Last Update : 18-April-2012, Wednesday

 

પાકિસ્તાનને ભીંસમાં લઈ શકાય તેવા સમયને ન ઓળખવાની સજા
મનમોહનની સંભવિત પાક. યાત્રા કોઈ લાંછન શબ્દનો અર્થ શોધો ને

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

- પાકિસ્તાન સાથે મંત્રણાની આપણે કોઈ ગરજ નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની છબી ઉજળી છે જ

સમાચારોની દુનિયામાં કહેવાય છે કે કૂતરું માણસને કરડે તે નહિ પરંતુ માણસ જો કૂતરાને કરડે તો એ સમાચાર બની જાય છે. ભારત અને પાકિસ્તાન જેવા બે કાયમી દુશ્મન દેશો પરસ્પર બાખડતા રહે તો તેની ન્યૂઝવેલ્યુમાં નવાઈનું કોઈ તત્વ નથી પરંતુ બંને દેશોના વડા હસતા ચહેરે એકબીજાને ગળે મળે તો એ જરૂર સમાચાર બની જાય.
તાજેતરમાં આસિફઅલી ઝરદારી અને તેમના પાટવીકુંવર બિલાવલ ભારતની મુલાકાતે આવ્યા. ઝરદારીએ મનમોહનની અને બિલાવલે ‘ઈન્ડિયન બિલાવલ’ રાહુલની મુલાકાત લીધી. સ્વાભાવિક રીતે જ એ મુલાકાતને પૂરતી ગંભીરતાથી જોવામાં આવી. મીડિયાએ પણ એ મુલાકાતને ટિપિકલ ભાષામાં ‘સૌહાર્દપૂર્ણ વાતાવરણ’, ‘પરસ્પર ભાઈચારો અને વિશ્વાસ’, ‘ઉપખંડમાં શાંતિ અને વિકાસ’ જેવા ૧૯૪૭થી વપરાતા શબ્દો વડે સજાવી નાંખી. પરંતુ માર્કેટંિગના જોરે ગાજેલી અને ઘૂંઆધાર પ્રોમોથી ચર્ચાયેલી ફિલ્મ થિયેટરમાં જઈને જોઈએ ત્યારે સાવ ખોખલી લાગે તેવું જ આ મુલાકાતનું છે.
બોલાતા શબ્દોમાં આપણો વિશ્વાસ અને ભોળપણ એટલાં સાબૂત છે કે આપણે ત્યાં બોડી લેંગ્વેજના આધારે આવી ક્રુસિયલ મીટ્‌સનું તારણ મેળવવાના પ્રયાસો થતા નથી પરંતુ વિદેશી મીડિયા આવા સમયે ખાસ નિષ્ણાતોને પણ રોકતું હોય છે. દોઢ વર્ષ પહેલાં બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોર્ટંિગ ટીમમાં બોડી લેંગ્વેજ એક્સપટ્‌ર્સ પણ હતા. ઓબામા મુંબઈ આવ્યા અને આતંકી હુમલાને વખોડી કાઢ્‌યો, વિવેકાનંદને અને ટાગોરને યાદ કર્યા, સંસદમાં ભાષણ કર્યું એ દરેક પ્રસંગે તેઓ જે બોલ્યા એ તો સૌને સંભળાતું જ હતું પણ એમના મનમાં શું હતું? ચહેરાની પલટાતી લકિરો, આંખોના બદલાતા ભાવ, હાથ-આંગળીઓની સહજતાથી થઈ જતી ચેષ્ટાઓ શું કહેતી હતી? ઓબામાની જીભ અને મન વચ્ચેના એ તફાવતનું ન્યૂયોર્ક ટાઈમ્સે તસવીરો અને મનોવૈજ્ઞાનિક અભિપ્રાયો વડે આબાદ વિશ્વ્લેષણ કર્યું હતું.
દૂર બેસીને, ફક્ત ટીવી પર જોયેલા દૃશ્યોના આધારે ઝરદારી અને મનમોહનની મુલાકાતને એ તર્જ પર મૂકવાનો અધકચરો પ્રયાસ કરીએ તો પણ ઝરદારીના મનમાં છૂપો અજંપો હોવાનું કળી શકાય. મનમોહનને મળતી વખતે ઝરદારી સતત એક હાથ ખિસ્સામાં રાખતા હતા. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમનો ડાબો હાથ સતત નીચી નજરે ભરાવદાર મૂછ પસવારતો હતો. તેઓ કદાચ મનમાં રહેલી ગુનાઈત લાગણીઓ છૂપાવવાના અને પરાણે નિખાલસ થવાના પ્રયાસમાં હતા.
બિલાવલ રાહુલને મળ્યા ત્યારે તેમની ઝડપી ચાલમાં આક્રમકતા વર્તાતી હતી. રાહુલબાબાએ બિલાવલ સાથે હસ્તઘૂનન કરતી વખતે તેની કમર પર હાથ મૂકીને દોસ્તાના મિજાજ દર્શાવ્યો હતો પણ બિલાવલના સ્મિતની એક રેખા પણ તેનાંથી વધી કે ઘટી ન હતી. સાધારણ રીતે યજમાન આગળ ચાલે અને મહેમાન બે ડગલાં પાછળ રહીને તેમને અનુસરે પરંતુ પોર્ચમાં રાહુલે આવકાર્યા પછી અંદર રૂમમાં જતાં બિલાવલ રાહુલથી આગળ નીકળી ગયા હતા. મનોવિજ્ઞાનના આધારે આ બધા સંકેતો બિલાવલનો સુપિરિયર કોમ્પ્લેક્સ છતો કરે છે. તો પછી, એવું કહી શકાય કે ભારત પ્રત્યેની ધૃણા અને તિરસ્કારનો નાનાજી ઝુલ્ફીકારઅલી ભુતોનો વારસો બિલાવલ સુપેરે આગળ વધારશે?
આ થયો દૂર બેસીને જોયેલી ઝલકનો અધકચરો અંદાજ. હવે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ જોઈએ. જ્યારે પણ પાકિસ્તાની નેતાઓ ભારતની મુલાકાતે આવે ત્યારે તેમની મુલાકાતને પાકિસ્તાનમાં વધારે પડતી ગંભીરતાથી લેવાતી હોય છે. ઝરદારીની મુલાકાત પણ તેમાંથી બાકાત ન હતી. વળી, હાલમાં ઝરદારીના પોતાના, પાકિસ્તાનના આંતરિક રાજકારણના અને વૈશ્વિક મંચ પર ખેલાતી કૂટનીતિના સંજોગો પણ ઘણા વિશિષ્ટ છે. ઝરદારીની ૭ એપ્રિલની ભારત મુલાકાત પૂર્વનિર્ધારિત હતી તેના બરાબર એક અઠવાડિયા પહેલાં ભારત આવેલા અમેરિકી વિદેશ વિભાગના ચીફ સેક્રેટરીએ કોઈ દેખીતા કારણ વગર હાફિઝ સઈદના માથા સાટે ૧ કરોડ અમેરિકી ડોલરનું ઈનામ જાહેર કરીને ઝરદારીને મૂંઝવવાની અને મનમોહનને આક્રમક (??) મિજાજ ધારણ કરવાની તક આપી દીધી હતી. ભારત અને પાકિસ્તાન માટે એ લિટ્‌મસ ટેસ્ટની ઘડી હતી. ભારત જો મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝની ધરપકડ અંગે આક્રમક વલણ ન અપનાવે તો મનમોહન મોળા ઉતર્યા કહેવાય અને ભારતના આક્રમક વલણના બદલામાં ઝરદારી જો ઢીલુ મૂકે તો પાકિસ્તાનના કટ્ટરપંથીઓ નારાજ થાય અને ઝરદારી જડ વલણ દાખવે તો ભારત સાથેની મંત્રણાના દ્વાર ખૂલતાં અટકી જાય.
છેવટે એ જ થયું, જે આપણે કાયમ કરતાં આવ્યા છીએ. મનમોહને ગળામાંથી માંડ નીકળતા અવાજે હાફિઝ સઈદ માટે ‘ઘટતું કરવા’ અપીલ કરી. (વડાપ્રધાનના શબ્દો, ‘વી એક્સ્પેક્ટ ઓપ્ટિમમ એક્‌શન’નું ગુજરાતી આવું જ કંઈક થાય ને?) જવાબમાં ઝરદારીએ પણ ગોળ-ગોળ ભાષામાં મૂંડી હલાવી દીધી અને છેવટે ભારત-પાક. બંનેએ કૂલડીમાં ગોળ ભાંગી નાંખ્યો. પાકિસ્તાન માટે હાલ ભારત સાથેની શાંતિમંત્રણા આગળ ધપે એ જરૂરી છે. ઓસામા બિન લાદેનને અમેરિકાએ નશ્યત કર્યો પછી ઝરદારીની હાલત વઘુ કફોડી બની છે. આંતરિક સ્તરે તેમણે કટ્ટરવાદીઓને ખુશ રાખવાના છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતે આતંકવાદની ખિલાફ હોવાનો દેખાડો પણ કરવાનો છે. એક તરફ અમેરિકાની ભીંસ છે તો બીજી તરફ ચીનનો પીઠ પસવારતો ખોળો પણ છે. આ સંજોગોમાં ઝરદારીનો વ્યૂહ એવો છે કે ભારત સાથે જો મંત્રણાના દ્વાર ખુલે તો આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર મુજબ, મંત્રણાઓ ચાલુ હોય ત્યાં સુધી ભારત પાકિસ્તાન વિરોધી આક્ષેપબાજી કરવાનું ટાળે. પાક. આતંકવાદને પોષે છે એવા આક્ષેપના મામલે ભારત પોતે જ ચૂપ થઈ જાય તો અમેરિકાના સઢમાંથી આપોઆપ હવા નીકળી જાય.
ભારતની વિદેશનીતિ પણ ક્યા ચોઘડિયે ઘડાઈ છે એ વિશે હવે જાણવું જ પડે તેટલી હદે આપણે કૂટનીતિમાં ધૂઘા સાબિત થઈ રહ્યા છીએ. પાકિસ્તાન સાથે મંત્રણાની આપણે કોઈ ગરજ નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની છબી ઉજળી છે જ. બે મહિના પહેલાં સિઉલ ખાતે યોજાયેલ સંમેલનમાં મનમોહન અને ઝરદારીની મુલાકાત થઈ હતી ત્યારે મનમોહને (પ્રકૃતિથી વિરુદ્ધ) ખોંખારીને કહ્યું હતું કે, ‘જ્યાં સુધી પાકિસ્તાન ભારતવિરોધી તત્વો સામે પગલા લેવા અંગે ઠોસ અહેસાસ નહિ કરાવે ત્યાં સુધી પાકિસ્તાનની મુલાકાતે જવાનો કોઈ અર્થ નથી.’ હવે ઝરદારી અને બિલાવલે રાહુલ અને મનમોહનને પાકિસ્તાન યાત્રાનું આમંત્રણ આપ્યું તો સંયુક્ત પત્રકાર પરિષદમાં મનમોહન કહે છે, ‘હમેં બહોત ખુશી હોગી!’ મતલબ કે, તેમના સિઉલના નિવેદનનો ગંભીર ગણીએ તો, બે મહિનામાં પાકિસ્તાને કશાક ઠોસ પગલા લઈ લીધા છે અને મનમોહનને એવો અહેસાસ પણ થઈ ચૂક્યો છે? હાફિઝ સઈદના મામલે ઝરદારી હજુ પાકિસ્તાન પહોંચ્યા ન હતા ત્યાં પાકિસ્તાની ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન આવી ગયું હતું કે, ભારતે આપેલા ડોઝિયર સિવાય હાફિઝ વિરુદ્ધ બીજા કોઈ પૂરાવા નથી અને ડોઝિયરને પૂરાવો ગણવાની પાક. અદાલતમાં મંજૂરી નથી. મતલબ સાફ છે, મુંબઈ પર ખુલ્લેઆમ હુમલો કરાવીને ચુનંદા પોલીસ અફસરો સહિત ૧૬૦ લોકોને મોતને ઘાટ ઉતારનાર હાફિઝ સઈદ પાકિસ્તાનમાં બિન્ધાસ્ત ધૂમશે જ, જાવ થાય તો કરી લો..
વેલ, હાફિઝ, દાઉદ, અઝહર મસૂદ, સૈયદ સલાહુદ્દિન જેવા ભારતના ગુનેગારો પાકિસ્તાનમાં કેવા ટેસથી જીવે છે તેની આપણે અત્યાર સુધી વાતો જ સાંભળી છે.
હવે મનમોહન અને રાહુલ રૂબરૂ જઈને એ જોશે અને આપણને ફર્સ્ટ હેન્ડ ઈન્ફોર્મેશન આપશે.
લાંછન શબ્દનો અર્થ આપણે નવેસરથી લખીએ.
ના, એ શબ્દ જ સમૂળો શબ્દકોશમાંથી કાઢી નાંખીએ. ક્યા ફરક પડતા હૈ યાર!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved