Last Update : 21-April-2012, Saturday

 

મુંબઈનાં કૂતરાંઓના સંહાર માટે અમુક સંસ્થાઓ મેદાને પડી છે

આશ્ચર્યની વાત એ બની છે કે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના વકીલોએ પણ કૂતરાંઓની હત્યા ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની અરજદારની માંગણીને સમર્થન આપ્યું છે

મુંબઈ શહેરમાં હાઈકોર્ટના આદેશથી ઇ.સ. ૧૯૯૬ની સાલથી રખડતાં કૂતરાંઓની હત્યા બંધ કરી દેવામાં આવી છે અને તેમના વંધ્યીકરણના કાર્યક્રમનો જોરશોરથી અમલ કરવામાં આવે છે, જેને કારણે કૂતરાંઓની સંખ્યા ઘટી રહી છે. થોડા સમય અગાઉ મુંબઈની મહાનગરપાલિકાએ પહેલી વખત રખડું કૂતરાંઓની વસતિ ગણતરી કરી ત્યારે જણાયું હતું કે ૧.૨૦ કરોડ માનવોની વસતિ ધરાવતા મુંબઈ શહેરમાં માત્ર ૭૦,૦૦૦ જ કૂતરાંઓ છે. તેમ છતાં ગોવાની એક સ્વૈચ્છિક સંસ્થાએ શેરીના શ્વાનોને મોતને ઘાટ ઉતારવા માટે હાઈકોર્ટમાં રીટ અરજી કરી છે. આ અરજીમાં એવી વિચિત્ર દલીલ કરવામાં આવી છે કે, જો અન્ય પશુઓની કતલ થઈ શકતી હોય તો કૂતરાંઓની હત્યા ઉપર શા માટે પ્રતિબંધ છે. આ અરજીની સુનાવણી હાઈકોર્ટના ત્રણ જજોની બેન્ચ સમક્ષ ચાલી રહી છે.
મુંબઈ શહેરમાં શેરીનાં કૂતરાંઓના કલ્યાણ માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ કામ કરી રહી છે. તેમની સતત ઝુંબેશને કારણે જ ઇ.સ. ૧૯૯૬માં હાઈકોર્ટે કૂતરાંઓની હત્યાને પ્રતિબંધિત જાહેર કરી હતી અને વંધ્યીકરણના કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. આ સંસ્થાઓ દ્વારા થતાં ઉમદા કાર્યને ધોઈ નાંખવા ગોવામાં 'પીપલ ફોર એલિમિનેશન ઓફ સ્ટ્રે ટ્રબલ્સ' (પેસ્ટ) નામની સંસ્થા મેદાનમાં આવી છે. ભારતમાં પ્રાણીઓનું કલ્યાણ કરતી અનેક સ્વયંસેવી સંસ્થાઓ છે, પણ પ્રાણીઓની હિંસાને પ્રોત્સાહન આપતી કદાચ આ પહેલવહેલી સંસ્થા હશે.
'પેસ્ટ' સંસ્થા તરફથી ઇ.સ. ૨૦૦૧માં મુંબઈ હાઈકોર્ટની ગોવા બેન્ચમાં કૂતરાંઓની હત્યા ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે રીટ અરજી કરવામાં આવી હતી. આ અરજી ગોવાની ખંડપીઠે ફગાવી દેતાં તેણે અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી તાજેતરમાં ત્રણ જજોની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. તેમાં આશ્ચર્યની વાત એ બની છે કે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના વકીલોએ પણ કૂતરાંઓની હત્યા ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની અરજદારની માંગણીને સમર્થન આપ્યું છે.
ભારતના બંધારણની કલમ ૫૧-એ (જી) મુજબ દરેક જીવની રક્ષા કરવી અને તેના પ્રત્યે કરૃણા દર્શાવવી એ ભારતના પ્રત્યેક નાગરિકની ફરજ બને છે. મુંબઈ મહાનગરપાલિકાના કેટલાક નગરસેવકો અને લાંચિયા અધિકારીઓ આ કલમ પ્રત્યે જરા જેટલો પણ આદર ધરાવતા નથી અને મુંબઈની શેરીઓમાં રહી લોકોના જાનમાલની રક્ષા કરતા વફાદાર પ્રાણી કૂતરાનો સંહાર કરવા ઉત્સુક બન્યા છે. આ નગરસેવકોને કૂતરાંઓના જીવનનું નૃવંશશાસ્ત્ર ખબર નથી, જે મુજબ શ્વાનની વસતિ કૂતરી કેટલાં ગલૂડિયાંને જન્મ આપે છે, તે પ્રમાણે નથી વધતી પણ કોઈ ચોક્કસ વિસ્તારમાં કૂતરાં માટે કેટલો ખોરાક છે અને કેટલી રહેઠાણની સગવડ છે, તેના પ્રમાણમાં વધે છે.
શહેરના નાગરિકોને રખડતાં કૂતરાંઓ દ્વારા જે ત્રાસનો અનુભવ થાય છે, તે હકીકતમાં શહેરી જીવનની ટિપિકલ સમસ્યા છે. ગામડાંમાં રહેતા નાગરિકો ક્યારેય કૂતરાંઓના ત્રાસની ફરિયાદ નહોતા કરતા, કારણ કે તેઓ કૂતરાંઓની ઉપયોગિતા સમજતા હતા અને કૂતરાંઓ પ્રત્યે અનુકંપાની લાગણી પણ ધરાવતા હતા. આજે પણ ભારતમાં અનેક એવાં ગામડાંઓ છે, જેમાં લોકો સવારના તાજા રોટલા બનાવી કૂતરાંઓને ખવડાવવા માટે નીકળી પડે છે. આજે પણ આપણા ઘરોમાં જે પહેલી રોટલી બને છે, તે કૂતરાંઓ માટે અનામત રાખવામાં આવે છે. લોકો ગામડાંઓ છોડીને શહેરમાં આવે છે ત્યારે તેમના હૃદયમાં વહેતું જીવદયા અને મૈત્રીભાવનું ઝરણું જાણે કે સૂકાવા માંડે છે અને તેનું સ્થાન ક્રૂરતાભાવ અને દ્વેષભાવ ધારણ કરી લે છે.
હાઈકોર્ટના જજ શ્રી એસ. રાધાકૃષ્ણ આ બાબતમાં ખૂબ ઉમદા વિચારો ધરાવે છે. 'પેસ્ટ' સંસ્થાની રીટ અરજીની સુનાવણી વખતે તેમણે એવી સૂચક ટિપ્પણી કરી હતી કે, ''ગામડાંના લોકો કૂતરાંઓને ખાવાનું આપતા હોવાથી કૂતરાંઓ તેમના મિત્ર બની જાય છે. શહેરોમાં કૂતરાંઓને ઉકરડામાંથી પોતાનો ખોરાક શોધવો પડતો હોવાથી તેઓ હિંસક બની જાય છે.'' આ વાત મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાસ સમજવા જેવી છે. તેમણે હવે કૂતરાંઓને મારવાની જીદ કાયમ માટે છોડી દેવી જોઈએ.
શેરીમાં કૂતરાંઓ જો ભસતા હોય કે કોઈ કૂતરો કોઈ માણસને કરડી ગયો તો તેનું નિમિત્ત લઈને શહેરનાં બધાં જ કૂતરાંઓનો સંહાર કરી નાંખવો તેવો વિચાર જ અનાર્ય ભેજાની નિપજ છે. મુંબઈ શહેરમાં રખડતાં કૂતરાંઓનો સંહાર કરવાની પદ્ધતિ બ્રિટિશરોએ આજથી આશરે ૧૦૦ વર્ષ અગાઉ શરૃ કરી હતી. આ પદ્ધતિ મુજબ શહેરમાં રખડતાં કૂતરાંઓને મહાનગરપાલિકાની ડોગ વાનમાં પકડીને લઈ જવામાં આવતા અને મહાલક્ષ્મી ખાતે આવેલા કૂતરાંઘરમાં રાખવામાં આવતાં. જો કૂતરાંનો માલિક ત્રણ દિવસમાં તેનો કબજો લેવા આવી ન પહોંચે તો વીજળીનો કરન્ટ આપી અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૂતરાંઓની હત્યા કરી નાંખવામાં આવતી. મુંબઈ મહાનગરપાલિકા નાગરિકોના કરનાં નાણાંનો દુરુપયોગ કરી દર વર્ષે આ રીતે આશરે ૪૦,૦૦૦ કૂતરાંઓનો સંહાર કરતી હતી. નવાઈની વાત એ બની કે આટલી મોટી સંખ્યામાં સંહાર આશરે ૯૦ વર્ષ સુધી ચાલ્યો તો પણ કૂતરાંઓની વસતિમાં કોઈ નોંધપાત્ર ફરક જોવા મળ્યો નહીં.
કૂતરાંઓના સંહારને વાજબી ઠરાવવા મહાનગરપાલિકાના અધિકારીઓ હંમેશા એવા આંકડાઓ આપે છે કે એક કૂતરાંની જોડી ત્રણ વર્ષમાં ૧૭૦ બચ્ચાં પેદા કરે છે. આ ગણતરીએ તો કૂતરાંની એક જ જોડી દસ વર્ષમાં સવા કરોડ કરતાં પણ વધુ કૂતરાં પેદા કરી શકે છે. મુંબઈમાં બાર વર્ષથી કૂતરાંઓનો સંહાર અટકી ગયો છે, તો પણ આપણને ક્યાંય આટલાં કૂતરાં જોવા મળે છે ખરાં ? તેનું કારણ એ છે કે કૂતરાંની વસતિ ક્યારેય આ ગણિત મુજબ વધતી નથી. શહેરના દરેક ચોક્કસ વિસ્તારમાં અમુક ચોક્કસ સંખ્યામાં જ કૂતરાંઓનું ભરણપોષણ કરવાની અને તેમને આશરો પૂરો પાડવાની ક્ષમતા હોય છે.
કૂતરાંની માદા જે બચ્ચાંઓને જન્મ આપે છે, તે પૈકી તેટલાં જ જીવે છે, કે જેના માટે આહાર અને આશ્રયની સગવડ હોય. વિસ્તારમાં જ્યારે એક કૂતરો મૃત્યુ પામે છે, ત્યારે તેના સ્થાને એક બચ્ચું ગોઠવાઈ જાય છે. બાકીનાં બચ્ચાં કુદરતી રીતે ભૂખમરાનો શિકાર બનીને કે આકસ્મિક રીતે મૃત્યુને પામે છે. જ્યારે મહાનગરપાલિકા કોઈ ચોક્કસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કૂતરાં પકડી તેમની હત્યા કરી નાંખે છે ત્યારે તે વિસ્તારમાં બચ્ચાંઓનો બચાવદર વધી જાય છે અને ટૂંક સમયમાં કૂતરાંઓની સંખ્યા હતી તેટલી ને તેટલી થઈ જાય છે. આ કારણે જ ૯૦ વર્ષ સુધી કૂતરાં માર્યા છતાં મુંબઈ શહેરમાં કૂતરાંઓની વસતિ ઘટી નહોતી અને બાર વર્ષથી કૂતરાં મારવાનું બંધ કરવા છતાં કૂતરાંઓની વસતિમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નહોતો.
મુંબઈ મહાનગરપાલિકાના જે કેટલાક અધિકારીઓ કૂતરાં મારવાની યોજના ફરી શરૃ કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે, તેનું કારણ ભ્રષ્ટાચાર છે. મહાનગરપાલિકા તરફથી જ્યારે કૂતરાંઓ મારવામાં આવતાં હતાં ત્યારે આ કાર્ય પાછળ વર્ષે આશરે એક કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો, જેમાંથી અનેક કોન્ટ્રેક્ટરોનાં અને કર્મચારીઓના ગજવાં ભરાતાં હતાં. વળી જે કૂતરાંઓની હત્યા કરવામાં આવતી હતી, તેમનાં હાડકાં, ચામડાં અને ચરબીનો પણ બેનંબરી કારોબાર ચાલતો હતો. હાઈકોર્ટના ચુકાદાને પગલે આ બધી જ ઉપરની કમાણી બંધ થઈ ગઈ છે. આ કમાણી ફરી શરૃ કરવા જ તેઓ ખોટા આંકડાઓ આપી લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી રહ્યા છે.
મુંબઈ શહેરમાં ઘણા રાજકીય નેતાઓ એવી ફરિયાદ કરે છે કે કૂતરાંઓ રાતના સમયે ખૂબ જ ભસતાં હોવાથી તેમની ઉંઘ હરામ થઈ જાય છે. કૂતરાંઓ જો રાત્રે ભસતા હોય છે તો તેની પાછળ પણ કોઈ કારણ હોય છે. ક્યાં તો તે વિસ્તારમાં ચોરોની અવરજવર વધી ગઈ હોય છે, ક્યાં બહારનાં કૂતરાં તે વિસ્તારમાં આવી ચડયાં હોય છે. બહારનાં કૂતરાં આવી ચડવાની જે સમસ્યા છે, તે તો મહાનગરપાલિકાના ગેરવહીવટનું જ પરિણામ છે. હાઈકોર્ટના આદેશ મુજબ કૂતરાંઓની વસતિનું નિયંત્રણ કરવા માટે કૂતરાંઓ ઉપર વંધ્યીકરણની શસ્ત્રક્રિયાઓ સ્વયંસેવી સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. આ કાર્ય માટે કૂતરાંઓ પકડી લાવવાની અને તેમને ઓપરેશન પછી પોતાના મૂળ વિસ્તારમાં જ પાછાં મૂકી જવાની જવાબદારી મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આળસુ કર્મચારીઓ વંધ્યીકરણ કરાયેલાં કૂતરાંઓને ગમે ત્યાં છોડીને જતા રહે છે. પોતાની ગલીમાં અજાણ્યાં કૂતરાં આવી ચડતાં સ્થાનિક કૂતરાંઓ ભસીને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે.
આજે સ્વયંસેવી સંસ્થાઓ વતી કૂતરાંઓનું જે ફરજિયાત વંધ્યીકરણ કરવામાં આવે છે, તે પણ એક પ્રકારની ક્રૂરતા જ છે.
અગાઉ જોયું તે મુજબ કૂતરાંઓની વસતિનો આધાર તેમના જન્મદર ઉપર નથી પણ તેમને મળતા ખોરાક અને આશ્રયસ્થાન ઉપર છે. સ્વયંસેવી સંસ્થાઓએ આશરે ૬૦,૦૦૦ ઓપરેશનો કરવા પાછળ અત્યાર સુધી આશરે ત્રણ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે.
આવો ખર્ચો કરવાની પણ કોઈ જ જરૃર નથી. આ રૃપિયાનો ઉપયોગ કૂતરાંઓને રોટલા ખવડાવવા માટે કરવો જોઈએ અને તેમાંથી લોકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે કૂતરાંઓ પ્રત્યે દ્વેષભાવ ન રાખવો જોઈએ. કૂતરાંઓ પાળીને સુરક્ષા પાછળના ખર્ચમાં ધરખમ ઘટાડો કરી શકાય છે. અમારા મતે તો કૂતરાં કરડવાના કે ભસવાના બનાવો રોકવા હોય તો તેનો શ્રેષ્ઠ ઉપાય કૂતરાંઓ સાથે દોસ્તી કરવાનો અને તેને નિયમિત રોટલા ખવડાવવાનો છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved