપરછ કરે છે પણ કંઈ નક્કર નથી મળતું. હવે આગળ...)


ડૉ. મહેતાના ખૂનને અઠવાડિયું વીતી ગયું હતું. જોકે હોસ્પિટલના સ્ટાફ માટે તો હજુ એ આત્મહત્યા જ હતી. પણ ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ બહુ જ ગંભીરતાપૂર્વક આ કેસની છણાવટ કરી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઘેલાણીને યકીન હતો કે ડૉ. મહેતાનું મર્ડર જ થયું છે. તેઓ એ કેસની આસપાસના તાણાવાણાનું બહુ બારીકાઈથી નીરીક્ષણ કરી રહ્યા હતા.
બપોરના અઢી થયા હતા. અકોલી પોલીસ સ્ટેશનની વળેલા પાયાવાળી ખુરશીમાં નાથુ ભોજન પછીના ઝોકાં ખાઈ રહ્યો હતો. એના માટે બપોરની ઊંઘ એ ભોજન પછીનો મુખવાસ હતી. આ મુખવાસ વગર ન તો એને ચાલતું, ન તો ઘેલાણીને, નાથુએ એક દીર્ધ અને ઘોંઘાટીયું નસકોરું બોલાવ્યું એ જ સમયે ઇન્સ્પેક્ટર ઘેલાણીની એન્ટ્રી થઈ. આવતાં વેંત એમણે નાથુને બુમ પાડી,
‘અલ્યા ઊંઘી ગ્યો કે શું ?’
‘ના, ના સાહેબ જાગું છું !’ નાથુ સફાળો જાગતા બોલ્યો.
‘જા, ચા કહી આવ ! આજ તો થાકીને લોથપોથ થઈ ગયો. ડૉ. મહેતાએય ક્યાં છેક ગામના છેડે બંગલો રાખ્યો છે. આવવા જવામાં જ અડધી જંિદગી તો ખર્ચાઈ જાય.’
ઘેલાણી બોલતા હતા એ દરમિયાન નાથુ મોં ધોઈને ચા કહી આવ્યો. ચા આવી એટલે બંને સામસામે ચા પીવા ગોઠવાયા, નાથીને પૂછ્‌યું, ‘ડૉ. મહેતાના ઘરે ગયા હતા ? શું કંઈ નવું જાણવા મળ્યું ?’
‘નવું તો ખાસ કંઈ નહીં. પણ એના પરિવારના લોકો અને ઘરબાર પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ડૉ. મહેતા છોકરો ફેઈલ થાય એવી નાનકડી વાતમાં આત્મહત્યા તો ના જ કરે. એના ઘરવાળા પણ એ જ કહે છે. એમને પણ શક છે કે માનો કે ડૉ. મહેતાનું મર્ડર જ થયું છે. એમને એક વ્યક્તિ પર શક છે. અને એમને જે વ્યક્તિ પર શક છે એ જ વ્યક્તિ પર મને પણ શક છે. મને એને લગતો એક પુરાવો પણ ડૉ. મહેતાના ઘરેથી મળ્યો છે.’
‘કોણ છે એ વ્યક્તિ ?’
‘એ પછી વાત.’
‘સાહેબ, આ વખતે તમે ખોટા પડશો એમ લાગે છે. મને તો કોઈ એંગલથી નથી લાગતું કે ડૉ. મહેતાનું ખૂન થયું હોય !’
‘નાથુ, તો તો તારે મગજની તપાસ કરાવવાની જરૂર છે. ડૉ. સિતાંશુને મળજે. એકાદું માઈસ્ટેરોલનું ઇંજેક્શન આપી દે તો તારું મગજ કદાચ કામ કરતું થાય.’
‘એનાથીયે નહીં મેળ પડે. તમારે સમજાવું જ પડશે.’
‘તો હું સમજાવું. જો ડૉ. મહેતાની લાશ તેં પણ જોઈ છે અને મેં પણ. ડૉ. મહેતાના જમણા હાથમાં ઇંજેક્શન મારેલું હતું અને એ ખૂરશીના ટેકાની આસપાસ અડધો લટકતો હતો. જ્યારે ડાબા હાથમાં ઇંજેક્શન હતું અને એ હાથ આખે આખો નીચે લબડતો હતો. આપણને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જ જાણવા મળ્યું છે કે આ ઇંજેક્શન લીધાની ચાર-પાંચ મિનિટમાં જ માણસ તરફડી તરફડીને ઘુ્રજી ઘુ્રજીને મૃત્યુ પામે છે. જો ડૉ. મહેતાએ જાતે ઇંજેક્શન માર્યું હોય તો એ તરફડ્યા હોય, ઘુ્રજ્યા હોય. એ સંજોગોમાં એમના હાથમાં ઇંજેક્શન ટકી જ ન શકે. એ પણ જે રીતે માર્યું હતું એ જ પોઝિશનમાં તો ન જ ટકી શકે. પહેલીવાર મને ત્યાં જ શક ગયો.’
‘હંઅ... વાત તો કંઈક ઠીક છે, પણ આટલી અમથી વાત પરથી મર્ડર થયું છે એ તો નક્કી ન જ થાય.’
‘આટલી જ નહીં, બીજી પણ અનેક વાતો છે. જેમકે આપણે એમના રૂમમાંની બધી વસ્તુઓ પરથી ફીંગર પ્રિન્ટસ લીધી. આપણને ડૉ. મહેતાના કોમ્પ્યુટર પર પત્ર પણ ટાઈપ કરેલો જોવા મલ્યો. અને એની પ્રિન્ટ પણ જોવા મલી. પણ વાત ત્યાં અટકે છે કે કોમ્પ્યુટરના કી-બોર્ડ પર કે પ્રિન્ટર પર ક્યાંય એમના આંગળાની છાપ નથી. જો લેટર એમણે જ ટાઈપ કર્યો હોય તો છાપ હોય, હોય અને હોય જ. પણ એમના બદલે બીજા કોઈએ મોજા પહેરીને આ કામ કર્યું છે એટલે ક્યાંય છાપ જોવા મળતી નથી. આવું આખા રૂમમાં છે. ગુનેગારે મોજાં પહેરીને કામ કર્યું છે છતાં જેમ બને એમ બધેથી છાપ ભૂંસી નાંખી છે. અને એની એ ભૂલે જ મને માનવા માટે મજબુર કર્યો કે આ આત્મહત્યા નથી મર્ડર છે.’
‘વેરી ગુડ સર... જોરદાર બુદ્ધિ છે તમારી તો.’
‘વો તો હૈ હી... પણ તું ય હવે તારી બુદ્ધિને થોડીક ધાર કાઢ. હું તને એક-બે કામ સોંપું છું એ તારે આવતી કાલ સાંજ સુધીમાં જ પતાવી દેવાના છે !’
‘ફિકર નોટ સાહેબ, મેં હૂં ના ! તમારાં કામ ચપટીમાં પતિ જશે. પણ એ તો કહો કે તમને શક કોના પર છે ?’
‘આમ તો સ્ટોર રૂમની ચાવી રાખતા ચારે ચાર લોકો શકના દાયરામાં છે. એક તો ડૉ. ગૌતમ પટેલ પણ હોઈ શકે. એ માણસ થોડોક પોલીટિક્સ બાજ હોય એવું લાગે છે. ડૉ. મહેતાની હાજરી એની પ્રગતિમાં આડે આવતી હતી. એ હોય ત્યાં સુધી એ ચીફ ડોક્ટર ના બની શકે. કદાચ એણે જ એમનો કાંટો દૂર કરી નાંખ્યો હોય. બીજી છે સિનિયર નર્સ નિશા. એની જબાવીમાં બહુ ફર્ક પડે છે. બની શકે કે એ પણ હોય અને ત્રીજા અને ચોથા નંબરે ડૉ. સિતાંશુ અને ડૉ. સુસ્મિતા. એ બંને એક બીજાને ચાહે છે. લગ્ન કરવા માંગે છે. પણ ડૉ. મહેતા જ એમાં આડખીલી રૂપ હતા. અને તને તો ખબર છે કે પ્રેમને પામવા માણસ પોતાનો જીવ દઈ દે છે તો પછી બીજાનો લઈ લે એમાં તો નવાઈ જ શી ?’
‘તો પછી વાત અટકી છે ક્યાં ?’
‘વાત અટકી છે હજુ ઇંજેક્શન પર જ ! મને એ જ નથી સમજાતું કે ડૉ. મહેતાને અપાયેલા ઇંજેક્શન આવ્યા ક્યાંથી ? મેં ઘણી બધી તપાસ કરી લીધી છે. એ ડાયરેક્ટ બજારમાંથી ખરીદી શકાય એમ નથી. ઇવન કોઈ ડોક્ટર જઈને માંગે તો પણ મળે એમ નથી. એને ખરીદવાની એક કાયદાકીય પ્રોસેસ છે અને એ પ્રોસેસ મુજબ જ એ મળી શકે છે. માટે વાત ત્યાં ગુંચવાય છે કે ડૉ મહેતાને અપાયેલા ચાર ઇંજેક્શનો કોણ લાવ્યું અને ક્યાંથી ? જો એ હોસ્પિટલમાં જ કોઈકે લીધા હોય તો એનો સ્ટોક મળવો ના જોઈએ. પણ એ દિવસનો એનો સ્ટોક પણ મળી જાય છે. જે તે દર્દીઓને ઇંજેક્શન અપાયું છે એ પણ સાબિત થઈ ગયું છે. બસ, આ ચાર ઇંજેક્શનોનો ભેદ ખુલી જાય કે એ ક્યાંથી આવ્યા છે તો બધો ખેલ પાર પાડી દઉં. એના પરથી ખ્યાલ આવી જશે કે કયો શકમંદ અસલી ગુનેગાર છે.’
‘ફિકર નોટ સાહેબ મૈં હું ના ! તમે ભલે ના કહો પણ હું તમને શોધી આપીશ. તમે થાપ ત્યાં ખાઈ ગયા કે સ્ટોક એ દિવસનો જ ચેક કર્યો. એ દિવસનો સ્ટોક મળી જાય છે. પણ કદાચ ખૂનીએ અગાઉથી કાવતરું કરી રાખ્યું હોય અને સ્ટોકમાંથી એક એક ઇંજેક્શન ગાયબ કરી નાંખ્યું હોય એમ પણ બને. બીજી વાત એ છે કે આ ચારે-ચાર ઇંજેક્શનો પર છ મહિનાની જ એક્સપાયરી ડેટ હોય છે. એટલે આપણે માત્ર હોસ્પિટલના છ મહિનાનો ડેટા જ ચેક કરવાનો રહેશે. જે હું એક દિવસમાં કરી દઈશ. તમતમારે આરામ કરો.’
‘વાહ નાથુ, તેં તો મારી ચંિતા હળવી કરી નાંખી. આ નાનકડી વાત તો મેં વિચારી જ નહોતી.’
‘ફિકર નોટ સાહેબ ! મૈં હું ના ! લાવો તમારા બાકીના કામનું લીસ્ટ પણ લાવો. બધા પતાવતો આવું.’ નાથુ ફોર્મમાં આવી ગયો હતો. એ રૂઆબથી ઊભો થયો. ઘેલાણીએ એના હાથમાં કામનું લીસ્ટ મૂક્યું અને એ લાંબી લાંબી ડાંફો ફરતો બહાર નીકળી ગયો. એના હાથમાં ડંડો હતો પણ ઘેલાણીને લાગ્યું જાણે શિકારને ફસાવવાની જાળ છે.
***
નાથુએ બીજા જ દિવસે ઘેલાણીને જોઈતી તમામ માહિતી એકઠી કરી આપી. એ પછી ત્રણ દિવસમાં તો ઇન્સ્પેક્ટરે ઘેલાણીને આખાય કેસનો વીંટો વાળી દીધો. આખરે એ સાચા ઠર્યા. ડૉ. મહેતાનું મર્ડર જ થયું હતું. અને કોણે કર્યું હતું એ પણ એમને ખ્યાલ આવી ગયો હતો. બધા જ પુરાવાઓ એકઠા કરીને એ પહોંચ્યા સીધા હોસ્પિટલ પર. નાથુ એમની સાથે જ હતો.
હોસ્પિટલના ત્રણ મેઈન ગેઈટ હતા. ત્રણે ત્રણ ગેઈટ અને અંદરના દરવાજાઓ પર પણ ઘેલાણીએ સાદા ડ્રેસમાં પોલીસોનો કાફલો ખડકી દીધો હતો.
ઘેલાણી અને નાથુ સૌથી પહેલા પહોંચ્યા ડૉ. ગૌતમની કેબીનમાં.
‘ડૉ. ગૌતમ તમને થોડાંક હેરાન કરવા આવ્યા છીએ. પણ શું થાય ફરજ ફરજ હોય છે. અમારી ફરજના લીધે તમારે તમારી ફરજમાંથી થોડી વાર મુક્ત થવું પડશે.’
‘હું કંઈ સમજ્યો નહીં ?’ ડૉ. ગૌતમ ગભરાઈ ગયા.
‘ડરો નહીં, હું તો એમ કહું છું કે તમારે તમારું કામ મુકીને થોડીવાર અમારા કામમાં મદદ કરવી પડશે.’
‘તો બરાબર ! બોલો શું સેવા કરું આપની ?’
‘પહેલાં તો ડૉ. સિતાંશુ, ડૉ. સુસ્મિતા અને નર્સ નિશાબહેનને અહીં બોલાવી લો.’
થોડી જ વારમાં ત્રણે ત્રણ ડૉ. ગૌતમ પટેલની વિશાળ કેબીનમાં આવી ગયા. ઘેલાણીને જોઈને બધાના કપાળે પરસેવો બાઝવા લાગ્યો હતો. પણ જ્યારે ઘેલાણીએ એમ કહ્યું કે, ‘ડૉ. ગૌતમ ! ડૉ. મહેતા સાહેબે આત્મહત્યા નહોતી કરી. એમનું મર્ડર થયું હતું એ વાત સાબિત થઈ ગઈ છે અને ગુનેગારપણ ઓળખાઈ ગયો છે’ ત્યારે એક જણના કપાળ પરનો પરસેવો બેવડાઈ ગયો હતો.
ઘેલાણીએ હળવાશથી આગળ વાત ચલાવી, ‘ડૉ. ગૌતમ, આપને જણાવતા મને દુઃખ થાય છે કે તમારામાંથી જ એક જણે ડૉ. મહેતાનું ખૂન કર્યું છે. અને એ પણ સાવ મામુલી કારણોસર. એ વ્યક્તિએ તમારી દવાઓના સ્ટોકરૂમમાંથી ઇન્જેક્શનો ચોરી લીધા અને ડૉ. મહેતાને ખતમ કરી દીધા.’
‘કોણ છે એ ?’
‘એ છે સિનિયર નર્સ નિશા !’ ઘેલાણીએ એકદમ ધીમેથી કહ્યું. ઘેલાણીના વાક્ય સાથે જ નિશાના ચહેરાનું લોહી ઉડી ગયું. એનું બોલકાપણું જાણે એકદમ ગાયબ થઈ ગયું. ડૉ. ગૌતમ, ડૉ. સિતાંશુ અને ડૉ. સુસ્મિતા આશ્ચર્યથી થોડીવાર ઘેલાણી સામે તો થોડીવાર નિશા સામે જોઈ રહ્યાં. કોઈને સમજાતું નહોતું કે આ બઘું શું થઈ રહ્યું છે. ઘેલાણી કયા બલબુતા ઉપર નિશાને ગુનેગાર ઠેરવી રહ્યાં છે.
આખરે ડૉ. ગૌતમે જ પૂછ્‌યું, ‘સર, એવું અમે કઈ રીતે માની લઈએ કે ડૉ. મહેતાનું ખૂન થયું છે અને એ સિસ્ટર નિશાએ જ કર્યું છે ?’
ઘેલાણી હસ્યા, ‘ડૉ. ગૌતમ ! એમનું ખૂન થયું છે એ તો એમની લાશ પરથી જ ખ્યાલ આવી જતો હતો. એ જાણે ઇંજેક્શન મારે અને ઇંજેક્શન એમના હાથમાંરહે એવું ન બને. વળી ક્યાંય એમના ફીંગર પ્રીન્ટસ પણ નહોતા. એમણે લખેલા લેટર પણ એમણે ટાઈપ નહોતો કર્યો. નિશાએ જ ટાઈપ કર્યો હતો.
મને એના પર શક ત્યારે ગયો જ્યારે એ વગર પૂછે મને કહેવા લાગી હતી કે, એ સવા આઠની બસમાં ઘરે ચાલી ગઈ હતી. અને આઠ વાગીને પિસ્તાલીસ મિનિટે તો પોતાના ઘરે પહોંચી ગઈ હતી. હું રૂટીન પૂછપરછ કરતો હતો એ દરમિયાન એના પર કોઈ પણ પ્રકારનો શક કે દબાણ કર્યા વગર જ એ એનો બચાવ કરવા લાગી હતી. બીજું કે એણે જે બસ નંબર કહ્યો હતો એ બસની એણે મને વગર માંગે ટીકીટ પણ બતાવી. ટુંકમાં એ સાબિત કરવા માંગતી હતી કે એ ખૂન વખતે અહીં હાજર નહોતી. શક જતાં મેં એણે જે બસ નંબર કહ્યો હતો એ બસ નંબર ૨૦૨ની તપાસ કરાવી. એ બસ એ દિવસે અડધે જતા જ ખોટકાઈ હતી અને પછી બીજી બસ મૂકવામાં આવી જ નહોતી. એટલે નિશા ખોટી હતી. એ બસમાં બેઠી હતી, ઘર સુધીની ટીકીટ પણ લીધી હતી પણ બીજા જ સ્ટેન્ડે ઊતરી ગઈ હતી અને હોસ્પિટલ પાછી આવીને ડૉ. મહેતાનું કાસળ કાઢી નાંખ્યું હતું. ડૉ. મહેતા આરામ ફરમાવી રહ્યા હતા એ દરમિયાન જ નિશાએ ઉપરાછાપરી ઇંજેક્શનો આપી દીધા. અને એમને પ્રતિકાર કરવાની તક પણ ના આપી. બસ ખોટકાઈ હતી એ એને ખબર જ નહોતી.
હવે રહી વાત એની પાસે ઇંજેક્શનો ક્યાંથી આવ્યા એ. મેં દવાઓના રજીસ્ટરમાં કોણે કોણે ક્યારે ક્યારે ઇંજેક્શનો કાઢ્‌યા હતા એ બધી તપાસ કરી. બાર ઇંજેક્શનોનું બોક્સ હતું, નિશાએ સાડા સાતે ત્રણ ઇંજેક્શનો કાઢ્‌યા, એ પછી ડૉ. સિતાંશુ એ ત્રણ કાઢ્‌યા, પછી સુસ્મિતાએ એક. એ બધો સ્ટોક મળી જતો હતો. એટલે એ દિવસે તો એકેય ઇંજેક્શન ચોરાયું નહોતું. પણ મારા સાથી નાથુની તર્કશક્તિએ કહ્યું કે ઇંજેક્શનો બહુ પહેલાં ચોરાયા હતા. મેં એને તપાસ કરવા મોકલ્યો. છેલ્લા છ મહિનાની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે નિશાએ ચાર ઇંજેક્શનો ખોટા દર્દીઓના નામે લઈ લીધા હતા. જે એણે સાચવી રાખ્યા હતા અને ડૉ. મહેતા પર ઉપયોગ કર્યો.’
સાંભળનારા સૌ અવાક હતા, ઘેલાણી થોડીવાર અટક્યા અને પછી બોલ્યા, ‘ડૉ. ગૌતમ સાહેબ, નિશા એની જુબાનીમાં જ માર ખાઈ ગઈ હતી. હું, તમે અને નાથુ ત્રણ જ જણ જાણતા હતા કે ડૉ. મહેતાને ચાર ઇંજેક્શનો આપવામાં આવ્યા છે. પણ નિશાને હું પહેલીવાર મળ્યો ત્યારે વગર પૂછે જ એણે કહ્યું હતું કે, ચાર-ચાર શીશીઓ શરીર જાય પછી કોઈ જીવતો ના જ રહે. બસ આટલા પુરાવા પૂરતા હતા. પણ છતાંય હું વધારે પૂરાવા માટે જ આટલા દિવસ મથતો હતો. અને મને એ મળી પણ ગયા. એક તો એણે હોસ્પિટલમાંથી આ ઇંજેક્શનો ચોર્યાનો રિપોર્ટ મળ્યો અને વધારામાં ડૉ. મહેતાના ઘરેથી મને એક માફીપત્ર મળ્યો. જેમાં નિશાના જ હસ્તાક્ષરો હતા. એ ડૉ. મહેતાના હાથે દવાઓ ચોરતા પકડાઈ ગઈ હતી અને ડૉ. મહેતાએ એની પાસે માફી પત્ર લખાવ્યું હતું. ડૉ. મહેતાએ તો નિશાની પહેલી ભુલ સમજી એને માફ કરી દીધી પણ નિશાએ એમને માફ ના કર્યા. એને એમનામાં એમનો દુશ્મન દેખાવા લાગ્યો. દવાઓ ચોરવાની વાત જાહેર ના થઈ જાય અને એની ચોરી બંધ ના થઈ જાય એટલા માટે એણે એમને ઇંજેક્સન આપીને ખતમ કરી દીધા.’
કેબીનમાં ઉપસ્થિત સૌ દિગ્મુઢ હતા. ઘેલાણીએ નિશાને પૂછ્‌યું, ‘નિશા ગુનો કબુલ કરે છે કે હજુ વધારે પુરાવાઓ આપું ?’
‘તમારી એક એક વાત સાચી છે સર !’ નિશા ધીમેથી બોલી અને તરત જ બહાર ભાગી. ઘેલાણી અને નાથુ સહિત બધા એની પાછલ દોડ્યા. પણ એટલી વારમાં તો એણે બાલ્કનીમાં જઈ નીચે છલાંગ લગાવી દીધી.
બધાએ નીચે નજર કરી. નિશા ચત્તીપાટ પડી હતી. એનું માથું ફાટી ગયું હતું અને લોહીનો રેલો જમીનમાં ભળી રહ્યો હતો. ઘેલાણી અને નાથુએ એકબીજા સામે જોયું. ફરીવાર જશની રેખાએ દગો દઈ દીધો હતો. હવે કમિશનર સાહેબનો ઠપકો અને મેમો બંને એમની રાહ જોઈ રહ્યા હતા.
(સમાપ્ત)

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved