પોલીસવાળાની પત્નીઓની મફત ખરીદી બંધ થતાં સીજીરોડ નો વ્હીકલ ઝોન

 

 

સી.જી. રોડના વેપારીઓના નિર્ણયથી અહમ્ ઘવાયો

 

 

અમદાવાદ, સોમવાર

 

 

અમદાવાદના સી.જી. રોડ, લો ગાર્ડન અને કાંકરિયાને દર રવિવારે નો વિહીકલ ઝોન જાહેર કરવા પાછળ પોલીસ અધિકારીઓનો અહમ્ આડે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરેક કક્ષાએ હપ્તાઓ ચૂકવ્યા પછી પણ મફત ખરીદી માટે આવતા (સાહેબની વર્ધી ભરતા) પોલીસ સ્ટાફને મફત કશું ન આપવાનો વેપારીઓએ નિર્ણય કર્યો હતો. અને આ નિર્ણય લેવાતા તેમને સજા કરવા માટે રવિવારે વાહનોની પ્રવેશબંધી કરીને તેમનો વેપાર બંધ કરાવી દેવાનું આયોજન થયું છે.

 

પી.આઈ.-પી.એસ.આઈ. વર્ધી ભરવા આવે ત્યારે વેપારી બિલ બનાવી ન શકે ઃ બંધ મુઠ્ઠીમાં આપે તે લેવાનું

 

સી.જી. રોડના કેટલાક વેપારીઓ સાથે આ અંગે ચર્ચા થતાં તેમણે વાસ્તવિકતા જાહેર કરી હતી.

 

વેપારીઓના જણાવ્યા મુજબ તેઓ કોઇ ને કોઇ નિયમભંગ બતાવતા પોલીસ અધિકારીઓને નિયમિત હપ્તા ચૂકવતાં હોય છે. મ્યુનિસિપલ અધિકારીઓ- નાનો મોટો સ્ટાફ કવર લઇ જતાં હોય છે. આટલું કરવા છતાં ગમે ત્યારે પોલીસ અધિકારીનો પરિવાર ગાડીમાંથી ઉતરે અને કોઇપણ દુકાનમાં તેમને પસંદ પડે તે વસ્તુઓ પેક કરાવી લે છે. તેમની સાથે પી.આઈ. અથવા પી.એસ.આઈ. આવે છે અને મેડમનો પરિચય આપે છે. આ ખરીદીનું બિલ બનાવી શકાતું નથી. સાથેના પોલીસ અધિકારી બંધ મુઠીમાં જેટલી રકમ આપે તે લઇ લેવાની. આ રકમ ૧૦થી ૨૦ ટકા જેટલી જ હોય છે.

 

આ સ્થિતિથી તંગ આવી જઇને વેપારીઓએ નક્કી કર્યું કે હપ્તા અને વર્ધી બંને પોસાય નહીં. માટે વર્ધીની પ્રથા બંધ કરાવો. હપ્તાની રકમ તો નક્કી હોય છે. જ્યારે વર્ધી સમયે તો મેડમને કઇ ચીજ ગમી જાય તે નક્કી જ નથી હોતું.

 

એક વેપારીએ ઉમેરો કરતાં કહ્યું કે અમદાવાદમાં અનેક બજારો અને મોલ છે. પરંતુ પોલીસ અધિકારીઓની પત્નીઓને સી.જી. રોડ એક જ ફાવી ગયો છે. કારણકે તેમને તેમની જરૃરિયાતની તમામ ચીજવસ્તુ અહી મળે છે. આવું જ લો ગાર્ડન અને કાંકરિયાના ખાણીપીણી બજારનું છે. નિયમિત હપ્તા આપવા છતાં આખા દિવસમાં કોન્સ્ટેબલો તેમના સાહેબોના નામે નાસ્તાના પાર્સલો બંધવવા આવે છે. જેથી આ વેપારીઓએ પણ નક્કી કર્યું કે એક દિવસમાં એક જ વખત પાર્સલ બાંધી આપવું.

 

મફતનું ખાવાનું અને ખરીદવાનું બંધ થતાં વેપારીઓને બતાવી આપવા પોલીસ વિભાગે રવિવારે નો વિહીકલ ઝોનની દરખાસ્ત કરીને અમલ શરૃ કરી દીધો છે.