Last Update : 12-April-2012, Thursday
 

બેબી આફ્રીનનાં મોતથી માનવતાને કલંક લાગ્યું છે

આજનાં માબાપને દીકરી સાપનો ભારો લાગે છે, કારણ કે તેનાં ઉછેર અને શિક્ષણ પાછળ સતત ખર્ચો કરવો પડે છે, જેમાંથી ઝાઝું વળતર મળવાની આશા નથી હોતી

યુનિસેફ નામની સંસ્થાના હેવાલ મુજબ ભારતમાં ગર્ભનાં બાળકની જાતિનું પરીક્ષણ કરીને માદા ભૂ્રણની હત્યા કરવાનો ઉદ્યોગ વાર્ષિક ૧,૦૦૦ કરોડ રૃપિયાનો છે. દેશનાં અનેક શહેરોમાં એવી ખાનગી ક્લિનિકો ખુલી ગઈ છે, જેમાં ગર્ભની જાતિનું પરીક્ષણ કરી આપવામાં આવે છે અને જો ગર્ભનું બાળક માદા હોય તો તેનો ગર્ભપાત પણ કરી આપવામાં આવે છે. આપણા સમાજમાં દીકરીનું સ્થાન આજે પણ દીકરા કરતાં ઉતરતું છે. તેને કારણે જ ઇ.સ. ૨૦૧૧ની વસતિ ગણતરીમાં આપણા દેશમાં દર ૧,૦૦૦ પુરૃષે ૯૧૪ મહિલાઓ જોવા મળી હતી. ગર્ભમાં વણજોઈતી દીકરીની જો હત્યા ન કરવામાં આવે તો તેની હાલત બેબી ફલક જેવી અથવા બેબી આફ્રીન જેવી થાય છે. દિલ્હીમાં ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલી બેબી ફલકે બે મહિના સુધી મૃત્યુ સામે ઝઝૂમીને છેવટે ૧૫ મી માર્ચે દેહ છોડયો હતો. તેવી જ રીતે ગયા રવિવારે પિતાના અત્યાચારનો ભોગ બનેલી બેબી નેહા આફ્રીને બેંગલોરની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે.
એક બાજુ આપણા ભક્ત કવિઓ 'ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ' જેવાં ગીતો લખીને સંતાનોને પોતાનાં માતાપિતાની આજીવન સેવા કરવાની પ્રેરણા આપે છે. નીતિકથાઓમાં માબાપના ઉપકારનો બદલો ચૂકવવા શું કરવું જોઈએ તેના લાંબા ઉપદેશો આપવામાં આવે છે. 'છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય' એવી કહેવતો આપણી ભાષામાં જોવા મળે છે. બીજી બાજુ પોતાની સગી દીકરી ઉપર બળાત્કાર ગુજારતા હેવાન જેવા બાપો પણ આપણા સમાજમાં જોવા મળે છે. રૃપિયા ખાતર પોતાનાં બાળકને વેચી દેતાં માબાપની કથાઓ પણ સાંભળવા મળે છે. એક બાજુ કવિઓ 'જનનીની જોડ નહીં જડે રે લોલ' એવાં ગીતો ગાય છે તો બીજી બાજુ લાખો માતાઓ ગર્ભનાં બાળકનું લિંગપરીક્ષણ કરાવીને પોતાના પેટમાં પાંગરી રહેલા દીકરીના ગર્ભનો નિકાલ કરી નાંખે છે. આ હળાહળ કલિકાળનો પ્રભાવ છે.
નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસની હોસ્પિટલમાં આ વર્ષની ૧૮મી જાન્યુઆરીએ બે વર્ષની બાળકી ફલકને ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવામાં આવી હતી. ફલકના માથા ઉપર ઇજા હતી અને તેના આખા શરીરે કોઈ મનુષ્યે બચકાં ભર્યાં હોય તેવી નિશાનીઓ હતી. તેના ગાલ ઉપર ડામ દેવાની નિશાનીઓ હતી અને તેનો એક હાથ ભાંગી નાંખવામાં આવ્યો હતો. ફલકને લઈને આવેલી ૧૬ વર્ષની એક કન્યાએ ફલકની માતા હોવાનો દાવો કર્યો હતો, જે જૂઠો સાબિત થયો હતો. હકીકતમાં ફલકની માતા એક કોલગર્લ હતી. તેણે પોતાનું પાપ છૂપાવવા આ બાળકી પોતાના દલાલને દત્તક આપી દીધી હતી. આ દલાલે ફલકને સાચવવા પેલી યુવતીને સોંપી હતી, જે પોતે પણ જાતીય અત્યાચારનો ભોગ બની હતી. આ યુવતીએ રોષમાં આવીને ફલકને દિવાલ સાથે પટકી હતી અને પછી તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી.
ફલકને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના બચવાની આશા બહુ પાતળી હતી. તેમ છતાં તબીબોએ તેનો જીવ બચાવવા તેના ઉપર અનેક ઓપરેશનો કર્યાં હતાં. આ ઓપરેશનોને પગલે ફલકનો જીવ બચે તેવી સંભાવનાઓ પણ પેદા થઈ હતી. બે વર્ષની ફલક અત્યંત બહાદુરીથી મોત સામે ઝઝૂમતી હતી. દેશભરમાંથી તેની જિંદગી માટે પ્રાર્થનાઓ થઈ રહી હતી. દિલ્હીની પોલીસે ફલકના માતાપિતાને શોધી કાઢવા ભારે તપાસ આદરી હતી, પણ તેમાં તે નિષ્ફળતા મળી હતી. આ શોધમાં તેમને દિલ્હીમાં અને ઉત્તર ભારતમાં ચાલી રહેલાં એક વ્યાપક સેક્સ રેકેટનો ખ્યાલ આવ્યો હતો. જેમાં ફલકની માતા જેવી અનેક યુવતીઓને ફસાવવામાં આવી હતી. ફલકનો પણ ગુનો એ હતો કે એે બાળકી હતી. તેનો જન્મ નર સંતાન તરીકે થયો હોત તો કદાચ તે બચી ગઈ હોત. ભારતના સમાજમાં દીકરીને સાપનો ભારો માનવામાં આવે છે, જ્યારે દીકરાને આંખનું રતન માનવામાં આવે છે. ભૂતકાળમાં રાજસ્થાનમાં દીકરીનો જન્મ થાય ત્યારે તેને દૂધનાં વાસણમાં ડૂબાડીને મારી નાંખવાનો રિવાજ હતો. માદા ભૂ્રણની હત્યા એ આ રિવાજનું આધુનિક સ્વરૃપ છે. બે મહિના સુધી મૃત્યુ સામે ઝઝૂમીને ફલકે ૧૫ મી માર્ચે હાર કબૂલી લીધી હતી. ફલકના સમાચાર હજી તાજા છે ત્યાં બેંગલોરમાં બેબી આફ્રીનનો કિસ્સો બહાર આવ્યો છે.
ત્રણ મહિનાની આફ્રીનને રવિવારે ઇજાગ્રસ્ત હાલતમાં બેંગ્લોરની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આફ્રીનની માતા રેશમા બાનુની ઉંમર માત્ર ૧૯ વર્ષની છે. તેનો પિતા ઉમર ફારૃક ૨૫ વર્ષની ઉંમર ધરાવે છે. તેને સંતાન તરીકે દીકરો જોઈતો હતો. તેને બદલે દીકરીનો જન્મ થવાથી એ અત્યંત નારાજ થઈ ગયો હતો.
દીકરીને જન્મ આપવા બદલ તેણે પોતાની પત્નીની અને બાળકીની પણ મારપીટ શરૃ કરી હતી. બેબી આફ્રીનના પિતાએ ત્રણ મહિનાની બાળકીના શરીર ઉપર સિગારેટના ડામ દીધા હતા અને તેનું ગળું દાબીને તેની હત્યા કરવાની કોશિષ કરી હતી. તેની માતાએ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરી હતી. ત્રણ દિવસની સારવારને અંતે બેબી આફ્રીનનું કરૃણ મોત થયું છે.
બેબી આફ્રીનની તેના સગા બાપ દ્વારા જે રીતે હત્યા કરવામાં આવી છે તેને કારણે અનેક સંવેદનશીલ હૈયાંઓ હચમચી ઉઠયાં છે. આફ્રીનનું મોત થયું તેના પ્રથમ કલાકમાં જ ટ્વિટર ઉપર રોષ વ્યક્ત કરતાં આશરે ૫૦૦ સંદેશાઓ આવી ગયા હતા. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે 'બેબી આફ્રીનનો બાપ મનુષ્યજાતિ માટે કલંક છે.' મેઘના ગુલઝારે પોતાના બ્લોગ ઉપર લખ્યું હતું કે 'બેબી ફલક પછી બેબી આફ્રીન. ભગવાન જાણે આવી બીજી કેટલી દીકરીઓ હશે, જેઓ હેડલાઈનમાં ચમકતી નથી. દુઃખદ અને શરમજનક.' મિની માથુરે તો બેબી આફ્રીનના બાપને ફાંસીએ ચડાવવાની માંગણી કરતાં લખ્યું હતું કે, 'ફાંસીની સજા અપવાદરૃપ કિસ્સાઓમાં જ આપવી જોઈએ; પણ જે બાપ પોતાની દીકરીને સિગારેટના ડામ દઈને તેની ડોક મચડી નાંખે તેની દયા કેમ ખવાય ? તેને તો ફાંસી જ આપવી જોઈએ.' આપણે આપણા દેશ માટે અને તેની સંસ્કૃતિ માટે ગર્વ અનુભવીએ છીએ, પણ બેબી ફલક અને બેબી આફ્રીનની ઘટના પછી આપણી સંસ્કૃતિમાં આવું કેમ બની રહ્યું છે, તેની વિચારણા કરવાની જરૃર ઊભી થઈ છે. સુખમણિ સિંહ નામની વ્યક્તિએ પોતાના બ્લોગ ઉપર લખ્યું છે કે 'બેબી આફ્રીનના મોત માટે મારું ભારત દેશ માટેનું ગૌરવ પણ મરી ગયું છે. આપણો સમાજ માદા બાળક માટે આટલો ક્રૂર કેમ બની શકે છે ?' આશિષ ચૌધરી નામના બ્લોગરે તો બેબી આફ્રીનના પિતા માટે રોષ વ્યક્ત કરતાં તે નરકમાં જશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી છે. નીલ દત્ત નામના બ્લોગરે તેને કડકમાં કડક સજા કરવાની હિમાયત કરી છે, જેથી બીજા માબાપ આવું કરવાની હિંમત કરે નહીં. બેબી ફલક અને બેબી આફ્રીન આપણા વર્તમાન વિષમ સમાજની પેદાશ છે, જેમાં માતાપિતાએ સતત દીકરી પાછળ રોકાણ કરવાનું હોય છે, પણ તેમને વળતર મળે એવી આશા નહીંવત્ જ હોય છે. આજના કાળમાં દીકરીઓ બહુ ભણવા માંગે છે, જેની પાછળ માતાપિતાએ લખલૂટ ખર્ચાઓ કરવાના હોય છે. દીકરાઓના ભણતર પાછળ કરવામાં આવતા ખર્ચાઓને માબાપો રોકાણ માને છે, જેનું ભવિષ્યમાં વ્યાજ સાથે વળતર મળવાનું હોય છે. દીકરી તો ભણીને, પરણીને સાસરે ચાલી જવાની હોય છે; માટે તેના શિક્ષણ પાછળ કરવામાં આવતાં ખર્ચને માબાપો ખોટનો સોદો ગણતા હોય છે. આજે પણ એવા પરિવારો છે, જેમાં દીકરાની થાળીમાં અને દીકરીની થાળીમાં પીરસવામાં આવતી વાનગીઓમાં ભેદભાવ હોય છે. દીકરીને પરણાવવા માટે દહેજ આપવું પડે છે, જ્યારે દીકરો પરણે ત્યારે ઘરમાં દહેજ આવે છે. આ બધી સ્વાર્થી ગણતરીઓને કારણે અનેક ઘરોમાં દીકરીનો જન્મ થાય ત્યારે શોકનું વાતાવરણ પથરાઈ જાય છે.
આજની દીકરીઓને જ્યારે લાગે છે કે તેમનાં માબાપ દીકરાની સરખામણીએ તેમને ઉતરતી ગણે છે ત્યારે આ દીકરીઓ દીકરા જેવા બનવાની કોશિષ કરે છે. તેઓ દીકરાની જેમ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ લે છે અને ઊંચા પગારની નોકરી પણ કરે છે. આ દીકરીઓ દીકરાઓ જેવાં વસ્ત્રો પહેરે છે અને દીકરાઓ જે કામ કરતાં હોય એ તમામ કામ કરવાની કોશિષ કરે છે. માબાપની સેવા કરવા તેઓ લગ્ન કરવાનો પણ ઇન્કાર કરે છે. જોકે તેનાથી સમસ્યાઓ હલ નથી થતી પણ નવી સમસ્યાઓ પેદા થાય છે. મોટી ઉંમર સુધી કુંવારી રહેલી આવી યુવતીઓને પાછળથી યોગ્ય વર મળતો નથી અને તેમણે પરાણે આજીવન કુંવારા રહેવું પડે છે. માબાપના મૃત્યુ પછી તેમને એકલતા કોરી ખાય છે. આ રીતે મોટી ઉંમરે કુંવારી રહીને એકલી રહેતી યુવતીઓની સંખ્યા પણ આપણા સમાજમાં વધી રહી છે અને તેમની સમસ્યાઓ પણ વધી રહી છે.
માતાપિતાનો પ્રેમ નિસ્વાર્થ અને નિર્વ્યાજ હોવો જોઈએ. તેમાં કોઈ પણ જાતની ગણતરીને સ્થાન હોવું ન જોઈએ. માતાપિતાએ દીકરીઓ અને દીકરાઓ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઈએ, પણ તેમની પાસેથી કોઈ વળતરની અપેક્ષા રાખવી જોઈએ નહીં. આ વળતરની અપેક્ષાઓમાંથી જ વિસંવાદિતા પેદા થાય છે. બીજી બાજુ સમાજમાંથી ફરજિયાત દહેજ જેવાં દૂષણોને દેશવટો આપવો જોઈએ, જેથી દીકરી સાપનો ભારો ન લાગે પણ પુષ્પની માળા લાગે. બેબી ફલક અને બેબી આફ્રીન જેવી એક પણ વધુ ઘટનાઓ સમાજમાં બનવી જોઈએ નહીં.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved