'નો વ્હીકલ ઝોન'ના જાહેરનામાને રદબાતલ ઠરાવવા પીઆઇએલ
- નાગરિકો માટે સુવિધાના બદલે દુવિધારૃપ

 

- પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

 

અમદાવાદ,ગુરુવાર

 

અમદાવાદ શહેરમાં ત્રણ વિસ્તારોમાં 'નો વ્હીકલ ઝોન' લાગુ કરવાના શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અને આ જાહેરનામાથી પ્રજાજનોની હાલાકી અને મુશ્કેલીઓમાં વધારો થનાર હોઇ તેને રદબાતલ ઠરાવવા દાદ માંગતી જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં આજે પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી હોવાથી અમદાવાદ શહેર ટ્રાફિક શાખાના ડીસીપી સિધ્ધાર્થ ત્રિવેદી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર આઇ.કે.ગૌતમ અદાલત સમક્ષ ખાસ હાજર રહ્યા હતા.

 

જો કે, કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે, બોમ્બે પોલીસ મેન્યુઅલ હેઠળ પોલીસ કમિશનરને આવું જાહેરનામું જારી કરવાની સત્તા છે અને અમદાવાદ શહેરના આટલા મોટા વિસ્તારમાં માત્ર ૪૫૦થી ૫૦૦મીટર વિસ્તારમાં જ નો વ્હીકલ ઝોનની સીસ્ટમ લાગુ કરાઇ છે, જે લોકોની સુવિધા અને પાર્કિંગની સમસ્યા હલ કરવાના હેતુસર અમલી બનાવાઇ છે અને તે પણ રવિવાર પૂરતી છે.

 

અરજદાર જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ તરફથી કરાયેલી ડબલ્યુપી(પીઆઇએલ) નં-૮૩/૨૦૧૨ માં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, સત્તાવાળાઓએ શહેરના સી.જી.રોડ, લો ગાર્ડન અને કાંકરિયા વિસ્તારમાં નો વ્હીકલ ઝોન જાહેર કરી રવિવારે સાંજે ૪થી રાત્રે ૧૧ સુધી વાહન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે પરંતુ આ જાહેરનામાના કારણે સંખ્યાબંધ પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાયા છે. પરિણામે વાસ્તવિકતા જોવા જઇએ તો, વિદેશી પધ્ધતિના આંધળા અનુકરણમાં આ સીસ્ટમના કારણે લોકોની હાલાકી ઘટવાના બદલે વધવા પામી છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃધ્ધ-અશકત અને બિમાર વ્યકિતઓ માટે આ જાહેરનામું કષ્ટદાયક બની રહ્યું છે. જાહેરનામાના કારણે આ વિસ્તારોના વેપારીઓના ધંધા-રોજગારને નુકસાન થઇ રહ્યું છે તો, નાગરિકોમાં પણ તે પરત્વે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

 

નાગરિકોને આ વિસ્તારમાં ફરવા આવવું હોય તો કિલોમીટર કે બે કિ.મી દૂર સુધી પોતાનાં વાહનો પાર્ક કરીને ચાલતા જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. બીજું કે, વાહનો પાર્ક કયાં કરવા તેની કોઇ સ્પષ્ટતા નથી. કોઇ બિમાર, અપંગ કે લાચાર વ્યકિતને ઇમરજન્સીમાં સારવાર માટે મુશ્કેલી સર્જાઇ શકે. તો, આ સ્થળોએ આવેલા અને દૂર વાહનો પાર્ક કરાયા હોય તેવા સંજોગોમાં જો અચાનક કોઇને હાર્ટએટેક કે અન્ય કોઇ શારીરિક તકલીફ ઉદ્ભવે તો તેવા કિસ્સામાં ઇમરજન્સી ટ્રીટમેન્ટની દોડાદોડી કરવામાં મોટી હાલાકી સર્જાય અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. ટૂંકમાં, સત્તાવાળાઓનું જાહેરનામું અવ્યવહારું, ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોઇ તેને રદબાતલ જાહેર કરવું જોઇએ.

 

દરમ્યાન રાજય સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ જાહેરનામાનો અમલ માત્ર રવિવારે અને તે પણ સાત કલાક પૂરતો જ કરવામાં આવનાર છે. શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા અને તેના નિવારણના ભાગરુપે જ લોકોની સુવિધાના ભાગરુપે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જયાં સુધી સ્થાનિક રહીશોની વાત છે તો તેઓને કે ઇમરજન્સી કિસ્સાઓમાં આ જાહેરનામાને લાગુ કરવામાં આવશે નહીં એટલે કે, આવા કિસ્સાઓમાં તેઓના માટે છૂટછાટ રહેશે. સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં વ્યવહારુ અભિગમ અપનાવી છૂટછાટ દાખવશે તેમાં કોઇ શંકા નથી. બોમ્બે પોલીસ મેન્યુઅલની કલમ-૩૩ હેઠળ પોલીસ કમિશનરને આવું જાહેરનામું જારી કરવાની સત્તા છે.