ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી હોવાનો અહેસાસ કરાવતી વિરોધાભાસી રાજકીય પ્રવૃત્તિઓ શરૃ થઈ ગઈ છે. સભાઓમાં કેન્દ્રની 'માંસની નિકાસનીતિ'ની ટીકા કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની નીતિ ગુજરાતમાં ગૌવંશની કતલ અટકાવવાના મામલે અલગ જણાય છે. મોદીને કેન્દ્ર સરકારની ટીકાટીપ્પણી કરવાનો જબરો શોખ છે. મોદીની 'કથની અને કરની'માં જોજનનું અંતર છે. અમદાવાદ કે ગુજરાતના શહેરોમાંથી ગૌવંશની ચોરી કરી ગેરકાયદે કતલ કરવા સામે માલધારીઓના પ્રચંડ વિરોધવંટોળ છતાં કાયદાની કડક અમલવારીના અભાવે ફરી ગૌવંશના ગેરકાયદે કતલની રફતાર તેજ બની છે. કોઈ વખત થોડાઘણા ગૌવંશ કે અન્યત્ર કતલ કરાયેલો માંસનો જથ્થો કબજે કરાય છે પણ વાહનચાલકો, કસાઈઓ નાસી છૂટે છે. દેખાડવા પૂરતી કામગીરી થાય છે તેની સરખામણીએ ગેરકાયદે કતલનું પ્રમાણ ખૂબ મોટું છે. કહેવાય છે કે, ગૌવંશની ગેરકાયદે કતલ અટકાવી માંસનું ઉત્પાદન બંધ કરાવવું પડે તો 'મતોનું ગણિત' નરેન્દ્ર મોદીનેેે રાતે પણ ઉંઘવા દેતું નહીં હોય. પણ, મોટા ગજાના પ્રજાના પ્રતિનિધિઓ 'મતોના મોહ'માં સમાજનું અહીત કરવા કસાઈઓ સામે આંખ આડા કાન કરે છે. કેશુભાઈ કે પૂર્વ મુખ્યમંત્રીઓના રાજમાં નહોતી તેવી ગેરકાયદે કતલની સ્થિતિ છે. 'અબોલ પશુઓનો ચિત્કાર' જો ધરતી ધૂ્રજાવી જતો હોય તો કહેવાતા લોકપ્રિય નેતા કે પ્રજાના પ્રતિનિધિનું શું ગજું? (તસવીરઃ ગૌતમ મહેતા)