અર્જૂન કપૂરને કેટરિના કૈફ સાથે પડદા પર રોમાન્સ કરવો છે
- કેટરિના તેને જબરદસ્તીથી ભાઈ બનાવવા માગે છે

 

- સલમાને અર્જૂનને અભિનય ક્ષેત્રમાં આવવાની પ્રેરણા પૂરી પાડી

 

મુંબઈ, તા. 24 એપ્રિલ, 2012

 

૧૧મીએ રિલીઝ થનારી ફિલ્મ ‘ઇશ્કઝાદે’ દ્વારા બોની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર તેની કારકિર્દી શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પૂર્વે જ અર્જૂનને તેના ‘ભાઈ-બહેેન’ સલમાન ખાન અને કેટરિના કૈફ તરફથી પૂરેપૂરો ટેકો મળી રહ્યો છે સલમાને અર્જૂનને અભિનય ક્ષેત્રમાં આવવાની પ્રેરણા પૂરી પાડી હતી જ્યારે કેટરિનાએ તેને પાંચ વર્ષ પહેલા રાખડી બાંધી હતી.

 

‘‘પરંતુ, તેણે દર વર્ષે રાખડી બાંધવાનું ચાલુ રાખ્યું નહોતું. તે હંમેશા મારી માનેલી બહેન બનવાની મને ધમકી આપતી હતી. પરંતુ, મને એ માન્ય નથી.’’ એમ અર્જૂને સ્મિત સાથે કહ્યું હતું.

 

કેટરિનાને માનેલી બહેન ન બનાવવાનું કારણ સ્પષ્ટ કરતા અર્જુને કહ્યું હતું કે, ‘‘તે તેનો રાખી ભાઈ બનવા માટે મારા પર દબાણ કરી રહી છે. આનું કારણ તેને જ પૂછવાની જરૂર છે. બંદુકની અણી પર તેણે એક વાર મને રાખડી બાંધી હતી, પરંતુ અમે ચીલાચાલુ ભાઈ-બહેનની જોડી નથી. કોઈ મારી બહેન તરફ આંખ ઊંચી કરીને જોશે તો હું એને ધીબેડી નાખીશ, એવો હું ભાઈ નથી.’’

 

‘ઇશ્કઝાદે’માં કેટરિના એક આઈટમ ગીત કરી રહી હોવાની અફવાનો ઇનકાર કરતા અર્જૂને દાવા સાથે કહ્યું હતું કે, ‘‘ભવિષ્યમાં હું તેની સાથે જરૂર કામ કરીશ. કારણ કે, અમારી વચ્ચેના સંબંધો સાથે કોઈને નિસ્બત નથી.’’

 

અર્જૂને વઘુમાં જણાવ્યા પ્રમાણે તેને બોલીવૂડના એક ભાગ બનવું હતું એ બાબતે તે સ્પષ્ટ હતો, પરંતુ શરૂઆતમાં તેને દિગ્દર્શનમાં વઘુ રસ હતો.

 

‘‘૨૦૦૫માં રિલીઝ થયેલી મારા પિતાની ફિલ્મ ‘નો એન્ટ્રી’ સહિત મેં ‘કલ હો ના હો’ (૨૦૦૩) તેમજ ‘સલામ-એ-ઇશ્ક’ (૨૦૦૭) જેવી ફિલ્મો પર કામ કર્યું હતું. એક વાર મારી મુલાકાત સલમાન ભાઈ સાથે થઈ હતી. તેમણે તરત જ મને કહ્યું હતું કે, ‘‘હું જાણું છું કે તારે અભિનેતા જ બનવું છે. આમા જરૂર પ્રયત્ન કરજે. નહીંતર ૩૫મે વર્ષે તારી ઉંઘ ઊડતા તને આમા નસીબ નહીં અજમાવવા માટે પસ્તાવો થશે. તું ૫૦ કિલો જેટલું વજન પણ ઉતારી શકે, પરંતુ આપણે વજન ઉતારવાના જરૂર પ્રયત્ન કરશું.’’ એમણે ‘આપણે’ શબ્દ વાપર્યો ત્યારે મારો આત્મવિશ્વ્વાસ ઘણો વધ ીગયો હતો. તેઓ આ સફરમાં મને માર્ગદર્શન જરૂર આપશે એવો મને વિશ્વ્વાસ થઈ ગયો હતો.’ એમ અર્જૂને ઉમેર્યું હતું.

 

‘ઇશ્કઝાદે’માં અણધડ અને બરછટ પરમા નામના એક યુવાનનું પાત્ર ભજવતા અર્જૂને સલમાન સાથેના તેના સંબંધો વિશે વિસ્તારપૂર્વક વાત કરતા કહ્યું હતું કે, ‘‘તેમની સાથે વ્યાયામ કરવા ઉપરાંત હું સાઈકલ ચલાવવા પણ જાઉં છું. તેઓ મારા ડાયેટ પર પણ ચાંપતી નજર રાખે છે. કેટલાક દિવસો પહેલા મેં ‘પરેશાન’ સહિત મારી આ ફિલ્મના કેટલાક ગીતો તેમને દેખાડ્યા હતા. પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં અમે સમય મળ્યે એકબીજા સાથે એસએમએસ દ્વારા સંપર્ક જાળવી રાખીએ છીએ.’’