Last Update : 18-April-2012, Wednesday

 

આઇસક્રીમની વેનીલા-લીલા

બોલ્યુંચાલ્યું માફ - ઉર્વીશ કોઠારી

માણસની જેમ આઇસક્રીમ પણ બે જાતના હોય છેઃ પોતાના ભપકાદાર દેખાવથી બીજાને લલચાવનારા-આકર્ષનારા દેખાડાબાજ અને પોતાની સૌમ્ય સાદગી- શાંત આકર્ષણથી સામેવાળાના મન પર અસર પેદા કરનારા.
પહેલા પ્રકારમાં નખરાળાં નામ, કલરબોક્સ ઊંઘું પડી ગયું હોય એવા રંગ ને ડ્રાયફ્રુટનો ડબ્બો વેરાયો હોય એવા પદાર્થો ધરાવતા આઇસક્રીમનો સમાવેશ થાય છે. તેમને જોઇને અકારણ, રંગીન ઝભ્ભા પહેરીને હાસ્યાસ્પદ લાગતા માણસો યાદ આવે છે. કેટલાક ગુજરાતીઓ કોઇ પણ ખાદ્યપદાર્થનું - અને તેના આધારે યજમાનનું- મહત્ત્વ તેમાં પ્રતિ ચમચી (કે પ્રતિ કોળીયો) કેટલાં ડ્રાયફ્રુટ આવ્યાં તેની પરથી નક્કી કરે છે. એવી જનતા રંગીન ઝભ્ભા ને રંગબેરંગી આઇસક્રીમથી એકસરખી પ્રભાવિત થાય છે.
બીજા પ્રકારના માણસો આઇસક્રીમ - કે માણસ- વિશે એકદમ અભિપ્રાય બાંધી લેતા નથી. આઇસક્રીમનો કપ હાથમાં લીધા પછી, બે-ચાર ચમચી આઇસક્રીમ ખાતાં સુધી તે એવા તલ્લીન હોય છે કે તેમને આઇસક્રીમ કેવો લાગ્યો એવું પૂછવામાં તપોભંગની બીક લાગે. તે આઇસક્રીમને ચમચીમાંથી સીધો, યાંત્રિક ઢબે મોંમાં ઓરી દેતા નથી. લાકડાની ચમચીને વળગેલો આઇસક્રીમ તે એવી રીતે જીભ પર મૂકે છે, જાણે જીભના એકેએક સ્વાદતંતુ સુધી તેનો સ્વાદ પહોંચાડવાનો હોય. આ પદ્ધતિથી થયેલો સ્વાદનો નિર્ણય સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જજમેન્ટ જેવો નીવડે છે. એ નિર્ણય સામે લડી ન શકાય. ફક્ત દયાની અપીલ થઇ શકે.
દેખાવ કે રંગને બદલે ગુણવત્તાને પ્રાધાન્ય આપતા ઘણા લોકો વેનીલા ફ્‌લેવરના પ્રેમી હોય છે. હા, એ જ વેનીલા, જે રંગબાજોને ધોળોધબ્બ લાગે છે. કપમાં પડ્યો હોય તો એ કોઇ તપસ્વીના શ્રાપથી રંગ ગુમાવી બેઠો હોય એવો ને ફેમિલી પેકમાં પડ્યો હોય તો કોઇ સફેદ સૌંદર્યસાબુના મોટી સાઇઝના લાટા જેવો લાગે. સવાલ દૃષ્ટિનો છે. કારણ કે વેનીલાપ્રેમીઓને એ જ આઇસક્રીમનો દેખાવ ચાંદની રાતે હિમાલયનાં ઉત્તુંગ શીખરોની ટોચે છવાયેલા બરફ જેવો પણ લાગી શકે છે. રાજ કપૂરના ‘વુમન ઇન વ્હાઇટ’ માટેના મોહથી પરિચિત લોકો વેનીલાપ્રેમીઓનું ‘આઇસક્રીમ ઇન વ્હાઇટ’ અંગેનું આકર્ષણ વધારે ઝડપથી સમજી શકશે.
આઇસક્રીમ ખાવા ખાતર આઇસક્રીમ ખાતા મોટા ભાગના લોકો વેનીલાને વિકલ્પ ગણતા જ નથી. વેનીલા પોતે એક ફ્‌લેવર છે, એવા સામાન્ય જ્ઞાનમાં કોઇને રસ હોતો નથી. વેનીલાનાં ફળોનો ફોટો બતાવ્યા પછી પણ લોકો તેના આઇસક્રીમને બદામ કે અંજીર કે કેરી કે કેળાંના આઇસક્રીમની સમકક્ષ દરજ્જો આપવા રાજી થતા નથી. વેનીલાનો સફેદ રંગ તેમને એટલો નીરસ અને નકામો લાગે છે કે કંઇ નહીં તો લોકલાજની બીકે પણ તે વેનીલા મંગાવતા નથી. ‘કોઇ જોઇ જશે તો કેવું વિચારશે? હમણાં સુધી તો એમને રાજભોગ ખાતા જોયા છે અને હવે સાવ વેનીલા પર આવી ગયા?’ થોડા લોકો પોતાની ભૂતકાળની સામાન્ય આર્થિક સ્થિતિનો બદલો લેવા માટે પણ વેનીલાને નાપસંદ કરે છે. કારણ કે સ્થિતિ સારી ન હોય ત્યારે એકમાત્ર પોસાતા આઇસક્રીમ તરીકે વેનીલા ખાધો હોવાથી, એ ફ્‌લેવરમાં તેમની ગરીબીનો સ્વાદ પણ ઉમેરાયેલો હોય છે.
હજુ સુધી કોઇએ વેનીલાને ‘શોકના પ્રસંગે ખાવાના આઇસક્રીમ’ તરીકે ઓળખાવ્યો નથી, એટલું સારું છે. બાકી, એક વાર બેસણા-સર્કિટમાં તેની એવી નામના થઇ જશે, તો પછી ઓળખીતા-પરિચિતના હાથમાં વેનીલાનો કપ જોઇને સામેવાળા વ્યવહારુ જણ પૂછશે, ‘કોણ ગયું?’ બીયરમાં તુલસીનું પાન નાખવાથી તે ‘પ્રસાદ’ થઇ જાય, એવો ઉદાર મત ધરાવતા વ્યવહારુ લોકો કહેશેઃ બેસણામાં ભડક કલરનો આઇસક્રીમ રાખ્યો હોય તો કેવું ઑડ લાગે?
એક સમયે સફેદ કપડાં પહેરનારની પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતાં હતાં, તેમ સફેદ (વેનીલા) આઇસક્રીમ ખાનારના ઊંચા ટેસ્ટનું પ્રમાણ ગણાવું જોઇએ, એવું કમ સે કમ વેનીલાપ્રેમીઓ તો માને જ છે. વેનીલાના પ્રેમી વર્ગમાં તેની આબરૂ બેદાગ ફ્‌લેવર તરીકેની છે. કોઇ પણ આઇસક્રીમની અસલિયત પારખવી હોય, તો તેની વેનીલા ફ્‌લેવર ચાખી જોવી- એવી અનુભવવાણીનું પ્રેમીઓ વખતોવખત પુનઃપ્રસારણ કરતા રહે છે.
ગાંધીવાદી લોકો ખાદીનો આઇસક્રીમ મળતો થાય ત્યાં સુધી, સાદગીના પ્રતીક તરીકે વેનીલા પર પસંદગી ઉતારી શકે છે. પરંતુ વખત જતાં જેમ ખાદીના નવા વૈભવી પ્રકાર વિકસ્યા એવું જ વેનીલા ફ્‌લેવરમાં પણ થયું છે. વેનીલાનો સ્વાદ અને તેની સાદગી બરકરાર રાખીને તેને વરણાગી બનાવવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે અને તેનાં ફેન્સી નામ રાખવામાં આવે છે. જેમ કે, વેનીલા આઇસક્રીમમાં થતી થમ્સ અપ- કોકાકોલા-પેપ્સીની ભેળસેળ. ‘ફ્‌લોટ’ તરીકે ઓળખાતો આ પદાર્થ ચમચીથી ખાધો કહેવાય કે પીધો કહેવાય, એ નક્કી કરવું અઘરૂં પડે છે.
વેનીલાની સાદગી પર ઓવારી જનારાને આવાં ગતકડાં ગમતાં નથી. છતાં, એકાદ વાર ચાખ્યા પછી તેમને થાય છે કે આમ કરવાથી પણ નવી પેઢીમાં વેનીલા લોકપ્રિય થતો હોય તો કશું ખોટું નથી. (કંઇક આ જ પ્રકારના તર્કને અનુસરીને લખાતા ગુજરાતી ભાષાના ભેળસેળીયા સ્વરૂપને ‘ગુજરાતી ફ્‌લોટ’ કહી શકાય?) ફ્‌લોટનો જન્મ સ્વાભાવિક રીતે જ કોઇ ગુજરાતી મમ્મીના હાથે થયો હશે. ફ્રીઝરમાં ચીલ્ડ કરવા મૂકેલી થમ્સ અપની બોટલ ખુલીને, બાજુમાં પડેલા વેનીલા આઇસક્રીમના ખુલ્લા ડબ્બામાં ઢળી હશે. બન્ને ફેંકી દેવાં ન પડે અને ‘બેસ્ટમાંથી વેસ્ટ’ બન્યા પછી ફરી એક વાર ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી શકાય એવી પવિત્ર ભાવનાથી પ્રેરાઇને તેમણે આ મિશ્રણ મહેમાનોને પીરસ્યું હશે. તેમને ભાવતાં એકાદ સંતાનની બર્થ ડે પાર્ટીમાં તેનો અખતરો થયો હશે અને એમ કરતાં નવી વાનગી અસ્તિત્ત્વમાં આવી હશે.
ફક્ત પ્રવાહી જ નહીં, નરમ ઘન પદાર્થોની જોડી પણ વેનીલા ફ્‌લેવર સાથે જમાવવાના પ્રયાસ સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે, રેસિપીની પરિભાષામાં કહીએ તો ‘સ્વાદાનુસાર’, કરતા રહે છે. જેમ કે, શરીર વધવાની ચંિતા ન કરતાં કેટલાંક મિત્રો વેનીલા સાથે ગાજરનો ઢીલો હલવો ખાવા માટે ઉશ્કેરણી કરે છે. ખરા વેનીલાપ્રેમીઓને વેનીલા-સેવન માટે કોઇ બાહરી આલંબનની જરૂર હોતી નથી. છતાં, પોતાની પ્રિય ફ્‌લેવરને નીતનવાં સ્વરૂપ ધારણ કરતી જોવાની લાલચ એ ટાળી શકતા નથી. એક વાર આ જાતના અખતરા કર્યા પછી બન્ને પક્ષે હંિમત ખુલી જાય છે. ત્યાર પછી બીજી કઇ વાનગીઓ સાથે વેનીલાના અખતરા થાય એની વિગતો અહીં આપવાનું સલાહભર્યું નથી. કારણ કે આ રેસિપીની કોલમ નથી અને વૈવિઘ્ય ખાતર વૈવિઘ્ય બતાવવાનો કોઇ ઇરાદો નથી.
આઇસક્રીમના મૂળભૂત, પ્રાથમિક સ્વરૂપના પ્રેમમાં પડેલા ઘણા ઉત્પાદકો વેનીલાના અસલી પૂજારી નીકળે છે. તેમની દુકાને મળતા કેરીના આઇસક્રીમનો અર્થ છેઃ વેનીલા ફ્‌લેવરમાં કેરીના ફ્રોઝન કરેલા ચાર-છ ટુકડા અને તેમનો પાઇનેપલનો આઇસક્રીમ એટલે વેનીલામાં પાઇનેપલના ચાર-છ ટુકડા. દેખીતું છે કે કેરીનો આઇસક્રીમ મંગાવનારને આ પદ્ધતિમાં છેતરપીંડીનો અનુભવ થાય છે અને કેરીનો સ્વાદ આવતો નહીં હોવાની ફરિયાદ ઊભી થાય છે. પરંતુ હકારાત્મક અભિગમ ધરાવનારા લોકો કકળાટ કરવાને બદલે પોતાનો રસ્તો શોધી લે છે. તે વેનીલા ફ્‌લેવરનો આઇસક્રીમ ઘરે લઇને, જાતે જ ઉપરથી ફળની ચીરીઓ નાખીને, નવા સ્વાદની સાથે કંઇક નવું કર્યાનો આનંદ-સંતોષ મેળવે છે.
આઇસક્રીમપ્રેમી રાષ્ટ્રવાદીઓ માને છે કે ભારતના ઘ્વજમાં ઉપર-નીચે ભલે અનુક્રમે કેસર અને પિસ્તાના રંગ હોય, વચ્ચેનું મોકાનું સ્થાન તો વેનીલાને જ મળ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved