Last Update : 11-April-2012, Wednesday
 

આમ જ થતું હોય છે !

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

કેમ આવું થતું હશે? જાણે કે બઘું દૂર ને દૂર થતું જતું હોય, જાણે કે હું જ મારાથી છૂટતો જતો હોઉં, જાણે કે મારા જ બે અંશો વચ્ચે એક પ્રલંબ પટ પથરાઈને પડ્યો હોય, મારી જ નિદ્રા અને નિદ્રામાં આવતાં સ્વપ્નો વચ્ચે એક દુર્દમ ખીણ રચાતી જતી હોય! કહો કેમ? કેમ પેલાં પ્રિયજનોનાં દ્વાર પણ ભીડાઈ જતાં અનુભવું છું ? કેમ પેલાં અવિસ્મણીય દ્રશ્યો હવે વિસ્મરણના ગર્તમાં ધકેલાતાં જાય છે? કેમ પેલાં મૃદુ-મઘુર વચનો કાનમાં અત્યાર સુધી ગુંજ્યા કરતાં હતાં તે હવે એનો જાદુ ગુમાવતાં જતાં હોય તેમ લાગે છે? સંબંધોની બારાખડી કેમ આમ જ ઊંધીચત્તી થઈ જતી જોવાય છે? હું શું નિર્લિપ્ત થતો જાઉં છું? કે પછી મારી આધિપત્યભાવનાની પ્રબળતા વધતી જાય છે? અથવા એવું પણ હોય હું કશાને જતું કરવા, તૈયાર નથી, મારાથી કશું દૂર સરી જાય તે મને પસંદ નથી. હા, કદાચ એ વધારે સાચું છે. આપણામાં છેક મૂળિયાં નાખીને પડેલી ઘટનાઓને આપણે કેવી રીતે અલગ કરી શકીએ? ચામડી ઊતરડી આપવા જેવી એ બધી બાબતો છે. આજે આ, તે, પેલું તેવું બેસુમાર મનમાં ઊમટી આવે છે. સમજું છું કે અહીં સમય સિવાય કશું શાશ્વત નથી. આપણે જે કંઈ માળાઓ રચીએ છીએ, જે પીંછાઓ લઈને ફરીએ છીએ તે આપણા પૂરતું કદાચ સત્ય હશે પણ આપણા લુપ્ત થવા સાથે એવું જગત પણ સંકેલાઈ જાય છે. છતાં દરેક શ્વાસ એક નવી સ્પૃહા લઈને કેમ હાજર થઈ જતો હશે? એ શ્વાસ જ કદાચ આપણી શોધ છે તો આપણો શોક પણ છે. એ સાન્નિઘ્ય ઊભું કરી આપે છે તો દૂરતાનો પંથ પણ તે જ વિસ્તારે છે.
મારાથી મારા વચ્ચે જે એક ગેપ રચાતી આવે છે એમાં હું કેટકેટલાં દ્રશ્યોને જોઉં છું ! કેટકેટલી ઘટનાઓ પાછળ છુટતી જાય છે! મારાથી મારા વચ્ચે જાણે કે જળ હિલ્લોળા ભરી રહ્યું છે. એક નાવ તેમાં તરી રહી છે. નાવ ક્યાં અટકશે તેની ખબર નથી પણ નાવ તેના સઘળા વૈભવ સાથે આ છેડેથી સામે છેડે સરી રહી છે. કશા લેખાંજોખાં વિનાનું, તેનું તરણ હું ત્રીજી વ્યક્તિની જેમ નિહાળી રહ્યો છું.
ઓ... પેલું ઘર દૂર સરી રહ્યું છે. મારું ઘર! પણ હવે એ ઘર મારું છે ખરું ? એના કોઈ એક ખૂણે હું મસ્તક મૂકીને છુટ્ટા મુખે રડી શકું તેમ છું? હું હારી-થાકીને એની પાસે હક્કપૂર્વક આવીને એની બધી તાજગી ચોરી લેતો હતો એવું હવે કદાપિ બનનાર છે? એ ઘરમાં જ મૃત્યુના કેટલા ને કેવા કેવા ચહેરા મને રંજાડી ગયા છે! કેવી કેવી સંવેદનાઓ સાથે તેમની સાથે જોડાયેલો રહ્યો છું ! એ સર્વ સાથેના મારા અનુસંધાનને આજે ક્યાં વળ આપી શકું તેમ છું ? ગયું, સઘળું દૂર દૂર ગયું, સર્યું. પેલી મારી અને મારી વચ્ચેની નદી સતત વહેતી રહી છે. નિસ્પૃહ અને નિર્મમ ભાવે... હું ફંફોસ્યા કરું છું. માતાએ ઉચ્ચારેલા, પિતાએ ઉદ્‌ગારેલા શબ્દોને બહેને કરેલા મારી સાથેના વાર્તાલાપને. ફલિયા આખાની મિજલસના શબ્દોને, રસ્તે જતા-આવતાં સ્નેહીજનોના સ્મિતને, તેમના ભાવસભર વાક્યોને... હા, બઘું દૂર, દૂર સરી રહ્યું છે... પેલા શાશ્વત પ્રવાહમાં કદાચ એ એકાકાર થઈ જશે...
સખી, સ્મરણોને મરણ હોતું નથી. એ જ તો સ્મરણની ખરી મજા છે. આપણે આ કર્યું કે તે કર્યું, આપણે અહીં બેઠા કે ત્યાં બેઠા, આપણે સમયને અહીં દોડાવ્યો કે પણે થંભાવી દીધો, આપણે આપણને ભૂંસી નાખીને રચેલી કથાઓ તો અનંત છે, કદાચ નરી અનન્ય પણ. મારાથી મારા વચ્ચે હિલ્લોળા જલમાં તેની સર્વ લીલાઓને હું પ્રત્યક્ષ કરી રહ્યો છું. એક પછી એક દ્રશ્યો આવે છે, જાય છે. દરેક દ્રશ્યને ઈશ્વર એના સ્મિતથી સજી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહે છે. પછી અજસ્ર વહેતી નદીમાં એ બઘું આગે... આગે... ચાલ્યું જાય છે. વાડા પાછળ ચકલીઓનો કલશોર, ક્યાંક આંબલીની ઘટામાં ભરાયેલા અજાણ્યા પંખીનું ગાન, ભારદ્વાજની લાક્ષણિક અટકી અટકીને બોલવાની અદા... આ કે એવું પણ ઘણું એમાં ખેંચાતું આવે છે. હજી ઘર પાછળના મેદાનમાં બાળકોની શનિવારની ડ્રિલ ચાલુ છે. હમણાં શાળામાં બીજો ઘંટ થશે, ડ્રિલ બંધ થતાં પાછો બીજો શોર, મોટેથી આ પાઠ કે તે પાઠનું પઠન કે આંકને મોટેથી ગોખવાની એકધારી બાળલગની... આ કે એવું તેવું પણ... અને તેની પડખે જ શિવમંદિરમાં થતો ઘંટનાદ, આરતી, ઘંટનાદના છેલ્લા વિરમી રહેલા ટકોરા અથવા તો પાદરમાં રાતભર પડી રહેલી એસ.ટી. બસની સ્ટાર્ટ કરી રહેલો ડ્રાઈવર, કંડક્ટરની ‘ચાલો, ચાલો’ની બૂમો... કેટકેટલું દડી આવે છે! અને પછી ગામડું તરોતાજ થઈ જાય. ઘર ઉપરતળે થઈ જાય. ચૂલો ટટ્ટાર બની જાય. દાળ-શાકના વઘારથી બઘું મઘમઘી ઊઠે, દફતરોની ખોળાખોળ અને દોડાદોડ... શનિ-સોમ બઘું એકાકાર!
આરંભ અને અંત વિનાની નદીનો પ્રવાહ ચાલુ જ છે. કદાચ અસ્તિત્વ, રહસ્યમય અસ્તિત્વ એમ જ ગૂંચાતું જતું હશે, ગૂંથાતું જતું હશે કે ઉકેલાતું પણ જતું હશે! આ પ્રવાહને ક્યારેક કોઈક ‘સ્થિર’ રૂપે પણ જોઈ શકે, તો કોઈ ‘ગતિ’ રૂપે પણ નિહાળી શકે પણ પ્રવાહ તો ત્યાં છે જ.
આ ગામ બહાર, ઘર બહાર, ચાલી જતા રસ્તા, રસ્તાની બાજુનાં ખેતરો, ચાડિયાઓ, લહેરાતો મોલ, હાકંડુના ડચકારા, ગાડાવાટ ન છોડતા બળદો, દૂર સ્મશાન, એના ઉપરના ભાગે આવેલું જૂનું જેવું મંદિર અને પાછી ત્યાંય પેલી નદી... સતત વહેતી નદી. કદાચ આપણી, સમયની, પણ આ દૂર જવાની, છૂટી જવાની પ્રકૃતિ હોય. કદાચ સ્મરણ-વિસ્મરણ બઘું કોઈ એક તબક્કે અભેદ ધારણ કરી લેતું હોવું જોઈએ. મારી અને મારી વચ્ચેની ક્રૂરતાને હું પુનઃ એકવાર નિહાળવા મથું છું. થાય છે કે આ તો લીલા છે. વિસ્તરો, આધિપત્ય ભોગવો, પછી છૂટી જવા દો. નિર્ભાર થઈ રહો. નદીને વહેવા દો- યથેચ્છ રીતે, જાતને વહેવા દો, ઈશ્વરને પણ! આમ જ થતું હોય છે!

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved