Last Update : 24-April-2012, Tuesday

 

મમતા બેનરજી પોતે કાર્ટૂન કેરેકટરની જેમ કેમ વર્તી રહ્યાં છે ?

પશ્ચિમ બંગાળના બુદ્ધિજીવીઓ મમતા બેનરજીની આપખુદીથી નારાજ છે, પણ ગરીબ જનતા તેમનાથી ખુશ છે, કારણ કે મમતાએ તેમના લાભાર્થે અનેક યોજનાઓ શરૃ કરી છે

આપણા દેશમાં કેટલીક વ્યક્તિઓ ભૂલથી રાજકારણમાં આવી ગઈ છે. પશ્ચિમ બંગાળનાં ફાયર બ્રાન્ડ મુખ્ય પ્રધાન મમતા બેનરજી તેમાંનાં એક છે. તાજેતરમાં 'ટાઇમ' મેગેઝિને વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાલી વ્યકિતઓની યાદીમાં મમતા બેનરજીનો સમાવેશ કર્યો છે, જેનાથી પુરવાર થાય છે કે મમતા બેનરજીનું વ્યકિતત્વ લાખો નહીં પણ કરોડો લોકોને પ્રભાવિત કરી શકે તેવું છે. મમતા બેનરજી વિરોધ પક્ષનાં સફળ નેતામાંથી મુખ્ય પ્રધાન બની ગયાં છે. ઘણી વખત તેઓ ભૂલી જાય છે કે તેઓ એક રાજ્યનાં જવાબદાર મુખ્ય પ્રધાન છે. મમતા બેનરજીને ડેમોક્રસીથી કામ કરવાની પદ્ધતિ માફક આવતી નથી. તૃણમૂલ કોંગ્રેસ પક્ષમાં અને પશ્ચિમ બંગાળની સરકારમાં મમતા બેનરજી જે કહે એ આખરી શબ્દ ગણાય છે. તેમાં ભિન્ન મતને કે વાદવિવાદને કોઇ અવકાશ હોતો નથી. મમતા બેનરજી કરતાં ભિન્ન મત ધરાવવાને કારણે દિનેશ ત્રિવેદીને કેન્દ્રના રેલવે પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. મમતા બેનરજી ઉપર કટાક્ષ કરતું કાર્ટૂન દોરીને તેને ફેસબુક ઉપર અપલોડ કરનારા એક પ્રોફેસરને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને બીજા પ્રોફેસરનું શું થશે તે ખબર નથી. હકીકતમાં મમતા બેનરજી પોતે કાર્ટૂન કેરેકટરની જેમ વર્તી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજકાલ કાર્ટૂનો અને પ્રોફેસરો સમાચારમાં સતત ચમકી રહ્યા છે. મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળની પ્રજા બુદ્ધિજીવી છે અને સ્વતંત્ર મિજાજ ધરાવે છે. ભારતના સ્વતંત્રતાના આંદોલનનો પ્રારંભ બંગાળની ભૂમિ ઉપર થયો હતો. ભારતનાં બે રાષ્ટ્રગીતો 'જન ગણ મન' અને 'વંદે માતરમ્' પણ બંગાળના કવિઓની દેન છે. પશ્ચિમ બંગાળની પ્રજા પોતાના અભિવ્યકિત સ્વાતંત્ર્યના અધિકારની રક્ષા માટે મરી ફિટવા પણ તૈયાર હોય છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં સત્તા ઉપર આવ્યાં તેમાં બુદ્ધિજીવીઓનો બહુ મોટો ફાળો છે. હવે પોતાની અસહિષ્ણુતાથી અને આપખુદીથી કામ કરવાની પદ્ધતિથી મમતા રાજયના નહીં પણ દેશભરના બુદ્ધિજીવીઓને નારાજ કરી રહ્યા છે. અગાઉ જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મહાપાત્રે મમતા બેનરજીનું તથાકતિત અપમાનજનક કાર્ટૂન દોરીને તેને ફેસબુક ઉપર અપલોડ કર્યું એ બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મમતા બેનરજી આ પ્રોફેસર ઉપરાંત ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગની સાઇટ ઉપર એટલા રોષે ભરાયાં હતાં કે તેમણે કેન્દ્ર સમક્ષ આવી વેબસાઇટો ઉપર અંકુશ લાવવા માટે કડક પગલાંની માંગણી કરી હતી.
હવે મિદનાપોરની મેડિકલ કોલેજના એક પ્રોફેસર બિક્રમ શાહે પોલીસમાં વિચિત્ર ફરિયાદ કરી છે કે તેમની ઉપર બે વ્યકિતઓ દ્વારા મમતા બેનરજીનું એક કાર્ટૂન મોકલવામાં આવ્યું છે, જેમાં મમતાના ધડ ઉપરનું માથું ગાયબ છે. આ કાર્ટૂન નીચે પંચ લાઇન લખવામાં આવી છે કે 'મમતાએ પોતાનું માથું ગુમાવી દીધું છે.' અંગ્રેજી ભાષામાં 'માથું ગુમાવી દેવું' તેનો અર્થ 'દિમાગ ગુમાવી દેવું' એવો થાય છે. આ પ્રોફેસરે કરેલી ફરિયાદ મિદનાપોરની પોલીસે રજીસ્ટર કરી છે. પણ આ કાર્ટૂન દોરનારાઓ સામે હજી સુધી કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. પોલીસ ફરિયાદને પગલે આ કાર્ટૂન પણ પ્રસાર માધ્યમો સુધી પહોંચી ગયું છે. અને તેને બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવી છે. પોલીસમાં ફરિયાદ નોંધાવનારા પ્રોફેસરનો ઇરાદો કાર્ટૂન મોકલનારને સજા કરાવવાનો હતો કે કાર્ટૂનને પ્રસિદ્ધિ અપાવવાનો હતો એ સમજાતું નથી.
કોલકાતાની પોલીસે મમતા બેનરજીનું કાર્ટૂન ચિતરનારા પ્રોફેસર અંબિકેશ મહાપાત્રની ધરપકડ કરી તેના ઉગ્ર પ્રત્યાઘાતો પશ્ચિમ બંગાળમાં પડયા હતા. લોકોએ પોતાનો રોષ ઠાલવવા ફેસબુકના માધ્યમનો છૂટથી ઉપયોગ કર્યો હતો. ફેસબુક ઉપર મમતા બેનરજીની વિરુદ્ધમાં અનેક સંદેશાઓનો મારો ચાલ્યો હતો. પશ્ચિમ બંગાળની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ મમતાની વિરુદ્ધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. મમતા બેનરજીએ ફેસબુકના સંચાલકો સમક્ષ ફરિયાદ કરીને તેમની વિરુદ્ધના સંદેશાઓ રદ કરાવ્યા હતા, પણ એક સાઇટ ઉપરથી આ સંદેશો દૂર થાય કે બીજી અનેક સાઇટો ઉપર તે શરૃ થઇ જાય છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંઘવીને પણ તેમની તથાકથિત સીડીને ઇન્ટરનેટ ઉપર પ્રસારિત થતી અટકાવતા નાકે દમ આવી ગયો હતો, કારણ કે ઇન્ટરનેટનું માધ્યમ કોઇના અંકુશમાં નથી.
અમેરિકાના 'ટાઇમ' મેગેઝિને તાજેતરમાં વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યકિતઓની યાદીમાં મમતા બેનરજીનો સમાવેશ કર્યો છે. આ મેગેઝિન દ્વારા આ ૧૦૦ વ્યકિતઓને તારીખ ૨૪મી એપ્રિલે ન્યુ યોર્કમાં ડિનર માટે આમંત્રિત કરવામાં આવી છે. મમતા બેનરજીએ આ નિમંત્રણ ઠુકરાવી દેતાં એવું કારણ આપ્યું છે કે તેઓ ૨૪મી એપ્રિલે બહુ વ્યસ્ત છે. હકીકતમાં મમતા બેનરજી પોતાના મિજાજને કારણે આ પ્રકારની પાર્ટીઓમાં સામેલ થવાનું પસંદ કરતા નથી. આ દિવસે તેઓ માઓવાદીઓથી ભરેલા લાલગઢ વિસ્તારમાં એક વિકાસ પ્રોજેકટનું ઉદ્ધાટન કરવાનાં છે. તેમના મતે 'ટાઇમ' મેગેઝિનની ડિનર પાર્ટી કરતાં ગામડાંના પ્રોજેકટનું વધુ મહત્વ છે. આ કારણે જ પ્રસાર માધ્યમોની પરવા કર્યા વિના તેઓ પોતાની ધૂન પ્રમાણે કામ કરવામાં વ્યસ્ત છે.
મમતા બેનરજીમાં સત્તા ઉપર આવ્યા પછી તેમણે ઉદ્યોગપતિઓને બિલકુલ કોઠું આપ્યું ન હોવાથી દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમનાથી નારાજ છે. આ ઉદ્યોગપતિઓના હાથમાં દેશનાં મુખ્ય અંગ્રેજી અખબારો છે. આ અખબારો મમતા બેનરજીની ટીકા કરવાની એક પણ તક જતી કરતા નથી. આ કારણે પણ મમતા બેનરજી અત્યંત નારાજ છે. જો કે પશ્ચિમ બંગાળનાં સ્થાનિક અખબારો મમતા બેનરજીનાં કાર્યોથી ખુશ છે. પશ્ચિમ બંગાળની ૯૦ ટકા પ્રજા આ સ્થાનિક બંગાળી અખબારો જ વાંચતી હોય છે. અંગ્રેજી અખબારોમાં અને ટીવીની ખાનગી ચેનલોમાં મમતાની વિરુદ્ધમાં જે ઝુંબેશ ચાલી રહી છે તેથી નારાજ મમતાએ હવે રાજય સરકારની માલિકીનાં અખબાર અને ટીવી ચેનલ શરૃ કરવાની ઘોષણા કરી છે.
મમતા બેનરજીની એવી ફરિયાદ છે કે અંગ્રેજી મિડીયામાં તેની વાતને હંમેશા મારીમચડીને રજૂ કરવામાં આવે છે. મમતા બેનરજીએ તાજેતરમાં કેન્દ્ર સમક્ષ માગણી કરી હતી કે પશ્ચિમ બંગાળની સરકારે કેન્દ્ર પાસેથી જે લોન લીધી છે તેનું વ્યાજ માફ કરવામાં આવે. અંગ્રેજી અખબારોમાં આ સમાચારો એવી રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા કે મમતાએ કેન્દ્રને અલ્ટીમેટમ આપ્યું છે કે લોનનું વ્યાજ માફ નહીં કરવામાં આવે તો તેઓ કેન્દ્રને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. આ સમાચાર વાંચીને મમતા બેનરજી ભડકી ગયાં. તેમણે તરત જ પત્રકારોને બોલાવીને નિવેદન આપ્યું કે તેમની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. મમતા બેનરજીએ એવી પણ જાહેરાત કરી છે કે હવે પછી રાજય સરકાર દ્વારા તેમનાં બાષણોની સીડી પણ બહાર પાડવામાં આવશે, જેના થકી કોઈ તેમને ખોટી રીતે ટાંકવાની હિંમત કરશે નહીં.
આજે રાજકારણમાં ચારે તરફ ભ્રષ્ટાચાર અને સગાવાદ વ્યાપ્ત થઇ ગયા છે ત્યારે મમતા બેનરજી કોઇ અલગ જ પ્રકારના રાજકારણનું ઉદાહરણ પુરું પાડે છે. તેઓ સ્વચ્છ અને કાર્યક્ષમ છે અને સ્થાપિત હિતો તેમને ભ્રષ્ટ કરી શકે તેમ નથી. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન બન્યાં પછી તેમણે જે કોઇ પ્રોજેકટો હાથ ધર્યા છે તેમાં માત્ર પ્રજાને જ લાભ છે અને ઉદ્યોગપતિઓને કમાવા મળતુ નથી. તાજેતરમાં ૨૪ પરગણામાં એક જાહેર સભાને સંબોધિત કરતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ બંગાળના મા, માટી અને મનુષ્યના લાભ માટે જ કામ કરી રહ્યાં છે. બંગાળની ભૂતકાલીન ભવ્યતાને પુનર્જીવિત કરવાના તેમના મિશનને કોઇ અટકાવી નહીં શકે. તેમણે જાહેરમાં ઉદ્યોગપતિઓની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તેઓ 'સેઝ'ના નામે ગરીબોની જમીન પડાવી લેવા માંગે છે, પણ હું તેમને ફાવવા દઈશ નહીં. મમતા બેનરજીએ હુંકાર કરતાં કહ્યું હતું કે જે દિવસે પશ્ચિમ બંગાળની પ્રજા તેમને સત્તા ઉપરથી ઊતરી જવાનું કહેશે એ દિવસે તેઓ સત્તાત્યાગ કરી દેશે.
મમતા બેનરજીનો પોતાનો કોઇ પરિવાર નથી, માટે કોઇ તેમના ઉપર સગાવાદનો આક્ષેપ કરી શકે તેમ નથી. મમતા બેનરજી પાસે અત્યંત અલ્પ મૂડી છે. જેની બધાને ખબર છે, માટે કોઇ તેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી શકે તેમ નથી.
મમતાએ પોતાના ૧૦ મહિનાના શાસનમાં ૪૦,૦૦૦ કરોડ રૃપિયાનું બહારનું મૂડીરોકાણ લાવી બતાવ્યું છે, જેને કારણે ૨.૭૫ લાખ લોકોને રોજી મળી છે. તેમણે ૫૦,૦૦૦ કિસાનોને ક્રેડિટ કાર્ડ અપાવ્યા છે, જેના થકી તેમને સહેલાઇથી લોન મળી શકે છે. રાજય સરકારની ગ્રામિણ રોજગાર યોજના હેઠળ બીજા ૧.૫૦ લાખ લોકોને રોજીરોટી મળી છે, જેને કારણે પ્રજા મમતાથી ખુશ છે, પણ મમતાની કામ કરવાની પદ્ધતિને કારણે બુદ્ધિજીવીઓ નારાજ છે. પશ્ચિમ બંગાળની ગરીબ જનતાને લોકશાહી અને અભિવ્યકિત સ્વાતંત્ર્ય કરતાં વધુ ચિંતા પોતાના પેટનો ખાડો પૂરવાની છે. જયાં સુધી મમતાને આ ગરીબ જનતાનો ટેકો મળ્યા કરશે ત્યાં સુધી બુદ્ધિજીવીઓ તેમનો વાળ પણ વાંકો કરી શકશે નહીં.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved