Last Update : 22-April-2012, Sunday

 
‘‘આપણે પૂજા દ્વારા દેવોને ખુશ કરવા પ્રયત્નો કરીએ છીએ, પણ માણસને ઠારવામાં ઊણાં ઉતરીએ છીએ’’- વ્યંજના
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
 

‘મન સંસાર’ પર ત્રાસ ગુજારીને ‘ગૃહ સંસાર’ને દીપાવવાની મથામણને હું શાણપણ નથી માનતી !’’
લાગણીના પ્રવાહમાં તણાઈને લાંબા ગાળાના નિર્ણયો ટૂંકી દ્રષ્ટિથી કરનારના નસીબમાં પશ્ચાત્તાપ જ લખાય છે
ચૈતન્યકુમારના ઘરનો સામાન મજૂરો ટ્રકમાંથી નીચે ઉતારી રહ્યા હતા. તેઓ એપાર્ટમેન્ટના પાર્કંિગ ઝોન પાસે ઉભા હતા. પહેલે માળે બહારની બારી પાસે લટકતું બોર્ડ તેઓ વારંવાર વાંચી રહ્યા હતા. ‘સ્વાશ્રય’ શબ્દ પરથી એમની નજર ખસતી નહોતી.
‘હવે ઉપર આવશો કે પછી અહીં ઉભા ઉભા જ એપાર્ટમેન્ટનું નિરીક્ષણ કર્યા કરશો ? તમારું એક સપનું આજે સાકાર થયું તેનો આનંદ તમને એકલાને નહીં, મને પણ ઝાઝેરો છે !’- બોલતાં બોલતા સુવર્ણાને ગળે ડૂમો ભરાઈ આવ્યો.
ઉપકાર નાનકડી હાટડી ચલાવતો હતો. આવકમાંથી માંડ બે છેડા પૂરા થતા હતા. એક રૂમ- રસોડાના ભાડાના મકાનમાં રહી એ કંટાળ્યો હતો. મોટાભાઈનું અવસાન એને માટે વરદાન બની ગયું.
મોટા ભાઈના મૃત્યુ બાદ ઉપકાર પોતાની પત્ની કામના સાથે તેમના બંગલામાં રહેવા આવી ગયો. નાનકડા ચૈતન્યને ફોઇબા પોતાની સાથે લઈ જવા ઇચ્છતા હતા પણ ઉપકારના આગ્રહ આગળ એમણે નમતું જોખ્યું !
ધીરે ધીરે ચૈતન્યના કાકા ઉપકારે પોતાની ‘અપકારયાત્રા’ શરુ કરી. બંગલો ગીરો મૂકીને પૈસા બેંકમાં મૂકીને વ્યાજની આવક ઉભી કરી દીધી.
ચૈતન્ય ભણવામાં તેજસ્વી હતો. એના પપ્પાજી ઇચ્છતા હતા કે એ સાયંસ સ્ટ્રીમમાં અભ્યાસ કરીને ડોક્ટર બને ! પણ એના કંજૂસ કાકા ચૈતન્યને ડોક્ટર બનાવવાનું ખર્ચ કરવા તૈયાર નહોતા. એટલે સામાન્ય પ્રવાહમાં તેને અભ્યાસ કરાવીને કોમર્સ કોલેજમાં દાખલ કરી દીધો !
ઉપકારે ચૈતન્યને ભત્રીજાની જેમ રાખવાને બદલે ‘નોકર’ તરીકેની કામગીરી શીખવવાનું શરુ કરી દીઘું ! ચૈતન્યએ શાળાએથી આવતી વખતે શાકભાજી લાવવાનું, ઘેર આવ્યા પછી શાકભાજી સમારવાના, કાકી કામનાને રસોઈમાં મદદ કરવાની, પલંગના ઓશિકાના કવર અને ચાદર બદલવાના, ટેબલ ઉપર પ્લેટ અને બાઉલ ગોઠવવાના, કાકા- કાકી ટેસથી જમતા હોય ત્યારે એમને મૂંગે મોઢે પીરસવાનું અને ભોજન પત્યા બાદ એંઠા વાસણો ઉપાડી લીધા બાદ વઘ્યું- ઘટ્યું જમી લેવાનું.
બઘું જ કામ સમેટતા રાતના દસેક વાગી જતા. થાકેલો ચૈતન્ય વાંચવા બેસતો, પણ એનું મન અભ્યાસમાં પરોવાતું નહીં ! મનોમન એ વિચાર કરતો ફોઇબાએ શું વિચારી કાકાનું નામ ઉપકાર રાખ્યું હશે ?... અને મોટા થયા બાદ પણ શું વ્યક્તિત્વમાં પોતાના નામ અનુસાર સદ્‌ગુણો વિકસે એ જોવાની કશી જ જવાબદારી નહીં ? ક્યાં ઉદારતાની મૂર્તિ સમા પોતાના પપ્પાજી અને કયાં સ્વાર્થની જીવતી- જાગતી પ્રતિમા સમા ઉપકાર અંકલ ? શું સ્વજનો છળ- પ્રપંચને, કાવા-દાવાને અને સ્વાર્થીને પોતાનો સંબંધ સિદ્ધ અધિકાર માનતા હશે ? ધન જોઈને માણસ પોતાનો ધર્મ શા માટે વિસારી દેતો હશે ? સ્વાર્થ આગળ લાગણી અને પ્રેમને ગળે શા માટે ટૂંપો દેવાનું નૈતિક પાપ આચરતો હશે ? આ ‘મારા’ અને આ ‘પાંડુપુત્રો’નો ભેદ ભારત ૨૧મી સદીમાં પણ ભૂલવા તૈયાર નથી !
અને ચૈતન્યે સુખે-દુઃખે બી.કોમ. સુધીનો અભ્યાસ પૂરો કરી પાસ ક્લાસમાં પરીક્ષા પસાર કરી.
ઉપકાર હવે એને પરણાવી દેવાની વેતરણમાં હતો. લગ્નમાં શક્ય ‘સોદાબાજી’ કરીને પોતાના મોટાભાઈની આબરૂનો લાભ લઈ લેવા માગતો હતો. ચૈતન્યનો ભવ્ય બંગલો જોઈને લોકો પ્રભાવિત થતા અને પોતાની પુત્રીનું માંગુ લઈને તેના કાકા ઉપકાર પાસે દોડી આવતાં.
અને ‘ભાવ-તાલ’માં શૂરો ઉપકાર આગંતુકની આર્થિક સ્થિતિને નજર સમક્ષ રાખી સંબંધની શક્યતાનું મૂલ્યાંકન કરતો.
ંઅંતે સુવર્ણા પર એટલા માટે પસંદગીનો કળશ ઢોળ્યો કે તે સાવકી પુત્રી હતી. સુવર્ણા પરનો સાવકી માતાનો ત્રાસ જોઈ દુઃખી થતા એના પપ્પાજી એને વહેલી તકે વિદાય કરવા ઇચ્છતા હતા.
અને ઉપકારે સુવર્ણા સાથે ચૈતન્યનું લગ્ન પતાવી દીઘું.
ઉપકારની પત્ની કામના સગી માતાવિહોણી સુવર્ણાની લાચારીનો ગેરલાભ લેવામાં કુશળ હતી એટલે સુવર્ણાના આગમન બાદ કામવાળીને પણ એણે વિદાય કરી દીધી !
પણ થોડાક સમય બાદ ઉપકારમાં વળી પાછો સ્વાર્થનો કીડો સળવળવા લાગ્યો. એણે ભાડાના ઘરનો કબ્જો મકાન માલિકને હજી સુધી સોંપ્યો નહોતો અને પોતાની હાટડી પણ ભાડુતી માણસ દ્વારા ઉપકારે ચાલુ રાખી હતી. ઘરમાંથી ચૈતન્યનો કાંટો કાઢવા માટેનું આયોજન એણે વિચારી કાઢ્‌યું.
લગ્ન પછી છ મહિના બાદ ઉપકારે ચૈતન્યને કહ્યું ઃ ‘જો બેટા, તું મારો ભત્રીજો નથી, દીકરો છે ! દરેક યુવાન પોતાની સ્વતંત્ર જંિદગી ઝંખતો હોય છે. મોજથી હરવા- ફરવા ઇચ્છતો હોય છે એટલે મેં નક્કી કર્યું છે કે મારું ભાડાનું મકાન તને અને સુવર્ણાને રહેવા માટે આપવંુ ! અને તારે નોકરી કરવાની જરૂર નથી નાનો નાનો પણ પોતાનો ધંધો સારો. આપણે આપણી મરજીના માલિક ! તું અલગ રહેવા જાય તો પણ આપણા દિલ થોડા અલગ થઈ જવાના હતા વાર- તહેવારે અઠવાડિયે- પખવાડિયે તમે બન્ને અહીં રહેવા આવજો. આપણો લાગણીભર્યો સંબંધ જોઈ મારા સ્વર્ગસ્થ મોટા ભાઈ અને તારા પપ્પાજીની આંતરડી પણ ઠરશે ! ખરું ને ચૈતન્ય ?’
ચૈતન્ય કાકાના નર્કમાંથી છૂટવા માગતો હતો. મોટા સપનાં જોવાની એની તાકાત જ કાકા ઉપકારે ખતમ કરી નાખી હતી. ચૈતન્ય સુવર્ણાને પણ ઘરના વૈતરામાંથી મુક્ત કરાવવા ઇચ્છતો હતો.
અને એણે ઉપકાર અંકલની સ્વાર્થી દરખાસ્ત તરત જ સ્વીકારી લીધી અને ચૈતન્ય તથા સુવર્ણાનો ભાડાના મકાનમાં દાંપત્ય યોગ શરુ થયો.
સુવર્ણા સુશીલ અને સમજદાર હતી. પોતાના પતિના દુઃખદ ઇતિહાસના અશ્રુભીના પ્રકરણોથી વાકેફ થયા બાદ એને ચૈતન્ય પ્રત્યે ખૂબ જ લાગણી હતી.
ચૈતન્યએ પણ કાકાએ ‘પધરાવેલી’ હાટડીનો ધીરે ધીરે વિકાસ શરુ કરવા માંડ્યો એના પ્રેમાળ અને આવકારભીના સ્વભાવને કારણે ગ્રાહકો પણ ‘સુવર્ણા કરિયાણા માર્ટ’ તરફ આકર્ષાવા લાગ્યા.
પાંચ વર્ષમાં ચૈતન્ય એક પુત્ર સુપાત્ર અને પુત્રી વ્યંજનાનો પિતા બન્યો અને એનું જીવન પ્રસન્ન દાંપત્યથી લીલુંછમ બની ગયું.
ચૈતન્યએ હવે પૈસાનો હિસાબ માગવાનું બંધ કરી દીઘું હતું એટલે કાકા ઉપકાર અને કાકી કામના પણ તેનાથી ખુશ હતા. ચૈતન્યએ કાકાનું ભાડાનું નાનકડું મકાન પણ ખરીદી લીઘું અને બીજી તરફ વેપારમાં પૂરતું ઘ્યાન આપી બચત કરવાનું પણ શરુ કરી દીઘું હતું એને પોતાની પત્ની સુવર્ણા પ્રત્યે વિશેષ કરુણા એટલા માટે હતી કે એણે કર્કશા અપર માતાનો પારાવાર ત્રાસ વેઠ્યો હતો. ચૈતન્ય માનતો હતો.કે પત્નીને ઠારવી એનાથી મોટો બીજો કોઈ યજ્ઞ નથી અને પારાવાર લાગણી અર્પણ કર્યાથી મોટું કોઈ પુણ્ય નથી !
એણે સુપાત્રને ભણાવી- ગણાવીને તૈયાર કર્યો. સુપાત્રની ઇચ્છા પણ નોકરી કરવાની નહોતી એટલે એને પણ અનાજના હોલસેલ બિઝનેસમાં જોડી દીધો.
વ્યંજના સ્વભાવે અલગારી હતી એને ઘરમાં એકાન્તમાં રહેવું પસંદ હતું પણ સમાજસેવામાં પણ એટલો જ રસ. નવરી પડે એટલે પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જાય અને સુવર્ણા એને ‘સારો પતિ’ મળે એ માટે ‘વ્રત’ કરવાનો આગ્રહ કરતી, પણ વ્યંજના એનો વિરોધ કરતા કહેતી, ‘મમ્મી, શું લગ્ન સિવાય યુવતીનું બીજું કશું ભવિષ્ય જ નથી ? અને વ્રત કરનારને સારો પતિ મળશે એની ગેરંટી કોણ આપી શકે ?... પરાયાને પોતાનો માનીને પોતાનો બનાવવા માટે જીવનભર દબાયા- ચંપાયા રહેવું એને હું ગૃહસંસાર નથી માનતી ! મન-સંસાર પર ત્રાસ ગુજારીને ગૃહસંસારને દીપાવવાની મથામણ જીવનભર કર્યા કરવી એને હું શાણપણ નથી માનતી.’ અને ચૈતન્યએ પોતાની પુત્રીને પોતાની રીતે જીવવાની છૂટ આપી હતી. સંતાનના ટ્રસ્ટી બનાય, માલિક નહિ એના એ ઉછેરનું વ્યાજ આજ્ઞાંકિતતારૂપ વસુલ કરવું એ સાંસારિક આચારસંહિતાનું ધરાર અપમાન છે એવું ચૈતન્ય માનતો હતો.
ચૈતન્યએ છેલ્લા પચ્ચીસ વર્ષમાં કસકસર કરીને દોઢેક કરોડ રૂપિયાની બચત કરી હતી અને આજે એ એક કરોડના એપાર્ટમેન્ટનો માલિક બની પોતાના નૂતન નિવાસમાં પ્રવેશી રહ્યો હતો, અને ચૈતન્ય અને સુવર્ણાને પારાવાર હતો પોતાના એપાર્ટમેન્ટની તકતી ‘સ્વાશ્રય’ને એટલે જ એ મનભરીને નીરખી રહ્યો હતો.
અને ‘સ્વાશ્રય’માં ચૈતન્યનું સાંઘ્યકાલીન જીવન શર થયું હતું. પુત્ર સુપાત્રએ વેપાર- વાણિજ્યની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી હતી. સુપાત્ર પોતાની નાની બેન વ્યંજનાના લગ્ન ન થાય ત્યાં સુધી પરણવા ઇચ્છતો નહોતો, પણ વ્યંજનાના સ્વતંત્ર જીવનના ખ્યાલનો પરિચય થયા બાદ એણે પોતાની મમ્મી સુવર્ણાની આજ્ઞા માથે ચઢાવી વિનમ્રા સાથે સાદગીથી લગ્ન કરી લીઘું હતું.
ઉપકાર પોતાના મોટાભાઈની મિલ્કત પચાવી પાડી માલામાલ થઈ ગયો હતો. ચૈતન્યના સ્વાવલંબી જીવનની એ પ્રશંસા કર્યા કરતો હતો, પણ ચૈતન્યને કાવડિયું પરખાવવા તૈયાર નહોતો...
ઉપકાર પાસે સંપત્તિ તો હતી પણ સંતતિની દ્રષ્ટિએ કામનાનો ખોળો ખાલી હતો. પુત્ર-પ્રાપ્તિ માટે ઉપકાર અને કામનાએ બાધા- બાંધણી, દોરા- ધાગા, હોમ- હવન બધાનો સહારો લીધો પણ તેમના જીવનમાં સંતાનપ્રાપ્તિનું ુસુખ ન લખાયું તે ન જ લખાયું.
અને ઉપકાર મનમાં દત્તક પુત્ર લેવાનો વિચાર આવ્યો એક પ્રતિષ્ઠિત શિશુ- સદનમાંથ એણે પુત્ર દત્તક લીધો એની નામકરણ વિધિ પણ ધામઘૂમથી કરી. કામનાના સૂચનથી એનું નામ વિકલ્પ રાખવામાં આવ્યું.
વિકલ્પને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યા બાદ દેવદર્શને જતાં કામના અને ઉપકારની કારને અકસ્માત નડ્યો. કારનું ટાયર ફાટતા સ્પીડમાં દોડતી કાર ગુલાંટિયું ખાઈને સડક પરથી બાજુના ખાડામાં પટકાઈ ડ્રાઇવર અને ઉપકાર તથા કામના ભયાનક રીતે જખ્મી થયા પણ કોઈ કુદરતી ચમત્કારથી બચી ગયા.
અને ડ્રાઇવર તથા ઉપકાર શેઠ અને કામના શેઠાણી હોસ્પિટલમાં જ અવસાન પામ્યા. વિકલ્પ ફરી પાછો અનાથ બની ગયો.
ચૈતન્ય અને સુવર્ણાએ ઉપકાર અને કામનાની મરણોત્તર વિધિ ભાવપૂર્વક પરિપૂર્ણ કરી. શિશુ સદનના સંચાલક પણ આશ્વાસન આપવા દોડી આવ્યા હતા. વિકલ્પ માટેના વિવિધ વિકલ્પોનું સૂચન પણથવા લાગ્યું હતુંપરંતુ ચૈતન્ય વિકલ્પને કોઈ અજાણ્યાના હાથમાં સોંપવા તૈયાર નહોતો. સુવર્ણાની પણ ઇચ્છા હતી કે વિકલ્પનો ઉછેર પોતાના પરિવારમાં જ થાય પરંતુ સુપાત્ર અનાવશ્યક જવાબદારી વહોરી લેવાની તરફેણમાં નહોતો. વિનમ્રાની પણ દલીલ હતી કે પોતાના વૃદ્ધ સાસુ- સસરા વિકલ્પની જવાબદારી ક્યાં સુધી નિભાવી શકવાના ? અંતે તો એ જવાબદારી સુપાત્રને શિરે જ આવવાની ? સુપાત્ર પિતા બન્યા પછી વિકલ્પ પ્રત્યેની જવાબદારી ઉમળકાભેર નિભાવી શકશે ખરો ? લાગણીના પ્રવાહમાં તણાઈને લાંબા ગાળાના નિર્ણયો ટૂંકી દ્રષ્ટિથી કરનારના નસીબમાં પશ્ચાત્તાપ જ લખાય છે. હું આફતની યજમાન બનવા નથી માગતી !
‘પણ હું વિકલ્પના ઉછેરની જવાબદારીને આફત નહીં વરદાન માનું છું. આપણે પૂજા દ્વારા દેવોને ઠારવા,ખુશ કરવા પારાવાર પ્રયત્નો કરીએ છીએ, પણ માણસને ઠારવામાં ઉણા ઉતરીએ છીએ. વિકલ્પને હું મારો સગો પુત્ર ગણી ઉછેરીશ અને ઉપકાર કાકાનું આ સ્વાર્થીભવન નવું નામ ધારણ કરશે કુંવારી માતાનું ઘર મારું બાકીનું આયખું હું વિકલ્પની માતા બનીને ગુજારીશ અને વિકલ્પ જેવા બાળકોનું આ ઘર લાગણીતીર્થ બની રહેશે.’- વ્યંજનાએ કહ્યું હતું.
અને વિકલ્પને પારણામાં પોઢાડીને કુંવારી પાલક માતા વ્યંજનાએ પોતાનો શિશુ સેવાયજ્ઞ તરત જ આરંભી દીધો હતો.

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved