Last Update : 19-April-2012, Thursday

 

આસ્થા અને આરાધનાનું અપ્રતિમ કેન્દ્ર ભાયંદરનું બાવન જિનાલય મહાતીર્થ

- અમૃતની અંજલિ

 

શક્તિ !! જેમને શારીરિક શક્તિનો ‘ક્રેઝ’ હોય છે તેઓ એના માટે સમય એશઆરામ વગેરેની કુરબાની આપવા આસાનીથી તૈયાર થઇ જતાં હોય છે. વહેલી સવારે ઊઠીને એ પરસેવે રેબઝેબ કરતી કસરતો કરશે, તો પૂરાં શરીરને થકવી દે એવી વજનદાર ‘ડમ્બેલ્સ’ ઊઠાવવાની તનતોડ મહેનત પણ ઉઠાવશે. કારણ કે એને શક્તિ પ્રત્યે લગાવ છે.
સંપત્તિ !! જેઓ સંપત્તિનું અનહદ આકર્ષણ ધરાવે છે તેઓ એના માટે સમય જ નહિ, સંબંધો અને સ્વાસ્થ્ય સુદ્ધાં કુરબાન કરવા તૈયાર થઇ જાય છે. સગા ભાઇ કે પિતા સામે કોર્ટે જવા એ તૈયાર થઇ જશે, તો ભૂખ-તરસ કે થાક જોયા વિના વ્યવસાય માટે એકથી બીજા સ્થળે રઝળપાટ કરવા પણ તૈયાર થઇ જશે. કારણ કે એને સંપત્તિનું આંધળું આકર્ષણ હોય છે.
પણ... સબૂર ! એક મજેદાર ચંિતનવાક્ય શક્તિ-સંપત્તિ કરતાં ય ભક્તિને સર્વશ્રેષ્ઠ દર્શાવતાં અફલાતૂન વાત કરે છે કે ઃ ‘શક્તિ તમને બલવાન બનાવશે, સંપત્તિ તમને ધનવાન બનાવશે, જ્યારે ભક્તિ તો તમને ભગવાન બનાવશે !!’ આ વાત શાસ્ત્રોના સંદર્ભથી લઇને અનુભવની એરણ પર પણ એટલી સચોટ સત્ય પુરવાર થઇ છે કે એનાં કારણે જ સાચા ભક્તજનો આશ્ચર્યચકિત થઇ જવાય એ હદે સમર્પિત થઇને ભક્તિતત્વ આત્મસાત્‌ કરે છે. આવો, આજે આપણે અહીં આવા ભક્તાત્માની અને એમનાં અમરસર્જનની કથા-ગાથા વિચારીએ. એ ભક્તાત્મા એટલે પચીશ વર્ષ પૂર્વે દિવંગત થયેલ શ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી અને એમનું અમર સર્જન એટલે મુંબઇ-ભાયંદરનું બાવનજિનાલય તીર્થ.
આજના મુંબઇ મહાનગરમાં વસતાં લાખો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ભાવિકોએ પોતાના વિસ્તારોમાં પ્રભુ ભક્તિ માટે નિર્માણ કરેલ, સંઘના શિખરબદ્ધ જિનાલયો- સંઘના ગૃહ જિનાલયો અને વ્યકિતગત ગૃહજિનાલયોની કુલ સંખ્યા એક હજારથી પણ વઘુ છે. આમાં ગોવાલીયાટેંકનું પંચશિખરી જિનાલય - ચેમ્બુરનું તીર્થરૂપ જિનાલય- ઘાટકોપરનું ચાર મજલાનું જિનાલય કે કાંદિવલીનું ચોવીશ જિનાલય જેવા મોટા મંદિરો જરૂર છે. પરંતુ એમાં બાવનજિનાલય માત્ર ને માત્ર એક જ છે અને તે છે ભાયંદરનું શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય. હજારમાં એક એવા આ બાવનજિનાલયની ઉદભવકથા આવી છે ઃ
ઇ.સ. ૧૯૬૭. તે કાળના ઘુરંધર સંઘનાયક મહાન જૈનાચાર્યો પૂજય પ્રતાપ સૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ એકદા મુંબઈ-માટુંગાના જૈન ઉપાશ્રયે વિરાજતા હતા. સમી સાંજે એમના પરમભક્ત શેઠ દેવચંદ જેઠાલાલ સંઘવી એમની પાસે ધર્મચર્ચા કરવા બેઠા હતા. વાતનો પ્રવાહ જિનમંદિરો તરફ વહેતાં ધર્મસૂરીશ્વરજીદાદાએ દેવચંદશેઠને પ્રેરણા કરી ઃ ‘મુંબઈમાં ઘણાં મંદિરો વિવિધ ઉપનગરોમાં છે અને એથી પણ ઘણાં મંદિરો અમારા ઉપદેશથી થઇ રહ્યા છે. દિવસે દિવસે સખત વધતી જૈન વસતિના સંદર્ભમાં મુંબઇમાં મંદિરોની ખૂબ જરૂર પણ છે. કંિતુ એક ઊણપ એ છે કે આમાં કયાંય બાવન જિનાલય નથી. ક્ષેત્રસમાસ વગેરે જૈન શાસ્ત્રોમાં આઠમા નંદીશ્વરદ્વીપની રોમાંચક વાતો મળે છે. ત્યાં ચાર દિશાઓમાં મળીને અદ્‌ભુત શાશ્વતું બાવનજિનાલય અને તેમાં દેવ-દેવીઓ પ્રભુભક્તિ કરતાં હોવાનું વર્ણન મળે છે. એનાં અનુકરણરૂપે અમદાવાદમાં શેઠ હઠીસંિહે તેમજ માતરગામમાં કો’ભાગ્યવાને બાવન જિનાલયનું નિર્માણ કર્યું છે. પરંતુ મુંબઇમાં આ સાહસ હજુ સુધી કોઈએ કર્યું નથી. તમે આ તક વધાવી લો. અમારા આશીર્વાદ છે કે તમે આ કાર્યમાં ફત્તેહમંદ થશો.’
અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ એ શ્રી ધર્મસૂરીશ્વરજી દાદા તે કાળના વચનસિદ્ધ પુણ્યાત્મા ગણાતા હતા. એમની પ્રેરણામાત્રથી એકસો પાંત્રીશ જૈન મંદિરો વિવિધ સ્થળોએ સર્જાયા હતા. આ પુણ્યપુરુષની પ્રેરણા ઝીલીને મહાજન પરંપરાના વારસ દેવચંદ શેઠ બાવનજિનાલય નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા. અલબત્ત, એ ધીંગી કોઠાસુઝ ધરાવતા વ્યાપારી હતા. એથી એમને એ અંદાજ હતો જ કે ભાવિમાં પોતાની વિરાટ ભૂમિના એકેક સ્કવેર ફીટના હજારો રૂપિયા ઊપજી શકશે. આમ છતાં પ્રભુભક્તિ અને ગુર્વાજ્ઞા ખાતર એમણે ભાયંદરનો પોતાનો વિશાલ ભૂમિખંડ સંપૂર્ણ નિઃશૂલ્ક જિનશાસનના ચરણે ધરી દીધો.
આ વિરાટકાય બાવનજિનાલય માટેની તમામ પૂર્વતૈયારી સંપન્ન કરીને એમણે ઇ.સ. ૧૯૭૯માં તીર્થનું શિલાસ્થાપન યોજયું તે દિવસે ચમત્કૃતિભરી કમાલ થઇ. એ દિવસ હતો ફાગણ શુદિ ત્રીજનો એટલે કે ગ્રીષ્મ ૠતુના પ્રારંભકાળનો. આમ છતાં શિલાન્યાસની ક્ષણે આકાશમાં કયાંકથી મેઘવાદળી ધસી આવી અને તીર્થભૂમિ પર એણે અમી છાંટણાં કર્યાં !! જાણે કે એ દ્વારા પોતે ભક્તોની સાથે હોવાનો કુદરતે સંકેત કર્યો. સલંગ આઠ આઠ વર્ષો પર્યંત અનેક કસોટીઓ વચ્ચે સર્જનયાત્રા જારી રાખ્યા બાદ, ઇ.સ. ૧૯૮૭માં તીર્થનો ભવ્ય અંજન-પ્રતિષ્ઠામહોત્સવ તેઓએ યોજ્યો.
અલબત્ત, વિરાટ તીર્થનું કાર્ય ઘણું બાકી હોવાથી કેટલાય ભક્તો એ વર્ષે પ્રતિષ્ઠા કરવામાં ખચકાતા હતા. પરંતુ કોઇ અગમ્ય સંકેત હોય તેમ દેવચંદભાઈએ અસાધારણ મક્કમતા અને ત્વરા દાખવીને તે જ વર્ષે સત્તર દિવસનો ભવ્ય અંજન-પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસથી સંપન્ન કર્યો. તેઓ ત્યારે વારંવાર અમને પણ કહેતા કે, ‘શરીરનો શો ભરોસો ?’ મારી વય વૃદ્ધ છે. કાંઇ બને એ પહેલા બાવનજિનાલયની પ્રતિષ્ઠા કરી લઉં.’ અને... બન્યુ પણ એમ જ. પ્રતિષ્ઠા પછીના બે માસમાં જ એમની ચિરવિદાય થઇ ગઈ !! ત્યારે સૌને સમજાયું કે એમની મક્કમતા સાર્થક હતી. દેવચંદભાઈ અતિ વ્યસ્ત વ્યાપારી અને અનેક ધાર્મિક-સામાજિક કાર્યોના સૂકાની હોવા છતાં ચુસ્ત જૈન હતા. નિત્ય પ્રભુપૂજા- સવારે નવકારશી - સાંજે ચોવિહાર અને ઉકાળેલ પાણી જ વાપરવું વગેરે જૈન ધર્મના નિયમો એમણે મૃત્યુદિન સુધી અખંડ જાળવ્યા હતા. એમનાં જીવનનું સૌથી શ્રેષ્ઠ અને યશકલગી સમું અંતિમ કાર્ય થયું આ બાવનજિનાલયતીર્થ નિર્માણનું.
આ બાવનજિનાલયતીર્થમાં પ્રભુ પ્રતિમાની સંયોજના ખૂબ સુઝ-બુઝપૂર્વકની છે. બાવન પૈકીનું મુખ્ય જિનાલય ત્રિમજલી છે અને ત્રણેય મજલે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની જ નયનરમ્ય પ્રતિમા છે. બાકીના એકાવન પ્રદક્ષિણાકાર મંદિરોમાં ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થંકરપ્રભુ- મહાવિદેહક્ષેત્રના વીશ વિહરમાણ પ્રભુ- ચાર શાશ્વત જિનેશ્વરો અને ત્રણ પ્રસિદ્ધ પાર્શ્વ પ્રભુ મૂળનાયકરૂપે વિરાજમાન છે અને દરેક મૂળનાયકની આજુબાજુમાં અન્ય બબ્બે તીર્થંકર પ્રભુ છે. આરસની કુલ ૧૬૮ પ્રભુપ્રતિમા આ બાવનજિનાલયમાં હોવા છતાં કમાલ એ છે કે દરેક ભગવાનની પૂજાસેવાનાં ‘અપ ટુ એન્ડ’ તમામ વિધાનો ભાવિક જૈનો પોતે કરે છે, પૂજારી નહિ. બાવનજિનાલયના જૈન ભાવિકોની ભક્તિનો આ બોલતો પુરાવો છે.
છેલ્લા ૧૮ વર્ષોમાં અમારા ગુરુદેવનાં સાન્નિઘ્યમાં અમે ત્યાં બે વાર ચાતુર્માસ, બંને વાર ઉપધાનતપ આરાધના, ૧૦૮ ઇંચના આદીશ્વરપ્રભુની પ્રતિષ્ઠા, બે ગુરુમંદિરો તથા અગિયાર અધિષ્ઠાયક મંદિરોની પ્રતિષ્ઠા, ધર્મસૂરીશ્વરજીદાદાની જન્મ શતાબ્દીસ્મૃતિમાં આલીશાન ‘ધર્મ’ આરાધન ભવન નિર્માણાદિ અનેક કાર્યોના સાથી-સાક્ષી બન્યા છીએ. એથી બાવનજિનાલયતીર્થના જૈનોની ધાર્મિક ભાવનાનો અમને ઘણો સરસ અનુભવ છે. આ લેખ અમે લખી રહ્યા છીએ એ ચૈત્રમાસની શાશ્વતી ઓળીમાં અહીં પ્રતિદિન આઠસો-આઠસો આયંબિલ થાય છે અને પ્રવચનમાં
અગિયારસોથી વઘુ ભાવિકો ઉપસ્થિત રહે છે. જે એમની ધર્મભાવનાની પ્રબળ પ્રતીતિ કરાવે છે.
આવા આ મહિમાવંતા બાવનજિનાલયતીર્થની પ્રતિષ્ઠાના પચીશ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક વિરાટ અને યાદગાર રજતમહોત્સવ તા. ૨૨ એપ્રિલથી તા. ૨ મે દરમ્યાન અમારા ગુરુદેવ આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં યોજાયો છે. જયાં અગિયાર દિવસમાં એક લાખથી વઘુ લોકો લાભ લેશે એવા આ મહોત્સવમાં એક તરફ છ છ મહાપૂજનો- દસ સંવેદનાસભર સ્જેટ કાર્યક્રમો- ઐતિહાસિક રથયાત્રા વગેરે છે, તો બીજી તરફ જીવદયા- અનુકંપાનાં અને જૈન સાધર્મિકોની ભક્તિનાં વિશિષ્ટ આયોજનો છે, ત્રીજી તરફ નવી પેઢીમાં ધર્મભાવના અને રાષ્ટ્રખુમારી વધે તેવા માત્ર નવી પેઢીને કેન્દ્રમાં રાખતાં કાર્યક્રમો છે, તો ચોથી તરફ કેવળ આરાધના માટેના પચીસસો આયંબિલતપ- પચીસસો સામાયિક અનુષ્ઠાન વગેરે આયોજનો પણ છે.
આજે ભલે હજારો જૈનો સાથે મળીને આ બઘું કરે છે, પરંતુ અમને તો આ તમામનાં મૂળમાં એકલવીર જેવી એક જ વ્યકિતની ગજબનાક નિષ્ઠા-મક્મતા કાબિલેદાદ લાગી છે. એ છે દેવચંદભાઈ સંઘવી. એમની પ્રભુભક્તિને અંજલિ આપીને આપણે ટાંકીશું આ પ્રેરક પંક્તિ કે ઃ-
‘ધન મીલે જોબન મીલે, મીલે મનપસંદ પરિવાર,
ભગવાન યદિ જો ના મીલે, તો સબ હી જાણ અસાર..’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved