Last Update : 18-April-2012, Wednesday

 

દૂધના ભાવો વધવાનું કારણ માંસની નિકાસ માટે અપાતી સબસિડી છે !

કેન્દ્ર સરકાર દ્વારા પશુઓની કતલ કરીને તેમના માંસની નિકાસ કરતી લોબીને વર્ષે આશરે ૫૦૦ કરોડ રૃપિયાની રાહતો આપવામાં આવે છે

દેશનાં બાળકો દૂધ પીએ એ વધુ જરૃરી છે કે વિદેશીઓ આપણી ગાયનું અને ભેંસનું માંસ ખાય એ વધુ જરૃરી ગણાય ? ગુજરાતીમાં એક જૂની કહેવત છે કે 'ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો.' હવે દેશમાં દૂધના ભાવો જે ઝડપે વધી રહ્યા છે એ જોતાં નવી કહેવત પાડવી પડશે કે 'ઘરનાં છોકરાં દૂધ માટે ટળવળે, વિદેશીઓ માટે માંસની નિકાસ.' કેન્દ્ર સરકાર દ્વારા માંસની નિકાસ માટે જે અબજો રૃપિયાની સબસિડી આપવામાં આવે છે તેને કારણે દેશનાં લાખો દૂધાળાં ઢોરોની કતલ થાય છે અને તેમના માંસની મોટા પાયે નિકાસ કરી દેવામાં આવે છે. આ કારણે દેશમાં દૂધની અછત ઊભી થાય છે અને દૂધના ભાવો સતત વધ્યા કરે છે. જો દૂધના વધતા ભાવોને અંકુશમાં રાખવા હોય તો દેશમાં પશુઓની કતલ બંધ કરવી જોઇએ અને માંસની નિકાસ પણ બંધ કરવી જોઇએ. આ વાત અમે નથી કહેતાં પણ દેશનો ડેરી ઉદ્યોગ કહે છે.
કેન્દ્ર સરકાર દ્વારા હૂંડિયામણ મેળવવાના નામે માંસની નિકાસ કરતી મીટ લોબીને એટલાં બધાં પ્રોત્સાહનો આપવામાં આવે છે કે તેને કારણે માંસની નિકાસ સતત વધી રહી છે. ઇ.સ. ૨૦૦૮-૦૯ની સાલમાં ભારતમાંથી આશરે ૫,૦૦૦ કરોડ રૃપિયાના માંસની નિકાસ થઇ હતી, જે ચાર વર્ષમાં વધીને આશરે ૧૦,૦૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઇ છે. માલધારીઓ પશુઓનો ઉછેર કરીને તેમના દૂધમાંથી જેટલી કમાણી નથી કરી શકતા તેથી વધુ કમાણી તેમને પશુઓને કતલખાને મોકલવામાં અને તેના માંસની નિકાસ કરવામાં થાય છે. આ કારણે દેશનો ડેરી ઉદ્યોગ સતત મારી ખાઇ રહ્યો છે અને દૂધની અછત થતાં તેમને દૂધના ભાવો વધારવાની ફરજ પડે છે. દેશમાંથી પશુઓના માંસની નિકાસ અટકાવવાની માગણી સાથે દેશના ડેરી ઉદ્યોગના અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ તાજેતરમાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને મળ્યું હતું. શરદ પવારના મગજમાં આ વાત ઉતરી ગઇ એટલે તેમણે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને માંસની નિકાસ બંધ કરાવવાની માંગણી કરી છે.
છેલ્લાં છ વર્ષમાં દૂધના ભાવોમાં કુલ ૧૪ વખત વધારો કરવામાં આવ્યો છે. ઇ.સ.૨૦૦૬-૦૭ની સાલમાં ડેરીના એક લિટર શુદ્ધ દૂધનો ભાવ જે ૧૮ રૃપિયા હતો એ આજે ૪૦ રૃપિયા ઉપર પહોંચી ગયો છે. એક બાજુથી બજારમાં અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવો વધી રહ્યા છે તો બીજી બાજુ દૂધના ભાવો પણ વધી રહ્યા છે, જેને કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઇ છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સભ્ય સુભાષ માંડગે કહે છે કે માંસની નિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી જે ૩૦ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે તેને કારણે ડેરીના માલિકો તેમના પશુઓનું પોષણ કરવાને બદલે તેમને કતલખાને મોકલવામાં લલચાઇ જાય છે. એક બાજુ પશુઓના ચારાપાણીના ભાવો છાપરું પણ તોડીને આગળ વધી રહ્યા છે અને બીજી બાજુ સરકાર માંસની નિકાસને પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે દૂધાળું ઢોર વસૂકી જાય ત્યારે આશરે એક વર્ષ સુધી તેનું ભરણપોષણ કરીને તે ફરીથી દૂધ આપવા તૈયાર થાય તેની રાહ જોવી પડે છે. આ દરમિયાન તેની પાછળ આશરે ૩૬,૦૦૦ રૃપિયા જેટલો ખર્ચો કરવો પડે છે. તેને બદલે પશુપાલક તેને ૧૫ થી ૨૦ રૃપિયામાં કસાઇને વેચી દે છે અને તેને બદલે નવાં પશુની ખરીદી કરી લે છે. આ પરિસ્થિતિને કારણે દેશમાં દૂધ આપવાને લાયક પશુઓની મોટા પાયે કતલ થઈ રહી છે અને દૂધના ભાવો વધી રહ્યા છે.
તાજેતરમાં મિલ માલિકોના હિતોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો અને નિકાસ ઉપર ટેક્સ લાદવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ એવી હૈયાવરાણ ઠાલવી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા માંસની નિકાસ ઉપર સબસિડી આપવામાં આવે છે, પણ કપાસની નિકાસ અટકાવવામાં આવે છે. કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ નરેન્દ્ર મોદી ઉપર એક પત્ર લખીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા માંસની નિકાસ ઉપર કોઇ સબસિડી આપવામાં આવતી નથી. જોકે ઇકોનોમિક્સ ટાઇમ્સમાં તા. ૩ ફેબુ્રઆરી, ૨૦૧૦ના છપાયેલા સમાચાર મુજબ કેન્દ્ર સરકારે ઇ।સ . ૨૦૦૮-૦૯માં માંસની નિકાસ માટે ૪૮૪ કરોડ રૃપિયાની સબસિડી આપી હતી. આ સબસિડી સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત આપવામાં આવે છે.
કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ઉપર લખેલા પત્રમાં તેમને એવી સલાહ આપી છે કે કેન્દ્ર દ્વારા માંસની નિકાસ માટે સબસિડી આપવામાં આવે છે, એવી તેમની રજૂઆત હકીકતોની દ્રષ્ટિએ ચકાસવાની જરૃર છે. તેના જવાબમાં નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયન ડેરી એસોસિયેશનનો હેવાલ ટાંકવામાં આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની 'વિશેષ કૃષિ ઔર ગ્રામ ઉદ્યોગ યોજના' હેઠળ માંસની નિકાસને સબસિડી આપવામાં આવે છે, જેનો આંકડો વર્ષે આશરે ૫૦૦ કરોડ રૃપિયા જેટલો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ડયૂટી એન્ટાઇલટમેન્ટ પાસ બુક (ડીઇપીબી) યોજના અંતર્ગત પણ માંસની નિકાસ માટે સબસિડી આપવામાં આવે છે. ખુદ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝની વેબ્સાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે માંસની નિકાસ સામે કેન્દ્ર સરકાર દ્વારા કિલોગ્રામદીઠ ત્રણથી પંદર રૃપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી ટ્રાન્સપોર્ટ સબસિડીના રૃપમાં આપવામાં આવે છે.
મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝની વેબ્સાઇટ ઉપર ભારતમાંથી માંસની નિકાસ કેટલી ઝડપે વધી રહી છે તેના પણ આંકડા આપવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે આશરે૧૫ લાખ ટન ભેંસના માંસનું ઉત્પાદન થાય છે, જેમાંના ૨૪ ટકા માંસની નિકાસ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના દાવા મુજબ દેશમાંથી પશુઓના માંસની નિકાસ કરવાનો ઉદ્યોગ વાર્ષિક ૩૦ ટકાના દરથી વિકસી રહ્યો છે. ઇ.સ. ૨૦૦૧-૦૨ની સાલમાં દેશમાંથી ૧૩૧૮.૫ કરોડ રૃપિયાના માંસની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસ ઇ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં વધીને ૧૮૬૩.૩ કરોડ રૃપિયા ઉપર અને ઇ.સ. ૨૦૧૧-૧૨ની સાલમાં ૧૦,૦૦૦ કરોડ રૃપિયા પર પહોંચી ગયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં માંસની કિંમતમાં સતત થઇ રહેલા વધારાને કારણે પણ પશુઓની કતલ અને માંસની નિકાસ વધી રહી છે. ઇ.સ. ૨૦૦૮-૦૯ની સાલમાં માંસના જે ભાવો હતા એ હવે બમણા થઇ ગયા છે. સામાન્ય રીતે એક ભેંસનું વજન આશરે ૫૦૦ કિલોગ્રામ હોય છે, પણ તેમાંથી ૨૭૫ કિલોગ્રામ જેટલું માંસ મળે છે. માંસનો ભાવ કિલોગ્રામના આશરે ૧૫૦ રૃપિયા છે. આ કારણે એક ભેંસની કતલ કરવામાં આવે તો તેમાંથી આશરે ૪૦,૦૦૦ રૃપિયાનું માંસ મળે છે. આ ઉપરાંત તેમાંથી ચામડું, હાડકાં વગેરે પણ મળે છે, જેની કિંમત ઉપજે છે. આ કારણે પશુપાલકો વસૂકી ગયેલી ગાય અથવા ભેંસના વેચાણમાંથી વધુ ફાયદો થાય છે. ઇ.સ. ૨૦૦૯-૦૯ની સાલમાં દેશમાંથી જેટલા ભેંસના માંસની નિકાસ કરવામાં આવી હતી તેનો હિસાબ કરવામાં આવે તો એમ કહી શકાય કે દેશમાંથી ૨૦ લાખ ભેંસની કતલ કરીને તેમના માંસની નિકાસ કરવામાં આવી હતી. દેશમાં દૂધના ભાવો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ ભેંસના માંસની વધી રહેલી નિકાસ છે. કેન્દ્ર સરકારની નીતિ જ એવી છે કે દૂધ માટે પશુનું પાલન કરવામાં ખોટ જાય અને કતલ કરીને માંસની નિકાસ કરવામાં અઢળક ફાયદાઓ મળે. આ નીતિ અંતર્ગત પશુના માંસની નિકાસને અપાતાં પ્રોત્સાહનની જેમ પશુઓના પૌષ્ટિક ખાણની નિકાસને પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ મુજબ ઇ.સ. ૨૦૦૬ અને ૨૦૦૯ દરમિયાન પશુઓના ખાણની નિકાસમાં ૧૦૧ ટકાની વૃદ્ધિ થઇ છે. સામાન્ય રીતે રોજના ૧૦ લિટર દૂધ આપતાં પશુને વર્ષે આશરે ૬૭૫ કિલોગ્રામ ખાણની જરૃર પડે છે. આ હિસાબે દેશની ૩૩ લાખ ભેંસોને ચાલે એટલા પશુ આહારની ઇ.સ. ૨૦૦૯-૧૦માં નિકાસ કરવામાં આવી હતી. આ ખાણની જો નિકાસ કરવામાં ન આવી હોત તો તેમાંથી ૯૯૦,૨૪,૭૮,૦૦૦ (આશરે ૧૦ કરોડ) લિટર દૂધ પેદા કરી શકાયું હોત, જેને કારણે દેશના દુગ્ધ ઉત્પાદનમાં ૧૦ ટકાની વૃદ્ધિ થઇ હોત. કેન્દ્ર સરકાર જો દૂધના ભાવો વધતા અટકાવવા મંગતી હોય તો પશુ આહારની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂકવો અત્યંત જરૃરી છે. આપણા પશુ આહારની યુરોપના દેશો આયાત કરીને તેના વડે પોતાના દેશમાં દૂધનું ઉત્પાદન વધારે છે.
એક બાજુ દેશનાં કરોડો બાળકો દૂધનાં ટીપાં માટે ટળવળે છે, દેશના કરોડો પશુઓ ભૂખે મરે છે, પશુ પાલકો ખોટનો ધંધો કરી રહ્યા છે અને બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા પશુઓના માંસની નિકાસને આપવામાં આવતી સબસિડી ચાલુ છે. આપણી સરકારને દેશની પ્રજાના પોષણની, આ પોષણ આપતાં પશુઓની અને ગરીબ પશુ પાલકોની જેટલી ચિંતા છે તેના કરતાં અનેક ગણી ચિંતા તેને માંસની નિકાસ કરતા માલદાર ઉદ્યોગપતિઓના હિતોની અને ખાનગી કતલખાનાંઓનાં માલિકોની ચિંતા છે. મીટ લોબી દ્વારા કેન્દ્ર સરકારને અને રાજકીય પક્ષોને ચૂંટણી ફંડમાં કરોડો રૃપિયા આપવામાં આવી રહ્યા છે તેનો આ પ્રતાપ છે. આપણી સરકાર મીટ લોબીના ખિસ્સામાં છે. જો દેશમાં દૂધના ભાવો ઘટાડવા હશે તો તમામ પશુઓની કતલ અટકાવવી પડશે અને માંસની નિકાસ અટકાવવા માટે આંદોલન કરવું પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved