તેંડુલકરે ચંદીગઢમાં સાદાઇથી જન્મદિવસ ઉજવણી કરી

- પાર્ટીમાં પત્ની અંજલી અને મુંબઇ ઇન્ડિયન્સના સાથીઓ હાજર

 

- મનગમતી વેનિલા કેક કાપી

 

ચંદીગઢ,તા.૨૪

 

ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે ચંદિગઢમાં ખુબ જ સાદાઇથી તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસની પાર્ટીમાં તેંડુલકર અને તેની પત્ની અંજલીની સાથે મુંબઇ ઇન્ડિયન્સના સાથી ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. દરમિયાનમાં દેશભરમાં પણ ક્રિકેટ ચાહકોએ ભારે જોશ અને ઉત્સાહ સાથે 'ક્રિકેટ ગોડ'ના બર્થ-ડેને ઉજવ્યો હતો. તેંડુલકર ૩૯ વર્ષ પૂરા કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ્યો હતો.

 

તેંડુલકર હાલમાં તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના સાથીઓ સાથે પંજાબમાં છે અને તેઓ આવતીકાલે મોહાલીમાં હોમ ટીમનો સામનો કરવાના છે. આજે નેટ પ્રેક્ટિસ બાદ ટીમની હોટલમાં પરત ફરેલા મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ સાદાઇથી તેંડુલકરનો બર્થ ડે ઉજવ્યો હતો. તેંડુલકર તેની પત્ની અંજલી સાથે પાર્ટીમાં હાજર રહ્યો હતો અને તેણે કેક કાપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારવાની સિધ્ધિ પૂરી કર્યા બાદનો તેંડુલકરનો આ પ્રથમ જન્મદિવસ હોવા છતાં તેની ભવ્ય ઉજવણીનું આયોજન કરવાનું ખુદ તેંડુલકરે પસંદ કર્યું નહતુ.

 

જો કે દેશ-વિદેશમાં તેંડુલકરના ચાહકોએ તેમના સુપરસ્ટાર ખેલાડીના બર્થ-ડેની જોશભેર ઉજવણી કરી હતી. સોસિઅલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ સામાન્ય ચાહકોથી માંડીને સેલિબ્રિટીઝે તેંડુલકરને તેના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેંડુલકરે પણ તેના ચાહકોનો આભાર માન્યો હતો.ચંદીગઢમાં ગઇકાલે રાત્રે પણ તેંડુલકરના જન્મદિવસની પાર્ટી યોજાઇ હતી.પાર્ટીમાં તેંડુલકરે તેની મનગમતી વેનિલા કેક કાપી હતી. તેંડુલકરના જન્મદિવસની પાર્ટીમાં મુંબઇ ઇન્ડિયન્સના સાથી ખેલાડીઓ દિનેશ કાર્તિક, જેમ્સ ફ્રેન્કલીન, પ્રજ્ઞાાન ઓઝા, કિરોન પોલાર્ડ હાજર રહ્યા હતા. બોલીવુડ અભિનેતા રાહુલ દેવ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસને પણ તેંડુલકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.