Last Update : 11-April-2012, Wednesday
 

પેથાપુર પોલીસે પંદર દિવસોની તપાસના અંતે ખૂની ખેલ ખેલનાર ત્રિપુટીને નવસારીમાંથી ઝડપી લીધી

ક્રાઇમવોચ - જયદેવ પટેલ

ગાંધીનગરના વાવોલ ગામનો ચકચારભર્યો ડબલ મર્ડર કેસ
રાજ્યના ગૃહ વિભાગે હીચકારો ગુનો પુરવાર કરવા ખાસ સરકારી વકીલની નિમણુંક કરી
અદાલતે આખરે ખૂની ત્રિપુટીને જન્મટીપ ફટકારી હતી ઃ પેરોલ પર છુટેલા ખલનાયકનો ખેલ ખતમ થઈ ગયો... !!
ગાંધીનગર જીલ્લાના પોલીસ મથકની હદના વાવોલ ગામની સીમના વગડામાં દશ વર્ષ પહેલા એક અંધારી રાત્રે બે યુવકોને ઈન્ડીકા કારમાં જ ધારદાર છરીના ઉપરાછાપરી ઘા ભોંકીને તેમની હસ્તી મિટાવી દીધા બાદ કાર ઉપર પેટ્રોલ છાંટીને તેને સળગાવી મૂકીને હત્યારા ફરાર થઈ ગયાના ચકચારભર્યા બનાવમાં પોલીસે પ્રાથમિક વિગતો એકત્રિત કરીને ગૂનાનો પર્દાફાશ કર્યાની કથા ગત અંકમાં રજુ થઈ ગઈ હતી. હવે નાસી છુટેલા હત્યારાને ઝડપી લેવાની જહેમતભરી કામગીરી તપાસ અધિકારી એ.બી. વાટલીયાએ કેવી રીતે શરૂ કરી અને આખરે એક શહેરમાંથી બીજા શહેરમાં ભટકી રહેલા હત્યારાને કેવા સંજોગોમાં ઝડપી લેવામાં આવ્યા તેની આગળની કહાણી અત્રે પ્રસ્તુત કરી છે.
અત્યંત ઘાતકી રીતે સલીમને પતાવી દીધા પછી હત્યારાઓએ કારના ચાલક ભરવાડ યુવકને પૂરઝડપે આગળ દોડાવવા હુકમ કર્યો હતો. પોતાના જ મિત્રની લાશ લોહીના ખાબોચીયામાં કારમાં નડી હતી. આવી કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે ચાલક થરથર કાંપી રહ્યો હતો. આમ છતાં ખૂની ટોળકીના હુકમને ઠુકરાવી દેતાં કદાચ તેના માથા ઉપર મોત તોળાઈ રહ્યું હોવાનો તેને ખ્યાલ આવી ગયો હતો. કાવતરાના મુખ્ય સૂત્રધાર જશુ પટેલના દિમાગમાં અચાનક ઝબકારો થયો હતો. કારચાલક ભરવાડ યુવકને જો જીવતો જ જવા દેવામાં આવે તો કદાચ ભવિષ્યમાં તેમના ભયાનક કારનામાને તે જાહેર કર્યા વિના નહીં રહે તેવી ભીતી વચ્ચે ઘેરાઈને ભરવાડ યુવકને પણ પતાવી દેવાનો પ્લાન ઘટી કાઢ્‌યો હતો. આ પછી પૂરઝડપે દોડી રહેલી કારમાં જ કારના ચાલક ભરવાડ યુવકનો ખેલ ખતમ કરી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યારા પૈકીનો એક સખ્શ ડ્રાઈવીંગ સીટ ઉપર ગોઠવાઈ ગયો હતો. બન્ને મિત્રોની લાશોને સાથે લઈને કારને આગળ દોડાવી મૂકી હતી.
આ દરમ્યાન ખૂની ત્રિપૂટીએ બન્ને લાશને કેવી રીતે ઠેકાણે પાડી દેવી તેનો પ્લાન પણ ઘડી કાઢ્‌યો હતો. રસ્તામાં પેટ્રોલ પમ્પ ઉપરથી પેટ્રોલનો કેરબો ભરાવી લીધો હતો. આ પછી માર્ગમાં આવતા એક મંદિર પાસે કાર થોભાવી હતી. કારમાંથી ઉતરીને એક હત્યારો મંદિરના બાવાજી પાસે ગયો હતો અને સિગારેટ પેટાવવાના બહાના હેઠળ તેમની પાસેથી દિવાસળીની પેટી મેળવી હતી. આ પછી ખૂની ટોળકીએ બન્ને યુવકની લાશ સાથે તેમની સફર આગળ શરૂ કરી હતી. પરંતુ રાયસણ ગામ નજીક પહોંચ્યા ત્યારે જ ટાયરમાં પંકચર પડતાં કાર ત્યાં જ ખોટકાઈ પડી હતી. હવે શું કરીશું ? તેવા પ્રશ્ન સાથે હત્યારા પૈકીના એક નિખિલ ઉર્ફે નિશ્ચલે ત્વરિત રસ્તો શોધી કાઢ્‌યો હતો. નિશ્ચલે તેના ભાઈનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક સાધીને સ્પેર વ્હીલ લઈને રાયસણ ગામની સીમમાં આવી જવા સૂચના આપી હતી. આથી નિશ્ચલનો ભાઈ તેની ઈન્ડીકા કાર હંકારીને આવી પહોંચ્યો હતો. જ્યાં હત્યારાઓએ પંકચર પડેલું ટાયર બદલીને તેના સ્થાને નિશ્ચલનો ભાઈ જે સ્પેર વ્હીલ લાવ્યો હતો તે ચડાવી દીઘું હતું. આ સાથે જ ઈન્ડીકા કારમાંથી કાઢી નાંખવામાં આવેલ ટાયરને પંકચર કરવા માટે રસ્તાની બાજુ ઉપરના પંકચરવાળાને સોંપી દીઘું હતું.
આમ માર્ગ સાફ થઈ જતાં ત્રિપુટી ઈન્ડીકા કારમાં બન્ને લાશોની સાથે લઈને આગળ વધી હતી. રસ્તામાં એક સ્થળે આ ટોળકીએ દારૂની મહેફિલ માણી હતી. ચિક્કાર દારૂ ઢીંચીને ‘ઢેં’ થઈ ગયેલી હાલતમાં આ ટોળકી કાર હંકારીને વાવોલ ગામની સીમના વગડામાં પહોંચી ત્યારે મોડી રાત્રીના ત્રણેક વાગી ચૂક્યા હતા. નશામાં મદમસ્ત બનેલી ખૂની ટોળકીએ કાર થોભાવીને તેના હુડ ઉપર ચડી જઈને કામ પતી ગયાના ઉન્માદમાં ડીસ્કો ડાન્સ કર્યો હતો. ત્યારબાદ કાર ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી મૂકી હતી. આ પછી નિશ્ચલના ભાઈની ઈન્ડીકા કારમાં ગોઠવાઈને ત્રણેય ખૂની નાસી છુટ્યા હતા.
સનસનાટીભર્યા ‘ડબલ મર્ડર’ના આ ગૂનાનો ભેદ ઉકેલવા કવાયત કરી રહેલા એ.બી. વાટલીયાને પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત માહિતી જાણવા મળી હતી. આ પછી નાસી છૂટેલા હત્યારાની ભાળ મેળવવા પોલીસે મોબાઈલ ફોનના આધારે ટ્રેક પકડવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત શહેરનું લોકેશન પકડાયું હતું. આથી ગાંધીનગર જીલ્લાના તત્કાલીન જીલ્લા પોલીસ અધિક્ષક સંજય શ્રીવાસ્તવે પેથાપુર પોલીસ મથકના અધિકારી સાથે એક ટીમને સુરત રવાના કરી હતી.
સુરત શહેરમાં પહોંચ્યા બાદ પેથાપુર પોલીસની ટીમે સ્થાનિક ગૂના શોધક શાખાની મદદથી તમામ હોટલો તથા ગેસ્ટ હાઉસોનું ઝીણવટપૂર્વક ચેકીંગ કર્યું હતું પરંતુ હત્યારાના સંબંધમાં કોઈ જ ફળદાયક કડી પ્રાપ્ત થઈ ન હતી. સુરત શહેરમાં સઘન તપાસ ચલાવી રહેલી પોલીસ ટીમ પણ દિવસો વીતવા લાગ્યા ત્યારે હતાશા અનુભવી રહી હતી. આખરે ગાંધીનગર પાછા ફરવાનો વિચાર કર્યો હતો. આ વખતે જ પેથાપુર પોલીસને એક આશ્ચર્યજનક માહિતી મળી હતી. રેલ્વે સ્ટેશન નજીકના પાર્કંિગ સ્ટેન્ડમાં કેટલાક દિવસોથી એક ઈન્ડીકા કાર પડી હતી જેને લેવા કોઈ માલિક આવ્યો નથી. બસ આ માહિતી મળતાં જ પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને ઈન્ડીકા કારના ટાયરોમાંથી હવા કાઢી નાંખીને ત્યાં ખાનગી પોશાકમાં પોલીસ ગોઠવી દીધી હતી. બીજા ચારેક દિવસ વીતી ગયા ત્યારે એક યુવક પાર્કંિગ સ્ટેન્ડમાં કાર લેવા આવ્યો હતો. કારના ચારેય વ્હીલની હવા કાઢી નાંખવામાં આવેલી જોઈને તે મુંઝાઈ ગયો હતો. બસ આ સાથે જ ત્યાં ‘વોચ’માં રહેલી પોલીસે આ યુવકને ઝડપી લીધો હતો. પોલીસ મથકે લાવીને તેની સખ્તાઈપૂર્વક પુછપરછ શરૂ કરી ત્યારે ખૂની ટોળકીના એક સાગરિત નિશ્ચલનો તે સગો ભાઈ હોવાની વિગતો જાણવા મળી હતી.
આ પછી વાવોલ ગામની સીમમાં ઈન્ડીકા કારને બન્ને યુવકોની લાશ સાથે કેવી રીતે સળગાવી મુકવામાં આવી હતી તેની કડીબદ્ધ વિગતો પેથાપુર પોલીસ ટીમને જાણવા મળી હતી. ખૂની ટોળકી નિશ્ચલના ભાઈની જ કારમાં ગોઠવાઈને સુરત તરફ તે જ રાત્રે રવાના થઈ ગઈ હતી. માર્ગમાં નર્મદા નદીનો પૂલ પસાર કરતાં ખૂનીઓએ લોહીથી ખરડાયેલા હથિયાર નદીમાં પધરાવી દીધા હતા. સુરત શહેરમાં બે-ત્રણ દિવસના રોકાણ બાદ આ ત્રિપુટી મહાનગર મુંબઈ તરફ નાસી છૂટી હતી. ત્યારબાદ મોબાઈલ સંપર્કો પણ બંધ થઈ ગયા હતા. જોકે મુંબઈ શહેરમાં પહોંચી ગયેલી આ ત્રિપુટીએ ગાંધીનગરની એક વ્યક્તિનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક સાધીને પૈસા મંગાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમ પોલીસ ટીમને નવો મોબાઈલ ફોન નંબર મળી આવતા તેના આધારે આરોપીને ઝડપવાની કાર્યવાહી જારી રાખી હતી. જોકે નવો મોબાઈલ ફોન નંબર સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હોવાથી પોલીસ પણ નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી.
સુરત શહેરમાં પહોંચી ગયેલી પોલીસ ટીમને દશ દિવસ વીતી ગયા ત્યારે તે પણ કોઈક અંશે નિરાશ બની ગઈ હતી. આ વખતે ગાંધીનગરના જીલ્લા પોલીસ વડા આર.બી. બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધીને પોલીસ ટીમે ગાંધીનગર પાછા ફરવા સંમ્મતિ માંગી હતી. વરિષ્ઠ અધિકારીએ પણ ટીમને ગાંધીનગર પાછા ફરવા સૂચન કર્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે પેથાપુર પાછા ફરવા તૈયારી શરૂ કરી દીધી હતી. આ વખતે જ કોણ જાણે કોઈ અજ્ઞાત સંકેતથી પ્રેરાઈને ઈન્સ્પેક્ટર એ.બી. વાટલીયાએ તેમને મળેલ નવો ટેલિફોન નંબર જોડ્યો ત્યારે નવસારી શહેરનું લોકેશન જાણવા મળ્યું હતું. સુરતથી નવસારી શહેર દૂર નહીં હોવાથી પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી લેવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ પેથાપુર પોલીસ મથકની ટીમ નવસારી શહેરમાં પહોંચી ગઈ હતી. જ્યાં સ્થાનિક ગૂના શોધક શાખાની સહાયથી ખૂની ટોળકીને ઝડપી લેવામાં સફળતા સાંપડી હતી. બે યુવકોની ઘાતકી હત્યા કરી નાંખ્યા પછી તેમની લાશને ઈન્ડીકા કારમાં જ સળગાવી મુકવાના આ હિચકારા ગૂનાના અનુસંધાનમાં પોલીસે (૧) મુખ્ય ખલનાયક જશુ પટેલ તથા (૨) આર.ટી.ઓ. કચેરીનું કામકાજ પતાવવાનું કામ કરતા કનુ પટેલ અને (૩) નિખિલ ઉર્ફે નિશ્ચલની ધરપકડ કરીને ત્રણેયને સાથે લઈને પોલીસ ગાંધીનગર પાછી ફરી હતી.
આ પછી પોલીસ ટીમે સમગ્ર કાવતરાની કડીબદ્ધ વિગતો તથા સાંયોગિક પૂરાવા એકત્રિત કરીને ગાંધીનગરની જીલ્લા સેશન્સ અદાલતમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજુ કર્યું હતું. અદાલતમાં આ કેસ પૂરવાર કરવામાં ક્યાંય કોઈ ચૂક કે કસર બાકી ના રહી જાય તે માટે રાજ્ય સરકારે એડવોકેટ શ્રી લાભુભાઈ એચ. પટેલની ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્તિ કરી હતી. કેસનો કાર્યભાર સંભાળી લીધા પછી સ્પેશીયલ પ્રોસીક્યુટર એલ.એચ. પટેલે તમામ સાંયોગિક પૂરાવાને એકસૂત્રતામાં જોડવાની કાર્યવાહી કરવા સાથે જ સાક્ષીઓને પણ જુબાની માટે સજ્જ કર્યા હતા. જેમાંયે આ ગૂનાની તપાસ કરનાર અધિકારી એ.બી. વાટલીયાના હાથમાં લગભગ બે ડઝન કાગળોમાં કેવી રીતે જુબાની આપવી તેની વિસ્તૃત નોંધ પકડાવી દઈને તેમને બચાવ પક્ષના વકીલની ઉલટતપાસ માટે સજ્જ કરી દીધા હતા.
ગાંધીનગર જીલ્લાની સેશન્સ અદાલત સમક્ષ આ સનસનાટીભર્યા કેસની સુનાવણીની કાર્યવાહી શરૂ થઈ ત્યારે દરરોજ કોર્ટરૂમમાં શ્રોતાઓની ભીડ જામતી રહી હતી. કેસની કાર્યવાહી દરમ્યાન ત્રણ-ત્રણ ન્યાયાધીશ પણ બદલાઈ ગયા હતા. છેલ્લે ન્યાયાધીશ સમક્ષ કેસના સમાપનનો કાર્યભાર આવ્યો હતો. તેઓએ ફરિયાદ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલા સાક્ષીઓની સરતપાસ તથા ઉલટ તપાસની જુબાનીનું ઝીણવટભર્યું અવલોકન તેમજ સાંયોગિક પૂરાવાનું વિશદ વિશ્વ્લેષણ કરીને આખરી ચુકાદો આપ્યો હતો. જેમાં હત્યાના કાવતરાના ત્રણેય ગૂનેગારને જન્મટીપની સજા ફરમાવી હતી. જેમાં (૧) ખલનાયક જશુ પટેલ, (૨) કનુ પટેલ અને (૩) નિખિલ ઉર્ફે નિશ્ચલનો સમાવેશ થતો હતો.
સુરત શહેર પોલીસના પાંડેસરા પોલીસ મથકમાં હાલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ એ.બી. વાટલીયાએ ‘‘જેવી કરણી, તેવી ભરણી!’’ કહેવત આ ઘટનામાં યથાર્થ બની ગઈ હોવાનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે - સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છુટીને બહાર આવ્યા પછી જશુ પટેલ ફરાર થઈ ગયો હતો. પોલીસની પકડથી બચવા તે દરબદર ભાગતો રહ્યો હતો. એક દિવસે તેના જ દુશ્મનોએ તેને મોતને ઘાટ ઉતારી નાંખીને હિસાબ ચૂકતે કરી લીધો હતો.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved