નીતુ ચંદ્રાએ પ્રિયંકા,દીપિકા સોનમ પાસેથી 'હોમ સ્વીટ હોમ'ફિલ્મ આંચકી લીધી

 

 

ધીરગંભીર પણ આત્મવિશ્વાસથી ભરપૂર એવી ભારતીય નારીની ભૂમિકા માટે તેની પસંદગી થઇ

 

મુંબઇ તા.૨૪

 

અભિનેત્રી નીતુ ચંદ્રા એક ગ્રીક ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહી છે. 'ધ લાસ્ટ હોમકમિંગ' ફિલ્મની ગ્રીક નિર્માત્રી કિરીયાકોસ ટોફારિડીસની આ ફિલ્મનું નામ 'હોમ સ્વીટ હોમ' છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે નિર્માત્રીએ પ્રિયંકા ચોપરા, દીપિકા પદૂકોણ અને સોનમ કપૂરએ ત્રણમાંથી કોઇ એકને લેવાનું વિચાર્યું હતું. પરંતુ આ ત્રણે અભિનેત્રીઓને મ્હાત આપીને આ રોલ નીતુએ મેળવી લીધો છે.

 

 

આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે નિર્માત્રી કિરીયાકોસને ચાર વરસ લાગ્યાં હતા. તેણે કહ્યું હતું કે, 'મને એક એવી અભિનેત્રીની જરૃર હતી જે મારી ફિલ્મમાં ધીર-ગંભીર પરંતુ આત્મવિશ્વાસુ ભારતીય યુવતીનો રોલ કરી શકે અને એ માટે નીતુ મને યોગ્ય લાગી હતી. આ ફિલ્મમાં એકશન દ્રશ્યો પણ ઘણા છે અને નીતુએ ૧૧ વરસ સુધી માર્શલ આર્ટસની તાલીમ લીધી છે તેમ જ તે એક સારી કથ્થક નૃત્યાંગના પણ છે તેથી આ પાત્ર માટે તે એક યોગ્ય પસંદગી છે.'

 

આ બાબતે વાત કરતાં નીતુએ જણાવ્યું હતું કે, 'આ રોલ મેળવવા માટે આનાથી વધુ સારો સમય ન હોઇ શકે. કારણ કે અત્યાર સુધી મારે ઘણી બધી નકારાત્મક પબ્લિસિટી અને વિવાદોનો સામનો કરવો પડયો છે. હાલમાં હું ગ્રીક ભાષા શીખી રહી છું. આ ફિલ્મમાં હું એક એવી ભારતીય યુવતીનું પાત્ર ભજવી રહી છું જેની પાછળ ત્રણ માણસો લટ્ટુ બની જાય છે. એમાંના બેન ગ્રીક છે અને એક હોલીવૂડનો અભિનેતા છે.'

 

આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાના પ્રથમ સપ્તાહથી સાયપ્રસમાં શરૃ થશે અને ફિલ્મ અંગ્રેજી અને ગ્રીક એમ બંને ભાષામાં ફિલ્માવાશે.