હોલિવૂડની સ્ટાર જુલિયા રોબર્ટસને ભારતમાં ઘર ખરીદવું છે

- હરિદ્વાર કે વારાણસીમાં પ્રોપર્ટી લેવાનો ઈરાદો

 

- હોલીવુડની સેલિબ્રિટીએ અહીં ઘર ખરીદ્યું હોય એવો પહેલો પ્રસંગ બનશે

 

મુંબઈ, તા.૧૯

 

'પ્રિટી વુમન' જુલિયા રોબર્ટનો ભારત પ્રત્યેનો મોહ વધતો જ જાય છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા આ અભિનેત્રી હવે ભારતમાં એક ઘર ખરીદવા માગે છે. હોલીવુડની કોઈ સેલિબ્રિટીએ ભારતમાં ઘર ખરીદ્યું હોય એવો કદાચ આ પહેલો પ્રસંગ બનશે.

 

'મને અહીં એક ઘર ખરીદવાની ઈચ્છા છે. નજીકના ભવિષ્યમાં મારી આ ઈચ્છા પૂરી થશે એમ મને લાગે છે. મને હરિદ્વાર કે વારાણસી નજીક રહેવું ગમશે કારણ કે, આ હિંદુ ધર્મના પવિત્ર ધામોમાંના એક છે. ત્યાં પણ જમીનના ભાવ આસમાનને આવે છે એમ મેં સાંભળ્યું છે', એમ ૪૪ વર્ષની આ અભિનેત્રીએ કહ્યું હતું. ભારતમાં 'ઈટ, પ્રે લવ'ના શૂટિંગ દરમિયાન હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને અભિનેત્રીએ ૨૦૦૯ની સાલમાં હિંદુ ધર્મ અંગિકાર કર્યો હતો.જુલિયા તેના પતિ તેમજ તેના ત્રણ સંતાનો હેન્રી, હેઝલ અને ફિનાઉસ સાથે અવારનવાર ભારતની મુલાકાતે આવે છે. હેઝલ અને ફિમાઉસ જોડિયા છે. ગયે વર્ષે જુલિયાએ તેની એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે તેની પુત્રી હેઝલ મોટી થયા પછી ભારતમાં રહેવા માગે છે. ભારતમાં ઘર ખરીદવાનો તેનો નિર્ણય આની એક શરૃઆત હોઈ શકે છે.

 

આ યોજના અમલમાં મૂકવા માટે ક્યારે ભારત આવશે? આ પ્રશ્નના ઉત્તરમાં હોલીવુડની આ ખૂબસૂરત અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'આ પ્રશ્નનો હું સંતોષકારક ઉત્તર આપી શકું તેમ નથી. ભારતની મારી પ્રથમ મુલાકાત ઘણી યાદગાર રહી હતી. પરંતુ, મારા કામના દબાણને જોતા આ બાબતે હું ચોક્કસપણે કંઈ પણ કહી શકું તેમ નથી પરંતુ, એક વાતે હું સ્પષ્ટ છું કે હું જ્યારે ભારત આવીશ ત્યારે મારા સંતાનોને જરૃર સાથે લાવીશ.' તેના સંતાનોને ભારતીય સંસ્કૃતિ વિશે શિક્ષણ આપવાની વાત નીકળતા તેણે કહ્યું હતું કે, 'હમણા તેઓ આ શીખવા માટે ઘણા નાના છે. તેઓ સમજણા થશે ત્યારે તેઓ બધી સંસ્કૃતિ વિશે જાણે અને તેને માન આપે એવી મારી ઈચ્છા છે.

 

તેઓ ભારત વિશે જાણે એ વાતનું હું ધ્યાન રાખીશ.'

 

જુલિયાએ પોતાને પણ ઘણું શીખવાનું છે. 'હિંદી બોલતા મને આવડતું નથી. માત્ર 'નમસ્તે' કહી લોકોનું અભિવાદન કરતા મને આવડે છે. આમ છતાં પણ બોલીવુડ પ્રત્યે મને મોહ છે. એને વિશે હું વધુ જાણતી નથી પરંતુ હિંદી ફિલ્મ કરવી મને ગમશે', એમ જુલિયાએ કહ્યું હતું.

 

 

ભારતીય મૂળના હોલીવુડના ફિલ્મ સર્જક તર્સેમ સિંહની જુલિયા અભિનીત ફિલ્મ 'મિરર મિરર' આ શુક્રવારે ભારતમાં રિલીઝ થવાની છે.