મુંબઇમાં અભિનેતાઓના ઘેર બે મહિનાથી પાણી જ નથી આવતું

-ઋત્વિક જેવી હસ્તીઓએ બુસ્ટરથી પાણી ખેંચી કામ ચલાવવુ પડે છે

 

મુંબઇ, તા.૨૪

 

 

જૂહુ જેવા પોશ વિસ્તારના ઓછામાં ઓછા ૨૦ મકાનો છેલ્લા સાત અઠવાડિયાથી પાણી પુરવઠાની સખત તંગીનો સામનો કરી રહ્યા છે. અને બીએમસીએ આ મકાનોના રહેવાસીઓની તકલીફો દૂર કરવા કાંઇ નથી કર્યું. આ વિસ્તારમાં જૂહુ સ્કીમના રોડ નં. ૧૧ અને ૧૨માનું એક્ટર હૃતિક રોશન, ડેની ડેગઝોંગપ્પા સદગત ફિલ્મસર્જક પ્રકાશ મેહરાના પુત્રો અને બિલ્ડર વિકી ઓબેરોય જેવી ઘણી હસ્તીઓએ બુસ્ટર પંપ વાપરવાનો વારો આવ્યો છે. તેઓ પોતાના મકાનોની પાણીની ટાંકીમાંથી બુસ્ટર પંપ વડે પાણી ખેંચે છે.

 

 

રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારોના મકાનોમાં એમની ટાંકીઓની સ્ટોરેજ કેપેસિટીના ૨૫ ટકા જેટલો જ પાણી પુરવઠો આવવો હતો. એ હવે ઘટીને ૧૫ ટકા થઇ ગયો છે.

 

હૃતિકના મકાન પાલાઝિયોમાં પુરતો પાણી પુરવઠો આવવા માંડયો હતો પણ છેલ્લા બે દિવસથી ફરી ધાંધિયા શરૃ થઇ ગયા છે. 'છેલ્લા અઠવાડિયામાં અને પાણીનું ટેન્કર મગાવ્યું નથી, પણ અમને ચોક્કસપણે ટુંક સમયમાં ટેન્કરની જરૃર પડશે,' એમ જણાવતા પાલાઝિયોના એક રહેવાસીએ ઉમેર્યું હતું કે 'હવે, અમે બુસ્ટરનો ઉપયોગ ન કરીએ ત્યાં સુધી અમને પાણી મળતું નથી. બુસ્ટરથી પણ અમારા ઘરમાં પાણીની અડધી ટાંકી પણ ભરાતી નથી. 'અમે પાણીના ટેન્કરોને કારણે ટકી રહ્યા છીએ' એમ હેમા માલિનીના બંગલાની સામે આવેલા ચંદર વિલાના પરેશ શાહ કહે છે. બોલીવૂડની ડ્રીમ ગર્લના ઘર નજીક આવેલા બે મકાનો- ગોએન્કાઓની માલિકીના વિનાયક કુંજ અને શાંકુંતને સૌથી માઠી અસર થઇ છે.

 

આ વિસ્તારમાં ક્લિનીક ચલાવતા ડૉ. આશા નર્ડે રોજનું લગભગ રૃા. ૩૦૦૦નું પાણી ખરીદે છે.

 

જૂહુના ૧૨મા રોડ પર રહેતા બીના લાલવાનીએ જણાવ્યું હતું કે 'તાજેતરમાં બીએમસીના કેટલાક અધિકારીઓ સાથે નગરસેવક દિલીપ પટેલ મારા ઘરે આવ્યા હતા. તેમણે અમને એમ કહી દીધું હતું કે તમારી ટાંકીમાં પૂરતું પાણી છે,' એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે 'શું અમે સાત અઠવાડિયાથી પાણી માટે બરાડા પાડવા જેટલા મુરખ છીએ? અમારી ટાંકીમાં માત્ર દોઢ કલાક ચાલે એટલું પાણી છે. એ માટે, શું અમે જે વોટર ટેક્સ ભરીએ છીએ એમાં અમને કોઇ રિબેટ મળશે?

 

માર્ચમાં, નગરસેવક દિલીપ પટેલે રહેવાસીઓને એવી ખાતરી આપી હતી કે તમારી સમસ્યાનો બે દિવસમાં ઉકેલ આવી જશે. હવે પટેલ કહે છે કે આજકલ ઘણાં લોકોએ બુસ્ટર્સ વાપરવા પડે છે. 'મુંબઇની વસતિ ફાટફાટ થઇ રહી છે. ઉપરાંત, ઘણી પાઇપલાઇનોના લીકેજીસને કારણે એક દિવસ શહેરનો પાણી પુરવઠો પડી ભાંગશે' એમ તેઓ કહે છે.