અમદાવાદ : પ્રેમી સાથે લગ્ન માટે પુત્રીએ ઘરમાંથી ૧.૯૭ લાખ ચોર્યા
- અજબ પ્રેમકી ગજબ કહાનીનો કિસ્સો

 

- પોલીસ સમક્ષ પ્રેમીને પૈસા આપ્યાનું કબૂલ્યું

 

અમદાવાદ,સોમવાર

 

પ્રેમી સાથે લગ્ન કરવા માટે યુવતીએ પોતાના ઘરમાંથી ૧.૯૭ લાખની રોકડ રકમની ચોરી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાએ પૈસા અંગે પુત્રીને પૂછતાં તેણે કેન્સરગ્રસ્ત સહેલીના ભાઇની સારવાર માટે મદદ કર્યાનું જણાવ્યું હતું. જોકે,દિકરી ખોટું બોલતું હોવાની ગંધ આવી જતા પિતાએ પોલીસ ફરિયાદની ચિમકી આપી હતી. આખરે પોલીસ સમક્ષ યુવતીએ પ્રેમીને પૈસા આપ્યાની કબૂલાત કરી હતી. આ રકમથી તે તેના પ્રેમી સાથે નવા જીવનની શરૃઆત કરવાની હતી. યુવકના પિતાએ આ પૈસા પરત આપી મામલો થાળે પડયો હતો.

 

 

શાહપુર વિસ્તારમાં રહેતા મહેશભાઇ (નામ બદલ્યું છે)ના ઘરમાંથી પંદર દિવસ પહેલા ૧,૯૭,૦૦૦ની રોકડ રકમની ચોરી થઇ હતી. આ અંગે મહેશભાઇ તેમની દિકરીને પૂછતા તેણે પૈસા લીધા હોવાની કબુલાત કરી હતી. મહેશભાઇએ આ પૈસાનું તે શું કર્યું તેવો સવાલ કરતા દિકરીએ બહેનપણીને આપ્યાનું જણાવ્યું હતું. પોતાની સહેલીના ભાઇને કેન્સર હોવાથી તેની સારવાર માટે પૈસા ની જરૃર હોવાથી મદદ કરી હોવાનું જણાવ્યું હતું. થોડા સમયમાં તેની બહેનપણી પૈસા પરત આપી દેશે. મહેશભાઇએ પુત્રી પાસે તેની સહેલીનો નંબર અને સરનામું માગ્યું હતું. જોકે,દિકરી તે આપવામાં બહાના કરતી હતી. આથી,મહેશભાઇએ બનાવની જાણ શાહપુર પોલીસને કરી હતી.

 

પોલીસ આવતા મહેશભાઇની પુત્રીએ પૈસા બોપલ ખાતે રહેતા પ્રેમીને આપ્યાની વાત કરી હતી. પોલીસે પ્રેમીને બોલાવી પૂછપરછ કરતા તેણે કેન્સરગસ્ત યુવકની મદદ માટે આપ્યાનું બહાનું ફરી બતાવ્યું હતું. આખરે,પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ કરતા બન્ને પ્રેમીઓ ભાંગી પડયા હતા. તેઓએ પૈસા લીધા હોવાની કબૂલાત કરીને જણાવ્યું હતું કે-' બન્નેએ કોર્ટમેરેજ કરીને ફરાર થવાની યોજના બનાવી હતી. બહાર ફરવા અને રહેવા માટે તેઓ પાસે પૈસા નહતા.જેથી,પ્રેમીકાએ પોતાના ઘરમાંથી ૧.૯૭ લાખની રોકડ ચોરીને પ્રેમીને આપી હતી.' પોલીસે યુવકના પિતાને આ અંગે જાણ કરતા તેઓએ પૈસા ચુકવી દેતા બન્ને પક્ષે સમાધાન થયું હતું.