Last Update : 11-April-2012, Wednesday
 

ભાગેડુ છોકરી

ડાર્ક સિક્રેટ્‌સ - રાજ ભાસ્કર

- મેં ઘરેણાં અને પૈસા કાઢી લીધા અને આરતીનું પર્સ ચોરી લીઘું. જેથી આખો કેસ આરતી ચોરી કરીને ભાગી છે એવો બને...

ભાગ-૨

 

રીકેપ

(મઘ્યમવર્ગીય પરિવારમાં રહેતા જીવણભાઈ અને હંસાબહેનની દીકરી આરતી એક દિવસ ઘરમાં સોનાના દાગીના અને પચાસ હજાર રૂપિયા લઈને ભાગી જાય છે. ઘરમાં એ બે પતિ-પત્ની સિવા એમનો દીકરો બલવંત અને એની વાઈફ રેશમા પણ રહે છે. ફરિયાદ થતા ઘેલાણી તપાસ કરે છે. આરતી અનિકેત નામના એક છોકરાને પ્રેમ કરતી હોય છે. ઘેલાણી એની ધરપકડ કરે છે પણ એના વિરૂદ્ધ કોઈ પુરાવા મળતા નથી. થોડા દિવસ બાદ એ અવાવરૂ જગ્યાએથી આરતીની લાશ મળે છે... હવે આગળ...)

 

આરતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો. ચપ્પા જેવા કોઈ તીક્ષણ હથિયારથી આરતીના પેટમાં સાત ઘા મારવામાં આવ્યા હતા. કતલ પહેલાં આરતી સાથે કોઈએ ઝપાઝપી કરી હતી એનાં સ્પષ્ટ ચિન્હો એના શરીર પરથી મળી આવ્યાં હતાં. બળાત્કારની કોશિષ નહોતી થઈ પણ કદાચ આરતી છટકવા માટે ધમપછાડા કરતી હોય અને કોઈએ એને પકડી રાખી હોય એમાં એના હાથમાં નહોર ભરાયા હોય. લાશ મળી એના એક દિવસ પહેલા રાતના સાડા બાર વાગે કતલ થઈ હતી. જ્યાં કતલ થઈ ત્યાંની જગ્યા અવાવરૂ હતી. ત્યાં માત્ર એક વર્ષો જૂની બંધ મિલ હતી અને એના કમ્પાઉન્ડમાં આરતીની કતલ થઈ હતી.
ઘેલાણી અને નાથુએ ઘટાસ્થળની તપાસ પણ કરી હતી. ઘટનાસ્થળ પર ત્રણ વ્યક્તિઓના બુટના નિશાન મળતા હતા. આરતીને અહીં કોઈ વાહનમાં લાવવામાં આવી હતી. ટાયરના નિશાન પણ હાઈવેથી અહીં સુધી આવતા હતા અને પાછા જતા હતા. એ સિવાય ખૂનીએ કોઈ કરતા કોઈ પુરાવો છોડ્યો નહોતો.
આરતીની લાશ મળ્યાને પાંચ દિવસ થઈ ગયા હતા. પણ હજુ સુધી ખૂનીના કોઈ સગડ મળ્યા નહોતા. ફાઈલોના થોડકા વચ્ચે બેઠેલા ઘેલાણી વિચારે ચડ્યા હતા. સામે નાથુ બેઠો હતો. ઉપર દેવાનંદના જમાનાનો પંખો એમની જ સ્ટાઈલમાં ત્રાંસો ત્રાંસો ફરતો હતો.
‘સાહેબ, મને તો લાગે છે કે આરતીને કોઈ ભોળવીને લઈ ગયું હશે. અને ઘરેણાં અને રોકડ લઈને કતલ કરી નાખી હશે ?’
‘કોણ લઈ જાય ?’
‘એનો પ્રેમી વળી, બીજું કોણ ?’
‘પણ એ તો અનિકેતને પ્રેમ કરતી હતી !’
‘એ તો અનિકેત કહે છે. એ અનિકેત જેવા કેટલાંયને રમાડતી હોય એમ પણ બનેને ? એનું બીજા કોઈ સાથે લફરું હોય અને પેલાએ એને પટાવીને ઘરેણાં લઈ બોલાવી હોય એમ પણ બને કે ના બને ?’ નાથુએ એની બુદ્ધિ મુજબનો તર્ક રજુ કર્યો.
ઘેલાણી હસ્યા અને બોલ્યા, ‘બને તું કે’ છે એવું બને ખરું ! પણ બન્યું નથી એ સો ટકાની વાત છે !’
‘એવું તમે શા પરથી કહી શકો ?’
‘મારા તર્ક મુજબ અને આપણને મળેલી આરતીની માહિતી મુજબ આરતી એક સારી અને સંસ્કારી છોકરી હતી. એ માત્ર અનિકેતને જ પ્રેમ કરતી હતી. છતાંય જો તું કહે છે એમ એ કોઈની જાળમાં ફસાઈ હોય તો એ વ્યક્તિ આટલા દિવસ સુધી એનો ઉપયોગ કર્યા વગર રહે નહીં અને પોસ્ટમોર્ટમમાં આરતી સાથે શારીરિક સંબંધ બંધાયાના કોઈ નિશાન નથી.માણસ જો આટલા ઓછા રૂપિયા માટે કોઈની કતલ કરી શકતો હોય તો શારીરિક સંબંધ ના બાંધે એ જ નવાઈ.’
વાત ચાલતી હતી એ દરમિયાન જ આરતીનો ભાઈ બલવંત પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો. પહેલાથી ભાંગેલો એ અત્યારે વધારે ભાંગેલો લાગી રહ્યો હતો. એના ચહેરા પર એક ભયંકર વેદના લીંપાયેલી હતી.
‘સાહેબ, કંઈ પત્તો લાગ્યો ?’ બલવંતે ધીરેથી કહ્યું.
ઘેલાણીએ જવાબ આપ્યો, ‘ના, ભાઈ અમારી તપાસ ચાલુ જ છે. તમારા મમ્મી અને પપ્પાની તબિયત કેમ છે હવે ?’
‘ઠીક છે. આરતી ગઈ એ દિવસથી મમ્મી પણ ખાટલે પડી છે. પપ્પા પણ સારવારના અભાવે રીબાઈ રહ્યા છે. આપ મારી પરિસ્થિતિ તો જાણો છો સાહેબ ! હું રહ્યો મજુરીયો માણસ ! જનારી તો ભલે ગઈ. એ તો એના પાપે ગઈ છે. સાચું કહું તો મારા માટે હત્યારા કરતાંયે પેલા પૈસા અને ઘરેણાં મળે એ અગત્યનું છે. નહંિતર અમારે બધાએ આત્મહત્યા કરવાનો વારો આવશે.’ બલવંતનો અવાજ ભીનો થઈ ગયો.
પંદરેક મિનિટ બેઠા પછી એ વિદાય થયો. ઘેલાણી એ યુવાનની ઝૂકી ગયેલી પીઠને ક્યાંય સુધી તાકી રહ્યા.
***
બલવંત ગયો એ પછી ઘેલાણી ક્યાંય સુધી આરતીની ઘટનાની આસપાસ વિચારોના ગોથા ખાતા રહ્યા. લગભગ કલાકેક સુધી એ તંદ્રામાં બેસી રહ્યા. ગુનેગાર સુધી પહોંચવાની આ એમની અનોખી સ્ટાઈલ હતી. એ હંમેશા કહેતા કે દરેક ગુનો થતા પહેલા હંમેશા દસ્તક દેતો હોય છે. અને ગુનો થઈ ગયા પછી પણ એના સુરાગ મોબાઈલના ટાવરના રેડિયસ જેમ હવામાં ધુમરાયા કરતા હોય છે. તમે આખીયે ઘટનાને, બધાયે પાત્રોને જેમ જેમ વિચારતા જાવ એમ એમ તમને કંઈકને કંઈક નવું મળે જ છે. અને એ ‘કંઈક નવું’ જ તમને એક દિવસ ગુનેગાર સુધી પહોંચાડી દે છે.
આજે પણ એવું જ થયું હતું. પૂરો દોઢ કલાક સુધી વિચાર્યા પછી અચાનક ઘેલાણીના મનમાં એક ઝબકારો થયો. એમણે તરત જ આરતીની ફાઈલ ખોલી અને કંઈક ચેક કર્યું. પછી એમણે નાથુને બોલાવ્યો અને કેટલીક અંગત સૂચનાઓ આપતા કહ્યું, ‘તારે હજુ ફરી વાર મહોલ્લાની આસપાસના રિક્ષાવાલાઓની પૂછપરછ કરવી પડશે. સાથે ફોટા પણ લઈ જવાના છે. પણ એ પહેલાં હું કહું છું એટલી વસ્તુઓ મને સાંજ સુધીમાં મેળવી આપ.’
***
ઘેલાણીએ કહેલી દિશામાં તપાસ કરતા નાથુ ખુદ ચોંકી ગયો હતો. સૂચના પછી બે જ દિવસમાં નાથુએ બધી માહિતી એકઠી કરી આપી. ઘેલાણીએ ફરી વાર આરતી હત્યા કેસની ફાઈલ સાથે એ બધી માહિતી મેચ કરી. તેઓ બે ત્રણ વખત જીવણભાઈના ઘરે પણ જઈ આવ્યા અને ફરીવાર બધાની પૂછપરછ કરીને બયાન લઈ આવ્યા. બે જ દિવસમાં એમણે પકડી પાડ્યું કે આરતીની હત્યા પાછળ કોનો હાથ છે. પુરાવાઓની દળદાર ફાઈલ તૈયાર કરીને તેઓ જીવણભાઈના ઘરે આ ખુશખબર આપવા નીકળી પડ્યા.
***
રાતના સાડા દસ થયા હતા. જીવણભાઈનો પરિવાર સુવાની તૈયારી કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુને જોતાં જ હંસાબહેને એમને આવકાર આપ્યો, ‘આવો સાહેબ આવો !’ આવકાર સાચો હતો પણ અવાજમાંથી હજુ દીકરીના મોતનો ડૂમો ઓછો નહોતો થયો.
ઘેલાણીએ તૂટેલા સોફામાં બેસતા કહ્યું, ‘હંસાબહેન, ચા મૂકો ! તમારી દીકરીનો હત્યારો પકડાઈ ગયો છે ?’
ઘેલાણીના વાક્ય સાથે જ આખું ઘર ચોંકી ગયું. રેશમાના ગળામાંથી ચીસ નીકળી ગઈ, ‘શું વાત કરો છો સાહેબ ? કોણ હતો એ હત્યારો ?’
ઘેલાણી હસ્યા, ‘એ તું મને શા માટે પૂછે છે ? મારા કરતાં તો તને વધારે ખબર હશે કે હત્યારા કોણ છે અને ક્યાં છુપાયા છે ?’’ ઘેલાણીએ આંખ લાલ કરીને આરતીની ભાભી સામે જોતા કહ્યું. એક જ સેકન્ડમાં રેશમાના ચહેરાનું લોહી ઊડી ગયું.
બલવંત જોરથી બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, શું મજાક કરો છો ! મારી પત્નીને ક્યાંથી ખબર હોય કે હત્યારા કોણ છે ?’
‘કારણ કે કતલ એણે જ કરાવી છે !’ ઘેલાણીએ છેલ્લો ધડાકો કર્યો. રેશમા ચીખી ઉઠી, ‘કેવી વાહિયાત વાત કરો છો ? હું આરતીબહેનનું ખૂન શા માટે કરાવું ? શું પુરાવા છે તમારી પાસે એના ?’
ઘેલાણી ખડખડાટ હસ્યા, ‘પુરાવા માંગે છે એટલે કતલ તો તેં જ કરી છે. ઘણા પુરાવા છે. બધા બતાવું છું. નાથુ પહેલાં તું બારણું બંધ કરી દે. આનો મોબાઈલ લઈ લે અને હાથકડી પહેરાવીને ખુરશીમાં બેસાડી દે !’ પછી રેશમા સામે જોઈને એમણે કહ્યું, ‘રેશમા, જરાય અવાજ કરીશ તો હાડકાં ખોખરા કરી નાંખીશ.’ રેશમા ચૂપ થઈ ગઈ. જીવણભાઈ તો હવે બોલી શકે એવી સ્થિતિમાં પણ નહોતા. હંસાબહેને રડતા રડતા કહ્યું, ‘સાહેબ, આ બઘું શું થઈ રહ્યું છે. મેં દીકરી તો ખોઈ છે. હવે ક્યાંક દીકરી જેવી વહુ ખોવાનો વારો ના આવે.’
‘હંસાબહેન તમે થાપ ખાવ છો. તમે જેને દીકરી ગણો છો એ દીકરી નથી ડાકણ છે. એ જ તમારી નિર્દોષ ફૂલ જેવી દીકરીને ભરખી ગઈ છે. હું તમને બઘું સમજાવું છું. શાંતી રાખો.’
ઘેલાણીએ ખોંખારો ખાઈને બોલવાનું શરૂ કર્યું, રેશમાએ આવું શા માટે કર્યું એ તો આપણે એની પાસેથી જ જાણીશું પણ મેં એને કેવી રીતે પકડી એ હું તમને કહી દઉં. બન્યું એવું કે આરતી ગુમ થઈ એ જ દિવસે મેં એના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરાવ્યું હતું. એ ગુમ થઈ ત્યારે એનો ટાવર અહીંથી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલા રામપુરાની સીમ તરફ બતાવી રહ્યું હતું. પછી રોજે રોજ કલાકે કલાકે સ્થળો બદલાતા જ રહેતા હતા. અમારું ઘ્યાન એ તરફ હતું જ. પણ એ રીતે એને આંતરી શકાય એમ નહોતું.’
આરતીના કતલ પછી બે-ત્રણ વાર હું અહીં આવેલો ત્યારે રેશમા અહીં હાજર નહોતી. મેં જ્યારે પૂછ્‌યું ત્યારે તમે લોકોએ કહ્યું કે એ એના પિયર હંિમતનગર ગઈ છે. એ પછી એક દિવસ બલવંત મને મળવા આવ્યો ત્યારે પણ એ એકલો જ આવ્યો હતો. મેં ફક્ત પૂછવા ખાતર રેશમા વિશે પૂછ્‌યું, ત્યારે પણ એ જ જવાબ મળ્યો કે રેશમા તેના પિયર ગઈ છે. મને તરત જ એના પર શક ગયો. મેં નાથુને ફરીવાર તપાસે લગાડ્યો અને રેશમાનો મોબાઈલ નંબર મંગાવ્યો. મોબાઈલ નંબર પરથી મેં એના લોકેશનો ટ્રેસ કરાવ્યા. રેશમાના મોબાઈલના લોકેશનો જોતા એક ભયંકર બાબત મારા ઘ્યાનમાં આવી. રેશમા ખરેખર પિયર જતી જ નહોતી. એ જ્યારે જ્યારે પિયરનું કહીને જતી એ તારીખે એના મોબાઈલનું લોકેશન હંિમતનગરના બદલે જુદા જુદા સ્થળો જ બતાવતું. તપાસ કરતાં ખબર પડી કે બે વખત તો રેશમાના મોબાઈલનું લોકેશન એ જ બતાવતું હતું જે લોકેશન આરતીના ગુમ થયા પછી એના મોબાઈલનું બતાવતું હતું. જેમકે આરતી ગુમ થઈ એ દિવસે એ રામપુરની સીમમાં હતી. એના થોડા જ દિવસ પહેલા રેશમાનો મોબાઈલ પણ ત્યાંનું લોકેશન બતાવતો હતો. સૌથી મહત્વની વાત તો એ હતી કે આરતીના ખૂનના બે દિવસ પહેલા રેશમા હંિમતનગર જવાનું કહીને ગઈ હતી એ દિવસે એના મોબાઈલનું લોકેશન હંિમતનગરના બદલે એ જ જગ્યાનું બતાવતું હતું જ્યાં આરતીનું ખૂન થયું હતું. વળી અમે રિક્ષાવાળાઓને રેશમાનો ફોટો બતાવીને પણ થોડી પૂછપરછ કરી. એમણે માહિતી આપી કે રેશમા ઘણીવાર અહીંથી સ્પેશિયલ રિક્ષા કરીને હંિમતનગર સિવાયના જુદા જુદા સ્થળે જાય છે. ત્યાં અગાઉથી જ કોઈક માણસો એની રાહ જોઈને ઊભા હોય છે.
બસ આટલી માહિતી મારા માટે પૂરતી હતી. આરતીની કતલને અને રેશમાને સીધો સંબંધ છે. હવે રેશમા જ કહેશે કે એણે આરતીને શા માટે મારી અને એના ગુનામાં કોણ કોણ સામેલ છે ?’
આખો પરિવાર સ્તબ્ધ હતો. રેશમા ચૂપ હતી. એની આંખોમાંથી આંસુઓ વહેતાં હતાં. ઘેલાણીએ બીજીવાર પૂછ્‌યું, ‘બોલ રેશમા, કહી દે કે આરતીના ખૂન પાછળ તારો જ હાથ છે !’
અને આરતી જોરથી ચીખી ઊઠી, ‘હા... હા... મારો જ હાથ છે. મેં જ આરતીને ખતમ કરાવી દીધી છે.’ આરતીની કબુલાત સાંભળી હંસાબહેન અને જીવણભાઈનું હૃદય ચિરાઈ ગયું. બલવંત એને મારવા જ જતો હતો પણ ઘેલાણીએ એને રોકીને બેસાડી દીધો.
‘શા માટે તેં આરતી સાથે આવું કર્યું ? આરતી તો તારી સગી નણંદ હતી ?’ ઘેલાણીએ કરડા અવાજે પૂછ્‌યું.
આરતી આંસુ લુછતાં મક્કમ અવાજે બોલી, ‘કારણ કે હું તંગ આવી ગઈ હતી. આ ઘરથી અને આ વરથી... આના કેન્સરગ્રસ્ત બાપની સેવાય કરવાની અને ઘરના ઢસરડાં પણ કરવાના. મારે જીવવું હતું. ભરપૂર જીવવું હતું. મારા લગ્ન પહેલાં હું મારી ચાલીમાં રહેતા જીગરના પ્રેમમાં હતી. એક દિવસ પિયર ગઈ ત્યારે મને એ મળ્યો. અમારો સંબંધ ફરી શરૂ થયો. અમે અવારનવાર મળવા લાગ્યા. એ અમદાવાદ મને મળવા આવતો અને હું ગમે તે બહાનું કરીને એને મળવા જતી. એક દિવસ આરતી અમને બંનેને સાથે જોઈ ગઈ. હું ગભરાઈ ગઈ. જોકે આરતીએ ઘરમાં કોઈને કહ્યું નહીં. પણ મને હંમેશા એનો ડર લાગવા માંડ્યો. મેં મારા પ્રેમીને વાત કરી. એણે કાંટો કાઢી નાંખવાની વાત કરી અને અમે બંનેએ એક પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ એક દિવસ મોડી રાત્રે જીગર એના બે મિત્રોને લઈને બહાર આવ્યો હતો. ઘરના બધા જ ઘોર નંિદરમાં હતા. મમ્મી-પપ્પા છેક અંદરના રૂમમાં ઉંઘતા. અમે રસોડાની બાજુવાલા રૂમમાં અને આરતીબહેન છેક બહાર ઓસરીમાં. મેં બહાર જઈને આરતી બહેનને ઉઠાડ્યા અને ઉતાવળમાં કહ્યું, ‘આરતીબહેન, પપ્પાની તબિયત બહુ ખરાબ છે. જલદી ચાલો. બહાર ગાડીમાં બધા તમારી રાહ જુએ છે. આરતીબહેન ઊભા થઈ ગયા. કંઈ વિચાર્યા વગર ફટાફટ મારી સાથે બહાર દોડ્યા અને ગાડીમાં બેસી ગયા. બસ પછી તો બધી બાજી અમારા હાથમાં હતી. જીગર આરતીબહેનને લઈને રવાના થઈ ગયો અને હું પાછી અંદર ચાલી આવી. આવીને મેં તિજોરીમાંથી ઘરેણા કાઢી લીધા અને આરતીબહેનના ખાનામાંથી એમનું પર્સ ચોરી લીઘું. જેથી આખો કેસ આરતી બહેન ચોરી કરીને ભાગી ગયા એવો બને.
એ પછી પણ હું અવારનવાર જીગરને મળતી રહી. અમારે એક કાંકરે બે પક્ષી મરાયા હતા. પૈસા પણ મળી ગયા હતા અને આરતી પણ અમારા કબજામાં હતી. એને છોડી શકાય એમ નહોતી એટલે અમે એને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો. કતલના બે દિવસ પહેલાં જ હું અને જીગરના મિત્રો જશોદાનગરની પેલી અવાવરુ ફેક્ટરી જોઈ આવ્યા અને બીજા દિવસે જીગર અને એના મિત્રોએ આરતીબહેનનો ખેલ ખતમ કરી નાંખ્યો. પણ અમારી ભૂલ એ થઈ કે અમે આરતી પાસેનો મોબાઈલ ફેંકી દેવાને બદલે સ્વીચ ઓફ કરી જીગર પાસે જ રહેવા દીધો.’
ત્યાં બેઠેલા પાંચ જણમાંથી એક પણ જણ કંઈ બોલી ના શક્યું. એક સંસ્કારી છોકરી વગર વાંકે મોતને ભેટી હતી. પણ હવે કંઈ થાય એમ નહોતું. ઘેલાણી અને નાથુ રેશમાને લઈને રવાના થયા. પાછળ ત્રણ નિર્દોષ વ્યક્તિઓ એમની નિર્દોષ દીકરીના મોતનો માતમ મનાવતા જડ જેમ બેસી રહી.
ઘેલાણીએ બીજા દિવસે જીગર અને એના મિત્રોની પણ ધરપકડ કરી લીધી. ઘરેણાં અને રોકડ રકમ પણ કબજે કરી લીધી. પણ આ વખતે પણ એમના ભાગે જશને બદલે જુતિયા જ હતા. રેશમાએ જેલમાં આત્મહત્યા કરી લીધી અને કમિશનર સાહેબે ઘેલાણીને ફરીવાર મહિના માટે સસ્પેન્ડ કરી દીધા. ઘેલાણી અને નાથુ એમના હાથની હથેળીઓમાં જશની રેખા શોધતા રહ્યા. (સમાપ્ત)

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved