ફિલ્મ ઉદ્યોગને પ્રોફેશનલ બનાવવા ઓનલાઈન એજન્સીની યોજના

- ઉભરતા કલાકારોને મદદરૃપ થવાનો દાવો

 

- ૩૦ એપ્રિલથી શરૃ થનારી એક વેબસાઈટ

 

મુંબઈ, તા.૨૩

 

મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશવા મથતા લોકો માટે એક ઓનલાઈન પ્લેસમેન્ટ એજન્સીએ ખાસ વેબસાઈટ બનાવી છે. ૩૦ એપ્રિલથી શરૃ થનારી આ વેબસાઈટથી ફિલ્મોદ્યોગને પ્રોફેશનલ ટચ મળશે એવો દાવો આ એજન્સી દ્વારા થઈ રહ્યો છે.

 

આ વેબસાઈટ લાવનારી વ્યક્તિના જણાવ્યા મુજબ, ફિલ્મ- મનોરંજન ઉદ્યોગમાં વ્યવસાયી અભિગમ ધરાવતા લોકોને લાવવાનો આ સૌપ્રથમ વિસ્તૃત પ્રયાસ છે.

 

તાજેતરમાં અરૃણકુમાર ટીકૂ નામના એક વેપારીની હત્યાથી બોલીવૂડનો વરવો ચહેરો પર સમાજ સામે આવ્યો છે. અરૃણકુમારનો પુત્ર ઉભરતો અભિનેતા છે, કરણ કકડ એક ઉભરતો નિર્માતા છે. આ હત્યાના મામલે અભિનેત્રી બનવા માગતી મોડેલ સિમરન સૂદ ઉપરાંત બોલીવૂડના લોકો જયાં અવારનવાર જતાં હતાં, તે રેસ્ટોરાંમાં કામ કરી ચૂકેલાં વિજયપલાંડેની ધરપકડ કરાઈ હતી.

 

નવતર પ્રકારની આ વેબસાઈટને હિંદી ફિલ્મોના દિગ્દર્શકો મહેશ માંજરેકર, સુધીર મિશ્રા અને સંગીત સિવાય સહિતનાનો સહયોગ સાંપડયો છે. હવે એજન્સી વેબસાઈટ પર અભિનેતા, ગાયક, ડાંસર બનવા મથતા લોકો માટેનો અલગ- અલગ ડેટાબેઝ તૈયાર કરશે અને ક્યાં- ક્યાં તેમના માટે યોગ્ય તક છે તેની માહિતી પણ આપતી રહેશે. વેબસાઈટના સ્થાપકોના જણાવ્યા મુજબ, હાલમાં આ ક્ષેત્રે કામ કરતી એજન્સીઓ નાના પાયે કામ કરે છે તેના બદલે અમારી વેબસાઈટ પારદર્શિતાથી કામ કરશે. આ નવી વેબસાઈટ પર અરજદાર પાસેથી રૃપિયા એક હજારથી ઓછી રકમની રજિસ્ટ્રેશન ફી લેવાશે અને અરજદાર પોતાનું કામ (અનુભવ) મોકલી શકશે. એક પેનલ આ કામ જોઈને તેમના માટે ઈન્ટરવ્યુની વ્યવસ્થા કરશે.

 

વેબસાઈટ ઉભી કરનારાઓમાંના એક વિનોદ નાયરના જણાવ્યા મુજબ, 'અમે જોયું છે કે પુરુષ કે સ્ત્રી બંને માટે 'કાસ્ટીંગ કાઉચ' હકીકત બની રહ્યું છે. અમારી વેબસાઈટના માધ્યમથી કામ મેળવનારાઓએ જ્યાં સુધી તેમની વાત આખરી તબક્કે ન પહોંચે ત્યાં સુધી કોઈને મળવાની જરૃર જ નહિ રહે, તેથી 'કાસ્ટીંગ કાઉચ'નું દૂષણ નિયંત્રિત રહેશે.' આ વેબસાઈટના ત્રણે સ્થાપકો વિદેશમાં ભણેલાં પ્રોફેશનલ છે.