Last Update : 22-April-2012, Sunday

 

લાઈટહાઉસ પ્રકરણ

- ધૈવત ત્રિવેદી

 

ગત રવિવારે આપણે જોયું...
હોમ મિનિસ્ટર દયાલ સાહાએ છેવટે વિરમની મુલાકાત લીધી. સખત ઈજા અને થાકથી પસ્ત થયેલો વિરમ જવાબ વાળવામાં હજુ ય એવો જ ચાલાક અને અણનમ છે તેની સાહાને પ્રતિતી થઈ ગઈ. બીજી તરફ, રાવીએ પોતાના પરિવાર વિશે વાત માંડી. તે ઈન્ડો-તિબોટ બોર્ડર પર ચમોલી ખાતે નાનકડી જાગીર ધરાવતા કર્નલ પ્રતાપસંિહ જામવાલની દીકરી હતી. તેના ડેડ પર કોઈ મેજર બિહોલાનો ભારે પ્રભાવ હતો. મેજરના નામે કેટલાંક ભેદી પાર્સલો પણ આવતાં. એકવાર અકસ્માતમાં એ પાર્સલ રાવીએ ખોલ્યા અને તેને ખબર પડી કે તેમાં લશ્કરમાંથી તફડાવેલા હથિયારો હતા. તેના ડેડ શા માટે આવું કરી રહ્યા છે તેની રાવી તલાશી લે એ પહેલાં જ કર્નલ જામવાલ માર્યા ગયા. રાવીના વાત ચાલુ છે એ દરમિયાન જ સુમરાને કોઈએ નીચેથી સાદ કર્યો. અભિમન્યુ રાવ પણ આતંકવાદીઓ જોડે સામેલ હોવાની પોલીસની શંકા વિશેનો અખબારી અહેવાલ વાંચીને અભિમન્યુ સ્તબ્ધ થઈ ગયો. હવે વાંચો આગળ...

 

‘બીજો કોઈ રસ્તો હોય તેવું મને લાગતું નથી...’ સાહાની આંગળીઓ યંત્રવત્ત કમ્પ્યૂટરના કિ-બોર્ડ પર ફરતી હતી. ડઘાયેલી આંખો સ્ક્રિન પર દેખાતા ચહેરાને તાકી રહી હતી અને તેના દિમાગમાં વિચારોનું તોફાન ફૂંકાતું હતું. ‘એ જીદે ભરાયો છે. હવે એ કોઈ કાળે નમતું નહિ જ મૂકે.’
‘એની લિવરેજ? અપાર્ટ ફ્રોમ રાવી...?’ સામેથી વાક્ય ફેંકાયું ત્યારે સાહાનું ઘ્યાન તેના કમ્પ્યૂટર સ્ક્રિનની બીજી વિન્ડો પર ઝડપભેર ફ્‌લેશ થતા આંકડાઓ પર ચોંટ્યું હતું.
‘આર યુ ધેર?’ સામેથી પૂછાયું એ સાથે સાહા થોડો અસ્વસ્થ થયો. તેને કશી ખબર તો નહિ પડી હોય ને? સાહાને પેટમાં ફાળ પડતી હતી પણ હવે ગમે તેમ કરીને તેનો પતો લગાવવા સાહા દૃઢ હતો. તેણે કપાળ પરની ભીનાશ લૂછી અને ઠંડકથી જવાબ વાળ્યો, ‘યાહ, એમ હિઅર ઓન્લી..’ પછી ઘડીભર અટકીને વાક્ય પૂરું કર્યું, ‘એક્ચ્યુઅલી નેટવર્ક સક્સ ટૂડે’
‘વેલ, આઈ રિપિટ માય ક્વેશ્ચન... એની લિવરેજ, અપાર્ટ ફ્રોમ રાવી?’ હવે સાહાને જવાબ વાળ્યા વગર છૂટકો ન હતો.
‘હા, વિરમનું ફેમિલી છે પણ વિરમનો સ્વભાવ જોતાં તેના ફેમિલીને આપણે હાથ પણ અડાડીયે તો એ વઘુ ઝનૂને ભરાશે. એન્ડ વી શૂડ નોટ ફરગેટ, હવે મીડિયાનું એટેન્શન પણ વધી જશે એટલે વિરમની ધરપકડ પણ લાંબો સમય તો નહિ છૂપાવી શકાય ને?’
‘આ પત્રકારનો મામલો શું છે?’
‘એ મને પણ હજુ સમજાતું નથી. ધો આઈ નો હિમ પણ એ કેવી રીતે આમાં સંડોવાયો એ મને હજુ ય ગળે ઉતરતું નથી.’
‘તેને આતંકવાદી જાહેર કર્યો એટલે દેશભરના મીડિયાના ધાડા ઉતરી પડશે. તારું હોમવર્ક બરાબર પાકું તો છે ને? તું જરાક લપસ્યો એટલે અમને સૌને લઈને પડીશ એ ન ભૂલતો’
‘એ અભિમન્યુ રાવ છે...’ સાહાએ બોચી ખંજવાળવાના બહાને બીજી વિન્ડોમાં ઝબકતા આંકડા ભણી નજર ફેરવી લીધી અને મનોમન વઘુ અકળાયો પણ જેની સામે તે કમ્પ્યૂટરના સ્ક્રિન પર ઊભો હતો એ આદમીને સાહાના હોમ મિનિસ્ટર હોવાની ય કોઈ તમા ન હતી. અકળામણને સિફતપૂર્વક આંખોમાં ઓલવી દઈને સાહાએ વાક્ય પૂરું કર્યું, ‘અભિમન્યુ એ પત્રકાર પરિષદમાં નાસ્તો કરવાના લોભે આવતો કોઈ રેંજીપેંજી રિપોર્ટર નથી. એ આમાં પડ્યો છે એ જાણ્યા પછી ય હું તેને છૂટો રાખું તો એ મને છાપાની આઠ કોલમમાં ઊંધો લટકાવે. બટ ડોન્ટ વરી, મીડિયા વીલ બી મેનેજ્ડ.’
‘ગમે તે કર, વિરમનું પછી ફોડી લઈશું. પહેલાં તો એ પત્રકારને હટાવ. મામલો કોઈ હિસાબે મીડિયામાં ન જવો જોઈએ’
‘યસ, આઈ એમ અબાઉટ ટૂ ટ્રેસ હીમ... બહુ જલદી રિઝલ્ટ આવી જશે.’ સાહાએ ફરીથી બીજી વિન્ડોના ફ્‌લેશ થતા આંકડાઓ પર ત્રાંસી આંખે નજર માંડી પણ હજુ ય એ કશું ઉકેલી શકતો ન હતો.
‘વીલ કેચ યુ લેટર ઓન. પત્રકારનો મામલો પતાવ પહેલાં. વિરમની ધરપકડ હું કહું નહિ ત્યાં સુધી જાહેર ન કરીશ.’
‘ઓકે. કિપ ફેઈથ પ્લિઝ. વીલ ટ્રાય માય બેસ્ટ.’ પછી સાહાએ ચેટંિગની ટેવવશ લખી નાંખ્યું... ‘ગુડ બાય એન્ડ ટેક કેર.’
‘બેટર યુ ટેક કેર વેલ...’ સાહા લોગ આઉટ થવા જતો હતો ત્યાં ચેટબોક્સની બ્લ્યૂ ફ્‌લેશ તેણે જોઈ. ‘મારું આઈ.પી. એડ્રેસ મળ્યું તને?’ સ્ક્રિન પર તેણે ફેંકેલો ખડખડાટ ઠહાકો જાણે સાહાની છાતીમાં ભાલાની જેમ ભોંકાયો. ‘બાપ છું તારો. માઈન્ડ વેલ એન્ડ માઈન્ડ યોર જોબ ઓન્લી.’
‘યુ *****’ સાહા મનોમન ગાળ બોલીને સ્ક્રિનની બિડાઈ ગયેલી બારીમાં અલોપ થઈ ગયેલા એ ચહેરાને ક્યાંય સુધી તાકી રહ્યો. આજે વઘુ એક વખત તેણે મ્હાત ખાધી હતી.
*** **** ****
‘તકદીરની તલવારને બેય બાજુ ધાર હોય છે...’ સુમરાએ સિગારનો ઘૂમાડો છોડતા ઝીણી આંખે અભિ ભણી તાકીને કહ્યું. ‘જે વધારે ભીંસ કરે એ બાજી જીતે. અત્યારે સાહાએ તારી તરફ ભીંસ આપી છે. જો તું વધારે ભીંસ આપે તો બાજી તારી.’
‘ઓહ કમ ઓન સુમરા, સ્ટોપ ધીસ રબીશ નોનસેન્સ.’ અભિનો ગુસ્સો ઝાળની માફક ફેંકાતો હતો. ‘તેની પાસે ગવર્ન્મેન્ટ મશીનરી છે. તેણે તો તેના પાવર વાપરીને આરોપ મૂકી દીધો. હવે નિર્દોષ તો મારે સાબિત થવાનું ને? આઈ હેટ ધીસ લો... બ્લડી બ્લાઈન્ડ લો.’
રાવી ખડખડાટ હસી પડી. સુમરાથી ય મલકી જવાયું. ‘બેટા, એટલે જ હું તને કહેતો હતો કે, હું, રાવી, વિરમ કે હવે તું... આપણે કોઈ ક્રિમિનલ નથી અને જો અમે ક્રિમિનલ છીએ તો બીજા કોઈ સત્યવાદીના પૂંછડા નથી.’
‘ટેલ મી, કોઈપણ માણસ ક્રિમિનલ છે કે નથી એ કોણ નક્કી કરશે? કાયદો જ ને? કાયદા પાસે કોઈ જાદુઈ છડી છે? કાયદો તો આંધળો છે. એ પૂરાવા માંગે છે અને બતાવવામાં આવે એટલા જ પૂરાવા જુએ છે. એની પાસે તર્ક નથી. વિવેકબુદ્ધિ નથી. ઘટનાની પહેલાંનું એ સાંભળતો નથી અને ઘટના પછીનું અનુભવતો નથી.’ રાવી અભિની બરાબર સામે ઊભડક બેસી ગઈ. તેની કથ્થાઈ, ભાવવાહી આંખોનાં ઊંડાણમાં અભિ પરોવાતો રહ્યો. ‘શુષ્ક પૂરાવાની કાખઘોડી પર ઊભેલો આવો પંગુ, લાચાર કાયદો અને આ સડેલી સિસ્ટમ બદલવા અમે નીકળ્યા હતા... જેને તું અમારૂં રંગ દે બસંતી કહીને હસી કાઢતો હતો એ આ હતું, જે તું આજે અનુભવી રહ્યો છે.’
‘રેલો વસ્તુ જ એવી છે. પૂંઠે આવે ત્યારે જ ભીનાશ વર્તાય છે.’ સુમરાએ સ્મિતભેર આળસ મરડતા કહ્યું. એને અભિને પજવવાની જાણે મજા આવતી હતી. ‘અશફાક ઉલ્લાખાન... મારો રોલ તો જાણે તે નક્કી કરી લીધો છે. તને ક્યો રોલ ફાવશે? સુભાષચંદ્ર બોઝ...? તુમ મુજે ખુન દો, મૈં તુમ્હે લાઈટહાઉસ દુંગા...’
વહેલી સવારે મટિયાવાડની એ જૂની, મેડીબંધ ઈમારતનો બીજો માળ ખડખડાટ હાસ્યથી રોશન થઈ ગયો હતો. ત્રણેય વચ્ચે પહેલી જ વાર પરસ્પર અવિશ્વાસ અને ઉગ્રતાની જગ્યાએ ભાઈબંધીની હુંફ ઉભરાતી હતી. સુમરાનો આદમી મોટું પવાલુ ભરીને ચા, પ્યાલા, આમલેટ-બ્રેડની તશ્તરી લઈને આવ્યો હતો. સવારની ચાના ધૂંટ સાથે અભિના ઓલવાઈ ગયેલા ચહેરા પર થોડુંક નૂર આવ્યું હતું.
જોકે હજુ ય એ નક્કી ન્હોતો કરી શકતો કે હવે તેણે શું કરવું જોઈએ? સુમરા અને રાવી બારીના કઠેડા પાસે ઊભા હતા. સુમરા તેને મટિયાવાડની ઈમારતોની બાંધણી વિશે કશુંક સમજાવી રહ્યો હતો. વસ્તુસ્થિતિ સ્વીકાર્યા પછી અભિ હવે સ્વસ્થ ચિત્તે વિચારવા માંડ્યો હતો. સરન્ડર થઈને પોતાને નિર્દોષ સાબિત કરવાનો તો કોઈ સવાલ જ પેદા થતો ન હતો. તે દયાલ સાહાની લૂચ્ચાઈથી પૂરતો વાકેફ હતો અને વિરમનો દાખલો હવે તેની નજર સામે હતો. શરણે થયા પછી સાહા તેને ગમે તેવા ગંભીર ગુનાઓમાં સપડાવી દે તો આખી જંિદગી એ અદાલતોના જ ચક્કર કાપતો રહે.
તો શું જંિદગીભર અભરામ સુમરાની જેમ અજ્ઞાતમાં ખોવાઈ જવું? નોટ એટ ઓલ... એ તો પલાયનવાદ છે. રાવીના એ તર્કમાં વજુદ હતું જ. દયાલ સાહાએ ગમે ત્યારે અભિમન્યુનું બિલ ફાડી શકાય તે માટે એ આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોવાનું ચલણ બનાવી નાંખ્યું હતું. હવે લાગ મળ્યે ગમે ત્યારે સાહાની પોલીસ કે ખાનગી માણસો અભિને લમણામાં ગોળી ઠોકી દે અને પછી મનફાવે તે સ્ટોરી રજૂ કરીને તેને આતંકવાદી કે તેમનો મળતિયો ચીતરી મારે એ નિશ્ચિત હતું. અભિ પાસે હવે એક જ વિકલ્પ બચતો હતો. તેણે ચાનો પ્યાલો ઊઠાવ્યો. ગરમાગરમ ચાનો મોટો ધૂંટ ગળા હેઠે ઉતાર્યો અને બારી તરફ રાવી અને સુમરાની દિશામાં પગ માંડ્યા.
*** *** ***
‘સા’બ, કુછ ઈનામ કી ઉમ્મિદ કર સકતા હું?’
‘હમ્મ્મ્મ..’ ટેબલ પર પગ લાંબા કરીને ખોળામાં મોબાઈલ મચડી રહેલા રાજાવતે સામે કોણ ઊભું છે અને શું પૂછે છે તેની જરાક પણ તમા દર્શાવ્યા વગર હોંકારો ભણ્યો. પરસ્પર આંટી ભીડેલા પગનું ડોલન તેની ખુશમિજાજીની ચાડી ખાતું હતું. ઘેધૂર, વાંકડિયા વાળના કપાળ પર અસ્તવ્યસ્ત પથરાયેલા ગૂંચળા અને આછી દાઢી હેઠળ તેનો ગોરો ચહેરો વઘુ મર્દાના લાગતો હતો.
‘કહીએ સુબેદારમિયાં, ક્યા ઉમ્મિદ કરતે હૈ? હમ્મ?’ તેણે બેફિકરાઈથી મોબાઈલ ટેબલ પર ફગાવ્યો, ઝાટકા સાથે પગ ટેબલ પરથી ઊંચક્યા અને ઊભો થયો. મટોડિયા લાલ રંગનો શર્ટ, બ્લેક જિન્સ, સ્પોટ્‌ર્સ શૂઝ અને ચેસ્ટ બેલ્ટમાં ભરાવેલી ગન. તેને ઊભો થયેલો જોઈને અંદરના ઓરડામાં થતી ધુસપુસ અટકી ગઈ. બહાર પરસાળમાં ધૂમી રહેલા કોન્સ્ટેબલની ચહલપહલ રોકાઈ ગઈ. ઘડીકમાં મિજાજ બદલી નાંખતા રાજાવતની એ ધાક હતી.
‘અબે બોલ ના યાર...’ રાજાવતે જિન્સના હિપ પોકેટમાંથી પર્સ કાઢ્‌યું. ૧૦૦૦ રૂ.ની બે નોટ કાઢી પર્સ બંધ કર્યું, વળી પર્સ ખોલ્યું અને બીજી બે નોટ કાઢી ૪૦૦૦ રૂ. એ આદમીના હાથમાં થમાવ્યા. ‘જા એશ કર’ બાતમીદારને ખુશ રાખવા એ રાજાવતનો કાયમી ઉસુલ હતો. તેના બાતમીદારો કોઈ ઠોસ માહિતી આપ્યા વગર, ફક્ત અંગત કારણોસર પણ રાજાવત પાસેથી પૈસા લઈ જતાં. રાજાવતને આજે એવો જ જૂનો બાતમીદાર કામ લાગ્યો હતો.
મદદઅલી તેનું નામ પણ તેને છેલ્લે ક્યારે કોણે મદદ તરીકે બોલાવ્યો હશે એ તો તેને ય યાદ ન હતું. વરલી મટકાના ધંધામાં આંકડા લખવાના ચાલુ કર્યા એ જ દિવસે પાંચ લાખનું સૌથી મોટું પાનું તેના ગલ્લે ખુલ્યું ત્યારથી તેનું નામ મદદ પાંચ લખિયા પડી ગયું. પછી મૂળ નામ મદદ નીકળી ગયું અને ‘પાંચ લખિયા’નું લટકણિયું જ નામ બની ગયું. પણ ત્યાં સુધીમાં મદદઅલી વરલી-મટકાનો સુબેદાર બની ગયો હતો.
કોઈ જાતના સત્તાવાર લખાણ, દસ્તાવેજ, પાકી પહોંચ કે હિસાબ વગર ફક્ત બોલાયેલા શબ્દોના ભરોસે અને કાગળની રદ્દી ચબરખી પર ચાલતા મટકાના અબજોના કારોબારની દુનિયા પણ બડી નિરાળી હતી. ઘડિયાળના કાંટે ખૂલતી એ દુકાન વિશ્વાસના પાયે અવિરામ ચાલ્યા કરતી. આંકડા પર સટ્ટો લગાડનારો કદી સટ્ટો લેનારાને ઓળખતો નહિ અને સટ્ટો લેનારો કોણ છે, ક્યાં છે તેની વચેટિયાને ય કદી ખબર પડતી નહિ. તેમ છતાં ય હિસાબનું વરણ રોજ સાંજે અચૂક ચૂકતે થઈ જતું. મટકાના આંકડા લખતાં દસ ગલ્લા પર નિયંત્રણ ધરાવે એ ફૌજી, એવા દસ ફૌજીનો મટકાનો કારોબાર જેના હાથમાં હોય તે જમાદાર અને એવા દસ જમાદાર રોજ સાંજ પડે જેને મટકાનો હિસાબ સોંપતા હોય તે સુબેદાર. પાંચ લખિયો હવે સુબેદાર હતો અને હવે તેને દસ સુબેદારના હાકેમ બનવું હતું.
સુબેદારની એ મનખા છેવટે રાજાવતને ફળી હતી. હંિદવાણની ખાડી પર પેલી ભેદી છોકરીની સાથે આવેલો આદમી અભિમન્યુ રાવ હોવાનું ખૂલ્યા પછી રાજાવતને કનડતો સવાલ એ હતો કે એ બંનેને ટવેરા ગાડીમાં ભગાડી ગયેલો ત્રીજો આદમી કોણ હશે? તેણે પંદરેક નામોનું ચેકલિસ્ટ તૈયાર કર્યું. વિરમના જૂના સાથીદારો પૈકી કોણ હોઈ શકે? અભિમન્યુ રાવના દોસ્તારો, મળતિયાઓ હોઈ શકે? એ ભેદી છોકરીની માફક પોલીસના ચોપડાથી દૂર રહેલા અજાણ્યા ચહેરાઓ પણ સામેલ હોય તો? રાજાવતે દરેક શક્યતા બારીકાઈથી ચકાસી જોઈ. એક-એક નામ, એ નામનો ભૂતકાળ અને વર્તમાન, હાલમાં એ ક્યાં છે, શું કરે છે, ઘટનાના દિવસે ક્યાં હતા એ બધી જ વિગતો એ ચેક કરતો ગયો. તેણે આપેલા લિસ્ટમાંથી એક જ નામ કોઈ ઉલ્લેખ વગર કોરુંકટ રહ્યું હતું.
અભરામ સુમરા.
- અને રાજાવતના મગજમાં ધમસાણ મચી ગયું હતું. વિરમનો એક સમયનો જમણો હાથ છેલ્લાં કેટલાંય વખતથી ગાયબ હતો. તેણે સુમરાની કુંડળી ખોલાવી. એ સાધારણ ટપોરી ન હતો. ફક્ત નિશાનબાજીમાં અવ્વલ શાર્પશૂટર ન હતો. આંખ મંિચીને હુકમ ઊઠાવનારો તાબેદાર પણ ન હતો. એ જેટલો માથાફરેલ હતો એટલો જ ભેજાંબાજ હતો. એ જેટલો કાબેલ નિશાનબાજ હતો એટલો જ ચાલાક હતો. એ ડ્રાઈવંિગમાં ય ભલભલાં નિવડેલા પ્રોફેશનલ્સને હંફાવતો અને વેશપલટો કરીને હવામાં ઓગળી જવામાં ય માહેર હતો. તો પછી ટવેરા ચલાવતો એ આદમી સુમરા હતો? રાજાવત બહુ જ ઝડપથી નિષ્કર્ષ પર આવી ગયો. તેણે તદ્દન ચુપકીદીથી સુમરાના સંભવિત ઠેકાણાઓની તલાશ આદરી દીધી. ક્યાંય જરાક સરખો ય અણસાર મળતો ન હતો.
એ વખતે મદદઅલીએ તેને બાતમી આપી હતી. વરલી મટકાનો હાકેમ ઈન્તાઝ મલેક બહારના પાસંિગવાળી ટવેરા ગાડીની તલાશમાં હતો. મદદની બાતમી પછી રાજાવતે ઈન્તાઝના ફોન નંબર મેળવ્યા. લેન્ડલાઈન તો આખો દિવસ અઠ્ઠો-પંજો-તીડી એવા ભેદી આંકડાઓથી કલબલતી રહેતી અને મોબાઈલ નંબર પર ઈન્તાઝ મુંબઈની હસીનાઓ સાથે ભદ્દી અને કામૂક વાતો કર્યા કરતો. તેનો ફોન ટ્રેસ કરતાં પોલીસકર્મીને ઘડીક તો મજા આવી પણ પછી તેનાં ય કાન પાકી ગયા. આ તો યાર, સેક્સ સિવાય બીજું કંઈ વિચારતો જ ન હતો. પહેલી પાંચેક કલાકના કોલ રિપોર્ટ પછી રાજાવત પડતું મૂકવા જતો હતો.
છેવટના પ્રયાસ તરીકે તેણે મદદઅલીને ફોન કર્યો હતો અને ઈન્તાઝના બેનામી મોબાઈલ કે સાવ અંગત ફોન રિસિવ કરવાની મોડસ ઓપરેન્ડી વિશે પૂછ્‌યું ત્યારે જે ખબર મળી એ જ રંગ લાવી ગઈ હતી. અંડરવર્લ્ડનો કોઈ મોટું માથું પોતાના જાહેર નંબર પર ઓપરેશનની કે અન્ય કશી ગુપ્ત વાત ન કરે એ સાધારણ નિયમ હતો પરંતુ એ વાત કરવા માટેના તરીકા દરેકના અલગ અલગ રહેતા. ઈન્તાઝની સ્ટાઈલ એ હતી કે એ તેના વિશ્વાસુ હસનનો ફોન વાપરતો. ઈન્તાઝના દરેક ખુફિયા સંદેશા હસનના ફોન પર આવે અને હસન ઈન્તાઝને એ સંદેશા રૂબરૂ પહોંચાડે. રાજાવતે તાત્કાલિક હસનનો ફોન ઓબ્ઝર્વેશનમાં મૂક્યો અને તેને જાણે લોટરી લાગી ગઈ. હંિદવાણની ખાડીની ઘટના પહેલાં રહેવર મંઝિલમાંથી ત્રણ અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા અને ઘટનાના દિવસે મટિયાવાડથી કુલ પાંચ ફોન થયા હતા, જે દરેકના નંબર અલગ હતા પણ મકાન તો એક જ હતું.
‘સા’બ, સબ ડિટેઈલ્સ તૈયાર હૈ...’ કાસમે અદબભેર કહ્યું. રાજાવત તેજકદમીથી અંદરના ઓરડામાં ગયો. ટેબલ પર પાથરેલા નકશા પર નજર માંડી. જાફર તેને નકશો સમજાવી રહ્યો હતો. હાઈવેને અડીને આવેલી મટિયાવાડની વસાહત જૂની બાંધણીના ગીચોગીચ મકાનો અને સાંકડા રસ્તાઓથી છવાયેલી હતી. ત્રણ દિશાએ પડતા મુખ્ય રસ્તા સાથે મટિયાવાડની ચાલીની કાચી કેડીઓ જોડાતી હતી. નંિભાડા, માટીના વાસણ વેચતી દેશી દુકાનો, એકબીજાને અડોઅડ ઊભેલા મકાનો અને તીવ્ર વળાંક લેતા ખાંચાઓ. એવા જ એક ખાંચા પર ઊભા ઘાટનું ત્રણ માળનું એક મકાન. સુમરાનું એ સંભવિત ઠેકાણું.
રાજાવત ક્યાંય સુધી એ નકશાને જોઈ રહ્યો. ગીચોગીચ વસ્તી અને સાંકડી શેરીની ભૂલભૂલામણીમાં ઓપરેશન પાર પાડવું હોય તો....
ક્યાંય સુધી તેણે વિચાર્યા કર્યું. છેવટે સાહાને ફોન જોડ્યો....

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved