Last Update : 18-April-2012, Wednesday

 

આ બાબાને પડકારવા આસાન નથી
વાહ બાબા ક્યા કહેના

વિવિધા - ભવેન કચ્છી

- ‘‘મેં મારી ફી પેટે રૂા. ૨૩૮ કરોડની કમાણી કરી છે જે બેંકમાં જમા છે અને હું ટેક્સ પણ ભરૂં છું.’’
- બાબાએ નિઃસંતાન મહિલાની સમસ્યાનું નિવારણ કરતા કહ્યું કે ‘‘લીલી ચટણી સાથે સમોસા ખાવાનું રાખ’’
- નિર્મલ બાબાનો વિવાદ ઃ ટીવી ન્યુઝ ચેનલો જ પ્રાઈમ ટાઈમમાં અંધશ્રદ્ધા પીરસતા કાર્યક્રમોથી ધમધમે છે અને તેઓનો પર્દાફાશ પણ આ ચેનલો જ કરે છે!

 

‘‘બાબા, મને ઉચ્ચ ડિગ્રી મળ્યે દોઢ વર્ષ વીતી ગયુ છે. મારા મિત્રોને સારા પગાર સાથે નોકરી મળી ગઈ છે. પણ હું હજુ બેકાર છું. ખૂબ જ હતાશા અનુભવું છું. બાબા, મને નોકરી મળી જાય તેવી તમને અરજ છે.’’
બાબા સંિહાસન જેવા સોફા પર રૂઆબથી બિરાજમાન છે. તેમણે સોનેરી જરીકામ ધરાવતો મરૂન રંગનો રજવાડી ઝભ્ભો પહેર્યો છે. સંસારની તમામ આધી-વ્યાધી અને ઉપાધી તેની જાણે ગુલામ હોય તેમ તેના મોં પર પ્રભુત્વભર્યો આત્મવિશ્વાસ છે. આ બાબા દાઢીધારી નથી. ક્લીન શેવથી સજ્જ સોહામણા લાગે છે. તેઓ બોલવાની અને બેસવાની આગવી અદા ધરાવે છે. દીન દુઃખિયારા અરજદારોની ભીડને તેઓ મુઠ્ઠીબંધ કરીને સંબોધે છે. એવો દાવો કરે છે કે મંત્ર કે યંત્ર કોઈની જરૂર નથી. મારી શક્તિ અને સંકલ્પ જ તમારા સૌના કલ્યાણ માટે કાફી છે. એટલું જ નહીં તમે ઘેર બેઠા ટીવી પર પણ આ કાર્યક્રમ જોતા હશો તો તમારી સમસ્યાનું મારા આશિર્વાદ થકી નિવારણ થઈ જશે. આપણે જે બાબાની વાત કરીએ છીએ તે નિર્મલ બાબા આજકાલ વિવાદમાં સપડાયા છે. બાબા જુદા જુદા શહેરોમાં સમસ્યા નિવારણ માટેના કાર્યક્રમ રાખે છે. જેને માટે તેઓ ‘‘બાબાની સાથે સમાગમ’’ તેવો શબ્દ પ્રયોજે છે. સમસ્યાના નિવારણ માટે વ્યક્તિદીઠ રૂા. ૧૦૦૦ની ફી આપવી પડતી હોય છે.
આ કાર્યક્રમોનું રેકોર્ડંિગ શરૂમાં એકાદ ન્યુઝ ચેનલમાં બતાવાતું હતું પણ બાબાનો પ્રચાર-પ્રભાવ એ હદે વધતો ગયો કે બોલીવુડ-ટેલિવુડના કાર્યક્રમો કરતા ‘બાબાના દરબાર’ની ટીઆરપી વધતી ગઈ. અન્ય ન્યુઝ ચેનલોમાં પણ બાબાના સમાગમના કાર્યક્રમો બતાવવા જાણે સ્પર્ધા જામી.
ફરી લેખના પ્રારંભમાં બાબાના આવા જ દરબારમાં એક બેકાર યુવાને જે વ્યથા વ્યક્ત કરી હતી તેના પ્રસંગ પર આવીએ.
‘‘બાબા તમને કોટિ કોટિ પ્રણામ, મને નોકરી મળે તેવા આશિર્વાદ આપોને.’’
બાબા હાથમાં મુઠ્ઠી વાળીને આગવી અદા સાથે.... ‘‘તમે પાકિટમાં કેટલા રૂપિયા રાખો છો ?’’
બેકાર યુવાને કહ્યું કે, ‘‘બાબા, દોઢસો-બસો રૂપિયા.’’ બાબાએ સ્હેજ ઝીણી આંખો કરીને દબાણપૂર્વક સૂચન કર્યું કે ‘‘રૂા. ત્રણસો-ચારસો કેમ નહીં ?’’ રૂા. ત્રણસો-ચારસો પાકિટમાં રાખતા થઈ જાવ... તમને નોકરી મળી જશે. જાઓ મારા આશિર્વાદ છે. (બાબા જમણા હાથને હલાવતા તેમની બેઠક પરથી આશિર્વાદ આપે છે.)
હવે હજારેક ભાવુકો પર કેમેરો ફેરવાય છે. એક બહેન લગભગ રડી પડતા ‘‘બાબા, હું દર દર ભટકી પણ મને લગ્નના દસ વર્ષ બાદ પણ સંતાન નથી. હવે આપ જ એક માત્ર આખરી આશા છો. બાબા મને આશિર્વાદ આપો.’’
બાબા આપણા બધાના આશ્ચર્ય વચ્ચે બહેનને પુછે છે કે ‘‘તમે સમોસા ખાવ છો?’’ બહેન પણ તેમના સંતાનની ઝંખનાની અરજ બાદ સ્વસ્થ પણ નથી થયા ત્યાં આવો પ્રશ્ન પુછીને ઝાટકામાંથી સ્વસ્થતા મેળવતા કહે છે ‘‘હા, બાબા સમોસા ખાતી હું.’’
બાબા જાણે કોઈ રહસ્યમય કોયડો ઉકેલતા હોય તેમ, ‘‘હમ્મ... હરી ચટની કે સાથ સમોસા ખાતી હો યા લાલ...’’ બહેન ઉત્તર આપે છે કે ‘‘લાલ ચટણી’’, તરત જ બાબા ઝડપથી વાક્ય પુરૂ કરી હાથ વડે આશિર્વાદ આપતા કહે છે કે સમોસા હરી ચટની કે સાથ ખાવ આપ જલ્દ મા બન જાઓગી.
જુદી જુદી સમસ્યાઓ માટે બાબાના ઉકેલ મનોરંજક ટીવી ચેનલ જોતા હોઈએ તેવા છે. જેમ કે ‘‘તમે સાદા મોબાઈલ વાપરવાની જગાએ બ્રાન્ડેડ લેટેસ્ટ ફંકશનનો મોબાઈલ વાપરો,’’ તમારા ઘર નજીક હનુમાનજીનું મંદિર છે? જો છે તો તમે નિયમીત કેમ નથી જતા? ત્યાં દર્શન કરતા નથી એટલે વિધ્ન સર્જાયું છે. ‘મંદિરમેં જાયા કરો.’
હવે તમે જો બાબાને એમ કહો કે મંદિરે જાવ છો તો તમને એમ કહેવામાં આવે કે ત્યાં ફૂલ ચઢાવો છો? તમે કહો કે હા, બાબા ફૂલ પણ ચઢાવું છું. બાબા કહેશે કે ‘‘મગર પીલા રંગવાલા ફૂલ નહીં ચઢાતે. વો ચઢાઓ તુમ્હારા કામ હો જાયેગા.’’
બાબા તમારી ગંભીરથી અતિ ગંભીર સમસ્યા માટેના ઉકેલ તરીકે તમને હવાઈ મુસાફરી કરવાની, પિત્ઝા ખાવાની, બ્રાન્ડેડ શર્ટ પહેરવાની, જે પહેર્યો છે તેના કરતા મોંઘો બેલ્ટ ખરીદવાની, પાકિટમાં અમુક ઈષ્ટ દેવના ફોટા રાખવાની, ઘરના પૂજાના રૂમમાં જે ફોટો છે તેની દિશા બદલવાની કે દહીં ખાવા જેવી કોઈપણ સલાહ આપીને તેમનું કામ પુરૂં કરે છે.
તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવુકોને એક વિધિનો ભારે ઇંતેજાર હોય છે. કાર્યક્રમના અંતે બાબા બધાને તેમના પાકિટ, પર્સ ખુલ્લા કરીને હાથમાં પકડી રાખવાનું કહે છે જેથી બાબા તેમના સ્થાનમાં બેઠા જ આ તમામના પર્સ-પાકિટ કાયમ ભરાયેલા જ રહે તેમ આશિર્વાદ આપે છે. જાણે દૂરથી તે પર્સમાં દ્રવ્ય ભરતા હોય તેમ હાથની મુદ્રા કરે છે. દેશભરના ટીવી પરના દર્શકોમાંના ઘણા તેમના ઘેર પણ આ રીતે તેમનું પર્સ ખોલીને આશિવાર્દ મેળવતા હોય છે.
ટીવી ન્યુઝ ચેનલ પર બાબાના નામે વિવાદ જાગ્યો તે સાથે જ મીડિયાથી દૂર ભાગવાની જગાએ તેઓ તરત જ સ્પષ્ટતા કરવા માટે હાજર થઈ ગયા. તેમણે કહ્યું કે ‘‘હું કંઈ છુપાવતો નથી, મારો બેંક એકાઉન્ટ નંબર પણ ટીવી સ્ક્રીન પર આવે છે. શ્રઘ્ધાળુઓ સામે ચાલીને તેમની સમસ્યા નિવારવા માટે આવે છે. તેઓ તે માટેની નિર્ધારીત ફી આપે છે. કાર્યક્રમો જાહેરમાં યોજાય છે. હું મારી સિદ્ધી અને આંતઃસૂઝ પ્રમાણે ઉકેલ આપું છું. મારી ઉપચાર પદ્ધતિ પોતિકી છે. તેમાં દોરા-ધાગા કે ખર્ચાના ખાડામાં ઉતારવાની જગાએ નુસખા આપું છું. જેઓને ફાયદા થયા છે તેઓના અનુભવ ટીવીના માઘ્યમથી દર્શકોને પહોંચાડુ છું. મારા સંકલ્પસિદ્ધિથી કામ પતે છે. મારા બેંક એકાઉન્ટમાં રૂા. ૨૩૮ કરોડ છે અને મેં ઈન્કમટેક્સ પણ ભર્યો છે.’’ એક અંદાજ પ્રમાણે બાબાનું રોજનું કલેકશન રૂા. એક કરોડ છે. એક વ્યક્તિની લોકપ્રિયતા વઘ્યા બાદ ફી રૂા. ૨૦૦૦ લેવાતી હતી. બાબાની બોલબાલા એ હદે વધી છે કે તેમના જુદા જુદા શહેરોના કાર્યક્રમમાં ભાગ લેવા બુકંિગ તરત જ બંધ થઈ જાય છે.
બાબાનો વિવાદ એક ન્યુઝ ચેનલે જગાવ્યો તે સાથે જ બીજી ન્યુઝ ચેનલે બાબાનો ઈન્ટરવ્યુ રજુ કર્યો. બાબાની સામે રોષ પ્રગટાવતા કપાળ પર ટીલા-ટપકા લગાવેલ પંડિતે કહ્યું કે, ‘‘આ નર્યું ધતંિગ છે. ટીવીની ન્યુઝ ચેનલમાં બાબાનો જે દરબાર બતાવાય છે તેમાં સમસ્યાના નિવારણ માટે ભાગ લેનાર, પ્રશ્નકર્તા અને જેઓને ફાયદા થયા છે તે બધા જ બાબાના ભાડુતી માણસો હોય છે. વખત જતા આવા પ્રચારની મોહજાળમાં ફસાઈને ફી આપીને ભાગ લેનારા વધવા માંડ્યા.’’
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ એવી પ્રતિક્રિયા આપી કે ‘‘જો ખરેખર આવા કોઈ બાબા દેવીકૃપા ધરાવતા હોય તો તેમણે લોકકલ્યાણ માટે મફતમાં કામ કરવું જોઈએ. જો તેઓ પૈસા લઈને સમસ્યા નિવારણ કરતા હોવાનો દાવો કરતા હોય તો તે ઠગથી વિશેષ કંઈ નથી.’’
એક મનોચિકિત્સકે જણાવ્યું કે, ‘‘આ એવા બાબા છે કે જેને પડકારી શકવા કઠીન છે. કેમકે તેમની પાસે આવનારાઓમાંથી જેઓના સંજોગો સમય જતા સુધરે છે તેઓ સંપૂર્ણ જશ બાબાને આપીને તેમને ભગવાન માની લેશે અને જેમને ફાયદો નહીં થાય તે રૂા. એક-બે હજાર રૂપિયા ગુમાવ્યા તેમ માનીને ભૂલી જશે. પણ જેઓને એમ જ કંઈક ફાયદો થયો છે તેઓ બીજાને કહેશે. આ જ રીતે બાબાના અનુયાયીઓનો ગુણકાર થતો રહેશે.’’
તર્કશાસ્ત્રના નિષ્ણાતે બાબાની અઠંગ કુનેહગીરી અંગે કહ્યું કે બાબાના મોટાભાગના સૂચનો વ્યક્તિને એક લેવલ ઉંચુ કરવાનો આદેશ આપતા હોય છે. જેમકે પાકિટમાં વઘુ રૂપિયા રાખો, વિમાનમાં એક વખત ઉડ્ડયન કરો, બ્રાન્ડેડ વસ્તુ ધારણ કરો. વ્યક્તિને આ માટે થોડી વઘુ કમાણી કે મહેનત કરવી પડે. આમ કરવા જતા તે નવું કરવા માટે વિચારતો થાય, તેનામાં આત્મવિશ્વાસ વધી જાય. પોઝીટીવ અને પ્રોગેસિવ સૂચનોની થિયરી ભાગ ભજવવા મડે છે. તમે શ્રદ્ધા કે (અંધશ્રદ્ધા) સાથે કંઈ પણ કરો એટલે આત્મવિશ્વાસ તો વધવાનો જ છે. તમારું અર્ધજાગ્રત મન તમારી શ્રદ્ધાને સાચી ઠેરવવા કાર્યશીલ બને છે. બાબાએ કહ્યું તેમ હવે હું લાલી ચટણી સાથે સમોસાની મઝા માણું છું. હવે હું મારા કામમાં ડગ માંડીશ. બાબા મારી સાથે છે. જેવી તકલીફ ધરાવતી વ્યક્તિને માનસિકતા પ્રેરિત કરે છે. બાબા કોઈને કોઈ દોરા-ધાગા, નંગ, ભભુતિથી ઠગતા નથી. યુક્તિના નામે ચમત્કારી પણ નથી તેથી તેમની સામેનો પોલીસ કેસ મજબુત ના બની શકે. તેમણે બનાવટી દાગીના એકના ડબલ જેવો ચૂનો લગાવતો ગુનો પણ નથી કર્યો. નથી કોઈ યુવતીનું જાતીય શોષણ કર્યું.
બાબા કહે છે કે હું સંકલ્પ અને પ્રાર્થનાથી આધી-વ્યાધી-ઉપાધી દૂર કરૂ છું. ફાયદો થાય તો સારી વાત છે. કોઈને ગેરંટી પણ નથી આપતો.
આ બધામાં ટીવીની ન્યુઝ ચેનલો જ સૌથી વઘુ જવાબદાર કહેવાય. ન્યુઝ ચેનલોમાં જ્યારે જુઓ ત્યારે સવારે, બપોરે અને રાત્રે પ્રાઈમ ટાઈમમાં ગ્રહો, નંગો, મંત્રો, જ્યોતિષ, ટેરોટ કાર્ડ, નંબર જ્યોતિષ, મેજીક બલ્બનો આધાર લઈને થતી આગાહીઓ, શુકન-અપશુકનના એપિસોડની ભરમાર ચાલે છે. પહેલા વીડિયો મિક્સીંગ વડે હજારોની મેદનીનું દ્રશ્ય ઉપજાવી કાઢવામાં આવે છે અને પછી નિયમ જતા ખરેખર તેટલી મેદની જમા થઈ જાય છે. જેમ ફિલ્મ સ્ટાર લોંચ થાય છે તેમ કથાકારો, તત્ત્વજ્ઞાનીઓ, વેદાન્તીઓ બાબાઓ, ફિલસુફરો અને મોટિવેટરો લોંચ થાય છે. ઘણું ખરૂં સ્ટેજ મેનેજ્‌ડ હોય છે. ચેનલો અડધો કલાકનું તોતંિગ ભાડુ લઈને આવા સ્લોટ વેચતી હોય. જોકે આ બધા ગુરુઓ અને તત્ત્વ ચંિતકોને તો થોડું હોમવર્ક પણ કરવું પડે છે. રામાયણ, મહાભારત, ગીતા, જ્યોતિષશાસ્ત્ર, પુરાણો, વેદો વાંચીને સ્ક્રીપ્ટ તૈયાર કરવી પડે છે. તેની તુલનામાં નિર્મલ બાબાને માટે ‘વાહ જનાબ’ વિશેષણનું પ્રયોજન કરવું પડે છે. કેમ કે તેમણે કોઈ જ તૈયારી કરવાની જરૂર જ ના પડે તેવું જ્ઞાન મેળવ્યું છે ! તેમણે તેમના દરબારમાં સીધા જ ઠાઠ સાથે આવીને બેસી જવાનું. વારાફરતી ઉપસ્થિતોની વ્યથા કથા સાંભળવાની અને ઈચ્છા થાય તેમ ઉકેલ આપી દેવાનો જેમ કે ‘‘ધંધેમંે ખોટ જા રહી હૈ...? આપ કી ઘડીમે (ઘડિયાળ) કૌનસે કલર કા બેલ્ટ હૈ?’’ અચ્છા બ્લેક લેધર બેલ્ટ હૈ... ઈસલીએ ધંધેમે ગડબડ હૈ.... આપ ઐસા કિજીએ, ગોલ્ડન કલર કા મેટલ બેલ્ટ પહનીએ. હમારા આશિર્વાદ કામ કરને લગેગા.’’
તે સાથે જ બેક ગ્રાઉન્ડમાં સમૂહમાં સાંભળવા મળે કે ‘‘નિર્મલ બાબાકી જય હો.’’
આપણે પણ નિર્મલ બાબાને માની ગયા. આપણાથી પણ આ ભેજાબાજ ગુરૂજી માટે બોલાઈ જવાય કે ‘નિર્મલ બાબા આપકો કોટિ કોટિ પ્રણામ’.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved