રજનીકાંતની ચાર ભાષામાં બનનારી ફિલ્મનો વિવાદ

- એક ફિલ્મની નકલ હોવાની ચર્ચા

 

- અસલી ઉંમરથી ૩૦ વર્ષ નાના દેખાશે રજનીકાંત

 

મુંબઈ, તા.૧૯

 

રજનીકાંતની ફિલ્મ 'કોચાદૈયાન' હિંદી, તમિળ, તેલુગુ અને જાપાનીસ ભાષામાં બનવાની છે. આ ફિલ્મ ૨૦૦૭ની રોબર્ટ ઝેમેકિસની એડવેન્ચર ફિલ્મ 'બેઓવુલ્ફ'ની નકલ છે.

 

'બેઓવુલ્ફ'માં રે વિન્સ્ટોને એક પૌરાણિક યૌધ્ધાનું પાત્ર ભજવ્યું હતું. જે એક દૈત્યને મારવા માટે વિશ્વની સફર ખેડે છે. 'કોચાદૈયાન'માં પણ રજનીકાંત બદલો લેવા બહાર પડેલા એક પૌરાણિક યૌધ્ધાની ભૂમિકા ભજવે છે. મુખ્ય પાત્રના પરાક્રમોને અતિશયોકિતભર્યાં દેખાડવા માટે બંને ફિલ્મમાં એક જ ટેકનિકનો ઉપયોગ થયો છે.

 

આ બંને ફિલ્મ વચ્ચેની સમાનતાની વાત નીકળતા જ ફિલ્મના એક કલાકારે સ્પષ્ટતા કરતા કહ્યુ ંહતું કે, 'અમારી ફિલ્મ અને આ જાપાનીસ ફિલ્મ વચ્ચે ઘણી સમાનતા હોવાનું હું કબૂલ કરું છું. મને લાગે છે કે બંનેમાં એક જ ટેકનિક વાપરવામાં આવી છે. એકશન દ્રશ્યો પણ સરખા છે. પરંતુ, આ બેઠી નકલ નથી.'

 

પોતાની આ ફિલ્મને એક અલગ જ સ્તર પર લઈ જવા માટે રજનીકાંત કોઈ કચાશ બાકી રાખવા માગતા નથી. તેમણે તાજેતરમાં દીપિકા પદુકોણ સાથે ત્રણ ગીતોનું શૂટિંગ કર્યું હતું. ઓક્ટોબરમાં આ ફિલ્મની જાપાનીસ આવૃત્તિ જાપાનમાં રિલિઝ થશે ત્યારે દીપિકા પણ રજનીકાંત સાથે જાપાન જવાની છે. આ ઉપરાંત વિગ અને 'પ્રોપ્સ'ની મદદથી ફિલ્મમાં 'રજની' તેમની ઉંમર કરતા ૩૦ વર્ષ નાના દેખાશે. તેમની ઉંમરથી નાની વય ધરાવતા પુરુષનું પાત્ર ભજવવાનો તેમનો આ પહેલો અનુભવ નથી પરંતુ, આ વખતે તેઓ ૩૦ વર્ષના પૌરાણિક હીરો જેવો દેખાશે એવું તેઓ વચન આપે છે.

 

નિર્માતા ડો. મુરલી મનોહરે જણાવ્યા પ્રમાણે, 'યુવાન દેખાય એ માટે અમે રજનીનો દેખાવ બદલ્યો નથી. 'ફોટો રિયાલિસ્ટિક પર્ફોર્મન્સ કેપ્ચરિંગ ટેકનિક'ના વપરાશથી એકશન અને એકશન પર્ફોર્મ કરનારા ઘણા ચાલાક અને ચપળ લાગે છે. બીજી કોઈ ફિલ્મ વિશે તો હું જાણતો નથી પણ અમે જે ટેકનિકનો વપરાશ કર્યો છે. એ ટેકનિકનો આજ સુધી ભારતીય સિનેમામાં ઉપયોગ થયો નથી. રજનીના ચાહકો આ ફિલ્મ જોઈને ઘણા ખુશ થશે.