Last Update : 22-April-2012, Sunday

 

007 JAMES BOND

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

 

બોન્ડ.. જેમ્સ બોન્ડ. ફક્ત આ એક જ વાક્ય થકી દુનિયાભરના કરોડો દર્શકોના રૂંવાડા ખડા કરી દેતી જેમ્સ બોન્ડ શ્રેણીની નવલકથા આ વર્ષે ૬ દાયકા પૂર્ણ કરી રહી છે. કોઈ એક પાત્ર આધારિત શ્રેણીની સફળ ફિલ્મ તરીકે હેરી પોટર પછી જેમ્સ બોન્ડ બીજા ક્રમે છે. આ વર્ષે બોન્ડ શ્રેણીની ૨૩મી ફિલ્મ ‘સ્કાયફોલ’ રજૂ થવાના આરે છે ત્યારે દિલકશ લોકેશન્સ અને દિલધડક પ્લોટની આગવી પહેચાન ગણાતા જેમ્સ બોન્ડ, બોન્ડના સર્જન અને ફિલ્મો વિશે કેટલીક રસપ્રદ વાતો...

વાત જ્યારે જેમ્સ બોન્ડની થતી હોય ત્યારે નંબરિયા પડે એ ક્ષણથી જ રોમાંચનો ઝલઝલો રગોમાંથી પસાર થઈ જવો જોઈએ. છ દાયકાથી દુનિયાભરના કરોડો દર્શકોને ત્રણ-ત્રણ પેઢીથી ઘેલુ લગાડતા રોમાંચના આ પર્યાયની જન્મકથા પણ તેની ફિલ્મો જેટલી જ થ્રિલંિગ છે. જેટલી ફાસ્ટ મૂવંિગ ફિલ્મો હોય છે એટલી જ તીવ્ર અને અણધાર્યા વળાંક લેતી તેની વાસ્તવકથા છે. ક્યાંક બાજી ઉલટસૂલટ થાય છે, ક્યાંક નિયતિ ધોખો આપી જાય છે, ક્યાંક હિરો હારે છે માર ખાય છે પણ ફિલ્મની માફક રીઅલ લાઈફનો બોન્ડ પણ ઓછો થ્રિલર નથી.
જેમ્સ બોન્ડનો જન્મદાતા ઈયાન ફ્‌લેમંિગ પોતે જ આમ તો અંધાઘૂંધ અને બેફામ જંિદગીનો રોચક નમૂનો હતો. ન્યૂઝ એજન્સીના સબ એડિટરથી માંડીને ટૂરિસ્ટ ગાઈડ અને ચાંદીના દાગીના વેચતા સેલ્સમેનથી માંડીને નેવલ ઈન્ટેલિજન્સના કો-ઓર્ડિનેટર સુધીના અનેક કામો કરી ચૂકેલો ઈયાન બાળપણથી જ સર્જનાત્મક પ્રકૃતિ ધરાવતો હતો. પત્રકાર તરીકે તેણે કલમ સાથે પનારો પાડ્યો હતો અને નૌકાદળની જાસુસીમાં જોડાઈને તેણે ભેદભરમની દુનિયાને ય બહુ નજીકથી જોઈ હતી. આ બંને કસબને ભેગા કરીને જાસુસી નવલકથા લખવાનું ફ્‌લેમંિગને કઈ રીતે સૂઝ્‌યું એ મજેદાર વાત છે.
વાત કંઈક એવી કે, ઈયાનનો મોટોભાઈ પીટર ફ્‌લેમંિગ બહુ નામીચો લેખક. તેના લખાણને સાહિત્ય તો હરગીઝ ન કહી શકાય પણ પ્રવાસવર્ણનોમાં તેની હથોટી સારી. ભારત સહિતના તેના વિવિધ દેશોના પ્રવાસવર્ણનોની ભારે માંગ અને પ્રકાશકોમાં ય પીટરની સારી ઓળખાણ. એટલે નૌકાદળમાંથી વહેલી નિવૃત્તિ પછી ઈયાને પણ પુસ્તક લેખન પર હાથ અજમાવવાનું નક્કી કર્યું. તેણે આરંભના શ્રીગણેશ કર્યા પીટરની સલાહ લઈને પણ પીટરે તો નાક કાપીને અપશુકન કરાવ્યા અને ચોખ્ખું પરખાવી દીઘું કે, ભાઈ તારૂં કામ નહિ. આ બઘું તું ધારે છે એટલું સહેલું નથી. પુસ્તક વેચાય તો ચોક્કસ કીર્તિ અને કલદાર મળે પણ ન વેચાય તો ઘર વેચવાના ય વારા આવે. ઈયાન જોકે મક્કમ હતો. તેણે જંિદગીભરની કમાણી જમૈકા ખાતે ‘ગોલ્ડન આઈ’ નામના ૩૦૦ એકરના જાજરમાન ફાર્મહાઉસમાં રોકી દીધી હતી એટલે હવે ગુમાવવાનું ખાસ હતું નહિ. તેના માટે તો નવલકથા એ ગાજરની પીપૂડી હતી, વાગી તો વાગી ન વાગી તો ખાઈ જઈશું એમ સમજીને તેણે પહેલી નવલકથા ઘસડી મારી. હા, ૧૬ દિવસમાં લખાય તેના માટે ‘ઘસડી મારી’થી વિશેષ બીજો શબ્દ પણ શું હોઈ શકે?
એ પહેલી નવલકથાનું નામ ‘કેસિનો રોયલ’. ફ્‌લેમંિગના પ્રથમ જીવનચરિત્રના લેખક જ્હોન પિઅર્સ લખે છે, ‘સોળમા દિવસે ફ્‌લેમંિગે નવલકથા તો પૂરી કરી નાંખી પણ પહેલા ચેપ્ટરમાં હિરોનું વર્ણન હજુ ય તેને સૂઝતું ન હતું. કંઈક અખતરા કર્યા. લખ્યા, ભૂંસ્યા, ફાડ્યા, ફરીથી લખ્યા પણ કંઈ જામતું ન હતું. છેવટે કંટાળીને તેણે લખી નાંખ્યું, ધેન સડન્લી અ પર્સન અરાઈવ્ડ એન્ડ શાઉટેડ વિથ જોય. હી વોઝ ડ્રેસ્ડ ઈન વેલ સ્ટિચ્ડ ડાર્ક સુટ. ઓન હીઝ ચિઝલ્ડ ફેઈસ આઈઝ વેર લૂકંિગ બ્લ્યૂઈશ, શાર્પ એન્ડ વ્હિમ્ઝી. હી વોઝ બોન્ડ. જેમ્સ બોન્ડ.’
હવે જુઓ નિયતિની કરામત. બોન્ડનું આ વર્ણન ભાવિ પેઢી પર કેવો કરિશ્મા જગાવશે તેની કલ્પના એ સમયના અવ્વલ દરજ્જાના પ્રકાશક મેયર્સ એન્ડ ગ્રિફિથના જાડી બુદ્ધિના માલિક અર્નેસ્ટ મેયરને ન થઈ શકી. તેમને આ નવલકથામાં ખાસ કંઈ દમ ન લાગ્યો એટલે તેમણે ઈયાનને ‘તને આવડે એવું કંઈક કામ કરને ભાઈ. શું કરવા લખવાના ધખારામાં પડે છે?’ જેવું મોં પર ચોપડાવીને રવાના કરી દીધો. છેવટે ઈયાને ભાઈ પીટરને જ સાઘ્યો. પીટર પોતાની સલાહને અવગણીને પણ ઈયાને નવલકથા લખી છે એ જાણીને શરૂઆતમાં તો નારાજ થયો પણ છેવટે તેણે ભાઈગીરી જાળવીને પ્રકાશકની ગોઠવણ કરી આપી અને એ રીતે બોન્ડ સિરિઝની પહેલી નવલકથાનો આરંભ થયો. (કદાચ એટલે જ બોન્ડની છથી વઘુ ફિલ્મોમાં એક ડાયલોગ કોમન છે, બ્લડ ઈઝ ઓલ્વેઝ થીકર ધેન વોટર!)
નિયતિ કદી સીધેસીઘું પડખું નથી ફેરવતી. એ કદીક તમારી તરફેણમાં આળોટે તો બીજી જ ઘડીએ એવી ગુલાંટ મારે કે આપણને કળ વળી જાય. પણ બોન્ડ અને ફ્‌લેમંિગના કિસ્સામાં નિયતિ પણ જાણે મહેરબાન હતી. ૧૯૬૦માં ઈયાન જ્યારે બોન્ડ શ્રેણીની છઠ્ઠી નવલકથા ‘ગોલ્ડફંિગર’ લખી રહ્યો હતો ત્યારે એક સવારે તેના અંગત મિત્ર ડેનિસ ચેસ્ટરલીને આવીને તેને સમાચાર આપ્યા, ‘હેરી સેલ્ત્ઝમાન તને મળવા માંગે છે.’ સાંભળીને કોફીના મગમાં ચમચી ફેરવતા ઈયાનની આંખો ચકળવકળ ફરી ગઈ. ઈયાનનું ચોંકી જવું સ્વાભાવિક પણ હતું. સેલ્ત્ઝમાન પરિવારનો ધીરધાર અને પ્રાઈવેટ બેન્કંિગનો બહુ મોટો કારોબાર પણ ઈટાલિયન મૂળના એ પરિવારનું નામ માથાભારે તરીકે પણ એટલું જ પંકાયેલું. એવા નામીચા પરિવારનો દીકરો મને શું કામ મળવા માંગે છે?
જવું કે નહિ તેની ગડમથલમાં હજુ ઈયાન નિર્ણય લે એ પહેલાં ખુદ હેરી સેલ્ત્ઝમાને તેના ઘરે આવીને જાતે જ જવાબ આપી દીધો. ‘અમે તમારી લખાયેલી અને લખવા ધારેલી તમામ નવલકથાના હક્કો ખરીદવા માંગીએ છીએ.’ એ પછી હેરીએ શું હેરાફેરી કરી નાંખી કે તેને મળવાનું ય ટાળવા માંગતો ઈયાન ફ્‌લેમંિગ એક જ મિટંિગમાં નવલકથાના રાઈટ્‌સ આપી બેઠો. હેરી જ્યારે તેના ઘરેથી નીકળ્યો ત્યારે હેરીના હાથમાં એગ્રિમેન્ટ હતો અને ઘરમાં બેસીને ઈયાન ફ્‌લેમંિગ હેરીએ આપેલા ચેક સામે તાજુબીથી જોઈ રહ્યો હતો. એ ચેકમાં સાડા ત્રણ લાખ પાઉન્ડની રકમ ભરી હતી.
પછી શરૂ થયો નવલકથાને ફિલ્મમાં ઢાળાવનો ઉદ્યમ. હેરી સેલ્ત્ઝમાને ફિલ્મ વિતરણમાં અનુભવ ધરાવતા આલ્બર્ટ બ્રોસોલીને ય ભાગીદાર બનાવ્યો હતો. ફ્‌લેમંિગે ૧૯૫૮માં લખેલી નવલકથા ‘ડો. નો’ પરથી બોન્ડશ્રેણીની પહેલી ફિલ્મ બનાવવી એ તો સર્વાનુમતે નક્કી થઈ ગયું હતું પણ કાસ્ટંિગની વાત આવી ત્યારે મામલો ગૂંચવાયો. નોવેલ કોવાર્ડ, ડેવિડ લિયોન, ક્રિસ્ટોફર લી, રોજર મૂર સુધીના અનેક નામો ચર્ચાયા. આખરે વારો આવ્યો એક સ્કોટિશ જવાનનો. મજબૂત બાંધાનો બોડી બિલ્ડર જેવો લાગતો એ યુવાન હતો શોન કોનરી. બીજા બધાએ કોનરીના નામ સામે મત્તુ માર્યું પરંતુ ખુદ ઈયાનનું મન તેના પર ઢળતું ન હતું. તેને એ યુવાન જરાક વધારે પડતો રફટફ લાગતો હતો. બીજા બધા અભિનેતાઓ અનુભવી પણ હતા જ્યારે કોનરી તો એ સમયે કશાક પ્રિન્ટંિગ પ્રેસમાં કામ કરતો હતો. પરંતુ હવે પસંદગીમાં બહુ મોડું થઈ ગયું હતું એટલે દૂધમાંથી પોરા કાઢવાનો વખત ન હતો. છેવટે ઈયાને કમને જેમ્સ બોન્ડ તરીકે શોન કોનરીની પસંદગીમાં હા ભણી દીધી.
હવે ફરીથી જુઓ નિયતિનો તાલ... પ્રિન્ટંિગ પ્રેસમાં બીબાં ગોઠવતાં ગોઠવતાં અભિનેતા બની ગયેલો શોન કોનરી આજે છ દાયકા પછી બીજા છ અભિનેતાઓ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવી ચૂક્યા એ પછી ય ‘ઓલટાઈમ ગ્રેટ બોન્ડ’ ગણાય છે. બોન્ડ ફિલ્મોની વ્યાપક લોકપ્રિયતા થકી લેખક ફ્‌લેમંિગ ઉપરાંત નિર્માતાઓને ય ખન્નનખન્ના થઈ ગયા. જ્યારે એ જ અરસામાં, બોન્ડની પ્રથમ નવલકથા માટે ઈયાન ફ્‌લેમંિગને ઘસીને ના પાડી દેનાર પબ્લિશર મેયર્સ એન્ડ ગ્રિફિથના એવા માઠા દિવસો આવ્યા કે તેમણે માતબર પ્રકાશનનો ધંધો છોડીને પ્રિન્ટંિગ પ્રેસ શરૂ કરવો પડ્યો. નિયતિ જ્યારે ચાબુક વંિઝે ત્યારે અવાજ નથી આવતો પણ બરડા પર સીધા સબાકા બોલે છે તેનું યાદગાર ઉદાહરણ જુઓ. ઈયાનને ‘તારું કામ કરને ભાઈ’ એવો ઉપહાસ કરનાર મેયર્સ એન્ડ ગ્રિફિથનો માલિક અર્નેસ્ટ મેયર જ્યારે મર્યો ત્યારે નવલકથાને બદલે તેના જ પ્રેસમાં બોન્ડ શ્રેણીની નવમી ફિલ્મ ‘મેન વિથ ધ ગોલ્ડન ગન’ના પોસ્ટર છપાઈ રહ્યા હતા. ઉંબરે આવેલા તકદીરને હડઘૂત કરવાની એ સજા હતી.

જેમ્સ બોન્ડ તો પક્ષીવિદ્‌ હતો યાર!

 

કોઈ કોઈ લેખક મળે તો પૂછી જોજો, નવલકથા લખતી વખતે શાની ગડમથલ સૌથી વઘુ થાય છે? સૌથી વઘુ પડકારજનક શું હોય છે? વાર્તાનો પ્લોટ? દરેક હપ્તે ઈંતેઝારી બેવડાય એવો કસબ? આખું દૃશ્ય નજર સામે આબેહુબ તરી આવે એવા વર્ણના? ચોટદાર અને યાદગાર ડાયલોગ? અનુભવી લેખક આ દરેક સવાલના જવાબમાં ના જ પાડશે. કારણ કે મોટાભાગના લેખકોને સૌથી વઘુ મૂંઝવતો સવાલ હોય છે પાત્રનું નામ.
જેમ્સ બોન્ડ જેવું નામ ઈયાન ફ્‌લેમંિગને કેવી રીતે સૂઝ્‌યું? ૧૯૫૯માં પત્રકાર કોલિન મેક્સવર્થને ઈયાન ફ્‌લેમંિગે કહ્યું હતું કે, મેં અઢળક નામો વિચાર્યા હતા. મારે એવું નામ જોઈતું હતું જે બ્રિટિશ હોય છતાં ય વૈશ્વિક અપિલ ધરાવતું હોય. એકેય નામ મને પસંદ આવતું ન હતું. મેં ડિક્શનરી અને ટેલિફોન ડિરેક્ટરીનો ય ઉપયોગ કરી જોયો. નવલકથાના ચાર પ્રકરણો સુધી તો મેં મિ. એક્સ એવું નામ રાખ્યું. એ વખતે જમૈકામાં એક પક્ષીવિદ્‌ ફૂરસદના સમયે મારી સાથે ફરવા આવતો. એક દિવસ મુખ્ય પાત્રનું નામ વિચારતો હતો અને તેને મેં આવતા જોયો અને મેં એનું જ નામ મુખ્ય પાત્રને આપી દીઘું... જેમ્સ બોન્ડ!

દુસ્કો પોપોવ બોન્ડ...અસલી બોન્ડ

નામમાંભલે ઈયાન ફ્‌લેમંિગે ‘દે દામોદર દાળમાં પાણી’ કર્યું હોય પરંતુ પાત્રાંકનમાં તેમની ચોક્સાઈ, ચીવટ અને બારીકી એકદમ પરફેક્ટ હતી. કારણ કે, એમણે રિઅલ લાઈફમાં એક એવો જ ખેપાની, ખુંખાર છતાં દિલફેંક અને નફિકરો જાસુસ જોયો હતો. ફ્‌લેમંિગ જ્યારે નેવલ ઈન્ટેલિજન્સમાં હતા ત્યારે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. એ વખતે બ્રિટને જર્મનીમાં એક જાસુસને મૂક્યો હતો. જેનું સાંકેતિક નામ ટ્રાઈસિકલ. એડોલ્ફ હિટલરના ખુંખાર નાઝીઓની વચ્ચે રહીને પણ એ માણસે પાંચ વર્ષ સફળતાપૂર્વક જાસુસી કરી હતી અને છેક હિટલરના અંગત રસોડા સુધી તેની પહોંચ હતી. પર્લ હાર્બર પર હિટલર હુમલો કરવાનો છે એવી આગોતરી માહિતી એ ટ્રાઈસિકલે જ આપી હતી. તેનું અસલી નામ દુસાન દુસ્કો પોપોવ. તેના તરફથી મળતાં સાંકેતિક સંદેશાઓ ઉકેલવાનું ફ્‌લેમંિગનું કામ હતું. બંને મળ્યા ત્યારે અસલી જંિદગીના પોપોવની દિલફરેબી અને નફિકરાઈ જોઈને ફ્‌લેમંિગ ભારે પ્રભાવિત થયા હતા. તેમની નવલકથાનો કાલ્પનિક જેમ્સ બોન્ડ એ ખરેખર તો વાસ્તવિક જંિદગીનો રમતિયાળ છતાં જોખમી ગણાતો ખેપાની જાસુસ દુસ્કો પોપોવ છે.

 

શોન કોનરી
સર્વાધિક લોકપ્રિય બોન્ડ

ફિલ્મોઃ ડો. નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડફંિગર, થન્ડરબોલ, યુ ઓન્લી લિવ ટ્‌વાઈસ, ડાયમન્ડ્‌સ આર ફોરએવર, નેવર સે નેવર અગેઈન (આ ફિલ્મ વિતરણ હક્કોના વિવાદને લીધે સત્તાવાર બોન્ડ ફિલ્મ ગણાતી નથી)
શોન કોનરીએ બોન્ડ સિવાય પણ પોતે ઉત્તમ અભિનેતા હોવાના પૂરાવા વખતોવખત આપ્યા છે. રેડ ઓક્ટોબર, રોક અને હાઈલેન્ડર જેવી ફિલ્મો ભારે સફળ નીવડી છે.

 

જ્યોર્જ લેઝેન્બી
સૌથી નિષ્ફળ બોન્ડ

ફિલ્મોઃ ઓન હર મેજેસ્ટિઝ સિક્રેટ સર્વિસ
વયના કારણે શોન કોનરીને રિપ્લેસ કરવાનો આવ્યો ત્યારે કાસ્ટંિગ ટીમમાંથી કોઈને એકેય અભિનેતા જચતો ન હતો. છેવટે નાછુટકે લેઝેન્બીને પસંદ કર્યો પરંતુ કોનરીની સરખામણીએ બહુ જ માંદલો લાગતો લેઝેન્બી પડદા પર કશું ઉકાળી ન શક્યો. અને એક જ ફિલ્મમાં તેનો વીટો વળી ગયો.

 

રોજર મૂર
સૌથી વઘુ વખત બોન્ડ

ફિલ્મોઃ લિવ એન્ડ લેટ ડાઈ, મેન વિથ ધ ગોલ્ડનગન, ધ સ્પાય હુ લવ્ડ મી, મૂનરેકર, ફોર યોર આઈઝ ઓન્લી, ઓક્ટોપસી, અ વ્યૂ ટૂ કિલ
શોન કોનરી પછી મૂરને સૌથી વઘુ સફળતા મળી. એંશીના દાયકામાં બોન્ડ ફિલ્મો યુરોપ-અમેરિકા ઉપરાંતના વિશ્વમાં સફળ રહી તેમાં રોજર મૂરનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. મુર મહિલા દર્શકોમાં ભારે લોકપ્રિય હતો.

 

ટિમોથી ડાલ્ટન
નિષ્ફળ ફિલ્મોનો બોન્ડ

ફિલ્મોઃ લિવંિગ ડે લાઈટ, લાયસન્સ ટૂ કિલ
ટિમોથી ડાલ્ટન દેખાવમાં પણ પરંપરાગત બોન્ડ કરતાં સ્હેજ અલગ અને ઓછો મર્દાના લાગતો હતો. તેના ભાગે આવેલી બંને ફિલ્મો બોન્ડ શ્રેણીની ઓછામાં ઓછી સફળ ફિલ્મો ગણાય છે. એટલા માટે જ ત્રીજી ફિલ્મ ઓફર થઈ ત્યારે ખુદ ડાલ્ટને જ મુખ્ય ભુમિકાની ના પાડી દીઘી હતી.

 

પિઅર્સ બ્રોસ્નન
બોક્સઓફિસનો બોન્ડ

ફિલ્મોઃ ગોલ્ડન આઈ, ટૂમોરો નેવર ડાઈઝ, વર્લ્ડ ઈઝ નોટ ઈનફ, ડાઈ અનધર ડે
અત્યારે ત્રીશી નજીક પહોંચેલી પેઢીને મન બોન્ડ એટલે બ્રોસ્નન એવી વ્યાપક સમજ છે. છેલ્લા બે દાયકામાં બોન્ડ ફિલ્મોને વૈશ્વિક સફળતા અપાવવામાં બ્રોસ્નનની ફિલ્મોનો બહુ મોટો ફાળો છે. બોન્ડ શ્રેણી સિવાય પણ બ્રોસ્નને યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

 

ડેનિયલ ક્રેગ
ન્યુ એરા બોન્ડ

ફિલ્મોઃ કેસિનો રોયલ, ક્વોન્ટમ ઓફ સોલાસ, આગામી સ્કાયફોલ
નવી સદીના બોન્ડ તરીકે પસંદ કરાયેલો ડેનિયલ ક્રેગ તેના ચપટા ચહેરા અને વિચિત્ર હેરસ્ટાઈલને લીધે કોનરી, મૂર કે બ્રોસ્નન જેવા સફળ બોન્ડ કરતાં અલગ લાગે છે. તેની અગાઉની બે ફિલ્મોમાં પણ તે ખાસ વખણાયો નથી. એ જોતાં તેનું ભાવિ ઘુંઘળુ છે.

બોન્ડ ગર્લઃ હમને કલેજા રખ દિયા ચાકુ કી નોક પર

ઈયાન ફ્‌લેમંિગે જે બોન્ડની કલ્પના કરી એ પોતે વ્યક્તિગત જીવનમાં કોઈ એક કન્યાની કાખે બંધાય એવો ન હતો. એટલે ફ્‌લેમંિગે બીજી નવલકથા ‘લિવ એન્ડ લેટ ડાઈ’થી જ એમ-આઈ ૬ સ્પાય ૦૦૭ના સાંકેતિક નામે ઓળખાતા જેમ્સ બોન્ડ સાથે ઈશ્ક લડાવવા બે હિરોઈન મૂકી. જેમ્સ બોન્ડના વ્યક્તિત્વને ચૂંબકિય સ્પર્શ આપવા ફિલ્મમાં અનેક પ્રકારની સ્ત્રીઓને તેના મોહપાશમાં લપેટાતી અને જેમ્સ બોન્ડને પણ કોઈ છોછ વગર તેમની સાથે ફ્‌લર્ટ કરતો દર્શાવાય છે. ઈયાન ફ્‌લેમંિગના મનમાં જેમ્સ બોન્ડના પાત્ર માટે તેમણે નજરે જોયેલ સર્બિયન જાસુસ દુસાન દુસ્કો પોપોવ (જુઓ બાજુનો લેખ)નું મોડેલ તૈયાર જ હતું. પરંતુ બોન્ડ ગર્લ માટે તેમના મનમાં કોઈ એવું પાત્ર જચતું ન હતું. પછી જ્યારે ડો. નો પરથી એ જ શીર્ષકની ફિલ્મ બની રહી હતી ત્યારે હની રાઈડરની ભૂમિકા માટે તેમણે ઉર્સુલા એન્ડ્રુઝને જોઈ ત્યારે બોન્ડ ગર્લના કામણ સૌથી પહેલાં ખુદ બોન્ડના સર્જક પર અસર કરી ગયા. ફ્‌લેમંિગ ઉર્સુલાથી એટલાં અભિભૂત હતા કે એ ફિલ્મ પછી તેમણે લખેલી દરેક નવલકથામાં બોન્ડ ગર્લનું પાત્ર ઉર્સુલાના દેખાવ અને બોડી લેંગ્વેજ પરથી જ લખાયેલું છે.
ડો. નો ફિલ્મના દિગ્દર્શક ટેરેસ યંગે પણ બોન્ડશ્રેણીની પ્રથમ ફિલ્મમાં બોન્ડ ગર્લની પ્રથમ એન્ટ્રીને બહુ જ રોચક ઢબે ફિલ્માવી હતી. કોઈક મિશન પર મેક્સિકો આવેલો જેમ્સ બોન્ડ (શોન કોનરી) દૂરના બિલ્ડંિગ પરથી બાઈનોક્યુલર વડે દરિયામાં થતી હિલચાલ પર નજર રાખી રહ્યો છે ત્યાં અચાનક જ સમુદ્રના પેટાળમાંથી જાણે જળપરી બહાર આવતી હોય તેમ હની રાઈડર (ઉર્સુલા એન્ડ્રુઝ) બહાર આવે છે. આછા રંગની બિકિની પહેરેલી ઉર્સુલા રેતમાં પડેલી છીપલી લેવા ઝૂકે છે અને ત્રાંસી આંખે ઉપર જુએ છે એ દૃશ્યે સાંઠના દાયકામાં અમેરિકા-યુરોપના દર્શકોના હૈયામાં હાયકારો નંખાવી દીધો હતો. અત્યંત અપિલંિગ બનેલા એ દૃશ્યની અનેક ફિલ્મોમાં બેઠી નકલ પણ થઈ છે. હિન્દી ફિલ્મ ‘સાગર’માં ડિમ્પલ કાપડિયા અને ‘જિસ્મ’માં બિપાશા બસુને યાદ કરી જુઓ. ડો. નો કે એમાં ઉર્સુલાને નહિ જોઈ હોય તોય મોંમાંથી સિસકારો નીકળી જાય તો એ દિગ્દર્શક ટેરેન્સ યંગના કસબને અંજલિ લેખાશે.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved