૪૦ વર્ષમાં સંસ્કૃત પાઠશાળાની ગ્રાન્ટ વધારી જ નહોતી : મોદી

- સુરતમાં યોજાયેલા બ્રહ્મ સંમેલનમાં

 

- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો બ્રાહ્મણોને રિઝવવાનો પ્રયાસ

 

સુરત, તા.૨૪

 

ભૂતકાળમની સરકારે જ્યાં મતોના ઢગલા છે તેવા વિસ્તારોમાં આવેલી આશ્રમશાળાઓમાં દર વર્ષે ગ્રાન્ટમાં વધારો કર્યો પણ સંસ્કૃત પાઠશાળાની ગ્રાન્ટમાં છેલ્લા ૪૦ વર્ષમાં એકપણ પૈસાનો વધારો કર્યો નહોતો. આ ગ્રાન્ટમાં મારી સરકારે અનેકગણો વધારો કર્યો છે એમ સુરતમાં પૂણામાં યોગીચોકમાં યોજાયેલા બ્રહ્મ સંમેલનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

 

 

પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા બ્રહ્મ સંમેલનના મુખ્ય અતિથિ ગુજરાતના મુખ્યમંત્રીએ બ્રાહ્મણોને રિઝવવા માટે આદિવાસી વિદ્યાર્થીઓની આશ્રમ શાળાઓને મળતી ગ્રાન્ટ અને સંસ્કૃત પાઠશાળાને મળતી ગ્રાન્ટની સરખામણી કરી હતી. સમાજને જોડવાની વાતો કર્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષમાં આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટેની ગ્રાન્ટમાં સમયાંતરે વધારો કરવામાં આવે છે કારણ કે ત્યાં વોટના ઢગલા છે. પરંતુ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓની ગ્રાન્ટમાં એક પણ પૈસાનો વધારો કરવામાં આવ્યો નથી. આ ગ્રાન્ટમાં અનેકગણો વધારો મારી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

 

તેમણે કહયું કે, ભૂતકાળમાં ગુજરાતમાં એન્જીન્યરીંગના અભ્યાસ માટે માત્ર ૧૩ હજાર બેઠકો હતી. જેમાં ઘણી બેઠક અનામતમાં આવી જતી હોવાથી બ્રાહ્મણ તથા વાણીયાઓ તરફથી અમારા છોકરાઓને એડમીશન મળતું નથી તેવી ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ આપણે ગુજરાતમાં એન્જીન્યરીંગ માટે ૯૦ હજાર બેઠક કરી દીધી એટલે હવે બધાને જ એડમીશન મળી રહ્યાં છે. ભૂતકાળની સરકાર સમાજને લડાવીને સમાજના ટુકડે ટુકડાંમાં વહેચી નાંખતી હતી.

 

મુખ્યમંત્રીએ વધુમાં કહયું કે, શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી વ્યવસ્થાનો ક્યારેકને ક્યારેક અંત આવ્યો છે. પરંતુ આપણે શાસ્ત્ર દ્વારા પરંપરા પ્રસ્થાપિત કરી છે તેથી તે આજે પણ જીવીત છે. બ્રાહ્મણ દ્વારા ગોરવદાન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવા બ્રાહ્મણોના ગૌરવદાનનું ગૌરવ ગાન કરવું રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે અને તે હું કરી રહ્યો છું જેનાથી મને ગૌરવ થાય છે.

 

બ્રાહ્મણોની ભાષા એવી સંસ્કૃતની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત યુનિર્વસીટી સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સંસ્કૃત સમાચાર બંધ કરાવવાના પ્રયાસ સામે અમે લડત આપી હતી. ફરી વખત કેન્દ્ર સરકાર સંસ્કૃત સમાચાર બંધ કરાવવા માટે પ્રયાસ કરે તો તમારામાં રહેલા પરશુરામને જગાડજો. મે મણીનગરમાં વૈજ્ઞાાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું શિક્ષણ આપવા ભુદેવો માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ શરૃ કર્યું છે. જેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા યુવાનો વિદેશોના મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.

 

નરેન્દ્ર મોદીએ કહયું કે, સમગ્ર ભારતમાં ૧૨૦ મેગાવોટ સૂર્ય ઉર્જા પેદા કરવામાં આવે છે જ્યારે ગુજરાત દ્વારા આગામી પેઢીનો વિચાર કરીને ૬૦૦ મેગાવોટ વિજળી પેદા કરવાનું આયોજન કરાયું છે.