મુંબઇમાં હુક્કાપાન કરનારાને 10 હજારનો દંડ કે છ મહિના જેલ
- ડાન્સબાર બંધ કરાવ્યા બાદ સરકાર હવે હુક્કાપાણી બંધ કરાવશે

 

- માલીકો સામે પણ કડક કાર્યવાહીનો નિર્ણય

 

 

મુંબઇ, તા.૧૯

 

જો હવેથી કોઇ હૂક્કાપાન (હૂક્કા દ્વારા ધુમ્રપાન) કરતાં પકડાશે તો આવી વ્યક્તિને દસ હજાર રૃપિયાનો દંડ ફટકારાશે અથવા તો સળિયા પાછળ ધકેલાશે. માયાનગરીમાં ડાન્સબાર વિરુદ્ધ કડક નીતિ અપનાવી ગુનેગારોની અડ્ડા બની ચૂકેલા ડાન્સબારો બંધ કરાવ્યાં બાદ હવે રાજ્ય સરકારે શહેરમાં હૂક્કા-પાણી બંધ કરાવવાનું નક્કી કર્યું છે.

 

આ દિશામાં પ્રથમ પગલું ભરતાં સરકારે દંડની રકમ મસમોટી રાખી છે. હૂક્કા બાર પર મોટો દંડ ફટકારવા ઉપરાંત હૂક્કાબાર માલીકો સામે પણ કડક કાર્યવાહીનો નિર્ણય સરકારે લીધો છે.

 

વિધાનસભામાં ગૃહ પ્રધાન આર.આર. પાટિલે જાહેર કર્યું હતું કે, 'આવા લોકો યુવા વર્ગને ગેરમાર્ગે ચડાવે છે અને તેથી તેમની સામે કડક હાથે કામ લેવું જોઇએ.' હૂક્કાબાર પર અત્યાર સુધી દંડની રકમ ૧,૨૦૦ રૃપિયા હતી, તે વધારી ૨૫ હજાર રૃપિયા કરી દેવાઇ છે. તેમજ હૂક્કાપાન કરનારી વ્યક્તિને દસ હજાર રૃપિયાનો દંડ ફટકારાશે અથવા છ મહિનાની જેલયાત્રા પણ થશે.

 

પાટિલે કહ્યું હતું કે, કાનૂની અભિપ્રાય માટે આ પ્રસ્તાવ રાજ્યના લો અને જ્યુડિશિયરી વિભાગમાં મોકલી અપાયો છે.

 

છેલ્લા થોડા વર્ષોમાં શહેરમાં ઠેરઠેર હૂક્કાબાર ફુટી નીકળ્યાં છે. તાજેતરમાં પોલીસે આવા હૂક્કાબાર સામે કડક હાથે કામ લેતા કેટલાંક તો બંધ થઇ ગયાં છે.

 

સરકારના પ્રસ્તાવથી હૂક્કા પાર્લરવાળા નારાજ છે અને તેમણે આવી કાર્યવાહીને અન્યાયી ઠેરવી હતી. એક હૂક્કાબાર માલીકના જણાવ્યા મુજબ, ''જો સરકાર ખરેખર યુવાવર્ગ વિશે ચિંતા સેવતી હોય તો પહેલાં તો સરકારે ધુમ્રપાન બંધ કરાવવું જોઇએ, સિગારેટો પર પ્રતિબંધ મૂકવો જોઇએ.''

 

જો કે, તમાકુ વિરિધો ચળવળ ચલાવતા સામાજિક સંગઠનોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.