થાઈલેન્ડ સંસદમાં સ્ક્રીન પર પોર્ન તસવીરોથી મહત્વની ચર્ચા ઠપ
- સાંસદની ફરિયાદ બાદ મોનિટર બંધ કરાયાં

 

- હેકરનું મનાતું કારસ્તાન

 

બેંગકોક, તા. ૧૯

 

કર્ણાટક વિધાનસભામાં કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં અશ્લીલ તસવીરો જોતાં વિવાદ ઊભો થયો હતો જેના પગલે આ 'રંગીલા' ધારાસભ્યોને પદ ગુમાવવું પડયું હતું.

 

થાઈલેન્ડની સંસદમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી. પરંતુ આ કિસ્સામાં અલગ વાત એ છે કે થાઈલેન્ડની સંસદમાં કોઈ બે-ચાર સાંસદોએ નહીં પણ આખી સંસદે અશ્લીલ ફોટા જોયા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં પણ અશ્લીલ તસવીરો જોવાના મુદ્દે વિવાદ થયો હતો. જોકે એફએસએલની તપાસમાં કંઈ બહાર ન આવ્યું નહોતું.

 

સૂત્રોના જણાવ્યા મુજબ થાઈલેન્ડની સંસદમાં બંધારણ સુધારણાને મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી હતી. ત્યાં ગૃહમાં લગાડેલી વિશાળ સ્ક્રીન પર અચાનક જાપાની પોર્ન સ્ટારની ઉત્તેજક તસવીરો આવવા માંડતા ક્ષણવાર માટે તો સંસદમાં સોપો પડી ગયો.

 

ઘટનાને પગલે બંધારણના સુધારા પરની ચર્ચા બાજુ પર રહી ગઈ અને સાંસદો સ્ક્રીન પર આવા ફોટા આવ્યા ક્યાંથી તેની ચર્ચા કરવા લાગ્યા. એક સાંસદે આ ઘટનાની તસવીરો લીધી હતી જે બેંગકોકના અખબારમાં પ્રસિદ્ધ થઈ હતી. એક સાંસદે આ અંગે ફરિયાદ કરતાં તરત જ ગૃહની કામગીરી અટકાવી દેવાઈ અને વિશાળ સ્ક્રીનને પણ બંધ કરી દેવામાં આવ્યો.

 

ગૃહના અધ્યક્ષ સાંમસાક કિયાત્સુનોંતે જણાવ્યું હતું કે સંસદની બહાર બેઠેલા કેટલાક હેકર્સે આ કારસ્તાન કર્યું હોય તેવી શક્યતા છે. આ મુદ્દે તપાસ ચાલી રહી છે. દરમિયાન સ્થિતિ થાળે પડતાં થાઈ સાંસદોએ બંધારણ સુધારણા અંગેની ચર્ચાને ફરીથી આગલ ધપાવવા માંડી હતી.