મુંબઇમાં'વાંદરા' નેતા- અભિનેતાને હેરાન-પરેશાન કરી રહ્યા છે.

-રિતેશ દેશમુખ- જેનેલિયા પર વાનર ધસી ગયોઃ

 

-વાંદરા પકડવા માટે પૈસા ખર્ચવા રહેવાસીઓ તૈયાર નથી

 

મુંબઈ, તા.૨૩

 

વરલીમાં નેતા અને અભિનેતાના આવાસો ધરાવતા વૈભવશાળી વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી વાંદરાઓએ લોકોનું જીવવાનું દુષ્કર કરી નાખ્યું છે. ખાસ તો પોચખાનવાલા રોડ પર આવેલા પૂર્ણા અને ગોદાવરી બિલ્ડિંગમાં આ બંદર પાર્ટી ધમાચકડી મચાવે છે અને વાનરવેડા કરી તોડફોડ કરે છે. પૂર્ણા અને ગોદાવરી બિલ્ડિંગમાં ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે, ભૂતપૂર્વ પ્રધાન રોહીદાસ પાટિલ, એકટર રિતેશ દેશમુખ સહિત અનેક રાજકારણીઓ રહે છે.

 

આ બિલ્ડિંગના રહેવાસીઓએ જણાવ્યું હતું કે સત્તાવાળાને વારંવાર ફરિયાદો કરવામાં આવ્યા છતાં કોઈ પરિણામ નથી આવ્યું.

 

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની પુત્રવધૂ ડાયેના ત્યાગીએ જણાવ્યું હતું કે આ વાંદરા ડ્રોઈંગરૃમ, રસોડા અને ગાર્ડન બધે ઠેકાઠેક કરતા ઘૂસી જાય છે. એકવાર સવારે મેં જાગીને જોયું ત્યારે એક વાંદરો ટેસથી મારા ડ્રોઈંગ રૃમના સોફા ઉપર ટેસથી બેઠો હતો અને મારી સામે ટગરટગર જોતો હતો. ઘરમાં આ રીતે વાંદરાને જોઈને કેવી હાલત થાય?

 

ત્યાગીનો ફલેટ પહેલે માળે છે અને આ બંને મકાનોમાં પહેલા માળે જ વાંદરા વધુ ધમાલ મચાવે છે. જોકે ઉપરના માળે પણ ક્યારેક ચડી જાય છે.

 

બીજા એક રહેવાસી કૈલાશ રાજાણીએ જણાવ્યું હતું કે સાંજ પડે એટલે લગભગ નવ વાંદરા ગાર્ડનમાં કબજો જમાવીને બેસી જાય છે. એટલે અમારા બાળકો ગાર્ડનમાં રમવા જતા ગભરાય છે. કેટલાક તો હિંચકા પર ચડી બેસે છે. તેમને હાંકી કાઢવાનો પ્રયાસ કરીએ તો સામાં દાંતિયા કાઢે છે.

 

ભૂતપૂર્વ પ્રધાન રોહિદાસ પાટિલના નોકરે કહ્યું કે બાલકનીમાં કાંદા અને બટેટાના કોથળા ભરીને રાખ્યાં હતાં. તેને વાંદરાએ રફેદફે કરી નાખ્યા હતા. વાંદરાઓએ કોથળા ફાડીને થોડાં કાંદા- બટેટા ખાધા હતા અને બાકીના ગ્રાઉન્ડ ફલોર ઉપર ફેંકી દીધા હતા. ડાયેના ત્યાગીએ જણાવ્યું હતું કે અમે મહાપાલિકામાં ફરિયાદ કરી ત્યારે અમને કહેવામાં આવ્યું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કર્યા છતાં આજ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.

 

આ વાંદરા ક્યારેક હિંસક બની જાય છે એવી માહિતી આપતા ડાયેનાએ કહ્યું હતું કે એકવાર એકટર રિતેશ દેશમુખ અને તેની એકટ્રેસ પત્ની જેનેલિયા કમ્પાઉન્ડમાં રાઉન્ડ મારતા હતા ત્યારે અચાનક એક વાંદરો તેમની ઉપર ધસી ગયો હતો અને જેનેલિયા ડરની મારી ચીસ પાડી ઊઠી હતી.

 

મુંબઈના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધીર પડવળે કહ્યું હતું કે વરલીના બિલ્ડિંગોમાં વાંદરાના ત્રાસની ફરિયાદ મળતા અમે તરત જ વનખાતાના માણસો મોકલ્યા હતા. પરંતુ ત્યારે આ મકાનના રહેવાસીઓ સહકાર નહોતો આપ્યો. વાંદરા ત્યાં છે એ જગ્યા દેખાડવા કોઈ તૈયાર નહોતા થયા અને વાંદરા પકડવા માટેનો ખર્ચ કરવાની પણ કોઈએ તૈયારી નહોતી બતાવી. પડવળે કહ્યું હતું કે અમારી પાસે વાંદરાને પકડવા ટ્રેઈનર નથી.

 

અમારે ટ્રેઈનર બહારથી બોલાવવા પડે છે અને એક વાંદરાને પકડવા માટે અઢી હજાર ચૂકવવા પડે છે. સરકારી ખર્ચે વાંદરા પકડવાની જોગવાઈ નથી. એટલે રહેવાસીઓએ જ પૈસા કાઢવા પડે. વરલીના મકાનોમાં નવ વાંદરાને પકડવા માટે ૨૨,૫૦૦ રૃપિયા ખર્ચ થાય એમ છે. આટલી મોટી રકમ અમે અમારા ખીસામાંથી ક્યાંથી કાઢી શકીએ?

 

બીજી તરફ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (થાણે) રામચંદ્ર પોળે કહ્યું હતું કે ટ્રેઈનર સરકારના પગારપત્રક પર ન હોવા છતાં ટ્રેઈનરને પૈસા ચૂકવવાની જોગવાઈ છે. વરીલના લોકોની સમસ્યા દૂર કરવા ઘટતા પગલાં લેવામાં આવશે.