Last Update : 19-April-2012, Thursday

 

કુંતીના હૃદયમાં નારીની મર્યાદા અને માતાની મમતા વચ્ચે ભીષણ સંઘર્ષ જાગ્યો !

- આકાશની ઓળખ

 

શસ્ત્રપરીક્ષાના રંગમંડપમાંથી હસ્તિનાપુરના રાજમહેલમાં આવેલી કુંતી ઘૃતરાષ્ટ્રના સામંત અધિરથને સાદર બોલાવ્યા. સારથિ અધિરથ સૂત હોવા છતાં ઉમદા રાજવી સંસ્કારો ધરાવતો હતો. એમાં પણ એના પુત્રને અંગ દેશની ગાદી મળી, એનાથી એનું હૈયું અતિ હર્ષાવેશ અનુભવતું હતું. માતા કુંતીને પ્રણામ કરીને અધિરથ સામેના આસને બિરાજમાન થયા, ત્યારે કુંતીએ કહ્યું,
‘મારા સ્વયંવર સમયે તમે મહારાજ પાંડુ સાથે આવ્યા હતા, એ ભૂતકાળની ભીનાશને હું ભૂલી નથી.’
અધિરથે ઉત્સાહ અને ઔપચારિકતાથી કહ્યું, ‘માતા, આપની કૃપાથી જ મારા પુત્ર કર્મને રાજ પ્રાપ્ત થયું છે.’
કુંતીથી તત્કાળ પૂછાઈ ગયું, ‘શું કર્ણ તમારો પુત્ર છે ?’
‘ના મહારાણી, મારો પુત્ર નથી, પરંતુ મેં અને રાધાએ આ નવજાત શિશુને હૈયાનાં હેતથી ઉછેર્યો છે. આ સંતાન સાથે ઉદરનો સંબંધ નથી, પણ અંતરનો સંબંધ છે. મારો સદા આદર કરનારો અને રાધાનો અતિ પ્રિય પુત્ર છે. વીર, પરાક્રમી અને બળવાન કર્ણ અત્યંત સુશીલ અને આજ્ઞાંકિત છે, માત્ર...’
કુંતીએ અધિરાઈથી પૂછ્‌યું, ‘કેમ અટકી ગયા ? શું કહેવા માગો છો ?’
‘માત્ર એટલું જ કે એ વર્ણ, જાતિ કે જ્ઞાતિને બદલે માનવીની યોગ્યતાનો મહિમા કરે છે. એને મન વ્યક્તિની ઉત્પત્તિ મહત્વની નથી, પણ એની વીરતા અગત્યની છે. શૌર્ય એ માત્ર ક્ષત્રિયોનો જ ઇજારો નથી. તેથી જાતિને કારણે કોઈ એની ઉપેક્ષા, અવગણના કે અવહેલના કરે, તો વીર કર્ણને એને દંડિત કરતાં સહેજે થડકારો થતો નથી.’
કુંતીએ વાતને પાટે ચડાવતા કહ્યું, ‘હવે હું સમજી, કર્ણ તમારો ઔરસ પુત્ર નથી. હા, એ ખરું કે તમને પિતાતુલ્ય માને છે અને તેથી જ રાજ્યાભિષેક સમયે એણે એના મસ્તકથી આપના ચરણનો સ્પર્શ કર્યો હતો. બરાબરને !’
સારથિ અધિરથે કુંતીની વાતનો સ્વીકાર કર્યો. આ ક્ષણે કુંતીને થયું કે લાવ, જગતમાં ઘોષણા કરી દઉં કે એ સારથિ અધિરથનું સંતાન નથી, પરંતુ મહાન વેદો જેને અર્ધ આપે છે એવા સૃષ્ટિની સમગ્ર ઊર્જાના મૂળ સ્ત્રોત સમા સૂર્યદેવનો પુત્ર છે. એ કોઈ સારથિ કે સામંતનો પુત્ર નથી, પરંતુ ૠગ્વેદનાં સૂત્રોમાં જેનું સ્તુતિગાન કરવામાં આવ્યું છે એવા દેવમંડળના પ્રધાન દેવતા સૂર્યનો તેજસ્વી પુત્ર છે. સૂર્યને જેમ દેવતાઓનું મુખ કહેવામાં આવે છે, એ જ રીતે કર્ણ પાંડુપુત્રોમાં જ્યેષ્ઠ છે.
કુંતીના મનમાં કેટલાય ભાવો એક સાથે જાગે છે. એક બાજુ એની મમતા મહોરી ઊઠે છે કે આખરે વર્ષો પહેલાં સમાજના ભયે જે પુત્રને ત્યાગી દીધો હતો, તેના પુનઃ દર્શન થયા. એ શિશુના મ્હોરેલા યૌવનને નિરખવા મળ્યું. લાવ, એને જઈને કહું કે તું જ્યેષ્ઠ પાંડુપુત્ર છે અને હસ્તિનાપુરનો ભવિષ્યનો યુવરાજ છે !
કુંતીના હૃદયમાં મમતા અને મર્યાદા વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલતો હતો. મમતા એના હૃદયને પ્રગટ કરવાનો પોકાર કરતી, તો મર્યાદા અતીતની સઘળી વાતોને હૃદયમાં ભંડારી દેવાનું કહેતી હતી. એકવાર જે ઘટના ભૂતકાળની ભોંયમાં દટાઈ ગઈ છે, એને વર્તમાનકાળે પુનઃ પ્રગટ કરવાની શી જરૂર ?
એકવાર સમાજના ભયને કારણે પુત્રત્યાગ કર્યો હતો. એ સમયે મનમાં ચંિતા હતી કે રાજા શૂરસેનનું કુળ કલંકિત થાય નહીં અને દત્તક પિતા કુંતીભોજનો યશ રગદોળાય નહીં. અપયશના ભયને કારણે એણે નવજાત શિશુને કઠોર હૃદયે આંસુ સાથે સરિતાના જળમાં સૂર્યની સાક્ષીએ વહાવી દીધો હતો. હવે પુનઃ વર્તમાનમાં એ વાત પ્રગટ કરીને ભંડારી દીધેલા અપયશને ફરી પ્રગટ કરવો છે ? અપકીર્તિ ગઈ કાલની હોય કે આજની હોય, પણ અંતે તો અપકીર્તિ જ છે.
કોઈ દરિયાની રેતીમાં પાણીનું મોજું આવીને એ રેતીમાં પડેલાં અક્ષરોને ભૂંસી નાખે, એમ કુંતીએ એના આ ભૂતકાળને સર્વથા ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આજ સુધી કોઈને ય એણે અતીતની ઘટનાનો અણસાર આવવા દીધો નહોતો. નાની બહેન સમી માદ્રી સાથે મનની ઘણી ખાટી-મીઠ્ઠી વાતો પરસ્પર વહેંચી હતી, પરંતુ મનમાં છુપાયેલું આ રહસ્ય તો કુંતીએ ગોપનીય જ રાખ્યું.
વહાલ વરસાવનારી દાદીમા સત્યવતીને આની સહેજેય ગંદ ન આવે તેની તકેદારી રાખી હતી. આંખે પાટા બાંધીને રહેતી વિદુષી ગાંદારી સાથે પ્રતિદિન દીર્ઘકાળ વીતાવતી કુંતીએ સતત એવી જાગૃતિ રાખી હતી કે ભૂતકાળનો એક આછો શો અણસાર પણ ગાંધારીને મળે નહીં.
હૃદયમાં વેદનાનો જ્વાળામુખી ફાટી જતો હતો, પરંતુ વાણીરૂપે એનો લાવા વહે નહીં. હવે ફરી જો પોતાના ભૂતકાળને ઉખેળે તો તો અપયશની મૂશળધારે એના પર વર્ષા થાય, એનું કુળ લજવાય, એના સતીત્વ અંગે સંદેહ જાગે. એનાં પાંચે પુત્રોને શરમથી માથું ઝૂકાવીને જીવવું પડે. એના પ્રત્યેનો ગાંધારીનો વિશ્વાસ ડગી જાય અને મહારાજા ઘૃતરાષ્ટ્રને પાંડુપુત્રોને હસ્તિનાપુરના રાજસંિહાસનથી દૂર રાખવાનુ રામબાણ ઔષધ મળી જાય.
ના, ના, આજ સુધી હૃદય પર પથરો મૂકીને જીવી છું, તો હવે પણ એ જ રીતે જીવીશ. પ્રતાપી કર્ણને સૂતપુત્રના કલંકમાંથી ઉગારવા જતાં પાંચે પાંડુ પુત્રોનું જીવન કેટલું બઘું કલંકિત બની જશે ! વળી પતિ સાથે ચિતા પર ચડતી સતી માદ્રીને આપેલા વચનનું શું થાય ? કુંતી સારથિ અધિરથ સમક્ષ બંને હાથે માથું પકડીને બેસી જાય છે.
આનંદના મહાસાગરમાં ડૂબી ગયેલા અધિરતને પોતાનો પુત્ર કર્ણ અંગ દેશનો રાજવી બન્યો એનો આનંદ એટલો બધો હતો કે કુંતીના મનોભાવોને જોવાની એણે કોઈ દરકાર કરી નહીં. જીવનનું પરમસુખ પોતે પામ્યો હોય તેમ એ માનતો હતો કે આજે એનો આખો અવતાર ધન્ય થઈ ગયો છે. એના પુત્રએ વીરને છાજે એવી વિદ્યા બતાવી અને એની યોગ્યતાને ઉચિત એવું રાજવીપદ મેળવ્યું.
કુંતીએ સામંત અધિરથને પુનઃ પ્રશ્ન કર્યો, ‘તમે કહ્યું તેમ આ તમારો ઔરસ પુત્ર નથી ને !’
‘ના, એ મારો પુત્ર નથી અને એ કોનો પુત્ર છે એની મને કશી જાણ પણ નથી. સરિતાના જળમાં આવેલી એક પેટીમાંથી અમને એ મળ્યો. નિઃસંતાન એવા મારા જીવનમાં પરમ ભાગ્યોદયનો જાણે સૂર્ય ઊગ્યો. મારી પત્ની રાધાના જીવનમાં તો જાણે હજાર સૂર્યનું અજવાળું ફેલાઈ ગયું. સમી સાંજે નદીમાં દૂરથી આવતું કોઈ મડદું હશે એમ મેં માન્યું હતું. જરા નજીક ગયો એટલે એમ થયું કે કોઈ લાકડું તણાતું હશે !’
કુંતીને અધિરથના એ વાક્યો સહેજે ગમ્યા નહીં એટલે એણે ઝડપથી વાત આગળ વધારવા કહ્યું.
અધિરથે કહ્યું, ‘સાવ નજીક ગયો ત્યારે જોયું તો એ નાનકડી પેટીમાં એક નવજાત શિશુ હતુ. એ પેટીની ફાટોમાં મીણ ભર્યું હોવાથી એમાં સહેજે પાણી પેસી ગયું નહોતું. એના પર કંકુના થાપા દીધા હતા. આ પેટી ખોલીને જોયું તો અંદર પગ પછાડતું, હાથ ઉછાલતું કવચ-કુંડળધારી બાળક જોવા મળ્યું.’
કુંતીએ વાતનો તાળો મેળવવા વળી પ્રશ્ન કર્યો, ‘એટલે આ કવચ અને કુંડળ તમે પહેરાવ્યા નથી ?’
‘માતા, શું વાત કરું ? એના સુંદર કાન પર જન્મથી જ કુંડળ લટકતા હતા. આજેય એ કાનથી કુંડળ જુદા પડી શકતા નથી. આથી એના સુવર્ણના કુંડળ અમને સહુને એટલા બધા ગમ્યા કે અમે એનું નામ વસુષેણ પાડ્યું. અને રાધાએ હૈયાના હેતથી વસુષેણને ઉછેર્યો છે.’
‘અને શિશુના શરીર પર પહેલેથી જ કવચ હતું ?’
‘હા માતા, આ તો દૈવીપુત્ર છે. કવચ ધારણ કરીને જ જન્મેલો. આવો પુત્ર પામીને અમે નિઃસંતાન પતિ-પત્ની તો ધન્ય ધન્ય થઈ ગયા.’
અધિરથનાં ઉત્સાહભર્યાં વચનો કુંતીની વ્યાકુળતામાં વૃદ્ધિ કરતા હતા. કુંતીને લાગ્યું કે હવે એની સહનશીલતાની હદ આવી ગઈ છે. એણે સામંત અધિરથને નમસ્કાર કરીને વિદાય આપી. અધિરથની ના છતાં છેક મહાલયના દ્વાર સુધી એમને મૂકવા ગયા. અધિરથ તો ગળગળો થઈ ગયો. એક સારથીને આટલું બઘું સન્માન !
અધિરથને વિદાય આપીને કુંતી ન તો ભોજન માટે ગઈ કે ન તો પાંડુપુત્રોને મળવા ગઈ, પરંતુ પલંગ પર જઈને મુખ છુપાવીને ચોધાર આંસુએ રડવા લાગી. (ક્રમશઃ)
- કુમારપાળ દેસાઈ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved