ગાંધીજીના લોહી વાળું ઘાસ અને માટી મુંબઇના મ્યુઝિયમે ખરીદી

-ઈંગ્લેન્ડમાં યોજાયેલા લીલામમાંથી

નવી દિલ્હી, તા.૨૩

 

રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં હત્યા થઈ ત્યારે તેમનું લોહી જે ઘાસ અને માટી ઉપર પડયું હતું તેનું તેમજ બાપુના વપરાશની ચીજોનું ઈંગ્લેન્ડમાં લીલામ થઈ ગયા બાદ મુંબઈની એક કલા સંસ્થાએ આ ઘાસ અને માટી ભારત પાછા લઈ આવવાનું બીડું ઝડપ્યું છે. મુંબઈના ખાનગી મ્યુઝિયમમાં બાપુની આ રક્તરંજિત યાદગીરીની ચીજો પ્રદર્શિત કરવામાં આવશે.

 

કમલ મોરારકા ફાઉન્ડેશન ઓફ આર્ટસ તરફથી આજે આ જાહેરાત કરવામાં આવી હતી. યુ.કે.ના શોફાયર સ્થિત મુલોક્સ તરફથી ગઈ ૧૭મી એપ્રિલે ઓક્શન થયું ત્યારે ફાઉન્ડેશને બોલી કરીને આ ચીજો ખરીદી લીધી હતી.

 

બાપુના વપરાશની ચીજો ફરીથી ઊંચી કિંમતે વેંચવા માટે નહીં પરંતુ આ ચીજો ભારત પાછી લાવવા માટે લીલામમાંથી ખરીદવામાં આવી હોવાનું જણાવાયું હતું.

 

યુકેમાં યોજાયેલા લીલામમાં ગાંધીજીની કેટલીક ચીજો મૂકવામાં આવી હતી. જેમાં બાપુ પહેરતા એ ગોળ ચશ્મા (૩૮ હજાર પાઉન્ડ), ગાંધીજી વાપરતા એ ચરખો (૨૬ હજાર પાઉન્ડ), ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું પ્રાર્થનાનું પુસ્તક, ગોડસેની ગોળીથી બાપુની છાતી વિંધાઈ ત્યારે જમીન પર લોહી પડયું હતું. એ માટી અને ઘાંસ જેમાં સચવાયા છે એ લાકડાના બોક્સ તેમજ અનેક પત્રો અને દસ્તાવેજોનો સમાવેશ થતો હતો.

 

કમલ મોરારકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાંધીજીની યાદગીરીની આ ચીજો વર્ષો સુધી દેશની બહાર રહી તેને ફરી સ્વદેશ લાવી દેશવાસીઓ સમક્ષ ઉજ્જવળ વારસા રૃપે મુકવાના ઈરાદે જ લીલામમાંથી આ ચીજો ખરીદવામાં આવી હતી. હવે દેશ- વિદેશમાં પ્રવાસી- પ્રદર્શન યોજીને લોકોને દેખાડવામાં આવશે.

 

મુંબઈમાં ટૂંક સમયમાં ઓશિયાનામાં મ્યુઝિયમ શરૃ થવાનું છે. આ મ્યુઝિયમમાં જ પહેલવહેલી વાર બાપુની ચીજો પ્રદર્શિત કરવામાં આવશે.

 

દરમ્યાન ઈંગ્લેન્ડના ઓક્શન હાઉસે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાંના કોઈ પ્રતિનિધિ મારફત ગાંધીજીની આ ચીજો લીલામમાંથી ખરીદવામાં આવી હતી. જોકે મોરારકા ફાઉન્ડેશનનું નામ નહોતું આપવામાં આવ્યું.

 

કમલ મોરારકા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ છેલ્લા દસ વર્ષથી મધ્ય યુગની અને આધુનિક યુગની કલાકૃતિઓનો સંગ્રહ કરે છે. રવિન્દ્ર નાથ ટાગોરનું 'મૃત્યુ' નામનું વિખ્યાત તૈલચિત્ર ૨૦૧૧માં સોધવીના લીલામમાંથી ખરીદવામાં આવ્યું હતું. ઉપરાંત રાજા રવિ વર્મા, અવનિન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ જેવાં મહાન ચિત્રકારોની કલાકૃતિઓ પણ ખાનગી આર્ટ મ્યુઝિયમમાં છે. ઓશિયનના પબ્લિશિંગ હાઉસના સહયોગથી ઓક્ટોબરમાં મોટાપાયે પ્રદર્શન યોજાશે.