Last Update : 22-April-2012, Sunday

 

માધવજી ગૉરે બળદ પાછળ ચોરાશી કરી ગામ આખાને જમાડ્યું

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 

આજે તો ભાંગીને ભૂકો થઈ ગયેલા ધોલેરા બંદરની જૂના કાળે ભારે જાહોજલાલી હતી. મુંબઈ અને સુરતથી વહાણો આવીને અઢળક ઇમારતી લાકડા ઠાલવી જતા જીવન જરૂરિયાતની ચીજો પણ દરિયા માર્ગે અહીં આવતી. કાળક્રમે બંદર છીછરું બની ગયું. વહાણવટું વિલોપાઈ ગયું અને ધોલેરા ઘૂળ ગામ બની ગયું. વેપાર-વણજ બંધ પડતા વસ્તી બીજા શહેરોમાં વહી ગઈ, પણ એની ઉક્તિ રહી ગઈ.
‘ધૂળ ગામ ધોલેરા ને બંદર ગામ બારા,
કાઠા ઘઉંની રોટલી ને પાણી પીવા ખારાં,
તોય ધોલેરા સારા ભઈ સારા.’
આ વાત છે ધોલેરા બંદરની જાહોજલાલીના સમયની એ વખતે એ લાકડાનું મોટું પીઠું ગણાતું. અડખેપડખેના પચ્ચીસ ગામનું હટાણું અહીં થતું આ બધા ગામોમાં લાકડું પણ ધોલેરા જ પૂરું પાડે. કોઈને નવું ઘર કરવું હોય તો કાટમાળ લેવા ગાડા જોડીને ધોલેરા જ જતાં એ કાળે માનવીને સારા અશ્વો, સારા બળદો, સારાં હથિયારો રાખવાનો શોખ હતો. આકરુ ગામના માધવજી ગોર ગામટોચ બળદો રાખતા. મલક આખામાં એમના બળદોનો દાખલો દેવાતો.
ખેડૂતોનો માનીતો અખાત્રીજનો ઉત્સવ છે. ઉગમણી દિશામાં સૂરજનારાયણે અછોડવા પંથ કાપ્યો છે. આકરુ ગામના તળાવની પાળ્ય ઉપર ગામેળું ભેળું થયું છે. રણીબામ રણીબામ ઢોલ વાગે છે. સવારનું ચોઘડિયું સારું હોવાથી ગામના ખેડૂતોના સાંતી નવા વરસની ખેતીનું મુહૂર્ત કરવા એક પછી એક નીકળે છે. બળદોને બાઇઓએ હરખભેર આણામાં લાવેલા શીંગરોટિયા, મોરડા, મખિયાડા, ખાખું ભરેલી ઝૂલ્યો, ખંભાની ધૂઘરમાળ અને ઝણ્યથી શણગાર્યા છે બળદો હરણફાળે સીમ ભણી ઉપડ્યા છે.
એવામાં કોઈ બોલ્યું, ‘ગામ આખાના સાંતી મુહૂર્ત કરવા નીકળ્યા. માધવજી ગોરનું સાંતી વરતાતુ નથી. ગોરબાપા શંકરની દેરીએ બંમ ગીરનારી ભોલેનાથ કરવા રોકાઈ ગયા કે શું ?’ બીજા જુવાનિયે મહર કર્યો ઃ ‘માધાબાપા બામણ ખરા ને ! ટીમણમાં સારું મુરત ગોતવા રિયા લાગે છે.’ ત્યાં ત્રીજાએ ટાપસી પૂરી ‘બાપાની ઉંમર થઈ એટલે મુરત મારું બેટું ઇમની હાર્યે સંતાકુકડી રમતું હશે.’
જુવાનિયાઓ આમ ગમ્મતુ કરે છે ત્યાં માધવજી ગૉરનું સાંતી ચોરા આગળ કળાણું બે ચાર જણ બોલી ઉઠ્યા ઃ ‘એ માધાભાનું સાંતી આવ્યું. આજ શેડિયો ને કુંડલો બે ય ગિરના દેશી બળદો જોડ્યા છે એટલે ભારે રંગત જામશે. પાળ્યે ઉભેલા ગામ લોકોએ હાકલા- પડકારા કર્યા એવામાં ગોરના બળદો ઉનાળામાં તરસ્યા થયેલા હરણીયા હડી કાઢે એમ ઉપડ્યાં હો ભાઈ, ખેતરે જઈ હળના સાત ખોટા ફરી કંકુવાળી સોપારી અને પૈસો દાટી કણમાંથી મણ અનાજ આપનારી ધરતી માતાની પૂજા કરી નવા વરસનું મુહૂર્ત કર્યું. મુહૂર્ત કરીને ખેડૂતોના સાંતી ગામભણી વહ્યા આવે છે. કોનું સાંતી મોર્ય આવે છે એ જોવા પાળ્યે ઉભેલા ગામ લોકોએ રીડિયાને ચહકા શરુ કર્યા.
પાદરમાં પાંચ- દસ સાંતી ભેગા થઈ ગયાં. ભારે રંગ જામ્યો રખોદરે ઢોલ માથે બૂંગિયો વગાડવા માંડ્યો. ભડકેલા બળદો નોખાનોખી દિશામાં માંડ્યા ભાગવા. હાથમાં રાસની આંટી વળી જતા છગન ભોરણિયો સાંતી પાછળ ઢસડાયો. જીવાભાઈના સાંતીનું જીહલું ભાગી બે કટકા થઈને ઉડી ગયું. દાનુભાઈના સંધિયા બળદોએ સાંતી કાંટાની વાડ્યમાં ઝીક્યું. ઢપુભાઈનું સાતી ખાડ્યમાં પડ્યું પોપટભાઈના ભડકણ બળદો ઝીંઝણ મારગે જાય ભાગ્યા. વાંહે વહ્યું આવતું માધવજી ગોરનું સાંતી સૌની મોર્ય ગામમાં આવ્યું. ગામ લોકો બોલી ઉઠ્યા ઃ ‘માધા બાપા તમે તો ભાર્યે કરી. સૌની વાંહે નીકળ્યા ને સંધાયથી મોર્ય આવ્યા ! અમને થતું’તું કે નરસી મહેતાની વેલ્યશેખુ માધાભાનું સાંતી પાણિયાળા બળદો હતુ ન્હોતું ન કરી નાખે તો સારું.’
માધવજી ગોર મલકીને બોલ્યા ઃ ‘ઇ તો બાપ બામણ બધે મોર્ય જ રિયે.’ ઘેર જઈ માધવજી ગોરે બળદોને ગઢિયો (દેશી) ગોળ ખવરાવી ઉપર એકેકી નાળ્ય તલના તેલની પાઈ. પછી બળદોની પીઠ થાબડીને બોલ્યા, ‘શાબાશ બાપ શેડિયા ને શાબાશ બાપ કુંડલા આજ તો તમે રંગ રાખી દીધો.’
એ વખતે ધંઘુકા તાલુકાના આકરુ ગામમાં માધવજી ગૉરનો દસકો હતો. ગોરને ગામ આખું માધા બાપાને નામે ઓળખતું ગોર પાડાના કાંધ જેવી ત્રણસો વિઘા ભોંના ધણી હતા. એમનો વભો કાઠી દરબારની યાદ આપે એવો. કણબીને બેઘડી હેઠું જોવરાવે એવી એમની ખોડ્ય. ફૂટડી કાયા ને પડછંદ દેહવાળા ગોર દેખાવે કરડા લાગે પણ એમનું હૈયું મીણ જેવું મૃદુ. પોરસીલા પણ એવા જ. પોતાની જુવાનીમાં એમણે ઘરના વઢિયારા ગોધલાને સગા હાથે ખવરાવી પીવરાવીને ઉછેરેલા લોકમુખે કહેવાતું કે, બળદો જોવા હોય તો માધવજી ગોરને ઘેર જાવ. પચાસ પચાસ ગાઉ માથે ઇનો જોટો નંઈ જડે. આખા ભાલ પંથકમાં ગોરના બળદોની આવી કીર્તિ ફેલાયેલી.
રાતવરતના આકાશમાં હરણ્યું માથે આવે ત્યારે માધવજી ગોર નગારું વગાડીને પોતાનું સાંતી જોડતા ગૉરની વાંહે વાંહે ગામ આખાના સાંતી જૂતતા નગારાના રવથી આકરુ ગામ જાણે કે આળસ મરડીને બેઠું થતું. ઘંટીઓ ફરવા માંડતી. વલોણાના રવથી શેરીઓ ગુંજવા માંડતી. પાણીશેરડા જીવંત બની જતા. બપોરે રોંઢાટાણે ગોર સાંતી લઈને હાર્યે આવી ડીલઢાળો કરી સાંજની વેળાએ ખડકી આગળ ખાટલો નાખીને બેસતા એવામાં એક દિ’ના સમે ખડકી આગળ પંચકલ્યાણી ઘોડીએ આવીને હાવળ્ય નાખી ગોરે ગોરાસુ ગામના ઝુંઝા પટેલને ઓળખ્યા. સાકરરોખો મીઠો આવકારો આપ્યો પટેલ ઘોડીનું પેગડું છોડી નીચે ઉતર્યા. રામરામ શામશામ કરીને ખાટલે બેઠા. ચા-પાણી કરી બે ય વાતે વળગ્યા ?
‘શું આવવું થિયું સે ?’ ગોરે પૂછ્‌યું.
‘રપટાને બે સાંભડા નખાવવા છે એટલે ધનજી સુતારની કોડ્યે આવ્યો’તો. ઈને અટાણે મોસમટાંણે ગામતરા હૂજે છે.’ પટેલે વાત કરી. પછી બળદોની વાત નીકળી ઝૂંઝા પટેલે સામે ઢાળિયામાં બાંધેલા બળદો તરફ આંગળી ચીંધીને પૂછ્‌યું ઃ ‘ગોરબાપા, બધા બે મોઢે વખાણે છે ઈ આ જ તમારા બળદ ને ! દેખાવમાં તો ડુંગરાની ગાઢલિયું જેવા લાગે છે માળા આટલા બધા પાણિયાળા છે ?’
‘આ ગોઢલિયુ બાપ મારે મન લાખ રૂપિયાની છે.’ ગોરબાપાએ ટૂંકો ઉત્તર આપ્યો. ઝુંઝા પટેલથી નો રહેવાયું એ બોલ્યા ઃ ‘ઓણ તો અમારા ગોરાહુના મુખી માલા નાળ્યે જઈને શું બળદો લાવ્યા છે ? વીહ વીહ વાંહળિયું છોડી આલો તો ય ખીલેથી ન છૂટે એવી રામલખમણની જોડ્ય છે. શીંગડે મૉરેય નમણા ને ડીલ માથે હાથ ન મૂકવા દે એવા તો પાળિયાણા છે. એની આગળ ભાલપંથકના બધા બળદિયા પાણી ભરે હોં !’
‘ઈ તો બાપ માલાજાળ્યના ખમતીધર બળદ કહેવાય. ક્યાં માલાજાળિયા ને ક્યાં આકરુની ઝોકની ગોઢલિયુ બે વચ્ચે આભજમીનનું અંતર ગણાય.’ માધવજી ગોરના મર્માળા વેણનો તાગ ઝુંઝા પટેલ ઝાઝો પામી શક્યા નહીં.
ફાગણ મહિનાની હોળી આવી. ઘઉંના ખળા ભરાઈ ગયા. ઉનાળો આવ્યો ભાલના ખેડૂતો નવરા પડ્યા એટલે લગ્ન અને ઘરના કામો કાઢ્‌યા. ઓણ વરસ સોળ આની પાક્યું હતું એટલે માધવજી ગોરે ઓડને બકોરીને એક સાથે ત્રણ નવા ખોરડા ચણાવવનો આદર કર્યો. મહિના દા’ડામાં પીન્યુ લેવાઈ ગઈ ને મોભારિયા ય ચડી ગયા. ઘરના કાટમાળ માટે લાકડું લેવા માધવજી ગોર ગાડું જોડીને ધોલેરા જવા ઉપડ્યા. પીઠમાં ભાવતાલ નક્કી કરીને સીત્તેર મણનું ઇમારતી ગોળવું (ગોળ લાકડું) વો’ર્યુ ને કારણે કરી ગાડામાં ચઢાવ્યું.
બીજા દિવસનું મોં સૂઝણું થતા ગોરે આકરુ ગામના મારગે ગાડું વહેતું કર્યું. મારગમાં ગોરાસુ ગામ આવ્યું ગામના પાદરમાં આડો આધિયો (વોંકળો) આવ્યો. માવઠું થતા એમાં પાણી આવેલું બરોબર મધઆધિયે આવતા ગોરના ગાડાનું એક પૈડું અંદર ખૂંતી ગયું. બહુ મથ્યા પણ ગાડુ બહાર ન નીકળ્યું ગોર તો બળદોને છડી લમણે હાથ દઈને બેઠા છે. એવામાં ઝુંઝા પટેલ હાથમાં પાણીનો કળશ્યો લઈને પોટલિયે જવા નીકળ્યા. પટેલ ગોરબાપાને ઓળખી ગયા.
‘માધવજી બાપા ! લ્યો હાલો, ચા-પાણી કરવા.’
‘ભલા માણસ ચા-પાણી પછી. પેલા આધિયામાંથી ગાડું બારું કઢાવો. ઝટ ગામમાં જઈ રાંઢવા, તરેલું ને પાણીયાળા બળદો લઈ આવો તો ગાડું બારું નીકળે. ભાર બઉં ભર્યો છે.’ ઝુઝા પટેલ પોટલિયે જવાનું પડતું મૂકી ગામમાં ગયા રાંઢવા, તરેલાં ને મુખી બાપાના માલજાળિયા બળદો લઈને પાદરે પોગ્યા. વાંહોવાંહ મુખી ય આવ્યા. પાદરમાં ગામ ભેગું થઈ ગયું. બૂંગિયો ઢોલ બજવા લાગ્યો. મુખી કહે ઃ ‘ગોર બાપા, આટલો બધો ભાર ગાડામાં ભરવાનું ગાંડપણ કરાતું હશે. પંડ્યના દીકરા જેવા બળદો અંચકાઈ જાય. તૂટી જાય.’
‘વાત તો સાચી છે. હવે જે થયું ઇ ખરું !’
ત્યારે મુખીએ મહર કર્યો ઃ ‘ગોરબાપા, મલક આખો બે મોઢે વખાણ કરે છે ઈ તમારી ગોઢલિયું કે બીજી ?’
ગોર ઠાવકાઈથી બોલ્યા, ‘બાપલા, ગોઢલિયુ તો ઇ જ છે. સમો સમાનું કામ કરે છે વીર અર્જુનને ય કાબાઓએ નહોતો લૂંટી લીધો ?’
પછી ચાર બળદના કર્યા પણ ભરત ગાડું માંદણામાંથી ચસક્યું નહીં. મુખી બોલ્યા ઃ ‘મને હતું કે મારા માલાજાળિયા બળદ પાછા નૈ પડે પણ ભરત ગાડાએ એનું પાણી ઉતારી નાખ્યું.’ સૌ બળ પછાડી ધરાણા ત્યારે માધવજી ગોર કેડ્ય બાંધીને ઉભા થયા. શેડિયાને કુંડલાને ગાડે જોડી ઉધ ઉપર બેઠા. ગામ આખું બોલી ઉઠ્યું ઃ ‘ગોર બાપા, મમત મૂકો. મોંઘા મૂલના બળદિયા નંદવાઈ જશે. દુઃબળી ખેડ ભાંગી જશે.’
‘ગોરાહુ ગામના બળદુના ગજ નંઈ વાગે હવે તો જીણે ખૂંતાડ્યું છે ઇ જ બારું કાઢશે.’ આ તો ઝુંઝા પટેલ એક દિ’ મારી ખડકીએ આવીને મુખીના માલાજાળિયાના વખાણ કરી મારા ગિર ગાયના દેશી બળદોને ગોઢલિયું કહી ગ્યા’તા એટલે મારે મુખીના માલાજાળિયાનું પાણી માપવું’તું ઇના ઓંહાણ લેવા’તા આટલું બોલીને ગોરે શેડિયાને કુંડલાના બરડા માથે હાથ મૂક્યા. બૂંગિયો ઢોલ બજ્યો રણીબામ રણીબામ રણીબામ... ગોરે પડકારો કર્યો. બળદોએ બળ નીચોવી નાંખ્યું ને ગાડુ આધિયામાંથી બહાર કાઢ્‌યું. રીડિયારમણને પડકારાથી ગામનું પાદર ગાજી ઉઠ્યું. ઝુંઝા પટેલ બોલી ઊઠ્યા ઃ ‘મારી બેટી ભારે કરી. ગોર ગામનું નાક વાઢી ગયા.’ ગામ આખું ગોર અને બળદોનો ઝપાટો જોઈ જ રહ્યું.
ઘેર આવી માધવજી ગોરે બળદોને ઘીની નાળ્યું પાઇને અધમણ ઘઉંની ધૂઘરી રાંધીને ખવરાવી. પણ શેડિયો બળદ અચકાઈ ગયો હતો. એણે ખાવાપીવાનું બંધ કર્યું હતું. ગોરે પંડ્યના દીકરા કરતાં ય વઘુ અદકી ચાકરી કરી, પણ શેડિયાન સુવાણ્ય નો આવી જે દિ’ ઘરનો મોભ ચડ્યો તે દિ’ શેડિયા બળદે દેહ છોડ્યો. કોઈ દિ’ આંખ્યમાંથી આહુડું નો નીકળે એવા છાતીસલા માધવજી ગોર કારી ઘા સહન કરી શક્યા નહિ. માથે ફાળિયું ઢાંકી પોક મૂકીને રોયા. ખોબો આંસૂડા ખેરવ્યા. બળદને ગાડામાં નાખી એને જમીનમાં દાટી આવ્યા. ગોરને ઘેર બળદની કાણ મંડાણી. ગામલોકોએ ખરખરો કર્યો. બળદની સદ્‌ગતિ માટે ગોરે ગામઘૂમાડો બંધ કરાવી ચોરાશી કરી અને ગામ આખાને જમાડ્યું.
આ વાતને દોઢસો એક વર્ષ થયા ભાઈ. આજે માધવજી ગોરની પાંચમી પેઢી ચાલે છે. ધોલેરાથી લાવેલા એક જ ગોળવાને વેરાવીને માળેલા ત્રણ ઘર આકરુ ગામની બજાર માથે માધવજી ગોરની યશ કીર્તિ લહેરાવતા ઊભાં છે. (ચિત્ર ઃ ખોડીદાસ પરમાર)

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved