Last Update : 18-April-2012, Wednesday

 

જાનેવાલે સાથ અપને લે જા કોઈ ચિરાગ,
જો આનેવાલે લોગોંકા રાસ્તા રોશન કરે...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

મને એક શખ્સની વર્તણુક કંઈક વિચિત્ર અને રહસ્યમય લાગી. આમ તો જો કે એ એક ચાલીસેકની આસપાસનો હેન્ડસમ, ક્લીન-શેવ્ડ, પેન્ટ- શર્ટ- ટાઇથી સજ્જ મજબુત ઊંચો યુવાન હતો, જે એની વસ્ત્ર- સજાવટથી માંડીને બ્લેક-શૂઝના ચકચકાટ પ્રત્યે સંપૂર્ણ સજાગ હોય. વહેલી સવારે અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના રીઝર્વ્ડ કોચમાં એ મારી સામેની સીટમાં જ હાથમાંનું અંગ્રેજી અખબાર વંાચતો ગોઠવાયો હતો. ટ્રેન હજી સ્ટાર્ટ નહોતી થઈ, ને અર્ધ ફાટેલા ગંદા વસ્ત્રોમાં લપેટાયેલો એક તેર- ચૌદની ઉંમરનો બુટ-પૉલિશવાળો છોકરો ‘પાલિશ- પાલિશ’ બોલતો કંપાર્ટમેન્ટમાં ચડી આવ્યો. સવારના પહોરમાં એના ઓઘરાળાં દેદાર નિહાળી અમારા કંપાર્ટમેન્ટના સોફિસ્ટીકેટેડ ક્રાઉડના નાકના ટીચકાં સહેજ અણગમામાં ચડી ગયાં. પણ મારી સામે બેઠેલા પેલા હેન્ડસમ યુવાને એને ઊભો રાખી પોતાના બુટ એને પૉલિશ માટે આપ્યા, એ જોઈને હું જરા નવાઈ પામી વિચારમાં પડી ગયો કે, આ માણસ પોતાના આવા ચકચકાટ બુટને શીદ પૉલિશ કરાવતો હશે ? જો કે મારે હજી ઘણી નવાઈ પામવાની બાકી હતી.
એ બુટ-પૉલિશવાળો છોકરો તો બુટને પૉલિશ કરી પેલા યુવાને આપેલો પાંચ રૂપિયાનો સિક્કો લઈ ચાલતો થયો, ને ટ્રેન ઉપડી. આણંદ સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે એવો જ એક મુફલિસ બુટ-પૉલિશવાળો છોકરો અમારા કંપાર્ટમેન્ટમાં ચડી આવ્યો, ને મારી સામે બેઠેલા પેલા યુવાને પૉલિશ માટે એના બુટ એ છોકરાને ધરી દીધાં, જેણે મને ઓર આશ્ચર્યમાં મૂકી દીધો કે, અમદાવાદથી આણંદ સુધીમાં વળી પોતાના બુટ પર શું ઘૂળ ચડી ગયેલી આને લાગી હશે ? અને એ છોકરો ય પાંચનો સિક્કો લઈને ગયો.
પછી એ જ ઘટનાનું પુનરાવર્તન વડોદરાના સ્ટેશને થયું, ભરૂચના અને સુરતના સ્ટેશને પણ એ જ થયું. મને એ યુવાનની આ વિચિત્ર વર્તણૂક સમજાતી નહોતી એટલે વલસાડ ક્રોસ કર્યા પછી મુંબઈ નજીક આવી રહ્યું હતું ત્યારે તો હું એને એની આ વિચિત્રતાનું રહસ્ય પૂછ્‌યા સિવાય રહી જ ન શક્યો.
મારું કુતૂહલ જાણીને એ સહેજ મુસ્કરાયો ને બોલ્યો, ‘મહાશય ! વાર્તા જેવી એક નાનકડી વાત મારા જીવનની છે એની પાછળ.’
‘એમ કઈ વાત સર ?’ મારું લેખકીય કુતૂહલ હવે વઘુ ઉશ્કેરાયું.
‘‘આ જે બુટ પૉલિશવાળા છોકરાઓ તમે જોયા ને ! હું પણ મારા નાનપણમાં- કિશોરાવસ્થામાં આવો જ એક ફૂટપાથી પૉલિશવાળો હતો. મારા મા-બાપ નાનપણમાં જ એક કુદરતી હોનારતમાં મૃત્યુ પામ્યા હતા, એટલે અમદાવાદના એક સ્લમ્સમાં રહેતા મારા દૂરના એક કાકાએ મને આશરો આપેલો. અને એ મજદુર કાકા-કાકીના ત્રણ બાળકોવાળા ગરીબ ફેમિલીમાં મદદરૂપ થવા મારે ફરજિયાત બુટ-પૉલિશ કરવા શહેરની એક ફૂટપાથે બેસવું પડતું હતું. પણ કાકા- કાકી એટલા સારા હતા કે એમણે મને એક ટ્રસ્ટની નાઇટ સ્કૂલમાં રાત્રે ભણવાની છૂટ આપેલી.’’
‘‘ઓહ આઇ સી ! ઇન્ટરેસ્ટીંગ ! પછી ?’’
‘‘ત્યાં નાઇટ સ્કૂલમાં પાંચમા ધોરણમાં મારા ક્લાસ-ટીચર હતા એક એખલાસી સાહેબ- ઝમીર એખલાસી સર ! ખુબ જ દયાળુ અને સંવેદનશીલ સ્વભાવના ! મારી આખી વાત જાણી એમના હૃદયમાં અનુકંપા પ્રગટ થઈ ને મને બુટ-પૉલિશની કામગીરી છોડાવી એમના ઘરમાં પરચુરણ કામ કરવા માટે નોકર તરીકેની નોકરીએ રાખી લીધો, જેનો પગાર મારી બુટ-પૉલિશની સરેરાશ માસિક કમાણી કરતા વઘુ હતો. ઉપરાંત મને બંને ટાઇમનું જમવાનું પણ એમના ઘરે જ મળતું. એટલે કાકા- કાકીએ પણ એની સામે વાંધો ન લીધો. વધારામાં એખલાસી સરના બે મારી ઉંમરના ભણતા સંતાનોની ભણવા- રમવામાં કંપની મળતી.
‘‘એખલાસી સર મને એમના ત્રીજા સંતાનની જેમ જ રાખતાં, અને ભણવામં મને સતત પ્રોત્સાહન- માર્ગદર્શન આપતા રહેતા એ રીતે જ હું પંચ્યાસી ટકા માર્કસ સાથે એસએસસી પાસ થયો ને પછી ફર્સ્ટક્લાસમાં બી.કોમ. અને આઇસીડબલ્યુએની ઇન્ટર પાસ કરતાં તો મને અમદાવાદમાં જ એક પ્રતિષ્ઠિત લિમિટેડ કંપનીમાં કોસ્ટીંગ-ઑફિસરની જોબ મળી ગઈ. જ્યાં આજે હું કોસ્ટીંગ મેનેજર છું અત્યારે કંપનીના કામે જ મુંબઈ જઈ રહ્યો છું.
‘‘નોકરી મળી ત્યારે મને એમ થયું કે, મારે ઝમીર સાહેબને એમના મારા પરના ઉપકારો માટે કંઈક ગુરુદક્ષિણા આપવી જોઈએ. મેં મારી એ ઇચ્છા એમની આગળ વ્યક્ત કરી એટલે એમણે પ્રેમથી મારા માથે હાથ ફેરવી હસીને કહ્યું,
‘‘તારે મને ગુરુદક્ષિણા જ આપવી છે ને ! તો એ મને આ રીતે આપ ! કોઈ પણ તારા જેવો બુટ-પૉલિશવાળો છોકરો તને ક્યાંય પણ મળે તો એને ખાલી હાથે પાછો જવા ન દેતો અને બને તો આવા એકાદ ગરીબ છોકરાને તું ભણાવ, જેમ મેં તને ભણાવ્યો. પરંતુ એને સહેજ પણ ઉપકારવશ કર્યા સિવાય. નેકીનો સિદ્ધાંત જ એ છે કે કોઈ નામ કે બદલાની તમન્ના રાખ્યા વિના સિર્ફ અલ્લાહ માટે કરવામાં આવે. તું તો જાણે છે કે આવા છોકરાઓને જો પુરતી કમાઈ ન મળે તો એ છોકરાઓ આડા રસ્તે ચડી જઈને હરામની કમાણીની દિશામાં વળી જતા હોય છે.’
‘‘એખલાસી સાહેબની એ વાત સાચી હતી. મારી સાથે જ બેસતા બુટ-પૉલિશવાળા ત્રણ છોકરાઓ જે ભણતાં નહોતા એ ગુંડાગર્દીની દિશામાં વળી જ ગયેલાં. બસ ત્યારથી હું એખલાસી સાહેેબને આ રીતે ‘ગુરુદક્ષિણા’ આપતો રહ્યો છું. હવે તો સારી આવક સાથે હું કંપનીના ફ્‌લેટમાં મારા ફેમીલી સાથે સ્વતંત્ર રહું છું, અને એટલે આવા બે-ત્રણ ગરીબ છોકરાઓના અભ્યાસનો ખર્ચ પણ ઉપાડું છું. બસ આ છે જનાબ મારા બુટ-પૉલિશનું રહસ્ય !’’
હું પ્રભાવિત થઈ ગયો એ યુવાનની ઉમદા વાત જાણીને એટલે મેં એને પૂછ્‌યું,
‘‘આપનું નામ જાણી શકું સર ? અને હું એક પત્રકાર- લેખક છું. જો આપને વાંધો ન હોય તો આ વાત મારા અખબારમાં સત્ય ન્યૂઝ-સ્ટોરી તરીકે લખી શકું ?’’
‘‘મારું નામ આશુતોષ દેસાઈ ! તમે આ ઘટના લખી શકો છો પણ મારું નામ એમાં લખ્યા સિવાય !’’ કંઈક વિચારીને એ યુવાને કહ્યું. અલબત્ત મેં તો એ વાત એમાંના સાચા નામો સાથે લખવાનું મનોમન નક્કી કરી લીઘું હતું. પણ ત્યાં...
... બોરીવલી આવવાની તૈયારી હતી એટલે એ યુવાન એની બ્રિફ-કેઇસ લઈ ઉતરવા માટે ઉભો થયો, ને જાણે એ મારા મનના વિચાર જાણી ગયો તેમ જતાં જતાં સહેજ હસીને બોલ્યો,
‘‘મારું નામ આશુતોષ દેસાઈ છે જ નહિ અને એખલાસી સાહેબનું સાચું નામ પણ મેં તમને કહ્યું નથી, એટલે તમે મેં આપેલા નામ તમારા અખબારમાં બેઝીઝક લખી શકો છો. નામ વગરની નેકીની જ નોંધ ઉપરવાળાના દરબારમાં લેવાય છે, નામ સાથેની યા નામ માટેની નેકીને તો શાયદ ‘ઉપરવાળો’ ય છેકી નાખતો હશે ! એ મને મારા ‘એખલાસી’ સરે જ શિખવાડેલું છે !’’
અને હું સ્તબ્ધ થઈને બોરીવલી સ્ટેશન પરની બપોરી ભીડમાં અદ્રશ્ય થઈ રહેલી એની ટટ્ટાર, દમામદાર પીઠની દિશામાં તાકી રહ્યો...
(કથાબીજ ઃ એક ‘આશુતોષ દેસાઈ’)

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved