વિદ્યાર્થિનીને ચપ્પુ બતાવી, રૂ. ૪૦,૦૦૦નાં દાગીનાની લૂંટ
- કોન્વેન્ટ સ્કૂલ પાસે ત્રણ બુકાનીધારી શખ્સોનું કારસ્તાન

 

- બાઈક પર ધસી આવેલા બુકાનીધારી શખ્સો

 

વડોદરા,ગુરૃવાર

 

શહેરનાં ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલ પાછળની જ્યોતિ સોસાયટી નજીકથી એક્ટિવા લઈને પસાર થતી એક વિદ્યાર્થીની પાસે મોટરબાઈક લઈને ધસી આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ તેને રોકીને ચપ્પુ બતાવીને ધમકાવી હતી. ત્યારબાદ આ શખ્સોએ તેના ગળામાંથી સોનાની ચેઈન, બુટ્ટી, વીંટી અને કાંડા ઘડિયાળ મળીને કુલ રૃપિયા ૪૦,૨૦૦ની મતાની લૂંટ ચલાવી હતી. આ ઘટના સંદર્ભે વિદ્યાર્થીનીએ નોંધાવેલી ફરિયાદને આધારે ફતેગંજ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરનાં હરણી-વીઆઈપી રોડ પરની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતી અને બાર સાયન્સ પછી લેબ ટેકનિશિયનનો કોર્ષ કરતી વિદ્યાર્થીની અર્ચના રાજેન્દ્રભાઈ પટેલ ગઈકાલે સાંજે પોતાની એક્ટિવા લઈને બહેનપણીઓ સાથે ફતેગંજ વિસ્તારમાં ફરવા ગઈ હતી.

 

મોડીસાંજે બહેનપણીઓથી છૂટી પડીને તે એક્ટિવા લઈને પોતાના ઘર તરફ પરત ફરતી હતી. તે વખતે કોન્વેન્ટ સ્કૂલની પાછળની જ્યોતિ સોસાયટી નજીક તેની પાસે મોટરબાઈક લઈને ત્રણ બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા. વિદ્યાર્થીની કંઈ સમજે તે પહેલા જ બુકાનીધારી શખ્સોએ તેને રોકી લીધી હતી અને ત્યારબાદ તેને ચપ્પુ બતાવીને તેના ગળામાંથી સોનાની ચેઈન, કાનમાંથી બુટ્ટી, હાથની આંગળીઓમાંથી વીંટી અને કાંડા ઘડિયાળ કાઢી લીધા હતા. આ ઘટનાને અંજામ આપીને બુકાનીધારી શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે ફતેગંજ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.