ડગલે ને પગલે હરણફાળ ભરવા માગતા માનવીની જિંદગીને જ્યારે વિકલાંગતાનું ગ્રહણ લાગી જાય છે ત્યારે જીવતરના પાટા પર સડસડાટ દોડતી ગાડીને જાણે બ્રેક લાગી જાય છે પરંતુ હૈયે હામ હોય તો પાંખ વિનાનાં એ પારેવાં ઊંચું આકાશ પણ સર કરી શકે છે એની પ્રતિતી રવિવારે અમદાવાદના ગજ્જર હોલ ખાતે યોજાયેલા વિકલાંગ યુવક-યુવતીઓના જીવનસાથી પસંદગી સંમેલનમાં થઇ. ગુજરાતના ખૂણેખૂણેથી જીવનસાથીની શોધમાં આવેલા સમદુખિયા યુવક-યુવતીઓએ અહીં પોતાનાં નસીબ અજમાવ્યાં. જેમને યોગ્ય જીવનસાથી મળ્યા એમના ચહેરા પરથી ઉદાસીનાં આછાં લીંપણ જોતજોતામાં અદ્રશ્ય થઇ ગયાં ને સંતોષનો ઉજાસ પથરાઇ ગયો! એમની પરણવાની ઉંમર ક્યારની થઇ ગઇ હતી પણ વિકલાંગતાનું લેબલ લાગ્યું હોવાથી કઠણાઇ પૂરી જ નહોતી થતી. વારંવાર વન્સ મોર થતું હતું પણ અંતે સંઘર્ષ પૂરો થયો. સમયની એરણ પર કાળની થપાટો ખાતા ખાતા અને જીવનના રંગમંચ પર એકપાત્રીય અભિનય કરી કરીને થાકી ગયેલા આ વિકલાંગોને સાથી કલાકાર મળી જતા હવે એમની સફર કંટાળાજનક નહીં રહે. જોકે આ પસંદગી મેળામાં ૨૪૦ યુવકોની સામે માત્ર ૪૨ યુવતીઓ જ આવી હોવાથી ઘણાને યોગ્ય પાત્ર ન મળવાને કારણે નિરાશા થઇ હતી. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)