સર્વિસટેક્સ ન ભરનાર વોડાફોન પાસે રૂ. ૨.૫ કરોડ વસૂલ્યા
- પાંચ વર્ષના હિસાબોના ઑડિટની કામગીરી ચાલી રહી છે

 

- અમદાવાદ સર્વિસ ટેક્સના પ્રીવેન્ટિવ ડિપાર્ટમેન્ટની તપાસ

 

અમદાવાદ

 

ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર તરીકે દેશના અંદાજે ૨૨ સર્કલમાં સક્રિય વોડાફોને મોબાઈલ ફોન માટેના સીમકાર્ડ પર વેચાણ કિંમત દર્શાવીને તેના પરનો સર્વિસ ટેક્સ ન જમા કરાવ્યો હોવાનું ધ્યાનમાં આવતા અમદાવાદ સર્વિસ ટેક્સના પ્રીવેન્ટિવ ડિપાર્ટમેન્ટે તપાસ કરીને કંપનીને પેનલ્ટી સાથે રૃા. ૨.૫ કરોડ ભરવાની ફરજ પાડી છે.

 

પ્રીવેન્ટિવ ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આ હકીકત ચઢી જતાં તેમણે આ કેસમાં તપાસને આગળ વધારી હતી. બીજી તરફ ઑડિટ વિભાગે તેના હિસાબોના ઑડિટની કામગીરી પણ સંભાળી લીધી છે. આ ઑડિટ ચાલુ છે ત્યારે જ વોડાફોનના સત્તાવાળાઓએ સીમકાર્ડના વેચાણ સામે ભરવાપાત્ર બનતી સર્વિસ ટેક્સ અને દંડની રકમ મળીને રૃા. ૨.૫ કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી હોવાનું સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના જાણકાર સૂત્રોનું કહેવું છે.

 

વોડા ફોનના પાંચથી છ વર્ષના હિસાબોના ઑડિટની કામગીરી અત્યારે ચાલી રહી હોવાનું પણ જાણકાર સૂત્રોનું કહેવું છે.