Last Update : 25-April-2012, Wednesday

 

આતંકવાદ સામેની તપાસ સંસ્થા છેવટે રાજકીય આતંકનું કારણ બનશે
એનસીટીસીઃ કહીં પે નિગાહેં, કહીં પે નિશાના

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

- નવી એજન્સીની રચના સુચિત સુધારા વગર થાય તો એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ઘર્ષણનું નિમિત્ત બનશે

 

છ દાયકા પહેલાં જ્યારે બંધારણનું ઘડતર થઈ રહ્યું હતું ત્યારે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આટલા વિરાટ દેશની કેન્દ્ર સરકારને લોકસભામાં ૫-૧૫ બેઠકો ધરાવતા પ્રાદેશિક પક્ષો નાચ નચાવતા થઈ જશે. તાજેતરમાં વિવાદ જગાવી રહેલો રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કાયદો (એનસીટીસી) તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો છે એટલે સ્વાભાવિક રીતે જ તેમાં કોઈ કચાશ ન હોવી ઘટે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના નામે તેમાં રાજનીતિની બૂ પણ વર્તાય છે માટે બંધારણિય અધિકારોની ચકાસણી પણ થવી જરૂરી બની જાય છે.
એનસીટીસીના વિવાદના મૂળમાં કેન્દ્ર સરકારનું ગૃહમંત્રાલય અને વિપક્ષ શાસિત રાજ્ય સરકારો પોતપોતાની દલીલના સમર્થનમાં બંધારણની કલમો ટાંકે છે ત્યારે બંધારણે બક્ષેલા અધિકારોની ફેરતપાસ આવશ્યક બની જાય છે. બંધારણે સમવાયતંત્રની રચના વડે કેન્દ્ર-રાજ્યના સંબંધોનું ત્રાજવુ સમતોલ રાખવા બંનેની ફરજો અને અધિકારો વિશે બહુ સ્પષ્ટતા દાખવી છે. બંધારણના સાતમા પરિચ્છેદમાં રાજ્યોને તેમના કાર્યક્ષેત્રમાં કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાંક અધિકારો અપાયા છે, જેમાં કેન્દ્રનો હસ્તક્ષેપ ત્યાજ્ય ગણાવાયો છે. એ જ રીતે, સાતમા પરિચ્છેદની પેટા કલમ ૩ અનુસાર કેન્દ્રને દેશના કાયદા ઘડવા તેમજ રાષ્ટ્રીય સલામતી સંબંધિત દરેક નિર્ણયો લેવાનો અધિકાર પણ અપાયો છે.
વિપક્ષ શાસિત રાજ્ય સરકારો એનસીટીસીના નામે કેન્દ્ર સરકાર રાજ્યોમાં દખલ દેવા માંગે છે તેમજ રાજ્યોના અધિકાર છીનવવા માંગે છે એવી દલીલ આગળ ધરે છે ત્યારે કેન્દ્ર સરકાર બચાવમાં બંધારણનો જ હવાલો ટાંકે છે. ગૃહ મંત્રાલયની દલીલ એવી છે કે ૧૯૬૭માં થયેલા બંધારણિય સુધારાની કલમ ૪૩(અ) અનુસાર કેન્દ્ર સરકારને જે તે રાજ્યોમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ રાષ્ટ્રીય હિતમાં રોકવાની અને તેમાં ધરપકડ અને તપાસ સહિતની સત્તા મળેલી છે. સ્વાભાવિક રીતે જ બિનકોંગ્રેસી રાજ્યોને પોતાના આ અધિકાર પર તરાપ લાગે છે. પરિણામે, મમતા બેનર્જીની આગેવાની હેઠળના બિનકોંગ્રેસી મુખ્યમંત્રીઓએ વ્યાપક વિરોધ દર્શાવતાં વઘુ એક વખત એનસીટીસીની બેઠક મે મહિનાના પ્રથમ સપ્તાહ પર મુલતવી રહી છે.
આટલા વિવાદ છતાં આ કાયદો લાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ કેમ છે તેના કારણોય વિવાદના સંદર્ભે ચકાસવા જેવા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ગૃહમંત્રાલય સંભાળ્યું ત્યારથી તેમણે આતંકવાદને ધાર્મિક ધોરણે વ્યાખ્યાયિત કરવાનો ‘સંનિષ્ઠ’ પ્રયાસ આદર્યો છે. માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં સાઘ્વી પ્રજ્ઞા અને અસીમાનંદ જેવા હિન્દુઓની ધરપકડ પછી પી. ચિદમ્બરમે અનેક વખત ‘હિન્દુ આતંકવાદ’ શબ્દને વારંવાર ઉછાળ્યો છે. કબૂલ કે, રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ધર્મની પરહેજ ન હોવી ઘટે પરંતુ આતંકવાદને કદી ધર્મ નથી હોતો એ પણ ન ભૂલવું ઘટે. જો અસીમાનંદ અને ઓસામા બિન લાદેન એકસરખી ભૂમિકા પર ઊભા રહે તો તેમને હિન્દુ કે મુસ્લિમ જેવા ધર્મસૂચક લેબલ મારવાની કોઈ જરૂર રહે નહિ. કમનસીબે ગૃહમંત્રી એ કરી ચૂક્યા છે. ભાજપ શાસિત રાજ્યોને સ્વાભાવિક રીતે જ એનસીટીસીની રચના પાછળ ગૃહમંત્રીના મલિન ઈરાદાની ગંધ આવે છે.
જોકે ગૃહ મંત્રાલયે તેની સફાઈ પણ આપી જ દીધી છે. ૯-૧૧ના હુમલા પછી અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા વઘુ મજબૂત કરવાના આશયથી એનસીટીસી જેવો કાયદો પસાર કરીને ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ને વઘુ સત્તાઓ આપી હતી. પરંતુ અમેરિકાએ ફેડરલ માળખાના સ્વરૂપને હાનિ ન પહોંચે તેની પૂરતી કાળજી રાખી છે. એફબીઆઈને શંકા જાય તેવા લોકો પર નજર રાખવાના તબક્કાથી ધરપકડ સહિતના દરેક સ્તરે રાજ્યોને વિશ્વાસમાં લેવાની જોગવાઈ એમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ કાયદાની રચના માટે ૨૬-૧૧ના મુંબઈ હુમલાનો હવાલો આપ્યો છે. એ વખતે રાજ્ય અને કેન્દ્રની દરેક જાસુસી સંસ્થાઓ વચ્ચે તાલમેલ જળવાયો ન હતો પરિણામે માહિતી હોવા છતાં તેનું યોગ્ય અને સમયસર અર્થઘટન થઈ શક્યું નહિ પરિણામે કસાબ કંપની મુંબઈ પર હુમલો કરીને ૧૬૦ જેટલા કમનસીબોના ઢીમ ઢાળી દેવામાં સફળ રહી.
એનસીટીસી વડે ફરીથી આવી ભૂલ ન થાય તેવો હેતુ હોવાનો કેન્દ્ર સરકાર દાવો કરે છે પરંતુ તેમાં પાયાના કેટલાંક સુધારા ચૂકી જવાયા છે. કેન્દ્ર સરકાર ધરપકડનો અધિકાર મેળવી લેવા ઉત્સુક છે પરંતુ રાજ્યોના સીઆઈડી અને કેન્દ્રિય ઈન્ટેલિજન્સ બ્યૂરો વચ્ચે તાલમેલ જળવાય તેની એમાં કોઈ જોગવાઈ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી. મમતા બેનર્જીએ પ્રથમ બેઠક ટાણે આ અંગે સુધારો સુચવ્યો ત્યારે બીજી બેઠકમાં એ લાગુ કરી દેવાશે એવું વચન આપી દેવાયું હતું. પરંતુ ગત અઠવાડિયે એ અંગે સુધારાનો એક શબ્દ લાગુ ન કરાયેલો જોઈને મમતા સહિતના બિનકોંગી મુખ્યપ્રધાનોએ વિરોધ કર્યો. એનસીટીસીનો ભારતીય ધારો જો અમેરિકન કાયદાનું સીઘું જ અનુકરણ હોત તો પણ રાજ્યોનો વિરોધ મોળો પડી ગયો હોત. પરંતુ કાયદામાં બીએસએફ, સીઆરપી જેવા સીધા કેન્દ્રની સુચનાનું પાલન કરતાં દળોને ધરપકડની સત્તા આપી હોવાથી રાજ્યોને તે પોતાના હક પર તરાપ લાગવાનો તેમજ કેન્દ્ર સરકાર આ કાયદા વડે રાજ્ય સરકારોને ઉથલાવવાનો મનસૂબો સેવતી હોવાની શંકા જાગે છે. આ સંજોગોમાં હાલ સીબીઆઈનો જે રીતે રાજકીય દુરુપયોગ થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો છે એ જ દૌર એનસીટીસી માટે પણ શરૂ થઈ જાય એવી શક્યતા હાલ બળવત્તર જણાય છે. જો ખરેખર આ નવી એજન્સીની રચના વડે રાષ્ટ્રીય સુરક્ષા વઘુ સઘન બનાવવાનો જ કેન્દ્ર સરકારનો ઈરાદો હોય તો ગૃહ મંત્રાલયે અમેરિકી એનસીટીસીનો સઘન અભ્યાસ કરવાની આવશ્યકતા છે.
અમેરિકી એનસીટીસીના વડા તરીકે એફબીઆઈના ડિરેક્ટરને જ સ્થાન મળે છે આમ છતાં સમગ્ર એજન્સી સ્વાયત્ત સંસ્થા છે. તેનું મુખ્ય કામ ફેડરલ સ્ટેટ તરફથી મળતી ખુફિયા માહિતીને એકત્રિત કરીને તેનું તાત્કાલિક વિશ્વ્લેષણ કરવાનું છે તેમજ જોખમ ભણી તરત જ વ્હાઈટ હાઉસના આંતરિક સુરક્ષા વિભાગને સુચિત કરવાનું છે. આ વ્યવસ્થામાં ફેડરલ સ્ટેટ અને એનસીટીસી પરસ્પર ક્યાંય ટકરાતા નથી તેમ છતાં પરસ્પરના તાલમેલ વગર કામ પણ કરી શકે તેમ નથી.
વળી, અમેરિકી એનસીટીસીને ધરપકડ કે તપાસના કોઈ જ અધિકારો નથી. તેનું કામ ફક્ત આંતરિક અને સરહદી સુરક્ષા સંબંધિત ખુફિયા માહિતી એકત્ર કરવાનું, તેનું વિશ્વ્લેષણ કરીને તારણો પર આવવાનું તેમજ જોખમો ભણી આંગળી ચંિધવાનું છે. ભારતીય સુચિત એજન્સી સામે વિરોધનું કારણ એ છે કે તેણે ઈન્ટેલિજન્સ બ્યૂરોની દેખરેખ અને સીધી સુચના હેઠળ કામ કરવાનું છે, જ્યારે ઈન્ટેલિજન્સ બ્યૂરો પોતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને વફાદાર છે. આ ઉપરાંત કેન્દ્રીય સુચના હેઠળના અર્ધલશ્કરી દળોને રાજ્યોમાં ધરપકડનો અધિકાર પણ કેન્દ્ર સરકાર આપવા માંગે છે.
પરિણામે, હાલ તો બિનકોંગ્રેસી રાજ્યોનો વિરોધ વજુદસભર જણાય છે. ગૃહમંત્રી પી. ચિદમ્બરમે અત્યાર સુધી દરેક વખતે કરેલા વિધાનોમાં ક્યાંય નમતું જોખવાનો તો ઠીક, રાજ્યોના હક જાળવવા માટે ગંભીરતાપૂર્વક વિચારવાનો પણ નિર્દેશ આપવાનું ટાળ્યું છે. સ્વાભાવિક રીતે જ તેઓ પોતાના અધિકારના નામે આ કાયદો લાવવા ઈચ્છે છે અને કોઈપણ ભોગે લાવવા કટિબદ્ધ પણ જણાય છે. પરંતુ તેના માળખામાં રહેલી વ્યાપક ક્ષતિઓ જોતાં એનસીટીસી વડે બંધારણિય અધિકારોનો ભંગ થતો હોવાનો ભય જરાય અસ્થાને નથી. કોઈપણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોય કે બિનકોંગ્રેસી સરકાર હોય, આ નવી એજન્સીની રચના સુચિત સુધારા વગર થાય તો આજે કે કાલે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ઘર્ષણનું નિમિત્ત બનશે એ નિશ્ચિત છે.
એ સંજોગોમાં આતંકવાદ સામે રાષ્ટ્રને ભયમુક્ત કરવા જતાં રાજકીય ક્ષેત્રે આતંક સર્જાય તેવી શક્યતા અત્યારે બળવત્તર જણાય છે.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved