Last Update : 22-April-2012, Sunday

 

ક્રિકેટ ટીમ બાદ ઈમરાન ખાનને હવે પાકિસ્તાનના કેપ્ટન બનવું છે

આતંકવાદ, ભ્રષ્ટાચાર, રાજકીય અસ્થિરતા, મોંઘવારી, આર્થિક સમસ્યાઓ, પ્રજાના અજંપા, રૃઢિચુસ્તતામાં વધારા અને પોતાના બિનઅનુભવને લીધે ઈમરાન માટે ધ્યેય આસાન નથી

તોફાને ચડેલા વહાણ અને પતનની ગર્તામાં ધકેલાતી જતી ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ માટે કોઈ વિફરેલો અને વીરલો જ આગળ આવે. પરંતુ સાવ ખાડે ગયેલા પાકિસ્તાનમાં પરિવર્તન લાવવાની આગેવાની લેવાની જાહેરાત બહુ સફળ ક્રિકેટરમાંથી હજી સુધી ઝાઝા સફળ ન થયેલાં રાજકારણી ઈમરાન ખાને કરી છે. પાકિસ્તાનમાં રોજ જે થઈ રહ્યું છે એ સમજવું અને કાલે શું થશે એની ધારણા કરવી ખૂબ મુશ્કેલ છે. આ સંજોગોમાં ઈમરાન કહે છે કે પાકિસ્તાનની પ્રજા પોતાની નિયતિ પોતાના હાથે લખવા હવે તૈયાર થઈ છે. પરંતુ ઈમરાનને તો દેશના આગામી વડાપ્રધાન બનવામાં પોતાની નિયતિ દેખાય છે.
સ્વાભાવિકપણે જ ટીકાકારો ઈમરાનને બહુબોલકો અને બિનઅનુભવી રાજકારણી ગણાવીને એની મહત્વાકાંક્ષાને બહુ ગંભીરતાથી લેતા નથી. એમાંય પાકિસ્તાન જેવા દેશમાંથી માત્ર ૧૦૦ દિવસમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાના તેના બણગા હાંસીને પાત્ર બની ગયા છે. જો કે શક્તિશાળી હમીદગુલના સમર્થન અને આશિર્વાદ સાથે ઈમરાનની લોકપ્રિયતા ઉમેરતા આ ૫૯ વર્ષના રાજકારણની વાત સાવ હળવાશથી લઈ ન શકાય.
ઈમરાન માટે સૌથી સબળ પાસુ એની લડાયક તરીકેની ઈમેજ છે. '૯૨ના વર્લ્ડકપમાં ઈમરાનના વિજયી જુસ્સાનું સાક્ષી ક્રિકેટ-જગત છે. ઈજા વચ્ચે વર્લ્ડ-કપ જીતવાની ઈમરાને આકરી કિંમત ચુકવવી પડી પણ એ કહે છે કે મારા એ વિશ્વાસે હવે મને સાવ ભય-મુક્ત કર્યો છે. એટલે રાષ્ટ્રીય ટીમ બાદ રાષ્ટ્રનું સુકાન સંભાળવું એ જ એને તર્કબધ્ધ લાગ્યું.
અત્યારે વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સામે ચાલતા ખટલા વચ્ચે દેશની આગામી વિધાનસભા ચૂંટણીએ ઈમરાનના રાજકીય ભાવિનો ફેંસલો કર્યો હોત પરંતુ પોતાના પક્ષની નારાજગી વહોરીને પણ ચાલાક ઈમરાને બોગસ મતદાર નોંધણીને બહાને પેટા-ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે.
ટીવી પર ઈમરાન રાજકીય પક્ષોને ઝુડી નાખે એ જોનારો મોટો વર્ગ છે. મેગેઝિનના કવર પર ચમકાવવા એ સેલેબસ ચહેરો છે. એક મહિલા પત્રકારને શોર્ટસ પહેરીને એ દોડતાં-દોડતાં ઈન્ટરવ્યુ આપે છે, તો બીજી મહિલાને પોતાના બેડરૃમમાં ઈન્ટરવ્યુ આપે છે. પરંતુ એનો પક્ષ જ્હાલોના જૂથ દીફા-એ-પાકિસ્તાન અને તાલિબાનના ઉદયમાં સિંહફાળો આપનારા આઈ.એસ.આઈ.ના વડા જનરલ હમીદ ગુલ સાથે જોડાયેલા છે. ઈમરાનની કાર્યશૈલી અને ઈમેજ તથા સાથીઓની વિચારસરણી તથા છાપ એકદમ વિરોધાભાસી છે. આવા લોકો તેને સામાન્ય ચૂંટણી જીતવામાં મદદ કરશે?
પોતાના પક્ષ પી.ટી.આઈ. અર્થાત્ પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફને ઈમરાન સામુહિક જાગૃતિ થકી બધાને ન્યાય અપાવવાના સામાજિક પરિવર્તનની ચળવળ ગણાવે છે. આ સાથે જ ઈમરાન પ્રજાના હાથમાં સત્તા, આર્થિક ઉન્નતિ જેવા રૃપકડા શબ્દો એક રાજકારણીની જેમ છૂટથી વાપરે છે.
ન્યાયતંત્રને ચેતનવંતા, પારદર્શક અને સૌની પહોંચ સુધી પહોંચાડવાનું વચન જોશભેર આપે છે. આ વાત પ્રજાને સ્પર્શે કે ન સ્પર્શે ઘણાંને ખટકતી હોય એ સમજી શકાય છે. આ બધાને લીધે ઈમરાન ઘણાં સશક્ત રૃઢિચુસ્ત પરિબળોના નિશાના પર ન હોય તો જ નવાઈ.
ઈસ્લામિક મૂલ્યોના માળખામાં રહીને સાચી લોકશાહી સ્થાપવાની પોતાની ઈચ્છા અંગે તે કહે છે કે કોઈ પોતાના ધ્યેય અને પ્રાથમિક્તા નિશ્ચિત કરી લે પછી કંઈ જ મુશ્કેલ નથી. હું પોતાના ધ્યેય ભણી ઘસી જતા સૈનિક કે વિકેટ લેવા બોલિંગ કરતા બોલરની જેમ કામ કરું છું. કબૂલ કે પડકારો ઘણાં છે. એમાંથી સૌથી મોટો પડકાર પાકિસ્તાનીઓને એક કરવાનો છે. આમાં સફળતા મળતા સાચી લોકશાહી સ્થાપવામાં મુશ્કેલી નહિ નડે.
વર્તમાન પાકિસ્તાનના સરકારના અમેરિકા સાથેના સંબંધની આકરી ટીકા કરતા ઈમરાન અચકાતો નથીઃ 'તેઓ આને વ્યૂહાત્મક ભાગીદારી કહે છે પણ આ નરી સોદાબાજી છે. કમનસીબે અમારા નેતાઓએ વિદેશ નીતિમાં અમેરિકાના હિતને પ્રાધાન્ય આપ્યું છે પણ પોતાના રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કર્યું છે.
હાલની પાકિસ્તાની નેતાગીરીને 'જૈસે થે' વાદીઓનો અંશ ગણાવતા ઈમરાન કહે છે કે તેઓ પ્રવર્તમાન ભ્રષ્ટશાસનને બચાવવા એક થયા છે કારણ કે એમાં જ તેમના સ્થાપિત હિત રહેલા છે. તેમના પક્ષો કૌટુંબિક પરિવારવાદ, સગાવાદ અને ભ્રષ્ટાચારના રાજકારણ પર અવલંબે છે.
લશ્કરી બળવાના ભયે અમેરિકાની મદદ માગવાના વિવાદાસ્પદ મેમોગેટે પાકિસ્તાની નેતાગીરી ઉઘાડી પાડી દીધી હોવાનો ઈમરાન દાવો કરે છે. આનો અર્થ એ થાય સર્વોચ્ચ રાજકીય હોદ્દો ધરાવનારને પ્રજાની મંજૂરી નથી, પણ તે માથે ઠોકી બેસાડેલી વ્યક્તિ છે. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કોન્ડોલીઝા રાઈસે પોતાના પુસ્તકમાં કબૂલ કર્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન પિપલ્સ પાર્ટી અને મુશર્રફ સાથે રાજકીય સોદાબાજી કરી હતી. જેેને પરિણામે ભ્રષ્ટાચારના ગંભીર કેસો પાછા ખેંચી લેવાયા હતા. આ સાબિત કરે છે કે વર્તમાન નેતાગીરી પાકિસ્તાનની પ્રજા પ્રત્યેની જવાબદેહીમાં માનતી નથી. પણ અમેરિકામાં ઉચ્ચાસને બિરાજમાન મહાનુભવોને જવાબ આપવાનું અને તેમની મદદ માગવાનું પસંદ કરે છે. ઈમરાન સ્પષ્ટપણે કહે છે કે અમેરિકા અમારા વતી જે લડાઈ લડવાનો દાવો કરે છે તેનાથી પાકિસ્તાને અળગા રહેવાની જરૃર છે. આ ભાગીદારી પાકિસ્તાનને ભારે પડી છે. હાલ અમારાં પર જે આતંકવાદી જોખમ છે એ અફઘાનિસ્તાનમાં અમેરિકાને સાથ આપવાનું પરિણામ છે.
ભૂતકાળમાં મુશર્રફના બળવાને ટેકો આપનારો ઈમરાન આ ભૂતપૂર્વ શાસકને પોતાનો કુદરતી સાથી માનતો નથી. કારણ કે શરૃઆતમાં વચન આપ્યા બાદ મુશર્રફે સુધારા પ્રત્યે પ્રતિબધ્ધ ન હોવાનું અને તેમને ન્યાયતંત્ર જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ માટે જરાય માન ન હોવાનું લાગ્યું હતું. ભવિષ્યમાં એમની સાથે કોઈ સંબંધ ન રાખવાની ઈમરાને જાહેરાત કરી છે.
દેશની પ્રગતિમાં ભ્રષ્ટાચાર કાયમ મુખ્ય અવરોધ હોવાનું માનનારો ઈમરાન કહે છે કે પાકિસ્તાનની વર્તમાન સરકાર હેઠળ ભ્રષ્ટાચાર અકલ્પ્ય સ્તરે પહોંચ્યો છે. વર્તમાન સરકારના નાક નીચે જ રૃા.૮૫૦૦ અબજનો ભ્રષ્ટાચાર આચરાયાનું 'ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ, પાકિસ્તાન' નામની સંસ્થાએ બહાર પાડયું છે. વર્તમાન વડાપ્રધાનને સંડોવતા ભ્રષ્ટાચારના અનેક કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઝરદારીને સ્વીસ કોર્ટમાં ખટલામાંથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદ્દલ વડાપ્રધાન સામે અદાલતના અનાદરનો કેસ ચાલી રહ્યો છે. આટલું જ નહિ, કહેવાતાં મુખ્ય વિરોધ પક્ષના નેતા અને તેના કુટુંબીજનો સામે પણ ભ્રષ્ટાચારની અનેક તપાસ ચાલી રહી છે. એ મુખ્યપક્ષોએ જ ભ્રષ્ટાચાર વિરોધી ધારા આવતો રોકવા માટે હાથ મિલાવ્યાની હૈયાવરાળ ઈમરાન ઠાલવે છે.
આપણા માટે સૌથી મહત્ત્વના એવા ભારત-પાક સંબંધ વિશે ઈમરાન કહે છે કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતમાં જે કોઈ સત્તા પર આવશે એ (એશિયા) પ્રાંતની સંવેદનશીલ સ્થિતિને સમજી શકશે. હવે બન્ને તરફ સમજાઈ ગયું છે કે ભારત-પાક સંબંધો કાયમ સાવ તળિયે રહી ન શકે અને પરસ્પરના લાભાર્થે અન્ય ઘણાં વિકલ્પો ચકાસી શકાય એમ છે. અમે માનીએ છીએ એ રીતે આ સંબંધ આગળ ધપાવી શકાય. કાશ્મીર સમસ્યાને વખારે ન નાખી શકાય એટલે એક તરફ ગંભીર રાજકીય પ્રયાસો કરવા જોઈએ અને બીજી તરફ વ્યાપારિક, સાંસ્કૃતિક, ખેલકૂદ અને પ્રજાકીય બાબતોમાં આગળ વધવું જોઈએ, એવું સુચન ઈમરાન કહે છે.
ઈમરાન ખાનને પાકિસ્તાનની એક માત્ર આશા ગણવામાં આવે છે, એ અંગે આ ભૂતપૂર્વ સેક્સ-સિમ્બોલ કહે છે કે હું કાયમ પ્રજાની અપેક્ષા પર પાર ઉતરવા પ્રયત્નશીલ હોઉં છું. જીવનમાં હજી સુધી મેં પાકિસ્તાનની જનતાને નિરાશ કરી નથી, પછી એ વર્લ્ડ કપ જીતવાનો હોય કે ગ્રામીણ વિસ્તારમાં પહેલી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ઊભી કરવાની હોય કે વિશ્વની સૌથી મોટી ચેરીટેબલ કેન્સર હૉસ્પિટલ બાંધવાની હોય.
મારા રાજકીય સંઘર્ષને લાગેવળગે છે, ત્યાં સુધી મને મારા પક્ષના સિધ્ધાંતોમાં વિશ્વાસ છે અને પ્રજાને પણ વિશ્વાસ છે જ. મને ખાતરી છે કે પાકિસ્તાનની પ્રજાના સહારે હું પરિવર્તનનું નેતૃત્વ સંભાળીશ.
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, રાજકીય અસ્થિરતા, મોંઘવારી, આર્થિક સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય મોરચે ઘટતી વિશ્વસનીયતા, પ્રજાના વધતા અજંપા અને રૃઢિચુસ્તતા વચ્ચે ઈમરાન ખાન માટે સત્તા મેળવવાનું અને કદાચ સત્તા મળી જાય તો પણ ટકાવી રાખવાનું આસાન નહિ હોય. ઈમરાનની ક્રિકેટ તરીકેની સફળતા સાથે પ્લેબૉય તરીકેની ઈમેજ છે. સાથે રાજકીય અનુભવનો અભાવ છે, અધૂરામાં પૂરું વડાપ્રધાન બનવાની ઉતાવળ છે... આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ...

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved