Last Update : 11-April-2012, Wednesday
 

કુદરતને એક તક તો આપી જુઓ, પ્લીઝ !

પ્રાઈમ ટાઈમ

સહેજ ભીની સડક પર સ્કૂટર સ્લીપ થઇ જતાં રાજેશને એક્સિડંટ નડ્યો. એના પગનું એક હાડકું ભાંગી ગયું. ઓર્થોપેડિક સર્જ્યને પ્લાસ્ટર મારી આપ્યું અને છ સપ્તાહ આરામ કરવાની સલાહ આપી. બહુ પેઇન થાય તો પેઇન કીલર લેવી એવી સલાહ આપી. બસ. આરામ કરો. બીજી બાજુ ૮૨ વરસના પશાભાઇ (સાચું નામ પરષોત્તમભાઇ) છેલ્લાં કેટલાંય વરસોથી ફેમિલિ ડૉક્ટરના દવાખાનાનંુ પગથિયંુ સુદ્ધાંચડ્યા નથી. કૈંક થાય ત્યારે એકાદ દિવસનો નકોરડો ઉપવાસ ખેંચી નાખે છે. બસ પત્યું. નો મેડિસિન. થોડીક નવાઇ લાગે એવી વાત છે. પરંતુ મેડિકલ કેસિસનો રેકોર્ડ તપાસો તો કેટલાક ૮૦-૯૦ વરસ જીવનારા લોકો દેહદાન કરે ત્યારે મેડિકલ સ્ટુડન્ટ્‌સને ખ્યાલ આવે છે કે બીજી બધી રીતે તંદુરસ્ત લાગતા આ વડીલોેના શરીરમાં અમુક અંગો ખોટકાયેલાં હતાં. છતાં મોજથી જીવી ગયા.
થોડા વરસ પહેલાં અવસાન પામેલા પારસી બાવા ડૉક્ટર મહેરવાન ભમગરાનો કિસ્સો જાણીતો છે. ડૉક્ટરોએ એમને કહી દીધેલું કે તમને ગંભીર તબક્કાનું કેન્સર છે. તમે થોડાક મહિનાથી વઘુ નહીં જીવો. ભમગરા આરામથી ૮૧-૮૨ વરસ સુધી જીવ્યા. આમ થવાનું કારણ શું ? કુદરતની મહેરબાની. એલોપથીના વિજ્ઞાનને વઘુમાં વઘુ સાડા ત્રણસો વરસ થયેલાં ગણીએ તો એ પહેલાં શું લોકો બીમાર નહોતા પડતાં કે પછી બીજી કોઇ ચમત્કારી સારવાર પદ્ધતિ હતી ? ડૉક્ટર ભમગરા સરસ રીતે આ વાત સમજાવતા. એ કહેતાં કે કોઇ પણ સારવાર પદ્ધતિ બીમારીને દૂર કરતી નથી. એ માત્ર તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકાર શક્તિ)ને સુદ્રઢ કરે છે. બાકીનું કામ તો કુદરત કરે છે. હાડકું ભાંગે અને ઓર્થોપેડિક સર્જ્યન કે હાડવૈદ છ સપ્તાહ આરામ કરવાનું કહીને પ્લાસ્ટર મારી આપે ત્યારે પ્લાસ્ટર એટલા માટે હોય છે કે ભાંગેલા અવયવ સાથે પેશન્ટ ખોટું હલનચલન ન કર્યા કરે. હાડકું સાંધવાનું કામ તો કુદરત જ કરે છે. સમગ્ર હિલીંગ સિસ્ટમ તો શરીરની અંદર જ છે.
કદાચ એટલે જ રાષ્ટ્રપિતા ગાંધીજી જેવા પણ કુદરતી સારવારનું સમર્થન કરતા. ઉપવાસ કે લાંઘણ એ શ્રેષ્ઠ સારવાર છે. કોઇ પણ દવા વિના માણસ સાજોસારો રહે છે. પરંતુ આપણે તો વ્રત-ઉત્સવ પ્રસંગે કરાતા ઉપવાસમાંય ‘ફરાળી વાનગી’ના નામે ટેસ્ટી મસાલેદાર ચીજો આરોગીએ છીએ અને પાછા કહીએ છીએ કે ઉપવાસ છે. ઉપવાસનો સરળ અર્થ છે વાયુ-ભક્ષણ. ફક્ત હવા લેવાની, જે આપણા હાથમાં નથી. શ્વાસ તો બાળક જન્મે ત્યારથી આપોઆપ ચાલ્યા કરે છે. શ્વાસની સંખ્યા ઘટાડીને કે એના પર ઘ્યાન (મેડિટેશન) દ્વારા નિયંત્રણ મેળવીને આવરદા વધારવાના પ્રયાસો યોગી પુરુષો કરતાં હોય છે. વિષયાંતર અટકાવીને આપણે મૂળ વાત પર પાછાં ફરીએ. એલોપથી, યુનાની સારવાર, આયુર્વેદ, હોમિયોપથી વગેરે કોઇ પણ સારવાર પદ્ધતિ સંપૂર્ણ હોવાનો દાવો કરી શકે એમ નથી. માત્ર કુદરતી રીતે જીવન જીવવાની શૈલી જ તમને સદાય તંદુરસ્ત રાખી શકે.
આજકાલ જે કેટલીક બીમારીઓ ઘર ઘરમાં જોવા મળે છે એનું કારણ આપણી બદલાયેલી રહેણીકરણી છે. પાછળ વાઘ પડ્યો હોય એમ બધાંય ભાગંભાગ કરે છે. ખાસ કરીને મોટાં શહેરોમાં તમે જુઓ તો કોઇને ફુરસદ નથી. ગળાંકાપ સ્પર્ધા અને વૈભવશાળી જીવન જીવવાની અપેક્ષા હાઇપર ટેન્શન, સ્ટ્રેસ, બ્લડ પ્રેસર અને બીજી બીમારીને નોતરું દે છે. આટલું ઓછું હોય તેમ લૂસ લૂસ ખાવાની ટેવ. ખાવાનુંય પાછું જંક ફૂડ. ખાવાનો કોઇ નિશ્ચિત સમય નહીં. અમારા એક પેરા-મેડિકો ફ્રેન્ડ કહે છે- હું બપોરના એકથી ચાર વાગ્યાની વચ્ચે ગમે ત્યારે જમવા આવું છું. લો, કરો વાત. ન ભોજનનો સમય નિશ્ચિત, ન ઊંઘ-આરામનો સમય નિશ્ચિત. પછી સાજા-સારા રહેવું શી રીતે ? વ્યાયામનું નામ નહીં. બાકી આજેય મુંબઇમાં કેટલાક લોકો બારેમાસ બે પૈંડાંની સાઇકલ પર ૨૫થી ૩૦ કિલોમીટર દૂર નોકરી-ધંધે જાય છે. વરસોથી આ જ નિયમ છે. બસ-ટ્રેન-ટેક્સી-રિક્શાનું નામ નહીં. એમાંના કેટલાક લોકો તો પોતાની સાઇકલ પોતે રિપેર કરતાં શીખી ગયા છે. રજાના દિવસે સાઇકલને સાફ કરીને ઓઇલ લગાડીને ફરી તાજી કરી દે.
એક વાત સમજી લેવાની છે. ગમે તે ખાઓ, ગમે ત્યારે ખાઓ. પરંતુ સંયમ જરૂરી છે. ભાવતી વાનગી પણ દબાવીને ખાઓ તો બીમારી દોડતી આવીજ સમજો. વડીલો કહેતા, થોડું થોડું દિવસમાં પાંચ વાર ખાઓ. અહીં મહત્ત્વના શબ્દો ‘થોડું થોડું’ છે. અકરાંતિયાની પેઠે કે દુકાળમાંથી આવ્યાની પેઠે ખાઘું કે પીઘું એટલે માંદગી આવી જ સમજો. સાજા સારા રહેવા માટે થો..ડો..ક સંયમ જરૂરી છે. તો આપણે બધાં ભાવનગરી પશાભાઇની જેમ બારેમાસ સાજા રહી શકીએ.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved